સુપ્રસિધ્ધ યાત્રાધામ વિરપુરમાં ગુરૂવારે સંત શિરોમણી પૂ. જલારામબાપાની 222મી જન્મજયંતિ ધામધૂમતી ઉજવાશે. કોરોના મહામારી હળવી થતા વિરપુરવાસીઓમાં પૂ. બાપાની જન્મજયંતિ ઉજવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉજવણીની તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ઘરોઘર તોરણો બાંધી રંગોળીના સુશોભનો કરાયા છે. બજારો ધજાપતાકા રોશનીના શણગારથી દીપી ઉઠી છે. તો જલારામ મંદિર પણ રોશનીથી ઝળહળી ઉઠયું છે. આવો જાણીએ જલારામની કથા
જાણો બાપા જલારામ વિશે
રાજકોટથી લગભગ 52 કિ.મી દૂર આવેલું વીરપુર આમ તો નાનકડું ગામ જેવું ગામ છે પરંતુ તે આખી દુનિયામાં પ્રખ્યાત છે. વીરપુરની ખ્યાતિનું કારણ છે તેમાં આવેલું સુપ્રસિદ્ધ જલારામ મંદિર. દર વર્ષે લાખો ભક્તો અહીં જલારામ બાપાના દર્શન કરવા આવે છે. જલારામ બાપાના મંદિર અને જલારામ બાપાના જીવન વિષેની એવી કેટલીક વાતો છે જે તેમના ભક્તોને પણ ખ્યાલ નહિ હોય.હવે એક મેસેજ મોકલી
શ્રીરામના ભક્ત હતા જલારામ બાપાઃ
જલારામ બાપાનો જન્મ 4 નવેમ્બર 1856ના રોજ વીરપુરમાં જ દિવાળીના એક અઠવાડિયા બાદ થયો હતો. જલાલરામ બાપા પોતે ભગવાન શ્રીરામના પરમ ભક્ત હતા અને તેમણે પોતાનું આખું જીવન લોકોની સેવામાં વીતાવી દીધું હતું. તેમનો જન્મ લોહાણા કુળમાં થયો હતો અને તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ ઠક્કર હતું. જલારામ બાપાને પહેલીથી જ સંસારી જીવન જીવવામાં રસ નહતો. નાનપણથી ભગવાન રામની ભક્તિ કરતા જલારામ બાપા યાત્રાળુઓ, સાધુ અને સંતોની સેવામાં વ્યસ્ત રહેતા. તેમણે પોતાની જાતને પિતાના ધંધાથી અળગી કરી દેતા તેમના કાકા વાલજીભાઈએ જલારામ બાપા અને તેમની પત્ની વીરબાઈને તેમના ઘરમાં રહેવા સ્થાન આપ્યું હતું.
નાનપણથી જ સંસારમાં આસક્તિ ઓછી હતીઃ
જલારામ બાપાના લગ્ન 16 જ વર્ષની વયે વીરબાઈ સાથે થઈ ગયા હતા. 18 વર્ષની ઉંમરે હિન્દુઓના પવિત્ર યાત્રા સ્થળોની મુલાકાત લીધા બાદ બાપા ભોજા ભગતના શિષ્ય બની ગયા હતા. ભગતે બાપાને શિષ્ય તરીકે સ્વીકાર્યા અને તેમને ગુરુ મંત્ર અને જાપ માળા પણ આપ્યા. ગુરુના આશીર્વાદથી બાપાએ સદાવ્રત કેન્દ્ર શરૂ કર્યું જ્યાં કોઈપણ સાધુ, સંત અને જરૂરિયાતમંદ કોઈપણ સમયે આવીને ભોજન ગ્રહણ કરી શકતા હતા. આજે પણ વીરપુરના જલારામ મંદિરે શ્રદ્ધાળુઓને સાવ મફતમાં ભોજન કરાવવાની પરંપરા ચાલુ રાખવામાં આવી છે.
આ કારણે ક્યારેય નથી ખૂટતુ અનાજઃ
એક દિવસ જલારામ બાપાને એક સાધુએ રામજીની પ્રતિમા આપી અને કહ્યું કે હનુમાનજી થોડા દિવસમાં તેમની મુલાકાત લેશે. જલારામ બાપાએ રામજીની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરી અને થોડા જ દિવસમાં જમીનમાંથી હનુમાનજી પ્રગટ થયા. તેમની સાથે સીતામાતા અને લક્ષ્મણની મૂર્તિ પણ પ્રગટ થઈ. એવું મનાય છે કે જલારામ બાપાના ઘરે અનાજ મૂકવાના સ્થાન પર થટેલા આ ચમત્કારને કારણે આ અનાજ ક્યારેય પૂરા જ નથી થતા. તે અક્ષયપાત્ર બની ગયું છે. આ ચમત્કાર પછી ગામના બીજા અનેક લોકો જલારામ બાપા સાથે લોકોની સેવાના કામમાં જોડાયા.
જલારામ બાપાની બાધા કરવાની વિધિ
કારતક સુદ સાતમ જલારામ બાપાનો જન્મ દિવસ છે. એ દિવસે જલારામ બાપાની વિધિ પૂર્વક પૂજા કરી એક નારિયર પર કંકુ વડે રામનામ લખી એ નારિયેર બાપાની છબિ પાસે મૂકવું. બાપાને કંકુના ચાલ્લા કરવા, ફૂલહાર પહેરાવવો, ઘીનો દીવો અને અગરબત્તી કરી બાપાની હૃદયની અનંત શ્રધ્ધાથી પૂજા કરવી. બીજી વર્ષે બાપાની એજ રીતે પૂજા કરવી અને નવુ નારિયેર મૂકવુ. જુના નારિયેરનો પ્રસાદ લેવો અને બાકીનો પ્રસાદ વહેંચી દેવો.
'શ્રી રામ જય રામ, જયરામ' ની એક માળા કરવી, ત્યારબાદ બીજી માળા 'સીતારમ જલારામ'ની કરવી. આ રીતે દર ગુરૂવારે બાપાની પૂજા કરવી.
દર શનિવારે તેલનો દીવો કરવો, શનિવાર કે ગુરૂવારે શક્તિ મુજબ અપંગોને દાન કરવુ.
જલારામ બાપાના નામે પાંચ ગુરૂવાર કરવા.
દર ગુરૂવારે 1 સફરજન, એક જામફળ, 1 સંતરા, 6 ચીકુ, અને 12 કેળાનો પ્રસાદ એક થાળીમાં મુકીને બાપાને ધરાવવો. બાપાની પૂજા કરી માળા કરવી અને આરતી ઉતારીને બાપાને ધરાવેલ પ્રસાદની થાળીમાં એક તુલસીનું પાન મુકી બાપાને પ્રેમથી જમાડવા. ત્યારબાદ આ પ્રસાદમાંથી ખવાય તેટલો ખાવો બાકીનો વહેંચી દેવો, આ સિવાય કંઈ પણ ખાવવું નહી.
આ ઉપરાંત દર ગુરૂવારે પાશેર સાકર અને નારિયળનો પ્રસાદ બાપાને ધરાવવો અને એનો પ્રસાદ લેવો અને બાકીનો પ્રસાદ વહેંચી દેવો.