મંગળવાર, 22 જુલાઈ 2025
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 22 જુલાઈ 2025 (10:37 IST)

મંગળા ગૌરી ની વાર્તા

મંગળા ગૌરી ની વાર્તા
 
આ વ્રત કન્યાઓ વૈવિશાળ થયા પછીના શ્રાવણ માસના ચારેય મંગળવાર કરે છે.  આ વ્રત પાંચ વર્ષ સુધી કરવામાં આવે છે. અને પછી ઉજવવામાં આવે છે. દર મંગળવારે સવારે વહેલા ઊઠી, સ્નાન કરી, વાર્તા સાંભળવી અથવા કહેવી. તે દિવસે ઉપવાસ કરવો અથવા એકટાણુ કરવું.  આ વ્રત પતિના સુખ સંપત્તિ અને આયુષ્ય માટે કરવામાં આવે છે.
 
એક ગામમાં એક બ્રાહ્મણ-બ્રાહ્મણી રહે, આ બન્ને માણ માણસો ખૂબ જ દયાળુ અને ધાર્મિક વૃત્તિવાળાં હતાં. બ્રાહ્મણનું  નામ રામપાલ અને બ્રાહ્મણીનું નામ રાજલક્ષ્મી તે બધી રીતે ખૂબ જ સુખી હતાં, પણ તેમને શેરમાટીની ખોટ હતી આથી બ્રાહ્મણ-બ્રાહ્મણી ઉદાસ રહેતાં.
 
આ બ્રાહ્મણના ઘરે સાધુ આવ્યા. બંને પતિ-પત્નીએ  આ સાધુની ખૂબ આગતા-સ્વાગતા કરી. સાધુ બ્રાહ્મણ-બ્રાહ્મણી ચહેરા પરની ઉદાસીનતાને કળી ગયા. તેઓ બોલ્યા: બાહ્યણ ! તમે બંને કેમ ઉદાસ લાગો છો ?"
બ્રાહ્મણે કહ્યુ : હે સાધુ મહાત્મા  !  ભગળવાનની દયાથી અમારી પાસે બધું જ છે, પણ એક માત્ર સંતાનની ખોટ છે. સંતાન વગર અમને બધું સુખ મોળું લાગે છે. આ જ ચિંતા અમને સતાવ્યા કરે છે. આથી માહત્મા? આ ચિંતાનો કોઈ ઉપાય હોય તો જણાવો."
સાધુ-મહાત્મા બોલ્યા : "હે બ્રાહ્મણ ! તું મંગળાગૌરીનું તપ કર.”
બ્રાહ્મણ તો બીજા જ દિવસે સાધુએ બતાવેલા શંકર-પાર્વતીના મંદિરે જઈ મંગળાગૌરી-પાર્વતીમાનું તપ કરવા લાગ્યો. તેના તપથી પ્રસન્ન થઈ માતાજી બોલ્યાં : “હે બ્રાહ્મણ ! હું તારા ઉપર પ્રસન્ન થઈ છું, માટે માંગ, માંગ, જે માંગે તે આપું.”
 
રામપાલ બોલ્યો : "માતાજી ! આપની કૃપાથી મારે કોઈ વાતની ખોટ નથી, માત્ર એક પુત્રની જ ઇચ્છા છે.”
“પણ ભાઈ ! તારા નસીબમાં સંતાનસુખ નથી.” “ગમે તેમ કરો માતાજી ! પણ જો મારી ઉપર પ્રસન્ન થયાં હો તો મને જરૂર એક સંતાન આપો.”
“સારું ભાઈ ! અહીં મંદિરના ઓટલા પાસે એક આંબો છે, તેની એક કેરી તોડી લે ! તારાથી જો ન પહોંચાય તો ગણપતિની દૂંટીમાં પગ ભરાવીને કેરી તોડી લેજે.”
ઓટલા ઉપર જ ગણપતિની મૂર્તિ હતી. રામપાલ તો ગણપતિની ઘૂંટીમાં પગ ભરાવી એક કેરી તોડી, પણ એને લોભ જાગ્યો, એટલે એણે ફરી બીજીવાર ગણપતિની દૂંટીમાં પગ ભરાવીને બીજી બે કેરીઓ તોડી. આથી ગણપતિજી ગુસ્સે થઈ ગયા. તેમણે રામપાલને શાપ
 
આપતાં કહ્યું : 'રામપાલ ! તને માતાજીએ એક કેરી તોડવાં માટે કહ્યું, પણ તેં લોભ કરી બીજી બે કેરીઓ તોડી એટલે માતાજીની કૃપાથી તને પુત્ર તો પ્રાપ્ત થશે, પણ સોળમે વરસે તે મૃત્યુ પામશે.' પછી તરત જ રામપાલના હાથમાંની બે કેરીઓ અદૃશ્ય થઈ ગઈ અને એક કેરી જ બાકી રહી.


 
રામપાલને પોતાના કાર્ય બદલ ખૂબ જ પસ્તાવો થયો પણ હવે તે શું કરે ? તે તો એક કેરી લઈ ઘેર આવ્યો અને પોતાની પત્ની-બ્રાહ્મણીને ખવડાવી. થોડા જ વખતમાં એની પત્ની સગભા બની. સમય જતાં તેણે એક સુંદર બાળકને જન્મ આપ્યો.
બ્રાહ્મણ-બ્રાહ્મણી તો બાળકને જોઈ ખૂબ જ રાજી-રાજી થઈ ગયાં. પણ બ્રાહ્મણને ગણપતિજીનો શાપ યાદ આવતાં તેના મનમાં સહેજ ગભરાટ થવા લાગ્યો. પણ તેણે આ વાત બ્રાહ્મણીને કરી નહિ.
આ બાળકનું નામ શંકર પાડ્યું. શંકર દિવસે ને દિવસે મોટો થવા લાગ્યા. તે દશ વરસનો થયો, એટલે તેને જનોઈ આપી. પછી તેના મામા સાથે તેને કાશીએ ભણવા મોકલ્યો.
મામા-ભાણેજ કાશીએ ભણવા જતા હતા, ત્યાં રસ્તામાં એક ગામ આવ્યું. આ ગામને પાદર એક કૂવો હતો. મામા-ભાણેજ તરસ્યા થયા હતા, તેથી બંને જણા કૂવા પાસે પાણી પીવા ગયા. કૂવા પાસે ત્રણ-ચાર છોકરીઓ પાણી ભરવા આવી અને ઝઘડતી હતી.
એમાં એક છોકરીએ રંભા નામની છોકરીને રાંડ કહી, એટલે રંભા બોલી : “તમે મને ભલે રાંડ કહો, પણ હું રંડાવાની જ નથી. મારી બાએ મંગળાગૌરીનું વ્રત કર્યું છે, તેથી અમારા કુળમાં કોઈ વિધવા થવાનું નથી.”
મામા-ભાણેજ આ વાત સાંભળી ગયા. મામાને ગણપતિજીએ આપેલ શાપની વાતની ખબર હતી, તેથી તેમણે વિચાર્યું કે - 'જો આ રંભાનાં લગ્ન શંકર સાથે કરવામાં આવે તો શંકર મૃત્યુ પામશે નહિ.'
આમ વિચારી શંકરના મામા રંભા પાસે ગયા અને કહ્યું : “બેટી, તું અમને તારે ઘરે લઈ જા. મારે તારા પિતાનું કામ છે.”
રંભા મામા-ભાણેજને પોતાને ઘેર લઈ ગઈ. રંભાના પિતાએ તે બંને વ્યક્તિ અજાણ્યા હોવા છતાં તેમની આગતા-સ્વાગતા કરી. પછી અહીં પધારવાનું કારણ પૂછ્યું. ત્યારે મામાએ કહ્યું : "વડીલ ! અમને તમારી દીકરી રંભા ખૂબ જ ગમી ગઈ છે. તમે મારા આ ભાણેજ શંકર સાથે તમારી દીકરી રંભાના લગ્ન કરો તો ઘણું સારું. મારા શંકરને પણ તમારી દીકરી ગમે છે.” રંભાના પિતાએ તેમને તેમના ખાનદાન કુટુંબ વિશે પૂછ્યું. પછી સર્વ હકીકત જાણી તેમણે લગ્નની હા પાડી દીધી. શંકર અને રંભાનાં લગ્ન થયાં.
શંકરના મામાએ રંભાની બાને પૂછ્યું: “તમે મંગળાગીરીનું વ્રત કર્યું છે. તો તે વ્રતની વિધિ શું છે એ તો કહો ?"
રંભાની બા બોલ્યાં : "આ વ્રત શ્રાવણ માસના બધા મંગળવારે કરવામાં આવે છે. દર મંગળવારે સવારે સ્નાન કરી પાટલા ઉપર મંગળાગૌરી(પાર્વતી)ની સ્થાપના કરવી. ઘઉંના લોટનું કોડિયું બનાવી, તેમાં સૂતરના તારની દિવેટ મૂકી પછી થી પૂરીને દીવો કરવો. પછી બીલીપત્રો, પુષ્પ, જીરાના દાણા, ધરોનાં પાંદડાં, ધતુરાનાં પાન, અધેડાનાં પાન - આ બધું સોળ-સોળ લઈ માતાજીનું પૂજન કરવું અને એકટાણું કરવું. જાગરણ કરી બુધવારે પ્રાતઃકાળે વિસર્જન કરવું. પાંચ વર્ષ પૂરાં થાય એટલે વ્રતનું ઉજવણું કરવું."
આમ વ્રતની વાત કરી પછી બધા સૂઈ ગયાં. 
. સવાર થતાં મામો-ભાણેજ કાશીએ જવા સાસુ-સસરાની રજા લીધી. શંકરે તેની પત્નીને પાછા ફરતાં ઘરે લઈ જવાનું જણાવ્યું. પછી બંને જણા કાશીએ ગયા.
શંકરે થોડાં વરસમાં પોતાનું ભણતર પૂરું કર્યું. પછી તે વળતા પોતાના સાસરે આવ્યો. સાસુ-સસરાએ તેમની આગતા-સ્વાગતા કરી. શંકરે પોતાની પત્નીને લઈ જવા જણાવ્યું. શંકરે સસરાના ઘરે જ રાતવાસો કર્યો.

 
 
શંકર અને રંભા એક ઓરડામાં સૂતાં હતાં. અડધી રાત્રે " રંભાને સ્વપ્નમાં આવી મંગળાગીરીએ કહ્યું : "બેટા રંભા! જલદી ઊઠ ! તારા પતિને નાગ કરડવા માટે આવ્યો છે, અને ઝટ દૂધ આપી દે, તેથી તે દૂધ પીને ચાલ્યો જશે. 
રંભા તો ફટાક દઈને ઊભી થઈ. પછી રસોડામાં જઈ વાટકો ભરી દૂધ લઈ આવી. પછી તેણે તે વાટકો પોતાના પતિના પગ આગળ મૂક્યો અને તે ઓરડા બહાર જઈને ઊભી રહી. તેણે દરવાજાની તિરાડમાંથી જોયું તો એક કાળો ભમ્મર જેવો નાગ ઓરડામાં આવ્યો, અને શંકરના પા આગળ દૂધ ભરેલો વાટકો જોઈ તેમાંથી દૂધ પીને ચાલ્યો ગયો. શંકર બચી ગયો.
સવાર થતાં રંભાએ આ વાત પોતાની માતાને કહી માતાએ કહ્યું : “બેટી ! આ બધું મંગળાગૌરીના વ્રતનો પ્રભાવ છે. હવેથી તું પણ આ વ્રત શરૂ કરી દે.”
રંભાએ પણ મનોમન વ્રત કરવાનો સંકલ્પ લઈ લીધો. તેવો મંગળાગૌરીમાને પોતાના પતિને બચાવવા બદલ પ્રાર્થના કરી
બીજે દિવસે શંકર અને રંભાએ પોતાને ઘેર જવા માતા-પિતાની રજા લીધી. માતા-પિતાએ ઘણો કરિયાવર આપી દીકરીને જમાઈ સાથે વળાવી. શંકર - રંભા પોતાને ઘરે આવ્યાં.
ઘરે આવી રંભાએ પોતાનાં સાસુ-સસરાને નાગની વાત કરી. પોતાના દીકરાની મોતમાંથી ઘાત ગઈ તે જાણી તેનાં માતા-પિતા ખૂબ જ ખુશ થઈ ગયાં અને ‘આ બધું મંગળાગૌરીના વ્રતના પ્રભાવે બન્યું છે' તે જાણી શંકરની માતાએ પણ મંગળાગૌરીમાનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો.
આમ મંગળાગૌરીના વ્રતના પ્રભાવે શંકર મોતના મુખમાંથી બચી ગયો અને તેનું આયુષ્ય વધી ગયું.
હે મંગળાગૌરી ! આપ જેવા રંભાને કળ્યાં, તેવાં આ વ્રત કરનાર સૌને ફળજો.