સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 28 મે 2020 (15:52 IST)

અમદાવાદમાંથી 2.51 લાખથી વધુ શ્રમિકોની હિજરત થઇ

અમદાવાદમાંથી છેલ્લા 26 દિવસમાં 2,51,891 શ્રમિકો પલાયન કરી ચૂક્યા છે. જિલ્લા  વહિવટીતંત્ર દ્વારા કુલ 172 શ્રમિક ટ્રેનો અત્યાર સુધી દોડાવાઇ છે. સૌથી વધુ અમદાવાદ પૂર્વ વિસ્તારમાંથી 1.37  લાખથી વધુ મજૂરોની હિજરત જોવા મળી છે.  બુધવારે અમદાવાદથી 1,400 શ્રમિકોને લઇને એક શ્રમિક ટ્રેન યુપીના પ્રયાગરાજ માટે દોડાવામાં આવી હતી. અમદાવાદમાંથી  કુલ 6 રાજ્યો માટે શ્રમિક ટ્રેનો દોડાવવાનું આયોજન કરાયું હતું.   ઉત્તર પ્રદેશ માટે સૌથી વધુ 113  ટ્રેનો દોડી હતી. જેમાં 1,65,010  શ્રમિકો વતન જવા ઉપડી ગયા હતા.  બિહાર માટેની 44 ટ્રેનમાં 66,140 શ્રમિકો,  ઓરિસ્સાની 4  ટ્રેનમાં 5,250 શ્રમિકો,  છત્તીસગઢની 6 ટ્રેનોમાં 8,373 શ્રમિકો,  ઉત્તરાખંડ માટેની 2 ટ્રેનોમાં 2,817 લોકો તેમજ ઝારખંડ માટે 3  શ્રમિક ટ્રેનો ઉપડી હતી. જેમાં 4,301 શ્રમિકો વતન જવા નીકળી ગયા હતા. અમદાવાદ જિલ્લા તંત્રના દાવા મુજબ  અમદાવાદમાં કુલ 6,788 ઔદ્યોગિક એકમો શરૂ થઇ ચૂક્યા છે. જેમાં શહેરી વિસ્તારમાં આવેલા 1,742 એક્સપોર્ટ યુનિટ, ગ્રામ્ય વિસ્તારમાં આવેલા 3,760 યુનિટ અને જીઆઇડીસી વિસ્તારમાં આવેલા 1,286 એકમો ચાલુ થઇ ગયા છે.  આ તમામ એકમોમાં હાલમાં 47,448 શ્રમિકો કામ કરી રહ્યા છે. હાલમાં ઔદ્યોગિક એકમોમાં સેનેટાઇઝેશન, હેલ્થ ચેકઅપ, ભોજન અને પરિવહનની પુરતી વ્યવસ્થા કરવા ઉપરાંત  મજૂરોની તંગી જેવી સમસ્યાઓ સર્જાઇ છે. કોરોના સંક્રમણ રોકવા માટેના પગલા લેવાના અને  સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સુચનાઓ આપવામાં જ દિવસનો મોટાભાગનો સમય વિતી જાય છે. તેથી કામના કલાકો ઘટી ગયા હોવાથી ઉત્પાદન પુરતું થતું ન હોવાનું વેપારીઓનું કહેવું છે. જેના લીધે હાલમાં પણ મોટાભાગના ઔદ્યોગિક એકમો બંધ હાલતમાં છે.ઓછા મજૂરો વચ્ચે ઉત્પાદન પુરતું થઇ રહ્યું નથી. શ્રમિકોની હિજરત સતત ચાલુ છે. તેવામાં ઔદ્યોગિક એકમોના માલિકો પણ ચિંતમાં મુકાઇ ગયા છે.