રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. અમદાવાદ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 13 ફેબ્રુઆરી 2020 (15:52 IST)

ટ્રમ્પની સુરક્ષા માટે સાબરમતી નદીમાં પાણીમાં અદ્યતન અંડર વૉટર સિક્યુરિટીના ઉપકરણો ગોઠવાશે

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમની સુરક્ષાને લઈને કોઈપણ પ્રકારની કચાશ છોડવામાં નહી આવે. તેમના આગમન પછી અમદાવાદના આકાશમાં કોઈ પ્લેન ઉડી નહી શકે એટલેકે નો ફ્લાય ઝોન જાહેર કરાશે. જ્યારે બીજીતરફ રિવરફ્રન્ટનો નજારો માણનારા ડોનાલ્ડ ટ્રમ્પ પર કોઈ હુમલો ન કરે તે માટે સાબરમતીના પાણીમાં અદ્યતન ઉપકરણો ગોઠવવામાં આવશે અને તે માટે આવતીકાલથી જ સિક્રેટ એજન્સીઓ અમદાવાદ આવી રહી છે.

ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે વિવિધ એજન્સીઓ સાથે પોલીસે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થાની તૈયારી કરી લીધી છે. બીજીતરફ અમેરિકાની સિક્રેટ એજન્સી આવતીકાલે અમદાવાદ આવી પહોચશે. સિક્રેટ એજન્સી સલામતીની સંપુર્ણ ચકાસણી કરશે અને તે લીલીઝંડી આપશે ત્યારબાદ ટ્રમ્પનું એરફોર્સ-૧ અમદાવાદ એરપોર્ટ પર લેન્ડીંગ કરશે. ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ ઉપરાંત સાબરમતી આશ્રમની પણ મુલાકાત લેવાના છે. ટ્રમ્પ પર હવાઈ હુમલો ન થાય તે માટે તે સમયે અમદાવાદના આકાશમાંથી કોઈપણ પ્લેન ઉડી નહી શકે.ટૂંકમાં નો ફ્લાય ઝોન જાહેર કરવામાં આવશે. તે સિવાય પાણીમાંથી હુમલાની શક્યતાને પગલે સાબરમતી નદીમાં પણ સુરક્ષાના અદ્યતન ઉપકરણો ગોઠવવામાં આવશે. અમેરિકાથી સલામતીના તમામ સાધનો લઈને કાર્ગો પ્લેન અમદાવાદ એરપોર્ટ પર આવશે. 

બીજીતરફ સાબરમતી આશ્રમ પાસે નદીમાં ઠેર ઠેર સ્પાય કેમેરા ઉપરાંત અંડર વોટર  વેપન્સ ગોઠવવામાં આવશે. સુરક્ષાની આ સમગ્ર સિસ્ટમ સેન્સર બેઝ્ડ અને રિમોટ ઓપરેટેડ હશે.સુરક્ષાને ધ્યાનમાં લઈને ઈન્દીરા બ્રિજથી વાસણા બેરેજ સુધીના વિસ્તારને કવર કરવામાં આવશે.