રવિવાર, 17 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (16:53 IST)

અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા કેમ સર્જાય છે

rain in ahmedabad
વરસાદી પાણીના નિકાલ માટે અમદાવાદ શહેરમાં સ્ટૉર્મ વૉટર નેટવર્ક તો છે પણ માત્ર સ્ટૉર્મ વૉટર નેટવર્કથી અર્બન ફ્લડને કંટ્રોલ કરી શકાશે નહી. અર્બન ફ્લડને કંટ્રોલ કરવા માટે સ્ટૉર્મ વૉટર નેટવર્કની સાથે લો ઇમ્પૅક્ટ ડેવલપમેન્ટ સ્ટ્રૅટજી પણ લાગુ કરવી પડશે."
 
આ શબ્દો અમદાવાદની સૅપ્ટ યુનિવર્સિટીના પ્રોફસર તુષાર બોઝના છે. તેઓ અમદાવાદ શહેરમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે લો ઇમ્પૅક્ટ ડેવલપમેન્ટ રણનીતિ ઉપર ભાર આપી રહ્યા છે.
 
સૅપ્ટ યુનિવર્સિટીનાં પ્રોફેસર પ્રતિમાસિંહે અમદાવાદ શહેરની વરસાદી પાણી ભરાવવાની સમસ્યા અંગે તર્ક આપતાં બીબીસી ગુજરાતીને જણાવ્યું હતુ કે, " અમદાવાદ શહેરના રોડ વારંવાર રી-સરફેસ કરવાને બદલે તેને ખોતરીને રિ-સરફેસ કરવા જોઇએ જેથી તેની ઊંચાઇ વધે નહીં. હાલમાં રોડના એક થર ઉપર બીજો થર કરીને રોડ રી-સરફેસ કરવામાં આવે છે. જેને કારણે રસ્તાઓ ઊંચા થઇ જાય છે અને તેને કારણે પાણી રોકાઇ જાય છે. પરિણામે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે."
 
અમદાવાદમાં ત્રણ દિવસમાં 10 ઇંચ વરસાદ
રવિવારથી મંગળવાર દરમિયાન ત્રણ દિવસમાં અમદાવાદ શહેરમાં લગભગ 10 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં 13 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. જેના કારણે વરસાદ દરમિયાન 300થી વધુ સ્થળોએ ઘૂંટણસમા પાણી ભરાયાં હતાં. કેટલીય સોસાયટીઓમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જ્યારે અમદાવાદ શહેરની અંદર આવેલા 8 અંડરપાસ અને ઔડા વિસ્તારના એસપી રિંગ રોડ ઉપર આવેલા એક અંડરપાસને બંધ કરવાની ફરજ પડી હતી.
 
આ પૈકીના 7 અંડરપાસ તો વાહનવ્યવહાર માટે ખોલી દેવાયા હતા જ્યારે એસપી રિંગ રોડ પર આવેલો ત્રાગડ અંડરપાસ હજુ પણ બંધ છે. શુક્રવાર સુધીમાં આ અંડરપાસ ખુલ્લો મૂકાય તેવી શક્યતા છે.
 
અમદાવાદ શહેરને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દર વર્ષે સ્ટ્રૉમ વૉટર લાઇન, સ્ટ્રૉમ વૉટર લાઇનોના ડિશિલ્ટીંગ, પરકોલેટિંગ વેલ બનાવવા અને તળાવોના ઇન્ટરલિંકીંગ પાછળ કરોડો રુપિયાનો ખર્ચ કરે છે, છતાં અમદાવાદ શહેરમાં વરસાદી પાણીની સમસ્યા ઉકેલાતી નથી.
 
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દર વર્ષે ચોમાસા પહેલાં પ્રિ-મોન્સુન એક્શન પ્લાન બનાવવામાં આવે છે પણ વરસાદની સિઝનમાં પ્રિ-મૉન્સૂન પ્લાન કારગર નીવડતો નથી.
 
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા જુલાઇ 2024માં અમદાવાદ શહેરમાં 125 સ્થળોને વૉટર લૉગિંગ સ્પૉટ તરીકે ઓળખ કરાયેલા છે પણ આ વખતે રવિવારથી મંગળવાર સુધી પડેલા વરસાદમાં 125 વૉટર લૉગિંગ સ્પૉટમાં તો પાણી ભરાયાં જ હતાં પરંતુ વધુ સ્થળોએ પણ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સર્જાઇ હતી.
 
વરસાદ બંધ થયા બાદ વૉટર લૉગિંગ સ્પૉટ ઉપરથી પાણી ઉલેચવા માટે 10 વરુણ પંપ સહિત કુલ 25 ડિવૉટરિંગ પંપ કામે લગાડવા પડ્યા હતા.
 
સ્માર્ટ સિટી હોવાં છતાં પાણી કેમ ભરાયાં?
આ અંગે અમદાવાદની સૅપ્ટ યુનિવર્સિટીના પ્રોફસર તુષાર બોઝે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, " વરસાદનાં પાણીના નિકાલ માટે અમદાવાદ શહેરમાં સ્ટૉર્મ વૉટર નેટવર્ક તો છે પણ માત્ર સ્ટૉર્મ વૉટર નેટવર્ક માત્રથી અર્બન ફ્લડને કંટ્રોલ કરી શકાશે નહી."
 
"અર્બન ફ્લડને કંટ્રોલ કરવા માટે સ્ટૉર્મ વૉટર નેટવર્કની સાથે લો-ઇમ્પૅક્ટ ડેવલપમેન્ટ સ્ટ્રૅટજી પણ લાગુ કરવી પડશે. લો-ઇમ્પૅક્ટ ડેવલપમેન્ટ સ્ટ્રૅટજીમાં ગ્રીન રૂફ પૉલિસી, ખંભાતી કૂવા બનાવવા, અર્બન ફૉરેસ્ટ, તળાવોનું ઇન્ટરલિંકીંગ કરવું વગેરેના સામૂહિક પ્રયાસો કરવા જોઇએ."
 
તેઓ વધુમાં જણાવે છે,"પૉલિસીથી સ્ટ્રૉમ વૉટરલાઇનમાં પાણીનો પ્રવાહ ઘટાડી શકાય છે. અર્બન ફ્લડ રોકવા માટે પાણીનો પ્રવાહ ઘટાડવો જરૂરી છે. વરસાદના કુલ પાણીના એક ભાગનું પાણી જમીનમાં ઉતારવું જોઇએ. જ્યારે બીજો એક ભાગ સ્ટ્રૉર્મ વૉટરલાઇનમાં જવું જોઇએ. જો આ પ્રકારે મૅનેજમેન્ટ કરવામાં આવે તો આ સમસ્યાના સમાધાન સુધી પહોંચી શકાય છે. પરંતુ શહેરીકરણને કારણે ખુલ્લી જગ્યાઓ ઓછી થઇ રહી છે. જેને કારણે વરસાદી પાણી જમીનમાં ઉતરી રહયું નથી.”
 
નિરમા યુનિવર્સિટીમાં ડાયરેક્ટર ઉત્પલ શર્માએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, " શહેરમાં વરસાદી પાણી જવા માટેના કુદરતી રસ્તાઓ હતા. જેનાથી વરસાદી પાણી નદી કે તળાવમાં વહી જતું હતું, પરંતુ આ જગ્યાઓ પર કેટલાંક બાંધકામો થઇ ગયાં છે. જે પાણીને અવરોધે છે."
 
ઉત્પલ શર્માએ વધુમાં જણાવ્યું હતુ કે," શહેરના દરેક વિસ્તારનું પાણી વર્ષોથી નજીકના તળાવમાં પાણી જતું હતુ. હવે તળાવોની આસપાસ પણ દીવાલો કે અન્ય બાંધકામ કરી દેવામાં આવ્યું છે. જેને કારણે પાણી તળાવોમાં જઇ શકતું નથી."
 
તેમણે નવી ટાઉન પ્લાનિંગ નીતિ બનાવતી વખતે આ બાબત ધ્યાન રાખવાનો તંત્રને અનુરોધ પણ કર્યો.
 
સૅપ્ટ યુનિવર્સિટીનાં પ્રોફેસર પ્રતિમાસિંહે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું," જૂના અમદાવાદમાં પહેલાં ક્યારેય પાણી ભરાવાની સમસ્યા સર્જાતી ન હતી. પરંતુ હવે જૂના અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાં લાગ્યાં છે. જૂના અમદાવાદમાં રસ્તાઓ વારંવારના રિસરફેસને કારણે ઊંચા થઇ જવાને કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાવા લાગી છે. "
 
શું છે ઉપાય?
પ્રોફેસર ઉત્પલ શર્મા જણાવ્યું હતું કે, " વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ સ્ટ્રૉર્મ વૉટર ડ્રેનેજલાઇનમાં પાણી જવા માટેનાં ઢાંકણાં નિચાણમાં હોવાં જોઇએ પરંતુ કેટલાક વિસ્તારોમાં તે ઊંચાણવાળા વિસ્તારોમાં હોય છે. જેથી પાણી સ્ટ્રૉર્મ વૉટર ડ્રેનેજલાઇનમાં પણ જઇ શકતું નથી અને રસ્તા ઉપર ભરાઇ રહે છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આવા વિસ્તારોનું નિરીક્ષણ કરવું જોઇએ અને જે જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા છે ત્યાં વરસાદી પાણીના નિકાલનો રસ્તો કરવો જોઈએ."
 
વર્ષ 2017ના જુલાઇ મહિનામાં અમદાવાદ શહેરમાં 12 કલાકમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેના કારણે મેઘાણીનગર, અસારવા અને કઠવાડા સહિત કેટલાક પૂર્વના વિસ્તારોની સોસાયટીઓ અને ચાલીઓમાં આવેલાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયાં હતાં. એ સમયે તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણી બોટમાં વિસ્તારનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા. ત્યારે તેમણે પાણી ભરાવાની સમસ્યાના ઉકેલની ખાતરી આપી હતી.
 
આ ખાતરી છતાં આ વખતે છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદના કારણે આ અસારવા અને કઠવાડા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં.
 
સ્થાનિકોનું કહેવું છે કે અમદાવાદ મહાનગરપાલિકા છેલ્લાં 7 વર્ષમાં કઠવાડાની વિવિધ સોસાયટીઓમાં ભરાઈ જતાં વરસાદી પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકી નથી.
 
બે દાયકાથી વરસાદી પાણી ભરાવવાની સમસ્યા છે
આ વખતે પડેલા ભારે વરસાદને કારણે અમદાવાદમાં સરસપુર, મેઘાણીનગર, વેજલપુર, અસારવા, મકરબા, જુહાપુરા, કઠવાડા અને નિકોલ જેવા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતા. સાબરમતી નદીની જળસપાટી વધવાને કારણે વરસાદી પાણી બૅક મારતાં હતાં જેથી વરસાદી પાણીના નિકાલ માટે વાસણા બૅરેજની સપાટી 128.50 ફૂટ ઊપર લાવવા માટે 19 દરવાજા ખોલવા પડ્યા હતા.
 
વેજલપુરના નીચાણવાળા વિસ્તારોમાં છેલ્લા બે દાયકાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે.
 
શહેરના વેજલપુર વિસ્તારમાં રહેતાં નિલમબહેન પુરાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું ," અમારા વિસ્તારમાં છેલ્લાં 20 વર્ષથી વરસાદનું પાણી ભરાવાની સમસ્યા છે. દર વર્ષે વરસાદ આવે એટલે ઘરમાં પાણી ભરાઇ જાય છે. ગટરના પાણી પણ બૅક મારે છે. તંત્ર દ્વારા સમસ્યાના સમાધાન અંગે કોઇ પગલાં લેવામાં આવતાં નથી."
 
અહીં ઉલ્લેખ કરવો જરુરી છે કે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24ના બજેટમાં વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રૉર્મ વૉટર ઍન્ડ ડ્રેનેજલાઇન નાંખવા માટે તેમજ સાફ કરવા માટે 250 કરોડની રકમ ફાળવી હતી તેમજ રોડ રિસરફેસ કરવા તેમજ નવા રોડ બનાવવા માટે 299 કરોડની રકમ ફાળવી હતી.
 
આ રકમ ખર્ચ પણ કરવામાં આવી હતી.
 
વર્ષ 2024-25ના બજેટમાં સ્ટ્રોર્મ વૉટર ઍન્ડ ડ્રેનેજલાઇન માટે 480 કરોડ અને રોડ-રસ્તાઓ માટે 453 કરોડ રૂપિયાની રકમની જોગવાઇ કરવામાં આવી છે.
 
આ અંગે પ્રોફેસર ઉત્પલ શર્મા વધુમાં ઉમેરે છે કે, " અમદાવાદ મહાનગરપાલિકાના કર્મચારીઓ માટે અત્યારે ઉત્તમ સમય છે. હાલમાં પાણી ભરાઇ જતા હોય તેવા વિસ્તારનું નિરિક્ષણ કરી તેનો અભ્યાસ કરવો જોઇએ. ત્યારબાદમાં તેના ઉકેલ અંગેની રૂપરેખા તૈયાર કરવી જોઇએ. આપણે ત્યાં સમસ્યા એ છે કે, પાણી ભરાય ત્યારે તેને કેવી રીતે નિકાલ કરી શકાય તે અંગે વિચાર કરવામાં આવે છે પરંતુ તેના કાયમી સમાધાન અંગે કોઇ વિચાર કરવામાં આવતો નથી."
 
સોમવારે અને મંગળવારે અમદાવાદ શહેરમાં પડેલા વરસાદના કારણે મણિનગરના અંડરપાસમાં પાણી ભરાયાં હતાં.
 
આ અંડરપાસમાં ડૂબી જવાથી 40 વર્ષના રાજુ સિંધી નામની વ્યક્તિનું મોત નિપજ્યું હતું. આ મૃતકની લાશ મંગળવારે સવારે અંડરપાસમાંથી મળી હતી.
 
રાજુના પરિવારનો આક્ષેપ છે," યુવકનું પાણીમાં ડૂબવાને કારણે મોત નિપજ્યું છે. યુવક ચાની લારી પર કામ કરતો હતો. સવારે પાચ વાગે ઘરેથી કામ પર જવા નિકળ્યો હતો. અંડરપાસમાં ડૂબી જવાથી તેનું મોત નિપજ્યું છે."
 
આ અંગે ખોખરા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
 
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સિટી એન્જીનિયર વિજય પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યુ,“વરસાદનું પાણી ભરાઇ ગયું છે તે વિસ્તારમાં અમે સર્વે કરી રહ્યા છીએ. કેટલા ઇંચ વરસાદમાં કયા વિસ્તારમાં પાણી ભરાઇ જાય છે તેની પણ અમે વિગતો મેળવી રહ્યા છીએ. ત્યારબાદ અમે પાણીના ઝડપી નિકાલ અંગેની વ્યુહરચના બનાવીશુ. અમદાવાદ મહાનગરપાલિકામાં નવા ઉમેરાયેલા વિસ્તારોમાં જ્યા પાણી ભરાયાં છે ત્યાં જરૂર જણાય તો નવી સ્ટ્રૉર્મ વૉટરલાઇનો નાખીશું. જ્યા આ લાઇનો સાંકડી છે ત્યા નેટવર્ક વધારીશું."
 
તેમણે વધુમાં જણાવ્યું, "આ સિવાય મહાનગરપાલિકાની ખુલ્લી જગ્યા પર ખંભાતી કૂવા બનાવીશું. આ વર્ષે અમે કેટલીક જગ્યાઓ પર ખંભાતી કૂવા બનાવવાનો પ્રયોગ કર્યો હતો. જે વિસ્તારમાં ખંભાતી કૂવા બનાવ્યા છે ત્યાં પાણી ઝડપથી ઉતરતાં હોવાનું જોવાં મળ્યું છે. અમે આ સંખ્યા વધારવા પર ભાર મૂકીશું."
 
lઆ ઉપરાંત તેમણે જણાવ્યું કે જે તળાવો ભરાયા નથી ત્યાં ઇન્ટલીંક કરીને વરસાદી પાણી તળાવમાં જવાની વ્યવસ્થા પણ કરીશુ.
 
તેમણે કહ્યું કે આમ કરવાથી પાણી ભરાશે જ નહીં તેવું નહીં થાય પરંતુ ભારે વરસાદમાં પણ પાણી ઝડપથી જમીનમાં ઊતરી જશે.