રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. મારુ ગુજરાત
  3. વડોદરા સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 29 ઑગસ્ટ 2024 (12:38 IST)

વડોદરામાં લોકોના ઘર પાસે મગરો ફરતા થતાં ડરનો માહોલ ફેલાયો

શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદી પૂરની સ્થિતિમાં લોકોને મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. વિશ્વામિત્રી નદીમાં પાણીનો પ્રવાહ વધતા નદીના પાણી શહેરમાં ઘૂસ્યા હતાં જેના કારણે શહેર જળબંબાકાર થઈ ગયું હતું. બીજી તરફ શહેરના સમા સહિતના વિસ્તારોમાં લોકોના ઘર પાસે મગરો ફરતા થતાં ડરનો માહોલ ફેલાયો છે. શહેરના સમા વિસ્તારમાં આવેલ અવસર પાર્ટી પ્લોટ પાસે રોડ પર વિશાળકાય 10 ફૂટથી મોટો મગર દેખાતા રેસ્ક્યૂ ટીમને જાણ કરાઈ હતી અને ત્યારબાદ ટીમે ત્રણ કલાકની ભારે જહેમત બાદ તેને રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યો હતો. 
 
એક મકાનમાં 15 ફૂટ લાંબો મગર આવી ચડ્યો
વડોદરામાં રેસ્ક્યૂ ટીમના સભ્યોએ કહ્યું હતું કે, ઘણાં વર્ષોથી વન વિભાગ સાથે અમે વન્યજીવ બચાવો પ્રાણી સાથે સંકળાયેલા છીએ. આજે અમને જાણ થઈ કે, અવસર પાર્ટી પ્લોટ પાસે એક મહાકાય મગર છે અને મોટો મગર હોવાની ખાતરી થઈ હતી. ત્યારબાદ અમારી ટીમ અહીંયાં પહોંચી હતી. ત્રણ કલાકની ભારે જહેમત બાદ આ મહાકાય 10 ફૂટના મગરનું રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપવામાં આવ્યો છે. આ મગર રોડ પર હતો અને તેને પકડવા આવશ્યક હતો.કામનાથનગર નરહરિ હોસ્પિટલ રોડ પર એક મકાનમાં 15 ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો. જેનું રેસ્ક્યૂ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લવાયો હતો.શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં 441 જેટલા મગરો છે. વડોદરા જિલ્લામાં વિશ્વામિત્રી નદી ઉપરાંત દેવ, ઢાઢર અને વિવિધ તળાવોમાં મળીને કુલ 1 હજાર કરતાં વધુ મગરો છે.
 
પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા મદદ પહોંચાડાઈ
વડોદરામાં પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા મદદ પહોંચાડાઈ રહી છે. વડોદરાના હરણી વિસ્તારમાં હેલિકોપ્ટરથી રાહત સામગ્રી પહોંચાડમાં આવી છે. નોંધનિય છે કે, ગઇકાલે અને પરમ દિવસે આવેલ ભારેથી અતિભારે વરસાદને કારણે પુરની સ્થિતિ વચ્ચે હરણી વિસ્તારમાં લોકો પાણીમાં ફસાયા છે.આજવા સરોવરની સપાટી 213.75 ફૂટ પર સ્થિર છે. મહત્વનું છે કે, વડોદરા અકોટા, જેતલપુર, દિવાળીપુરા, વાસણા ,હરણી, સમાં, નિઝામપુરા સહીતના અનેક વિસ્તારમાં વરસાદી પાણી ઓસર્યા છે.વિશ્વામિત્રી નદીની સપાટી ઘટી 32.50 ફૂટ થઈ છે જે ગઈકાલે નદીની સપાટી 35.25 ફૂટ સુધી પહોંચી હતી.ગઈકાલે આર્મીની વધુ 3 કોલમ, એનડીઆરએફની 1 અને એસડીઆરએફની 1 ટીમ રેસ્ક્યૂ માટે ફાળવવામાં આવી હતી. આ ટીમ ઉપરાંત વડોદરામાં અગાઉ આર્મીની 4 કોલમ, એનડીઆરએફની 4 તથા એસડીઆરએફની 5 ટીમ ડિપ્લોય કરવામાં આવી છે.