શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : સોમવાર, 10 મે 2021 (17:09 IST)

અમેરિકામાં ઇમર્જન્સી : સાયબર હુમલા બાદ USની સરકારનું ઇમર્જન્સીનું એલાન

અમેરિકાની સૌથી મોટી ઈંધણ પાઇપલાઇન પર થયેલા સાયબર હુમલા બાદ ત્યાંની સરકારે ઇમર્જન્સીનું એલાન કરી દીધું છે.
 
કૉલોનિયલ પાઇપલાઇનથી પ્રતિદિન 25 લાખ બૅરલ તેલ જાય છે. અમેરિકાના પૂર્વના તટો પરનાં રાજ્યોમાં ડીઝલ, ગૅસ અને જેટ ઈંધણની 45 ટકા આપૂર્તિ આ પાઇપલાઇનથી થાય છે.
 
પાઇપલાઇન પર સાયબર ગુનેગારોની એક ગૅંગે શુક્રવારે હુમલો કર્યો, જે બાદ આના સમારકામની કામગીરી કરાઈ રહી છે.
 
ઇમર્જન્સીના એલાન બાદ હવે અહીંથી ઈંધણનો સપ્લાય પાઇપલાઇનને બદલે માર્ગથી થાય એવી શક્યતા છે.
 
જાણકારોનું કહેવું છે કે આના કારણે સોમવારથી ઈંધણની કિંમત 2-3 ટકા જેટલી વધી શકે છે, જોકે તેઓ માને છે કે જો તેને જલદી જ પૂર્વવત્ કરવામાં નહીં આવે તો આની વ્યાપક અસર થશે.
 
USમાં સાયબર હુમલો કોણે કર્યો?
અનેક સૂત્રોએ ખરાઈ કરી છે કે રેન્સમવૅર હુમલો ડાર્કસાઇડ નામની એક સાઇબર ગુનાઓ આચરતી ટોળકી દ્વારા કરવામાં આવ્યો છે.
 
તેમણે ગુરુવારે કૉલોનિયલ નેટવર્કમાંથી અંદાજે 100 જીબી ડેટા કબજે કર્યો હતો.
 
આ બાદ હૅકરોએ કેટલાંક સર્વર્સ અને કૉમ્પ્યૂટર પર ડેટા લૉક કરી દીધા હતા અને શુક્રવારે પૈસા માગ્યા હતા.
 
તેમણે ધમકી આપી હતી કે જો પૈસા ન મળ્યા તો તેઓ આ ડેટાને ઇન્ટરનેટ પર લિક કરી દેશે.
 
કંપનીનું કહેવું છે કે તેઓ સેવાને પૂર્વવત્ કરવા માટે પોલીસ, સાયબરસુરક્ષા તજજ્ઞો અને ઊર્જાવિભાગના સંપર્કમાં છે.
 
રવિવારે રાત્રે જણાવ્યું કે ચાર મુખ્ય લાઇન ઠપ છે અને ટર્મિનલથી ડિલિવરી પૉઇંટ સુધી જતી કેટલીક નાની લાઇનો કામ કરવા લાગી છે.
 
કંપનીએ કહ્યું, "હુમલાની જાણ થયા બાદ તરત જ અમે અમારી સિસ્ટમની કેટલીક લાઇન્સ કાપી દીધી હતી, જેથી તેની પર હુમલો ન થાય."
 
"જેના પગલે અમારી તમામ પાઇપલાઇન અને કેટલીક આઈટી સિસ્ટમનું કામ ખોરવાઈ ગયું હતું, જેને ઠીક કરવા અમે કામ કરી રહ્યા છે."
 
તેલબજારના સ્વતંત્ર વિશ્લેષક ગૌરવ શર્માએ બીબીસીને જણાવ્યું કે ઘણું બધું ઈંધણ ટેક્સસની રિફાઇનરીમાં અટકી ગયું છે.
 
તેમણે કહ્યું કે ઇમર્જન્સી લાદી દેવાથી તેલ, ગૅસ જેવાં ઈંધણોને ટૅન્કરો થકી ન્યૂયૉર્ક સુધી મોકલવા પડી શકે છે.
 
જોકે તેમણે ચેતવણી આપી છે કે પાઇપલાઇનની ક્ષમતાના હિસાબે આ સપ્લાય ઘણો ઓછો હશે.
 
ગૌરવ શર્માએ કહ્યું, "જો તેઓ મંગળવાર સુધી આને ઠીક ન કરી શકે, તો મોટી મુશ્કેલીમાં ફસાઈ શકીએ છીએ."
 
"સૌથી પહેલાં એટલાન્ટા અને ટેનેસીને અસર થશે અને અસર વધતાં-વધતાં ન્યૂયૉર્ક સુધી પણ પહોંચી શકે છે."
 
તેમણે કહ્યું કે અમેરિકામાં પણ ઈંધણની માગ વધી રહી છે કેમકે અમેરિકા મહામારીના આંચકામાંથી બહાર આવવા મથે છે, અમે તેલ કંપનીઓ વધતી માગને પૂરવા સંઘર્ષ કરી રહી છે.
 
લંડનસ્થિત એક સાયબર સિક્યૉરિટી કંપની ડિજિટલ શેડોઝનું માનવું છે કે કાલોનિયન પાઇપલાઇન પર હુમલાનું એક મોટું કારણ કોરોના મહામારી હોઈ શકે છે કારણ કે, કંપનીના મોટા ભાગના ઇજનેરો ઘરેથી કમ્પ્યૂટર પર કામ કરી રહ્યા હતા.
 
ડિજિટલ શેડોઝના સહ-સંસ્થાપક અને ચીફ ઇનોવેશન ઑફિસર જેમ્સ ચૅપલનું માનવું છે કે ડાર્કસાઇડે ટીમવ્યૂઅર અને માઇક્રોસૉફ્ટ રિમોટ ડેસ્કટૉપ જેવા રિમોટ ડેસ્કટૉપ સોફ્ટવૅર સાથે જોડાયેલા એકાઉન્ટની લોગિન ડિટેઇલ ખરીદી લીધી.
 
તેમનું કહેવું છે કે કોઈ પણ શખ્સ શોડાન જેવા સર્ચ ઇંજિન પર ઇન્ટરનેટ સાથે જોડાયેલા કમ્પ્યૂટરના લૉગિન પોર્ટલ્સની જાણકારી હાંસલ કરી શકે છે અને તે બાદ હૅકર યુઝરનેમ અને પાસવર્ડ ખાતાંમાં લૉગિન કરવાની કોશિશ કરતાં રહે છે.
 
ચૅપલ કહે છે કે, ઘણા બધા લોકો હવે આનો શિકાર થતા જઈ રહ્યા છે, આ એક મોટી મુસીબત બનતું જઈ રહ્યું છે.
 
દરરોજ કોઈકને કોઈક નવો શિકાર સામે આવે છે અને નાના વ્યવસાયીઓ જેવી રીતે આના શિકાર બનતા જઈ રહ્યા છે, આના કારણે વૈશ્વિક અર્થતંત્ર માટે તે એક મોટી સમસ્યા બની ચૂક્યું છે.
 
તેમણે સાથે જ તેમની કંપનીના રિસર્ચથી ખબર પડે છે કે સાયબર અપરાધીઓની ગૅંગ કોઈ રશિયન ભાષા બોલનાર દેશમાં સ્થિત છે. કારણ કે તે એ કંપનીઓ પર હુમલા નથી કરતા જે રશિયા અને તેના આસપાસના દેશોમાં સ્થિત છે.