સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 9 નવેમ્બર 2019 (00:43 IST)

અયોધ્યા : બાબરી મસ્જિદ-રામજન્મભૂમિ ચુકાદા પૂર્વે દેશભરમાં કેવો છે માહોલ?

સુપ્રીમ કોર્ટની બંધારણીય બૅન્ચ બાબરી મસ્જિદ અને રામમંદિર વિવાદના દાયકાઓ જૂના કેસમાં પોતાનો નિર્ણય  સવારે 10.30 વાગ્યે સંભળાવશે.
 
ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ નિવૃત્ત થયા પહેલાં આ કેસની સુનાવણી પૂરી કરી તેનો ચુકાદો આપવાનો મક્કમ નિર્ધાર કરી લીધો હતો અને આખરે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બૅન્ચ કદાચ આ મડાગાંઠને હંમેશાં માટે ઉકેલી શકશે.
 
અહીં નોંધનીય છે કે વર્ષ 2010માં આવેલા અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં આપીલ કરી હતી.
 
આ ચુકાદામાં વિવાદિત 2.77 એકરના જમીનના ટુકડાને 3 પક્ષકારો વચ્ચે સમાનભાગે વહેંચવાનો હુકમ કરાયો હતો.
 
હવે આવતી કાલે આખા દેશની નજર સુપ્રીમ કોર્ટના રામમંદિર વિવાદના ચુકાદા પર રહેશે.
 
નોંધનીય છે કે તમામ પક્ષકારો ચુકાદો આવ્યા પહેલાં જ તે પોતાની તરફેણમાં આવશે એવી જાહેરાત કરી ચૂક્યા છે.

અયોધ્યા મામલે આવતી કાલે સુપ્રીમ કોર્ટનો આદેશ આવવાની જાહેરાત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે, "અયોધ્યા મામલે જે પણ નિર્ણય આવશે, તેમાં કોઈનીય હાર-જીત નહીં થાય. હું દેશવાસીઓને અપીલ કરું છું કે આપણા બધાની એ જ પ્રાથમિકતા રહેશે કે આ નિર્ણય ભારતની શાંતિ, એકતા અને સદ્ભાવનાની મહાન પરંપરાને બળ આપનારો બને."

અયોધ્યાનો ભૂમિવિવાદ શું છે?
 
 
અયોધ્યાના વિવાદમાં મુખ્ય મુદ્દો ઉત્તર પ્રદેશના અયોધ્યા જિલ્લાના અયોધ્યા નગરમાં આવેલા જમીનના ટુકડા વિશેનો છે.
 
હિંદુઓ ભગવાન રામના જન્મસ્થળ તરીકે જે ભૂમિને માને છે, તથા જે સ્થળ પર બાબરી મસ્જિદ પણ બનેલી હતી તેના પર હકનો મામલો મુખ્ય છે.
 
સાથે જ મસ્જિદ બનાવવા માટે અગાઉના હિંદુ મંદિરને તોડી નાખવામાં આવ્યું હતું કે તેમાં ફેરફાર કરવામાં આવ્યો હતો તે મુદ્દો પણ આ કેસમાં છે.
 
બાબરી મસ્જિદને છઠ્ઠી ડિસેમ્બર 1992માં તોડી પાડવામાં આવી હતી. ત્યાર બાદ લૅન્ડ-ટાઇટલ માટેનો કેસ અલાહાબાદ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનો ચુકાદો 30 સપ્ટેમ્બર 2010ના રોજ આવ્યો હતો.
 
તે ચુકાદામાં અલાહાબાદ હાઈકોર્ટના ત્રણ ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે અયોધ્યાની 2.77 એકર જમીનને ત્રણ હિસ્સામાં વહેંચી દેવામાં આવે છે.
 
એક તૃતીયાંશ હિસ્સો રામલલ્લા વિરાજમાનને ફાળવાયો હતો, જેમનું પ્રતિનિધિત્વ હિંદુ મહાસભાએ કર્યું હતું.
 
એક તૃતીયાંશ હિસ્સો સુન્ની વક્ફ બોર્ડને ફાળવાયો હતો, જ્યારે બાકીનો એક તૃતીયાંશ હિસ્સો નિર્મોહી અખાડાને ફાળવાયો હતો.
 
ચુકાદો આપતી વખતે અદાલતે નોંધ્યું હતું કે આ પ્રકારના સંવેદનશીલ વિષયમાં નિર્ણય લેવો કેવી રીતે મુશ્કેલ હોય છે.
 
ચુકાદામાં હાઈકોર્ટે નોંધ્યું, "આ જમીનનો એક નાનકડો ટુકડો છે, જ્યાં પગ મૂકતા ફરિશ્તા પણ ડરે."
 
"તે જમીનમાં અસંખ્ય સુરંગો બિછાવેલી છે. તે સુરંગો હટાવવાનું કામ અમારા ભાગે આવ્યું છે."
 
ચુકાદાને દિવસે શું થવાની શક્યતા રાખી શકાય?
 
દેશના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ બેન્ચની અધ્યક્ષતા કરી રહ્યા છે
મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની પાંચ ન્યાયાધીશોની બેન્ચ ચુકાદો આપશે અને સ્પષ્ટતા કરશે કે જમીનની માલિકી કોની છે અને ભૂમિનો કયો હિસ્સો કયા પક્ષના ફાળે જાય છે.
 
આ બેન્ચ અલાહાબાદ હાઈકોર્ટના ચુકાદાને માન્ય પણ રાખી શકે છે અને પોતાને યોગ્ય લાગે તે રીતે પક્ષો વચ્ચે ભૂમિની વહેંચણી કરી શકે છે.
 
નિર્ધારિત દિવસે પાંચેય ન્યાયાધીશો સ્થાનગ્રહણ કરશે અને વારાફરતી પાંચેય ન્યાયાધીશો પોતપોતાના ચુકાદાને લેખિતમાં રજૂ કરશે.
 
કદાચ સૌ પ્રથમ મુખ્ય ન્યાયાધીશ પોતાનો ચુકાદો જાહેર કરે તેવી શક્યતા છે.
 
એમ. કે. સી. કૌશિકે બીબીસીને જણાવ્યું, "તે દિવસે કોર્ટરૂમ ખીચોખીચ ભરેલો હશે. પાંચેય ન્યાયાધીશ કોર્ટ રૂમ નંબર વનમાં પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે ત્યારબાદ પોતપોતાના હિસ્સાના ચુકાદાનું વાંચન કરશે.", અહીં નોંધનીય છે કે કૌશિક ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ છે અને સુપ્રીમ કોર્ટના સિનિયર ઍડ્વોકેટ છે.
 
"ત્યારબાદ તેઓ પોતપોતાની ચેમ્બરમાં જશે. તે સાથે જ એક નવો ઇતિહાસ રચાઈ ગયો હશે."
 
અલાહાબાદ હાઈકોર્ટના સપ્ટેમ્બર 2010ના ચુકાદામાં ત્રણ પ્રશ્નોને આવરી લેવાયા હતા.
 
ચુકાદામાં કહેવાયું હતું કે વિવાદિત સ્થળ રામની જન્મભૂમિ છે, મંદિરને તોડીને મસ્જિદ બાંધવામાં આવી હતી અને તે મસ્જિદનું નિર્માણ ઇસ્લામના સિદ્ધાંતો પ્રમાણે થયું નહોતું.
 
આ ચુકાદા પછી હિંદુઓને તે ભૂમિ પર રામમંદિર બાંધવાની આશા હતી, જ્યારે મુસ્લિમોની માગણી હતી કે મસ્જિદ ચણવામાં આવે.
 
2010ના ચુકાદા સામે હિંદુ અને મુસ્લિમ બંને જૂથોએ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી, અને તે પછી 2011માં સુપ્રીમ કોર્ટે તે ચુકાદાને મુલતવી રાખ્યો હતો.
 
બેન્ચમાં કોણ-કોણ છે?
 
તેમની સાથે અન્ય ચાર ન્યાયાધીશો છે - ન્યાયમૂર્તિઓ એસ. એ. બોબડે, અશોક ભૂષણ, ડી. વાય. ચંદ્રચુડ અને એસ. અબ્દુલ નઝીર.
 
પાંચ જજની બંધારણીય બેન્ચમાં એક માત્ર મુસ્લિમ જજ તરીકે જસ્ટિસ નઝીર છે.
 
સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી ડૉ. સુરત સિંહે બીબીસીને જણાવ્યું:
 
"આ ન્યાયાધીશો પ્રથમથી જ આ કેસની સુનાવણી કરતા આવ્યા છે અને 6 ઑગસ્ટથી રોજબરોજના ધોરણે સુનાવણી કરતા રહ્યા છે, ત્યારે એ ઇચ્છનીય છે કે આ બાબતમાં ચુકાદો પણ આ ન્યાયાધીશો જ આપે."
 
રામમંદિર અને બાબરી મસ્જિદનો ઇતિહાસ શું છે?
 
અયોધ્યામાં આવેલી બાબરી મસ્જિદના મુદ્દે એક સદી કરતાં પણ વધુ સમયથી હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઘર્ષણ ચાલતું રહ્યું છે.
 
હિન્દુઓનો દાવો છે કે તેમના સૌથી શ્રદ્ધેય ભગવાન રામના જન્મસ્થળ પર મસ્જિદ બનાવવામાં આવી હતી.
 
16મી સદીમાં મુસ્લિમ આક્રમણખોરે મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી હતી તેવો દાવો કરાયો હતો.
 
મુસ્લિમો કહે છે કે તેઓ ડિસેમ્બર 1949 સુધી મસ્જિદમાં નમાઝ પઢતા હતા, અને ત્યારબાદ ત્યાં કોઈએ રાતના અંધારામાં રામની મૂર્તિ મૂકી દીધી હતી. તે પછી મૂર્તિની પૂજા ટૂંક સમયમાં શરૂ થઈ ગઈ હતી.
 
તે પછીના ચાર દાયકા સુધી હિંદુ અને મુસ્લિમ જૂથો આ સ્થળના કબજા માટે તથા સ્થળ પર પૂજા-અર્ચના અને નમાઝ માટે કોર્ટમાં કેસ કરતા રહ્યા હતા.
 
1992માં આ વિવાદમાં ઉગ્રતા આવી હતી અને હિંદુઓના ટોળાએ મસ્જિદને તોડી પાડી હતી. ત્યારબાદ દેશભરમાં થયેલાં ધાર્મિક રમખાણોમાં 2000થી વધુનાં મોત થયાં હતાં.
 
અલાહાબાદ હાઈકોર્ટની ત્રણ ન્યાયાધીશોની બેન્ચના બે હિંદુ ન્યાયમૂર્તિઓએ કહ્યું હતું કે ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરનારા બાબરે અહીં જે ઇમારત ચણી હતી, તે મસ્જિદ નહોતી કેમ કે હિંદુઓના તોડી પડાયેલા મંદિર પર મસ્જિદ બની હોવાથી 'તે ઇસ્લામના સિદ્ધાંતોની વિરુદ્ધ' હતી.
 
જોકે બેન્ચના ત્રીજા મુસ્લિમ જજે પોતાનો અલગ અભિપ્રાય આપ્યો હતો અને જણાવ્યું હતું કે કોઈ મંદિરનો નાશ કરવામાં આવ્યો નહોતો, પણ ભગ્નાવેષો પર મસ્જિદ ચણવામાં આવી હતી.
 
બાબરી મસ્જિદને કેવી રીતે તોડી પાડવામાં આવી અને ત્યાર પછી શું થયું?
 
વિશ્વ હિંદુ પરિષદના હિંદુ કાર્યકરોના એક જૂથે અને ભાજપ તથા તેના સાથી સંગઠનોના કેટલાક નેતાઓએ આ સ્થળ પર છઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ જાહેરસભાનું આયોજન કર્યું હતું.
 
કારસેવક તરીકે ઓળખાતા 1,50,000 જેટલા સ્વંયસેવકો ત્યાં એકઠા થયા હતા.
 
રેલી આખરે હિંસક બની હતી અને સલામતી દળોને ધકેલીને ટોળાંએ અયોધ્યામાં 16મી સદીમાં બનેલી બાબરી મસ્જિદને તોડી પાડી હતી.
 
તે વખતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માએ રાષ્ટ્રપતિ શાસનની જાહેરાત કરી હતી અને ઉત્તર પ્રદેશની સરકારને બરખાસ્ત કરી હતી.
 
કેન્દ્ર સરકારે બધી જ વિવાદિત જમીન કબજે કરી હતી. 1993માં જાહેરનામા દ્વારા આસપાસની ભૂમિ પણ સંપાદિત કરાઈ હતી અને કુલ 67.7 એકર જમીન કબજે કરાઈ હતી.
 
બાદમાં આ બનાવની તપાસ કરવા માટે તપાસપંચ બેસાડાયું હતું. તેમાં ભાજપ અને વિહિપના નેતાઓ સહિત 68 લોકોને જવાબદાર ગણાવાયા હતા. તેમની સામેના કેસ હજી પણ ચાલી રહ્યા છે.
 
હાલમાં સ્પેશ્યલ સીબીઆઈ જજ એસ. કે. યાદવ લખનૌમાં ભાજપના સિનિયર નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, ઉમા ભારતી અને અન્યો સામે બાબરી મસ્જિદ તોડી પાડવાના કેસમાં કાર્યવાહી કરી રહ્યા છે.
 
એમ. કૌશિકે બીબીસીને જણાવ્યું હતું :
 
"સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે લખનૌની સેશન્સ કોર્ટમાં બાબરી મસ્જિદ ધ્વંસનો કેસ ચાલી રહ્યો છે, તે 30 એપ્રિલ, 2020 સુધીમાં પૂરી કરી દેવાનો રહે છે."
 
કૌશિકના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સીબીઆઈ જજ એસ. કે. યાદવ 30 સપ્ટેમ્બર, 2019ના રોજ નિવૃત્ત થવાના છે, પણ તેઓ કેસ પૂરો કરી શકે તે માટે તેમનો કાર્યકાળ તે પછીના એપ્રિલ સુધી લંબાવવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે આપ્યો છે.
 
અયોધ્યામાં કેટલા કારસેવકોનાં મૃત્યુ થયાં હતાં?
 
રાજ્ય સરકારના સત્તાવાર રેકર્ડ અનુસાર બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન 16 કારસેવકો અથવા કાર્યકરોનાં મૃત્યુ થયાં હતાં. એમ. કૌશિકે બીબીસીને જણાવ્યું હતું, "સરકારી દસ્તાવેજો પ્રમાણે બાબરી મસ્જિદ ધ્વંસમાં 16 જેટલા સ્વંયસેવકોનાં મોત સત્તાવાર રીતે નોંધાયાં હતાં"
 
બાદમાં દેશભરમાં કોમી રમખાણો થયાં તેમાં 2000 જેટલા લોકોનાં મોત થયાં હતાં.