1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 29 માર્ચ 2022 (12:43 IST)

BBC ISWOTY : મીરાબાઈ ચનુ બન્યાં છે BBC ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2021

આતુરતાનો આખરે અંત આવ્યો છે, 2021ના બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં વિજેતા છે મીરાબાઈ ચનુ.
 
વિજેતાના નામની જાહેરાત નવી દિલ્હીમાં યોજાનારા પુરસ્કાર-વિતરણ સમારંભમાં કરવામાં આવી છે. બીબીસી ઇમર્જિંગ ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ અને બીબીસી લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડના વિજેતાઓનાં નામ પણ જાહેર કરવામાં આવ્યાં હતાં.
 
પુરસ્કાર માટે નામાંકન પામેલાં અને વિજેતા બનનારાં ખેલાડીઓ ઉપરાંત બીબીસી દ્વારા ટોક્યો ઑલિમ્પિક્સ તથા પૅરાલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકેલાં કેટલાંક ભારતીય ખેલાડીઓનું સન્માન પણ કરાયું હતું. તેમાં ભારતીય હૉકી ટીમનો સમાવેશ થાય છે.
 
આ પુરસ્કાર-વિતરણ સમારંભમાં બીબીસીના ડિરેક્ટર જનરલ ટીમ ડેવી, ઓડિશાના મુખ્ય મંત્રી નવીન પટ્ટનાયક, દિલ્હીના ઉપમુખ્ય મંત્રી મનીષ સિસોદિયા ઉપરાંત સ્પૉર્ટ્સ અને અન્ય ક્ષેત્રોના મહાનુભાવોએ પણ હાજરી આપી હતી.
 
 
વિજેતાની પસંદગી કેવી રીતે કરાઈ?
બીબીસીની જ્યૂરી એટલે કે પસંદગી સમિતિએ ભારતનાં મહિલા ખેલાડીઓની યાદી તૈયાર કરી હતી. જ્યૂરીના સભ્યોમાં ભારતભરના કેટલાક અગ્રણી સ્પૉર્ટ્સ પત્રકારો, નિષ્ણાતો અને લેખકોનો સમાવેશ થાય છે.
 
જ્યૂરીના સભ્યોના મહત્તમ મત મેળવનાર ટોચનાં પાંચ મહિલા ખેલાડીઓને પબ્લિક ઑનલાઇન વોટિંગ માટે નૉમિનેટ કરવામાં આવ્યાં હતાં. ઑનલાઇન વોટિંગની પ્રક્રિયા 8 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી ચાલી હતી.
 
2020માં ચેસ ખેલાડી કોનેરુ હમ્પી બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનાં વિજેતા બન્યાં હતાં, જ્યારે શૂટર મનુ ભાકરને બીબીસી ઇન્ડિયન ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.
 
અંજુ બોબી જ્યોર્જને તેમના સ્પૉર્ટ્સમાં માતબર યોગદાન બદલ લાઇફટાઇમ અચિવમેન્ટ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
 
કોણ હતાં પુરસ્કારનાં દાવેદારો?

 
મીરાબાઈ ચનુ
 
વેઇટલિફટિંગ ચૅમ્પિયન સાઈખોમ મીરાબાઈ ચનુએ 2021માં ટોક્યો ઑલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય વેઈટલિફટર બનીને રમતગમતના વૈશ્વિક ઇતિહાસમાં પોતાનું નામ અંકિત કરાવ્યું હતું.
 
2016માં રિયો ગેમ્સમાં તેઓ નિષ્ફળ રહ્યાં હતાં અને તેમણે સ્પૉર્ટને લગભગ છોડી દીધી હતી. જોકે, એ પછી તેમણે લાંબો પંથ કાપ્યો છે.
 
2017ની વર્લ્ડ વેઇટલિફટિંગ ચૅમ્પિયનશિપમાં તેઓ ગોલ્ડ મેડલ વિજેતા પણ બન્યાં હતાં.
 
ઈશાન ભારતીય રાજ્ય મણિપુરમાં જન્મેલાં મીરાબાઈના પિતા ચાનો સ્ટૉલ ચલાવે છે. મીરાબાઈએ રમતગમત ક્ષેત્રે તેમની કારકિર્દીના આરંભે પારાવાર નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ તમામ અવરોધોને પાર કરીને તેઓ ઑલિમ્પિક ચૅમ્પિયન બન્યાં હતાં.
 
અદિતિ અશોકઅદિતિ અશોક 2016માં પ્રોફેશનલ ખેલાડી બન્યાં ત્યારથી ભારતમાં મહિલા ગોલ્ફના ટોચનાં ગોલ્ફર ગણાય છે.
 
અદિતિ અશોક 2016ની રિયો ઑલિમ્પિક્સમાં ભાગ લેવા ગયેલાં ભારતીય ખેલાડીઓની ટુકડીનાં સૌથી નાની વયનાં સભ્ય અને સૌપ્રથમ મહિલા ગોલ્ફર હતાં. એ વખતે તેમની વય 18 વર્ષની હતી.
 
23 વર્ષની વયે તેઓ વિજેતા બનવામાં સહેજમાં ચૂકી ગયાં હતાં અને ટોક્યો ઑલિમ્પિક્સમાં ચોથા સ્થાને રહ્યાં હતાં. ગોલ્ફમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતને મર્યાદિત સફળતા મળી છે, પરંતુ અદિતિએ મેળવેલી સફળતાને લીધે ભારતમાં ગોલ્ફમાં લોકોનો રસ વધ્યો છે.
 
અદિતિ 2016માં લેડીઝ યુરોપિયન ટૂર ઇવેન્ટના વિજેતા બનેલાં સૌપ્રથમ ભારતીય ખેલાડી છે. 20 ડિસેમ્બર, 2021 સુધીના રૅન્કિંગ અનુસાર અદિતિ ગોલ્ફમાં વિશ્વના 125મા ક્રમાંકિત ખેલાડી છે.
 
અવનિ લેખરા
20 વર્ષની વયનાં અવનિ લેખરા પૅરાલિમ્પિક્સ ગેમના ઇતિહાસમાં ગોલ્ડ મેડલ જીતેલાં સૌપ્રથમ ભારતીય ખેલાડી છે. ટોક્યો પૅરાલિમ્પિક્સમાં વિમેન્સ દસ મીટર ઍર રાઇફલ સ્ટેન્ડિંગ એસએચવન કૅટેગરીમાં અવનિએ પૅરાલિમ્પિકમાં રૅકૉર્ડ સર્જ્યો હતો.
 
ટોક્યો ગેમમાં 50 મીટર રાઇફલ થ્રી-પોઝિશન એસએચ વન કૅટેગરીમાં અવનિએ બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યો હતો.
 
બાળપણમાં થયેલા અકસ્માતને કારણે અવનિના શરીરનો કમરથી નીચેનો હિસ્સો લકવાગ્રસ્ત થઈ ગયો છે. અકસ્માત પછી અવનિના પિતાએ તેમને શૂટિંગમાં રસ કેળવવા પ્રોત્સાહિત કર્યાં હતાં અને ત્યાર પછી અવનિએ ક્યારેય પાછું વળીને જોયું નથી.
 
સ્પૉર્ટ્સ માટેના શોખને જાળવી રાખવાની સાથે અવનિ કાયદાનો અભ્યાસ પણ કરી રહ્યાં છે.
 
લવલીના બોરગોહાઈ
લવલીના બોરગોહાઈ ટોક્યો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરીને ઑલિમ્પિક્સમાં ચંદ્રક જીતનારાં ત્રીજાં ભારતીય બૉક્સર બન્યાં હતાં.
 
લવલીના વિવિધ સ્પર્ધાઓમાં સંખ્યાબંધ મેડલ જીત્યાં છે અને 2018ની પ્રારંભિક ઇન્ડિયા ઓપનમાં ગોલ્ડ મેડલ જીત્યા પછી ઝળક્યાં હતાં. એ પછી ઑસ્ટ્રેલિયામાં યોજાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં તેમણે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
 
ઈશાન ભારતીય રાજ્ય આસામમાં જન્મેલાં 24 વર્ષીય લવલીનાએ તેમનાં બે મોટી બહેનોના જીવનમાંથી પ્રેરણા લઈને કારકિર્દીની શરૂઆત એક કિક બૉક્સર તરીકે કરી હતી, પણ હવે બૉક્સિંગ તેમની ઓળખ બની છે.
 
પી. વી. સિંધુ
બૅડમિન્ટન ખેલાડી પુસારલા વેંકટ (પી. વી.) સિંધુ ઑલિમ્પિક્સમાં બે વ્યક્તિગત મેડલ જીતેલાં સૌપ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. તેમણે 2016ની રિયો ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને ટોક્યો ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.
 
પી. વી. સિંધુએ 2021ના અંતે બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશન વર્લ્ડ ટૂર ફાઇનલમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
 
2019માં વર્લ્ડ ચૅમ્પિયનશિપ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર સૌપ્રથમ ભારતીય ખેલાડી બનીને સિંધુએ ઇતિહાસ સર્જ્યો હતો. તેમણે સપ્ટેમ્બર-2012માં 17 વર્ષની વયે બીડબલ્યુએફ વર્લ્ડ રૅન્કિંગના ટોચનાં 20 ખેલાડીઓમાં સ્થાન મેળવ્યું હતું.
 
સિંધુએ 2018 અને 2019માં હાઇએસ્ટ પેઈડ મહિલા ઍથ્લીટની ફોર્બ્સ સામાયિકની યાદીમાં સ્થાન મેળવ્યું હતું. આ યાદીમાં જૂજ ભારતીય મહિલા ખેલાડીઓને જ સ્થાન મળ્યું છે.
 
પી. વી. સિંધુ 2019માં સૌથી વધુ મત મેળવીને બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનાં સૌપ્રથમ વિજેતા બન્યાં હતાં.
 
ભારત, મહિલા, મહિલાઓના અધિકારો, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર