મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By અપર્ણા સિંહ|
Last Modified: શનિવાર, 28 ડિસેમ્બર 2019 (11:55 IST)

CAA-NRC : 'નાગરિકતા કાયદાનો વિરોધ સદંતર અવાસ્તવિક છે'

નાગરિકતા સંશોધન કાયદા(સીએએ)એ ભારતમાં ઉપાસનાના સ્વાતંત્ર્યની પ્રાચીન પરંપરાને પુનર્સ્થાપિત કરી છે. સીએએ સામે હાલ થઈ રહેલા વિરોધમાં બે ખામી છે. તેમાં પહેલી વાત એ છે કે આ વિરોધ સંસદીય લોકતંત્રનો અનાદર કરે છે. સંસદમાં છ કલાક સુધી ચર્ચાયા બાદ એ ખરડો કાયદો બન્યો છે ત્યારે તેના આ પ્રકારે વિરોધનું કોઈ ઔંચિત્ય નથી.
 
ભારતીય જનતા પાર્ટી સિવાયના પક્ષોએ આ ખરડા બાબતે ચાર કલાક ચર્ચા કરી હતી. 1976માં કરાયેલા સુધારામાં ગણતરીની મિનિટોમાં જ બંધારણમાં બે શબ્દો જોડી દેવામાં આવ્યા હતા. સીએએમાં એવું કરવામાં આવ્યું નથી.
 
બીજી ખામી એ છે કે વિરોધપક્ષના હડહડતાં તકવાદનું પ્રદર્શન છે આ વિરોધ. 2003માં તત્કાલીન વડાપ્રધાને સંસદમાં સ્વીકાર્યું હતું કે પાકિસ્તાનમાં લઘુમતીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. પ્રકાશ કરાતે 23 મે, 2012ના રોજ એક પત્ર લખીને મનમોહન સિંહને તેમના એ ભાષણનો અમલ કરવા જણાવ્યું હતું.
 
સામ્યવાદી પક્ષે (સીપીએમ) પણ જણાવ્યું હતું કે "ઐતિહાસિક પરિસ્થિતિને કારણે પાકિસ્તાન તથા બાંગ્લાદેશમાં રહેતા લઘુમતીઓએ અત્યાચારનો સામનો કરવો પડે છે. આર્થિક કારણોસર આવેલા શરણાર્થીઓ અને અત્યાચારનો ભોગ બનેલા શરણાર્થીઓ વચ્ચે ફરક છે, પણ આજે વિરોધ પક્ષોએ વિપરીત માર્ગ અપનાવ્યો છે."
 
સીએએ અને નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ(એનઆરસી)ને હકીકત તથા બંધારણના સંદર્ભમાં નિહાળવાની જરૂરિયાતનું કારણ આ જ છે.
 
શું છે એનઆરસીનો ઈતિહાસ?
 
એનઆરસી વિશે ચર્ચા કરવી હોય તો આપણે એ સમયમાં જવું પડશે, જ્યારે આસામની મહેસુલી આવક વધારવા માટે અંગ્રેજોએ પાડોશી રાજ્ય(હાલના બાંગ્લાદેશ)માંથી મુસલમાનોને મોટા પ્રમાણમાં ખેતી કરવા માટે અહીં બોલાવ્યા હતા, પણ ખેતી કરીને પેટગુજારો કરવાની આ સુવિધાને બાંગ્લાદેશી મુસલમાનોએ પોતાનો અધિકાર સમજી હતી અને જમીન કબજે કરી લીધી હતી.
 
1931ના વસતિગણતરી અધિકારી સી. એસ. મ્યુલરે કહ્યું હતું કે "આટલી મોટી સંખ્યામાં વસાહતીઓના આવવાથી આસામની લાક્ષણિકતાઓ કાયમ માટે બદલાઈ જશે અને તેનું સાંસ્કૃતિક માળખું નષ્ટ થઈ જશે."
 
આ સ્થિતિનો લાભ મુસ્લિમ લીગને 1936ની એસેમ્બ્લી ચૂંટણીમાં મળ્યો હતો. એ પછી ઘૂસણખોરોની સંખ્યામાં જોરદાર વધારો થયો હતો.
 
સ્વાતંત્ર્ય મળ્યા પછી બોરદોલોઈની રાજ્ય સરકારના દબાણ હેઠળ આવીને કેન્દ્ર સરકારે તેના ગૃહ મંત્રાલય મારફત 1951ની વસતિગણતરીમાં એનઆરસીની વાત કરી હતી.
 
એ સમયે ફોરેનર્સ ઍક્ટ-1946માં સુધારા ન થયા હોવાથી પાકિસ્તાનીઓને વિદેશી જાહેર કરવાની કોઈ જોગવાઈ ન હતી.
 
એ કારણસર એનઆરસીનો અમલ થયો ન હતો.
 
બોરદોલોઈના મૃત્યુ પછી કૉંગ્રેસે પણ તુષ્ટીકરણનું રાજકારણ રમીને એનઆરસીને અભરાઈ પર ચડાવી દીધું હતું.
 
ગેરકાયદે ઘૂસણખોરોનો ચૂંટણીલક્ષી લાભ સીપીઆઈ અને તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી) બન્નેએ લીધો હતો, પણ 1978માં મંગલદોઈ પેટાચૂંટણીને કારણે ગેરકાયદે ઘૂસણખોરોનો મુદ્દો ફરી એકવાર દેશ સમક્ષ આવ્યો હતો.
 
ઑલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન(આસુ)એ એ ચૂંટણીને રદ કરીને નવેસરથી મતદાર યાદી તૈયાર કરાવીને ચૂંટણી યોજવાની માગણી કરી હતી.એ આંદોલને 1979માં હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમાં 885 લોકોનાં મોત થયાં હતાં. તેનો અંત 15 ઑગસ્ટ, 1985ના રોજ થયેલા આસામ કરારથી આવ્યો હતો.
 
એ કરાર હેઠળ આસુ, અસમ ગણ પરિષદ અને કેન્દ્ર સરકાર સહમત થયાં હતાં કે ગેરકાયદે ઘૂસણખોરોને એક નિશ્ચિત સમયમર્યાદામાં ઓળખી કાઢવામાં આવશે, 1966થી 1971ના યુદ્ધકાળ દરમિયાન આવેલા લોકોને 10 વર્ષ સુધી મતાધિકાર નહીં મળે અને 1971 પછી આવેલા ઘૂસણખોરોને બાંગ્લાદેશ પાછા મોકલવામાં આવશે.
 
 
કૉંગ્રેસનો આસામ કરાર
 
આ કરારના અમલ માટે કેન્દ્ર સરકારે આઈએમટીડી ઍક્ટ (1983) હેઠળ ગેરકાયદે ઘૂસણખોરોને અલગ તારવવાનું સુનિશ્ચિત કર્યું હતું. એ કાયદા હેઠળ લોકોને ગેરકાયદે ઘૂસણખોર સાબિત કરવાની જવાબદારી પોલીસની હતી, જ્યારે એ પહેલાં વિદેશીઓને અલગ તારવવાની જોગવાઈ ફોરેનર્સ ઍક્ટ(1946)માં હતી.
 
તેમાં ખુદને કાયદેસરના નાગરિક સાબિત કરવાની જવાબદારી ઘૂસણખોરોની હતી.
 
આઈએમટીડી કાયદો એક નિષ્ફળ કાયદો સાબિત થયો હતો. સર્વોચ્ચ અદાલતે સર્બાનંદ સોનોવાલ વિરુદ્ધ કેન્દ્ર સરકારના કેસમાં 12 જુલાઈ, 2005ના રોજ એ કાયદાની ટીકા કરી હતી. તેને ગેરબંધારણીય ગણાવ્યો હતો અને એ કાયદા હેઠળ ચાલી રહેલી તમામ કાયદાકીય કાર્યવાહી બંધ કરવાનો આદેશ આપ્યો હતો.
 
તેની સાથે ગેરકાયદે ઘૂસણખોરોને ફોરેનર્સ ઍક્ટ (1946) હેઠળ અલગ તારવવાનો આદેશ પણ સર્વોચ્ચ અદાલતે આપ્યો હતો.
 
આસામ કરાર પછી કૉંગ્રેસની સરકારો સાથે 1990થી 2010 સુધીમાં કુલ 17 ત્રિપક્ષીય બેઠકો યોજાઈ હતી અને એ બધી બેઠકોમાં એનઆરસી પ્રત્યે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી, પણ તત્કાલીન સરકારો ક્યા કારણોસર તેનો અમલ 2013 સુધી કરી શકી ન હતી તેની કોઈ સ્પષ્ટતા મળતી નથી.
 
 
આખરે 2013માં સર્વોચ્ચ અદાલતે હસ્તક્ષેપ કર્યો હતો અને 2018 સુધીમાં એનઆરસીની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ કેન્દ્ર સરકારને આપ્યો હતો.  આસામ કરાર અનુસાર, નાગરિકતા કાયદામાં સુધારો કરીને 1985ના કાયદામાં કલમ 6A ઉમેરવામાં આવી હતી. તેમાં આસામના લોકોની નાગરિકતા માટે અલગ નિયમો બનાવવામાં આવ્યા હતા. દેશના અન્ય ભાગોમાં નાગરિકતાના નિયમો કલમક્રમાંક 3,4,5 અને 6 હેઠળ નક્કી થાય છે.
 
1956ની નાગરિકતા નિયમાવલીની કલમ 17 સમગ્ર દેશમાં એનઆરસીના અમલની વાત કહે છે, જ્યારે કલમ 19 માત્ર આસામમાં એનઆરસીના અમલની વાત કહે છે. 3 નવેમ્બર, 2004ના રોજ કલમક્રમાંક 14Aનું નિર્માણ કરીને રાષ્ટ્રીય પ્રમાણપત્ર વાત કરવામાં આવી હતી અને તેનો અમલ સમગ્ર દેશમાં થવાનો હતો.
 
આસામનું અને દેશનું એનઆરસી અલગ-અલગ
 
આમ આસામની વ્યવસ્થા અને દેશના બાકીના હિસ્સાની વ્યવસ્થામાં કાયદાકીય અંતર છે, કારણ કે બન્નેની પશ્ચાદભૂમિમાં પાયાનો તફાવત છે. આસામનું એનઆરસી અરજી આધારિત છે. અર્થાત ત્યાંના નાગરિકે ફોર્મ-18માં તમામ માહિતી ભરીને અરજી કરવાની હોય છે. દેશના બાકીના હિસ્સામાં એનઆરસી ગણતરી પર આધારિત છે, અર્થાત સરકાર તમારા પરિવાર પાસે આવીને જરૂરી માહિતી એકત્ર કરશે. 
 
આસામમાં જેમનું નામ એનઆરસીમાં નહીં હોય તેની સામે ફોરેનર્સ ઍક્ટ (1946) હેઠળ કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ દેશના બાકીના હિસ્સામાં જેમનું નામ એનઆરસીમાં નહીં હોય તેમનું શું થશે તેનો કોઈ ઉલ્લેખ કાયદા કે નિયમાવલીમાં નથી. એનઆરસી(2019)ને સંબંધ છે ત્યાં સુધી ભારતે પોતાને ત્યાં પૂજા કરવા માટે સૌપ્રથમ યહૂદીઓને શરણ આપ્યું હતું.
 
ભારતનું વિભાજન થયું ત્યારે નહેરુ અને લિયાકતે બન્ને દેશમાં રહેતા લઘુમતી કોમોના લોકોને ધાર્મિક સ્વાતંત્ર્યનું આશ્વાસન આપ્યું હતું. 
 
ભારતે તેની ચિરકાલીન પરંપરા અનુસાર પોતાને ત્યાં લઘુમતી કોમોના લોકોને સંપૂર્ણ સ્વાતંત્ર્ય આપ્યું અને આગળ વધવાની સમાન તકો પણ આપી, પરંતુ પાકિસ્તાન એવું કરી શક્યું નહીં અને ત્યાંથી લઘુમતી કોમોના લોકોની સંખ્યા સતત ઘટવા લાગી.
 
આ કરાર ન થયો હોત તો લઘુમતી કોમોના લોકો કદાચ પાકિસ્તાનમાં રહ્યા જ ન હોત અને તેમની અવદશા ન થઈ હોત. તેથી તેમને તેમનો દેશ પસંદ કરવાનો જે અધિકાર વિભાજન સમયે હતો એ મળવો જોઈએ. તેની સામે વાંધો લેવો એ તો પોતાની જવાબદારી નિભાવવામાંથી પારોઠનાં પગલાં ભરવા જેવું ગણાય.
 
ભારતે 'રાઈટ-ટુ-વર્શીપ'ની પોતાની પુરાતન સંસ્કૃતિની પુનર્સ્થાપના કરી છે. 'અલ્પસંખ્યક' એટલે કે લઘુમતી શબ્દ આપણા બંધારણ અને દેશ માટે નવો નથી. લઘુમતીઓનું સંરક્ષણ અને તેમને આગળ વધવા માટે પૂરતી તક આપવાની વાત બંધારણમાં કહેવામાં આવી છે. તેના આધારે આપણે તેમને ઉપાસનાનો અધિકાર આપી રહ્યા છીએ ત્યારે લઘુમતીઓને ખરાબ લાગવું ન જોઈએ.
 
શું આપણા મુસલમાન ભાઈઓને એ વાત નથી કનડતી કે તેમના ધર્મના નામે પાડોશી દેશ તેમના બિન-મુસ્લિમ ભાઈઓ પર અત્યાચાર કરે છે?
 
તિબેટિયનોનો સમાવેશ શા માટે નથી કર્યો
 
અહમદિયાઓની વાત કરતા લોકોને એ ખબર હોવી જોઈએ કે પાકિસ્તાન સરકારે તેમને 1970માં લઘુમતી જાહેર કર્યા છે અને તેઓ ખુદને ઈસ્લામના અનુયાયી માને છે. 
 
રોહિંગ્યા એક એવી જમાત છે કે જેણે બીજા દેશોમાં ઘૂસણખોરી કરી છે. તેમનો પોતાનો દેશ મ્યાનમાર ધર્મના આધારે ચાલતો દેશ નથી. એ કારણસર આપણે તિબેટ, બર્મા, શ્રીલંકા તથા નેપાળના શરણાર્થીઓને નાગરિકતા આપી ન શકીએ, કારણ કે તેમના માટે આપણને કોઈ નેહરુ-લિયાકત કરાર બંધનકર્તા નથી.
 
તેમના માટે ભારત સરકારે ખાસ શરણાર્થી કાયદો બનાવવાની જરૂર છે. સીએએ પછી એનઆરસી બન્યા બાદ હિંદુઓને નાગરિકતા મળી જશે અને મુસલમાનોને નહીં મળે, એવો ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે, પણ હકીકત એ છે કે આસામમાં પણ જે લોકોનું નામ એનઆરસીમાં આવ્યું નથી તેમને 10 વર્ષ સુધી મતદાનથી વંચિત રાખવામાં આવ્યા છે, પણ બાકીની સુવિધાઓ પૂર્વવત રાખવામાં આવી છે.
 
1971 પછી આવેલા લોકોને જ વિદેશી ગણવામાં આવ્યા છે અને તેમને પાછા મોકલવાની પ્રક્રિયા ચાલી રહી છે. દેશના એનઆરસીની પ્રક્રિયા હજુ સુધી સંપૂર્ણપણે બનાવવામાં આવી નથી. નાગરિકતા નિયમાવલી (2003) હેઠળ સમગ્ર દેશમાં એનઆરસીનો અમલ થવાનો છે.
 
એ નિયમાવલીમાં ફોરેનર્સ ઍક્ટનો ક્યાંય ઉલ્લેખ નથી. તેથી આસામના એનઆરસીના આધારે સમગ્ર દેશનું આકલન કરવું એ સદંતર ખોટું છે. તેની સમગ્ર પ્રક્રિયા જાહેર થઈ નથી, તેની કટઑફ તારીખ શું હશે, જેમનું નામ તેમાં નહીં હોય તેમનું શું થશે, સરકાર ઘરેઘરે જઈને માહિતી મેળવશે કે નહીં, ક્યા દસ્તાવેજો જોઈશે, દસ્તાવેજો જોઈશે કે નહીં વગેરે જેવા સંખ્યાબંધ મુદ્દાઓ વિશે હજુ સુધી કોઈ વિચારણા થઈ જ નથી.
 
રશિયાએ હાઇપરસૉનિક મિસાઇલ સિસ્ટમ વિકસાવી, આ છે ખાસિયતો
હિંદુઓને નાગરિકતા મળી જશે અને મુસલમાનો રહી જશે, એવું કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓનું નિવેદન દેશના મુસલમાનોને ગેરમાર્ગે દોરવાના સ્પષ્ટ હેતુસર કરવામાં આવેલું છે. જે ત્રણ પાડોશી ઈસ્લામિક દેશોના લઘુમતી શરણાર્થીઓ અહીં રહે છે તેમને 5 વર્ષમાં અને અન્યોને 11 વર્ષમાં નેચરલાઈઝેશન હેઠળ નાગરિકતા આપવાનો આ સુધારો છે.
 
પાડોશી દેશોની લઘુમતીઓને ઝડપથી નાગરિકત્વ આપવું જરૂરી છે, કારણ કે તેમના દેશમાં તેમણે ધર્મના નામે અત્યાચારનો સામનો કરવો પડે છે. એક મુસલમાન માટે ભારતની નાગરિકતા એક બહેતર વિકલ્પ હોઈ શકે છે. તેનો આધાર ધાર્મિક દમન ન હોઈ શકે.
 
એ સ્થિતિમાં એક બહેતર અને એકમાત્ર વિકલ્પ માટે વધુ છ વર્ષ રાહ ન જોઈ શકાય?