સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By ડૉક્ટર સિદ્ધાર્થ|
Last Modified: રવિવાર, 14 એપ્રિલ 2019 (10:29 IST)

Ambedkar Jayanti 2019- ડૉ. બી. આર. આંબેડકર હિંદુરાષ્ટ્રને ખતરો કેમ માનતા હતા? - દૃષ્ટિકોણ

ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવાની ધૂન ભલે આજે લોકોના મન પર છવાયેલી જોવા મળતી હોય, પણ ભારતને હિંદુરાષ્ટ્ર બનાવવાનું સપનું એ કંઈ આજકાલનું નથી.
સંઘ અને તેની સાથે જોડાયેલાં સંગઠનો રાષ્ટ્રગાન, ગૌમાંસ, ગૌરક્ષા અને રામમંદિર પર જે વલણ દર્શાવી રહ્યાં છે, તે તો માત્ર શરુઆત છે.
RSS પ્રમુખ મોહન ભાગવતે આખા દેશમાં ગૌહત્યા રોકવા માટે કાયદો લાગુ કરવાની વકીલાત કરી હતી. અનામત પર પુનર્વિચાર કરવા અંગેનું નિવેદન પણ તેઓ આપી ચૂક્યા છે.
હિંદુસંસ્કૃતિને સમગ્ર ભારત માટે આદર્શ જીવનસંહિતા બનાવવી એ સંઘનું લક્ષ્ય છે. મહિલાઓ માટે ડ્રેસ કોડ, લવ જેહાદ વિરુદ્ધ અભિયાન વગેરે તો ચાલતાં જ રહે છે.
ખરેખર ઇસ્લામ આધારિત અલગ રાષ્ટ્ર અને હિંદુરાષ્ટ્ર બન્નેની માગ જોડીયા ભાઈઓની જેમ પેદા થઈ હતી. બન્નેએ એકબીજાને બળ પ્રદાન કર્યું હતું.
baba saheb ambedkar
હકીકત તો એ છે કે હિંદુ બહુમતીના શાસનના ભયથી સર્જાયેલી જમીન પર જ અલગ પાકિસ્તાનની માગ ઊપજી હતી.
ડૉક્ટર આંબેડકરે 1940માં જ ધર્મ આધારિત રાષ્ટ્ર પાકિસ્તાનની માગ પર ચેતવણી આપતા કહ્યું હતું, "જો હિંદુરાષ્ટ્ર બની જાય છે તો તેમાં કોઈ શંકા નથી કે આ દેશ માટે મોટો ખતરો બની જશે. હિંદુ કંઈ પણ કહે, પણ હિંદુત્ત્વ સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારા માટે એક ખતરો છે. હિંદુરાજને ગમે તે કિંમત પર રોકવું જોઈએ."
આજથી આશરે 79 વર્ષ પહેલાં જે ખતરા પ્રત્યે આંબેડકરે ચેતવણી ઉચ્ચારી હતી, એ ખતરો આજે ભારતના દરવાજા પર દસ્તક આપી ચૂક્યો છે.
ભલે બંધારણ બદલાયું નથી અને ભારત હજુ પણ ઔપચારિક રીતે ધર્મનિરપેક્ષ દેશ હોય, પણ વાસ્તવિક જીવનમાં હિંદુત્ત્વવાદી શક્તિઓ સમાજ-સંસ્કૃતિ સાથે રાજસત્તા પર પ્રભાવી નિયંત્રણ મેળવી ચૂકી છે.
ભાજપની જીત
ઉત્તર પ્રદેશમાં ભાજપની ભારે જીત બાદ શાસનનું વલણ અને તેના દ્વારા લેવામાં આવી રહેલા નિર્ણય તેમજ સંઘના કર્તાહર્તાનાં નિવેદનોથી આ મામલે કોઈ શંકા જન્મતી નથી.
આંબેડકર દરેક પરિસ્થિતિમાં ભારતને હિંદુરાષ્ટ્ર બનવાથી રોકવા માગતા હતા કેમ કે તેઓ હિંદુ જીવનસંહિતાને સંપૂર્ણપણે સ્વતંત્રતા, સમતા, બંધુતાની વિરોધી ગણાતા.
હિંદુરાષ્ટ્રના તેમના વિરોધનું કારણ માત્ર હિંદુઓની મુસ્લિમો પ્રત્યે નફરત સુધી મર્યાદિત નહોતું.
સાચી વાત તો એ છે કે તેઓ હિંદુરાષ્ટ્રને મુસ્લિમોની સરખામણીએ હિંદુઓ માટે જ વધારે ખતરનાક માનતા હતા.
તેઓ હિંદુરાષ્ટ્રને દલિતો અને મહિલાઓ વિરુદ્ધ માનતા હતા. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે જાતિવ્યવસ્થાને જાળવી રાખવાની અનિવાર્ય શરત એ છે કે મહિલાઓને આંતરજાતીય લગ્ન કરવાથી રોકવામાં આવે.
 
હિંદુત્વ અને લોકતંત્ર
આ સ્થિતિને તોડવા માટે તેમણે 'હિંદુ કોડ બિલ' રજૂ કર્યું હતું.
હિંદુરાષ્ટ્રને તેમણે જોખમકારક ગણ્યું એ પાછળ જાતીવ્યવસ્થાથી સર્જાયેલી અસમાનતા મોટું કારણ હતી. આ અસમાનતા સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ અને લોકતંત્રનો નિષેધ કરે છે.
તેઓનું માનવું હતું કે અસમાનતાના પગલે વાસ્તવિક સ્વતંત્રતા સ્થાપી શકાય નહીં. અને સમતા, સ્વતંત્રતા, સમાનતા વગર સામાજિક ભાઈચારાની માત્ર કલ્પના જ થઈ શકે.
જાતિવાદી અસમાનતા હિંદુત્વનું પ્રાણતત્ત્વ છે. આ જ વાત આંબેડકરને એવું માનવા દોરી જતી કે હિંદુત્વ અને લોકતંત્ર બે વિરુદ્ધ દિશામાં ઊભાં છે.
જાતિગત અસમાનતા અને તેને જાળવી રાખવા માટે મહિલાઓ દ્વારા વર્ણ અને જાતિ બહાર જીવનસાથી પસંદ કરવા પર નિયંત્રણના મામલે હિંદુઓની અંદર કોઈ પરિવર્તન આવ્યું નથી.
આ બધાં તથ્યો એ જ જણાવે છે કે હિંદુ બધું છોડી શકે છે, પરંતુ જાતિ નહીં. જાતિ તેમનો મૂળ આધાર છે અને આંબેડકર તેને ખતમ કર્યા વગર લોકતાંત્રિક સમાજની કલ્પના પણ કરી શકતા નહોતા.