મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 22 એપ્રિલ 2020 (16:00 IST)

કોરોનામાં વૈશ્વિક રાજકારણ: ચીનનું રોકાણ કેવી રીતે અટકાવી રહ્યું છે ભારત?

કોરોના વાઇરસની મહામારી વચ્ચે જ્યારે ચીનની એક બૅન્કે એક ભારતીય કંપનીમાં 1.01 ટકાની ભાગીદારી ખરીદી તો ભારતની સરકાર ચિંતામાં પડી ગઈ.

ચીનની કમ્પનીઓ ભારતના વ્યાપારિક સંસ્થાનોમાં પોતાની ભાગીદારી ન વધારી શકે એ માટે હવે ભારતે પોતાની પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિમાં ફેરફાર કર્યો છે.

સ્વાભાવિકપણે ચીને કહ્યું કે પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિમાં ફેરફાર કરવાનો ભારતનો નિર્ણય ભેદભાવપૂર્ણ પગલું છે.

ભારતમાં ચીનના દૂતાવાસે કહ્યું કે ભારતમાં ચીનનું રોકાણ હંમેશા ભારતના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપે છે.

ચીનના દૂતાવાસના પ્રવક્તા જી રૉંગે એક ટ્વીટ કરીને ભારત સરકારને અપીલ કરી કે ‘તે વ્યાપારમાં ભેદભાવપૂર્ણ વર્તનને બદલે નિષ્પક્ષ, પારદર્શક અને સમાન તક આપતું વ્યાવસાયિક વાતાવરણ બનાવવાનું કામ કરે.
 

કોવિડ-19ને કારણે ભારતમાં ચીન વિરુદ્ધ માહોલ બન્યો
 
ભારત સરકારે પ્રત્યક્ષ વિદેશ રોકાણના જે નવા નિયમ બનાવ્યા છે તે પ્રમાણે હવે ભારત સાથે જમીની સરહદ ધરાવનાર દેશોએ ભારતમાં કોઈ વેપાર કે કંપનીમાં રોકાણ વખતે ભારત સરકાર પાસેથી મંજૂરી લેવી અનિવાર્ય ગણાશે.
 
અગાઉ આ પાબંદી ભારતમાં રોકાણ કરવાના ઇચ્છુક પાકિસ્તાન અને બાંગ્લાદેશના રોકાણકારો માટે જ હતી.
 
ભારતીય મીડિયામાં સમાચાર હતા કે ચીનની પીપલ્સ બૅન્ક ઑફ ચીને ભારતમાં ઘર માટે ધિરાણ આપતી સૌથી મોટી બિન બૅન્કિંગ સંસ્થા, હાઉસિંગ ડેવેલપમેન્ટ ફાઇનાન્સ કૉર્પોરેશન લિમિટેડ (HDFC)માં પોતાની ભાગીદારીને 0.8 ટકાથી વધારીને 1.01 ટકા કરી છે.
 
લૉકડાઉન 2.0 : ભારતમાં લાખો એકમ બંધ થવાની અને કરોડો નોકરી જવાની આશંકા
ભારતીય કંપનીઓની નબળી પરિસ્થિતિ
 
18 એપ્રિલે ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર પ્રોત્સાહન વિભાગે એક નિવેદન બહાર પાડ્યું હતું.
 
19 એપ્રિલે ભારતીય અંગ્રેજી અખબાર ધ હિંદુએ એ નિવેદનના હવાલાથી લખ્યું કે, “પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોમાં ફેરફાર કરવા પાછળનો ઇરાદો સ્પષ્ટ છે. અમે કોઈ પણ વિદેશી રોકાણકાર દ્વારા કોવિડ-19 મહામારીનો ફાયદો ઉઠાવીને કોઈ પણ ભારતીય કંપનીનું અધિગ્રહણ કરવા કે તેના પર કબજો કરવાના પ્રયત્નને રોકવા માગીએ છીએ.”
 
આ રિપોર્ટ પ્રમાણે ભારત સરકારના અધિકૃત નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું, “જો ભવિષ્યમાં પણ ભારતના પાડોશી દેશો દ્વારા પ્રત્યક્ષ વિદેશી રોકાણને કારણે કોઈ ભારતીય કંપનીની માલિકીમાં પરિવર્તન આવે તો તેના માટે પણ ભારતની સરકારની પરવાનગી લેવી જરૂરી હશે.”
 
ભારતના પ્રમુખ વાણિજ્ય અંગ્રેજી અખબાર ધી ઇકોનૉમિક ટાઇમ્સે 20 એપ્રિલે એક અહેવાલ પ્રકાશિત કર્યો કે ભારતની પ્રત્યક્ષ વિદેશી રોકાણની નીતિમાં આ ફેરફારોની અસર અન્ય દેશોમાં આવેલી ભારતીય કંપનીઓ સાથે થનાર લેવડ-દેવડ ઉપર પણ પડશે, જેમાં ચીનની કંપનીઓ સામેલ હશે.
 
ધી ઇકોનૉમિક ટાઇમ્સે નામ ન આપવાની શરત પર એક સરકારી અધિકારીને ટાંકીને લખ્યું કે જો કોઈ કંપનીએ ભારતમાં રોકાણ કર્યું છે અને તે કંપનીની વિદેશી શાખામાં કોઈ ચીની કંપની કે સંસ્થા પૈસા રોકે, તેના માટે તે કંપનીની ભારતીય પેટા કંપની કે મૂળ કંપનીને સરકાર પાસેથી આવા રોકાણની પરવાનગી લેવી પડશે.
 
ભારત સરકારના આ પગલાં પાછળ ઇરાદો પોતાના અર્થતંત્રમાં ચીનના વધતા પ્રભાવ પર નિયંત્રણ કરવાનો છે. સાથે જ નબળી પડી રહેલી ભારતીય કંપનીઓની માલિકી ચીનની સંસ્થાઓના હાથમાં જતી રોકવાનો પણ છે.
 
કોવિડ-19 મહામારીને કારણે, ભારતે વાઇરસના સંક્રમણને રોકવા માટે જે લૉકડાઉન કર્યું છે, તેનાથી ભારતની કંપનીઓની પરિસ્થિતિ નબળી પડી છે.
 
કેટલાક ભારતીય મીડિયા સંસ્થાનોએ એવી પણ આશંકા વ્યક્ત કરી હતી કે પ્રત્યક્ષ વિદેશી રોકાણના નિયમોમાં આ ફેરફારની ભારત અને ચીનના સંબંધ પર ખરાબ અસર થઈ શકે છે.
 
આશંકા એ વાતની પણ છે કે ભારતનું આ પગલું ભવિષ્યમાં ભારતમાં ચીની કંપનીઓના રોકાણ ઉપર પણ ખરાબ અસર કરશે. ખાસ કરીને, જ્યારે ચીનનો એ દાવો હતો કે તેના રોકાણને કારણે ભારતમાં કેટલાક ઉદ્યોગોનો ઝડપી વિકાસ થયો છે જેમકે મોબાઇલ ફોન, વીજળીનો ઘરેલું સામાન, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઑટોમોબાઇલ ઉદ્યોગ.
 
ભારતમાં ચીનનું રોકાણ બંધ થશે?
 
ચીને ભારતમાં મોટા પાયે રોકાણ કર્યું છે. રિસર્ચ સમૂહ બ્રૂકિંગ્સ ઇન્ડિયાએ માર્ચ મહિનામાં એક સ્ટડી રિપોર્ટ બહાર પાડ્યો હતો.
 
ભારતના પ્રતિષ્ઠિત અંગ્રજી અખબાર ધી ઇન્ડિયન ઍક્સપ્રેસના એક અહેવાલ મુજબ ભારતમાં ચીનનું વર્તમાન અને સૂચિત રોકાણ 26 અબજ ડૉલરને પાર પહોચ્યું છે.
 
આ રિપોર્ટ પ્રમાણે જે તપાસનો સામનો સામાન્ય રીતે પશ્ચિમી દેશોની કંપનીઓ કરે છે એમાંથી ચીનની કંપનીઓ બચીને નીકળી જતી હોય છે ચીની સંસ્થાનોએ ભારતમાં મોટા પ્રમાણમાં રોકાણ અને અધિગ્રહણ કર્યું છે.
 
અંગ્રેજી અખબાર ધી મિન્ટે 19 એપ્રિલે એક અહેવાલ પ્રકાશિત કર્યો કે ભારત સરકારની પ્રત્યક્ષ વિદેશી રોકાણ નીતિમાં ફેરફારને કારણે કોવિડ-19 મહામારી પછીના સમયમાં ભારતમાં ચીનનું રોકાણ થંભી શકે છે.
 
ધી મિન્ટે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે એક અબજ ડૉલરથી વધારે મૂલ્ય ધરાવતી 23 ભારતીય સ્ટાર્ટ અપ કંપનીઓમાંથી 18ની પાછળ ચીનના રોકાણકારો છે જેમકે અલીબાબા ટેનસેન્ટ અને ‍ઍન્ટ ફાઇનાન્સિયલ.
 
આ રિપોર્ટ મુજબ પ્રત્યક્ષ વિદેશી રોકાણના આ નવા નિયમ ચીનના રોકાણકારોને ભારતમાં આગળ રોકાણને ટાળવા અથવા તેને સંપૂર્ણપણે રદ કરવા મજબૂર કરશે. જે કંપનીઓમાં રોકાણનો વાયદો ચીન કરી ચૂક્યું છે એવી કંપનીઓ સાથે આમ બની શકે છે.