મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 એપ્રિલ 2020 (08:36 IST)

ઇમરાન ખેડાવાલા : જાણો કોણ છે કૉંગ્રેસના એ નેતા જે ગુજરાતનો હાઈ-પ્રોફાઇલ કોરોના દર્દી બન્યા

કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણની વચ્ચે અમદાવાદની જમાલપુર-ખાડિયા બેઠકથી કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. આ રિપોર્ટ આવ્યો તે દિવસે જ તેમણે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી, નીતિન પટેલ, ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથેની એક બેઠકમાં મુખ્ય મંત્રીના નિવાસસ્થાને ભાગ લીધો હતો. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ એ બેઠક પછી કોટ વિસ્તારમાં કરફ્યૂની જાહેરાત કરી હતી. આ ઇમરાન ખેડાવાલા એક હાઇપ્રોફાઇલ દર્દી બની ચર્ચામાં આવ્યા છે.
 
કોણ છે ઇમરાન ખેડાવાલા?
 
ઇમરાન ખેડાવાલા લાંબી રાજકીય સફર કરીને કાઉન્સિલરમાંથી ધારાસભ્ય બનેલા કૉંગ્રેસના નેતા છે. ઇમરાન ખેડાવાલાનું આખું નામ ઇમરાન યુસુફભાઈ ખેડાવાલા છે. 2010માં એમણે જમાલપુર વૉર્ડમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે કૉર્પોરેશનની ચૂંટણી જીતી હતી. જોકે, 2015માં ટિકિટને લઈને વિવાદ થયો અને એમણે કૉંગ્રેસથી છેડો ફાડી લીધો.
 
સ્થાનિક સ્તરે લોકપ્રિય એવા ઇમરાન ખેડાવાલાએ કૉર્પોરેશનની એ ચૂંટણી અપક્ષ તરીકે લડી હતી અને જીતી લીધી હતી. એ વખતે અપક્ષ ચૂંટણી જીતનારા તેઓ એક માત્ર મુસ્લિમ નેતા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સત્તાધારી ભાજપે એમને બે સિવિક બૉડીમાં પણ સ્થાન આપ્યું હતું.
 
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ એમણે એ વખતે પોતાની જીત પ્રતિબદ્ધ કાઉન્સિલર હોવાને કારણે અને કોઈ સાથે ભેદભાવ ન કરતા હોવાને કારણે થઈ એમ કહ્યું હતુ. ગુજરાતમાં શહેરી વિસ્તારોમાં ભાજપનું પ્રભુત્વ વધારે જોવા મળે છે. 2017માં કૉંગ્રેસે શહેરી વિસ્તારની 18 પૈકી જે મહત્ત્વની બેઠક જીતી તે જમાલપુર-ખાડિયા વિધાનસભાની હતી. આ બેઠક કૉંગ્રેસે ચાર દાયકા પછી જીતી હતી.
 
જમાલપુર-ખાડિયાની બેઠક છેક 1980થી ભાજપનો ગઢ હતી.
 
ભાજપના દિગ્ગજ નેતા અશોક ભટ્ટની આ પરંપરાગત બેઠક ગણાવા લાગી હતી. 2011 સુધી તે ફક્ત ખાડિયા બેઠક ગણાતી હતી પરંતુ 2012થી તે જમાલપુર-ખાડિયા બેઠક ગણાય છે. હિંદુ અને મુસ્લિમ બેઉની સંખ્યા ધરાવતી આ બેઠક જીતી ધારાસભ્ય બનનાર ઇમરાન ખેડાવાલા પહેલા મુસ્લિમ નેતા છે.
કૉંગ્રેસના અજિત પટેલ 1972માં આ બેઠક જીતી એ પછી 2017 સુધી કૉંગ્રેસ પાર્ટી કદી આ બેઠક જીતી શકી નહોતી.
 
1975થી લઈને 2007 સુધી આ બેઠક પર ભાજપના દિવંગત નેતા અશોક ભટ્ટનું શાસન રહ્યું. અશોક ભટ્ટે 8 વાર આ વિધાનસભા બેઠક જીતી હતી.
 
અશોક ભટ્ટ 1960ના દાયકાથી જનસંઘમાં સક્રિય હતા અને તેઓ ગુજરાત સરકારમાં આરોગ્ય તથા કાયદો અને ન્યાય વિભાગમાં મંત્રી પણ રહ્યા અને સ્પીકર પણ બન્યા હતા. 2010માં એમનું અવસાન થયું અને એ પછી 2011ની પેટાચૂંટણીમાં અને 2012ની ચૂંટણીમાં અશોક ભટ્ટના પુત્ર ભૂષણ ભટ્ટનો વિજય થયો.
 
2017માં ઇમરાન ખેડાવાલાએ ભૂષણ ભટ્ટને હરાવી ભાજપ પાસેથી આ બેઠક આંચકી લીધી. ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ઇમરાન ખેડાવાલા કૉંગ્રેસ નેતા ગ્યાસુદ્દીન શેખ અને હિમંતસિંહ પટેલ બેઉની નજીક ગણાય છે.
 
બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પૉઝિટિવ હોવાની ખરાઈ કરી હતી. આ ઉપરાંત ભાર્ગવ પરીખ સાથેની વાતચીતમાં કૉંગ્રેસના શાહપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે ઇમરાન ખેડાવાલાને બે દિવસથી તાવ હતો, એટલે તેમણે બે દિવસ પહેલાં ટેસ્ટ કરાવ્યો હતો.
 
ઇમરાન ખેડાવાલા જે દિવસે એમનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો તેના થોડા સમય અગાઉ મંગળવારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ સાથેની બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ગુજરાત સરકારના ઉચ્ચ અધિકારીઓ સામેલ હતા.
 
મુખ્ય મંત્રી ના સચિવશ્રી અશ્વિનીકુમારે મીડિયાને કહ્યું કે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારમાં કોરોના વાઇરસનાના કેસો વધારે હોવાથી સમગ્ર વિસ્તારને કરફ્યૂ હેઠળ મૂકવાની ચર્ચા માટે જે તે વિસ્તારના સ્થાનિક ધારાસભ્ય શૈલેષ પરમાર, ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલાને મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ મુખ્ય મંત્રી નિવાસસ્થાને બોલાવ્યા હતા.
 
એમણે કહ્યું કે, બે દિવસ અગાઉ સામાન્ય તાવ અને શરદીના લક્ષણો જણાતા ખેડાવાળાનું સૅમ્પલ સોમવારે લેવામાં આવેલું હતું અને તેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. તેમણે રિપોર્ટ ન આવે ત્યાં સુધી અન્ય લોકોને મળવાનું ટાળવું જોઈતું હતું જે ન કરીને તેમણે ભૂલ કરી છે.
 
એમણે એમ પણ કહ્યું કે મિટિંગમાં ખેડાવાલા મુખ્ય મંત્રી વિજય રૂપાણીથી આશરે 15થી 20 ફૂટ જેટલા અંતરે બેઠા હતા અને તેઓ નજીકથી સંપર્કમાં આવ્યા નથી. તે છતાં મેડિકલ તજજ્ઞોની સલાહ અનુસાર આગળ કાર્યવાહી કરાશે.