બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 14 એપ્રિલ 2020 (16:28 IST)

ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ કોવિડ 19 કેર સેન્ટરમાં ફેરવાઈ

અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસને પગલે દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટી સમરસ હોસ્ટેલમાં આ કોવિડ 19 કેર સેન્ટર બનાવાયું છે. જેનું નિરીક્ષણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ કર્યું હતું.  આ સેન્ટરમાં 2 હજાર દર્દીઓને રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં દાખલ થનાર દર્દીનું દિવસ દરમિયાન અલગ અલગ સમયે મેડિકલ ચેક અપ થશે.અહીં એવા દર્દીઓને રાખવામાં આવશે જે કોરોના પોઝિટિવ છે, પરંતુ તેમની પરિસ્થિતિ ગંભીર નથી. અહીં તેમને 14 દિવસ સુધી ક્વોરન્ટીન કરાશે. તે દરમિયાન તેઓના રહેવાની અને સમય પસાર કરી શકે તે હેતુથી વાંચન માટે લાયબ્રેરી, ઇન્ડોર ગેમ રમી શકે તે માટે રમતનાં સાધનો રાખવામાં આવ્યા છે. તેમજ ટીવીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.આ ઉપરાંત 2000 જેટલા દર્દીઓ માટે 200 નો સ્ટાફ રાખવો પડતો હોય છે. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરાયેલા માઈક્રો પ્લાનિંગને લઈ માત્ર ડોકટર અને નર્સીગ સહિત 8થી 10નાં સ્ટાફમાં આ સમગ્ર આયોજન કરાયું છે. આ 14 દિવસ દરમિયાન સ્ટાફને પણ ચેપ ના લાગે તે નું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે.દર્દીઓનાં 14 દિવસ પૂર્ણ થયા બાદ કર્મચારીઓ ને પણ અહીં 
ઓબ્ઝર્વેશનમાં રખાશે. એટલે અહીંનો ચેપ બહાર ના જઈ શકે. આ સમગ્ર સેન્ટરમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લગાવામાં આવ્યા છે.આ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા એ જણાવ્યું કે, બે દિવસ પહેલા અમદાવાદ ખાતે સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી હતી હવે તૈયારીઓ પૂર્ણ થઈ છે. 2000 લોકો રાખી શકાય તે પ્રકારનું કોવિડ કેર સેન્ટર દેશની મોટામાં મોટા સેન્ટર તરીકે ડેવલપ કર્યું છે. પોઝિટિવ દર્દીના આરોગ્ય સિવાય પણ ફિઝિકલ અને મેન્ટલ હેલ્થને ધ્યાને રાખીને સેન્ટર તૈયાર કર્યું છે. દર્દીઓ માટે ફ્રી વાઈ ફાઈ, રીડિંગ રૂમ, ટીવી, કેરમ, પત્તા, ચેસ રમવાની પણ વ્યવસ્થા છે.  બેડ, સેનેટાઈઝેશનની વ્યવસ્થા કરાઈ છે, તમામને એક કીટ અપાશે જેમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ હશે. અહીં મેડિકલ ટીમ રાઉન્ડ ધ ક્લોક કામ કરશે. ટીમને 14 દિવસ અહીં રખાશે ત્યારબાદ તેમનું મોનીટરીંગ કરાશે અને બીજી ટીમ અહીં મુકીશું. દર્દીઓ માટે જુદી લિફ્ટ રહેશે, ચેપ બહાર ન જાય તેની કાળજી લેવાશે. અધિકારી નીતિન સાંગવાન અને તેમની ટીમે આ સેન્ટર તૈયાર કર્યું છે. cctv ની મદદથી તમામ બાબતોની ધ્યાન રખાશે. આ ફાઈનલ વિઝિટ હતી. હવે અહીં દર્દી લાવવામાં આવશે. આખો વિસ્તાર પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાશે.