ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 17 નવેમ્બર 2019 (12:39 IST)

ગુજરાતના આ શહેરના નળનું પાણી અસુરક્ષિત, દિલ્હીનું સૌથી ખરાબ

બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (બીઆઇએસ) દ્વારા એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો.
જેના તારણ અનુસાર, દેશનું આર્થિક પાટનગર ગણાતા એવા મુંબઈ શહેરમાં નળમાંથી આવતું પાણી દેશમાં સૌથી સુરક્ષિત હોવાનું બહાર આવ્યું હતું.
આ અભ્યાસ દરમિયાન ગાંધીનગરમાંથી લેવાયેલા નળના પાણીના નમૂના નક્કી કરાયેલા માપદંડો પર યોગ્ય ઠર્યા નથી.
નોંધનીય છે કે આ યાદીમાં ગાંધીનગર ગુવાહાટી અને બેંગ્લુરૂ સાથે 10મા ક્રમાંક પર હતું.
આ અભ્યાસમાં ગાંધીનગરના તમામ નમૂના ફેલ થયા હતા.
બીઆઈએસ દ્વારા નિર્ધારિત કરાયેલા માપદંડો પૈકી 5 માપદંડો પર ગાંધીનગરના નમૂના ખરા નહોતા ઊતરી શક્યા.
અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે દેશમાં સૌથી ઊતરતી કક્ષાનું પાણી દેશની રાજધાની દિલ્હીના નળોમાંથી આવે છે.
નોંધનીય છે કે આ અભ્યાસમાં દેશનાં કેટલાંક મોટા શહેરોને, જેમાં કેટલાંક રાજ્યોનાં પાટનગરોનો પણ સમાવેશ થાય છે, સામેલ કરાયાં હતાં.
બીઆઇએસના અભ્યાસ પ્રમાણે દેશનાં 17 રાજ્યોનાં પાટનગરોમાંથી લેવાયેલા નમૂના પણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ 10500:2012 મુજબ ખરા ઊતર્યા નહોતા.
ગાંધીનગર ઉપરાંત ચંદીગઢ, ગુવાહાટી અને લખનૌ વગેરે જેવાં શહેરોના નમૂના પણ નિષ્ફળ રહ્યા હતા.
આ અભ્યાસમાં મુંબઈના પાણીના નમૂના નિર્ધારિત માપદંડો પ્રમાણે સૌથી યોગ્ય સાબિત થયા હતા.
દિલ્હીમાંથી લેવાયેલા દરેક 19 નમૂના બીઆઇએસ દ્વારા નિર્ધારિત 11 માપદંડોમાં અસફળ રહ્યા હતા.
અભ્યાસ પ્રમાણે જે શહેરોના નમૂના નીચી ગુણવત્તાના હોવાનું માલૂમ પડ્યું છે, તે માટે કેટલીક ખાસ અશુદ્ધિઓ જવાબદાર હતી.
મોટા ભાગના નમૂનાઓમાં ટોટલ ડિઝોલ્વ સોલિડ (TDS), માટીયુક્ત અશુદ્ધિ અને પાણીમાં ક્ષારત્વનું પ્રમાણ વધુ માત્રામાં જોવા મળ્યું હતું.
આ સિવાય ઘણાં શહેરોના પાણીના નમૂનાઓમાં ખનીજ દ્રવ્યો તેમજ કોલિફૉર્મ અને ઇ-કોલાઇ જેવા બૅક્ટેરિયાની હાજરી જોવા મળી હતી.
નોંધનીય છે કે પાણીમાં આ પ્રકારના બૅક્ટેરિયાની હાજરી ગંભીર માંદગીનું કારણ બની શકે છે.