હૈદરાબાદ ગૅંગરેપ કેસ : પીડિતાએ છેલ્લી વખત તેમનાં બહેન સાથે વાત કરી ત્યારે શું કહ્યું હતું?

Last Updated: રવિવાર, 1 ડિસેમ્બર 2019 (09:24 IST)
હૈદરાબાદ શહેરની બહારના વિસ્તારમાં 27 વર્ષની એક ડૉક્ટર યુવતી પર ગૅંગરેપ અને બાદમાં જીવતા સળગાવી દેવાની ઘટનામાં પોલીસે ધકપકડ કરેલા 4 આરોપીઓને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.
બીજી તરફ હૈદરાબાદમાં અને દેશમાં અન્ય સ્થળોએ પણ લોકો મહિલાઓ પર બળાત્કારની ઘટનાઓ પર આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. અનેક લોકો આરોપીઓને જાહેરમાં ફાંસીની માગ કરી રહ્યા છે.
હૈદરાબાદમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. લોકોએ પોલીસ પર ચંપલો વરસાવી હતી.
યુવતીને મદદ કરવાના નામે આ ઘટના ઘટી હતી. પોલીસને યુવતીનો અર્ધસળગેલો મૃતદેહ મળ્યો હતો અને આ કેસમાં શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી છે.
આ કેસમાં સામેલ ચાર આરોપીઓમાં ટ્રક ડ્રાઇવર અને ક્લીનર તરીકે કામ કરતા હતા.

'મારી બહેન સાથે જે થયું એવું કોઈ સાથે ન થાય'
બીબીસીએ ગૅંગરેપ અને હત્યાનો ભોગ બનેલાં ડૉક્ટર યુવતીનાં બહેન સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "મારી બહેન સાથે જે થયું એવું કોઈ સાથે ન થવું જોઈએ. તેમણે બહુ ક્રૂરતાથી મારી બહેનને મારી હતી. આવું કોઈએ ક્યારેય જોવું ન પડે એવું હું ઇચ્છું છું."
તેમણે કહ્યું,"મેં આવી આશા નહોતી કરી કે દુનિયા આટલી ક્રૂર હશે. આનો અર્થ એ છે કે આપણા શિક્ષણમાં ક્યાંક કોઈ ખામી છે. માત્ર જ્ઞાન લઈ લેવાથી શું થાય, વિવેકની કમી છે."
"જો તમે શિક્ષિત હો તો તમારામાં વિવેક હોવો જોઈએ. તમારામાં સારા અને ખરાબમાં ફેર કરવાની સમજ હોવી જોઈએ. શિક્ષણમાંથી નૈતિકતા ગાયબ થઈ ગઈ છે."
તેમણે મીડિયા વિશે કહ્યું, "પરિવારને મોટી ક્ષતિ થઈ છે પરંતુ આ ઘટનાને ભાવનાત્મક મુદ્દો બનાવીને પેશ કરવાને બદલે ઘટનાનાં કારણો વિશે વાત કરે, આ વિશે શું કરવાની જરૂર છે તેના વિશે વાત કરવી જોઈએ."
તેમણે મીડિયા વિશે કહ્યું, "મીડિયા એવા સવાલ કરે છે કે હું ભાવનામાં વહીને કૅમેરા સામે રડું. એ મારી બહેન હતી, તેની સાથે મારો સંબંધ હતો. અમે પહેલાંથી જ દુ:ખી છીએ. એ અમને છોડીને જતી રહી છે અને સવાલ કરીને અમારૂં દુખ ન વધારે. મીડિયા આવી બાબતો વિશે જાગરૂકતા ફેલાવે અને સમાજને જાગરૂક બનાવે."
સ્કૂટર સમું કરવાના બહાને ગુનો આચર્યો
તેલુગુ મીડિયાના અહેવાલો અનુસાર યુવતી પોતાનું સ્કૂટર એક ટૉલ પ્લાઝા પાસે પાર્ક કરીને આગળ કૅબમાં ગઈ હતી. જોકે, પરત ફરતી વખતે સ્કૂટરમાં તેમને પંક્ચર જોવા મળ્યું હતું.
એ બાદ સ્કૂટરને ત્યાં જ પાર્ક કરીને કૅબ લઈને ઘરે જવાનો તેમણે નિર્ણય લીધો હતો. જોકે, આ દરમિયાન ત્યા બે શખ્સોએ પંક્ચર સાંધી દેવાની ઑફર આપી અને સ્કૂટર લઈ ગયા હતા.
યુવતીએ પોતાની બહેનને આ વાત કરી હતી. ફોન પર તેમણે રસ્તા પર એકલાં ઊભા રહેતાં ડર લાગી રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું.
એપછી યુવતીએ તેમની બહેનને થોડી વાર બાદ ફોન કરું એવું કહ્યું અને પછી તેમનો ફોન બંધ થઈ ગયો હતો.
એ બાદ પરિવારજનોએ ટોલ-પ્લાઝા પાસે યુવતીની શોધખોળ કરી હતી અને સ્થાનિક પોલીસ-સ્ટેશનમાં યુવતીના ગુમ થવાનો રિપોર્ટ નોંધાવ્યો હતો.
આ ઘટના બાદ ગુરુવાર સવારે પોલીસ-સ્ટેશન અંતર્ગત આવતા એક પૂલની નીચે યુવતીનો અર્ધસળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીના પરિવારજનોએ મૃતદેહની ઓળખ કરી હતી.
પોલીસનું શું કહેવું છે?
પોલીસે પત્રકારપરિષદમાં કહ્યું કે બુધવારે ટ્રક ડ્રાઈવર અને ક્લીનર ટોલ પ્લાઝાની પાસે દારૂ પી રહ્યા હતા.
આ દરમિયાન સ્કૂટરમાં પંચર થવાને કારણે એકલી ઊભેલી યુવતી પર તેમની નજર પડી. તેઓ પંક્ચર કરાવી આપવાને બહાને તેમને પોતાની સાથે લઈ ગયા.
આરોપીઓએ બુધવારની રાતના 9.30 વાગ્યાથી ગુરુવારના સવારના 4 વાગ્યા સુધી ડૉક્ટર યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને પછી હત્યા કરી દીધી.
હત્યા કર્યા પછી આરોપીઓ મૃતદેહને આશરે 30 કિલોમિટર દૂર એક પુલની નીચે લઈ ગયા અને મૃતદેહને ચાદરમાં લપેટીને કેરોસીન છાંટીને સળગાવી દીધો.
સળગાવી દીધા પછી શબ સરખું સળગી ગયું છે કે નહીં તેની પણ તેમણે તપાસ કરી અને પછી તેઓ ઔરંગાબાદ નીકળી ગયા.
ન્યાયની માગ
આ ઘટના લોકોને દિલ્હીમાં 16 ડિસેમ્બર, 2012ના રોજ થયેલા સામૂહિક બળાત્કારની ઘટનાની યાદ અપાવી રહી છે.
ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર લોકો પીડિતાને ન્યાય અપાવવા માટે માગ કરી રહ્યા છે અને #Nirbhayaના નામે પોસ્ટ લખી રહ્યા છે.
મણિવેલ નામના યુઝરે ટ્વીટ કર્યું, "એક વ્યસ્ત હાઈ-વે પર એ યુવતી સાથે બળાત્કાર થયો, એને જીવતી સળગાવી દેવાઈ, એની હત્યા કરી દેવાઈ. હું ગુનેગારો માટે ફાંસીની સજાની માગ કરી રહ્યો છું." યુઝરે આ મામલાને નિર્ભયા સાથે પણ સરખાવ્યો છે.
અંકિત નામના યુઝરે લખ્યું, "નિર્ભયા બાદ હવે આ. કાયદામાં સુધારો? સીસીટીવી કૅમેરા? સરકાર, પક્ષ, વિપક્ષ... આ બધા પ્રાંતવાદ, પરિવારવાદ, ધર્મજાતિ અને અન્ય વિચારધારાની લડાઈઓમાં વ્યસ્ત છે."
સમીરાએ ટ્વીટ કર્યું, "જ્યાં સુધી મહિલાઓને સુરક્ષા નથી મળતી ત્યાં સુધી વિકાસનાં તમામ કામો વ્યર્થ છે."
આ પણ વાંચો :