રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 6 ઑક્ટોબર 2019 (09:42 IST)

ગુજરાતના સફેદ રણની રંગીન કહાણી, જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે

ઑશન ફિલ્મ કંપની અને શ્રેયા ચેટરજી
બીબીસી ટ્રાવેલ
 
ગુજરાતના અરબ સાગરથી 100 કિમી દૂર આવેલા બંજર રણમાં બરફ જેવા સફેદ મીઠાનું વિસ્તૃત મેદાન છે, જે ઉત્તર દિશામાં પાકિસ્તાનની સીમા સુધી ફેલાયેલું છે.
આ મેદાન કચ્છના રણના નામે ઓળખાય છે. કાચબાના આકારવાળો આ વિસ્તાર બે ભાગમાં વહેંચાયેલો છે - મોટું રણ જે 18,000 વર્ગ કિમીમાં ફેલાયેલું છે. બીજો ભાગ કચ્છના નાના રણ તરીકે જાણીતો છે, કચ્છનું નાનું રણ 5,000 વર્ગ કિમીમાં ફેલાયેલું છે.
આ બંને રણ સાથે મળીને મીઠા અને ઊંચા ઘાસવાળું એક વિસ્તૃત મેદાન બનાવે છે જે વિશ્વના સૌથી મોટા મીઠાના રણ પૈકી એક છે. આ રણમાંથી જ ભારતના મીઠાની 75 ટકા માગ સંતોષવામાં આવે છે.
દર વર્ષે વરસાદની સિઝનમાં રણમાં પૂર આવી જાય છે. આ દરમિયાન સફેદ મીઠાનાં આ મેદાનો અદૃશ્ય થઈ જાય છે અને તેના સ્થાને ઝગમગતો દરિયો બની જાય છે.
 
મીઠાનું ચક્ર
કચ્છનાં બંને રણ ભારતની પશ્ચિમ સીમા પર કચ્છના અખાત અને દક્ષિણ પાકિસ્તાનમાં સિંધુ નદીના મુખપ્રદેશની વચ્ચે આવેલાં છે.
મોટું રણ ભુજ શહેરથી લગભગ 100 કિમી દૂર ઉત્તર-પૂર્વ દિશામાં આવેલું છે. આ રણને ભારતનું 'સફેદ રણ' કહેવાય છે. આ રણમાં વન્યજીવન નહિવત્ છે.
નાનું રણ મોટા રણના દક્ષિણ-પૂર્વમાં સ્થિત છે. તે અપ્રવાસી પક્ષીઓ અને વન્યજીવો માટે અભયારણ્ય જેવું છે. તેમ છતાં બંને રણમાં અઢળક સમાનતાઓ છે.
જૂનના અંત સુધીમાં તો ત્યાં સાંબેલાધાર વરસાદની શરૂઆત થઈ જાય છે. ઑક્ટોબર સુધી ત્યાં પૂર જેવી સ્થિતિ રહે છે. ત્યાર બાદ ધીમે-ધીમે પાણીનું બાષ્પીભવન થવા લાગે છે, તેથી અંતે ત્યાં ચારે બાજુ માત્ર મીઠાના ક્રિસ્ટલ રહી જાય છે.
પાણી ઘટે ત્યારે પ્રવાસી ખેડૂતો ત્યાં ચોરસ ખેતર બનાવીને મીઠાની ખેતી શરૂ કરી દે છે. શિયાળાથી લઈને જૂન મહિના સુધી તેઓ જેટલું મીઠું કાઢી શકે, એટલું કાઢી લેતા હોય છે.
સ્થાનિક ટૂર ગાઇડ મિતુલ જેઠી જણાવે છે કે, "આ સફેદ રણ એટલું સપાટ છે કે તમે અહીં પણ સમુદ્રની જેમ ક્ષિતિજ જોઈ શકો છો."
 
પ્રાચીન ઉત્પત્તિ
કચ્છના રણની ભૂગર્ભીય ઉત્પત્તિ લગભગ 20 કરોડ વર્ષ પહેલાં પૂર્વ-જુરાસિક અને જુરાસિક કાળ દરમિયાન થઈ હતી.
કેટલીક સદી પહેલાં ત્યાં સમુદ્રીમાર્ગ હતો. કચ્છના અખાત અને સિંધુ નદીમાં ઉપરની તરફ જનાર જહાજ આ રસ્તાનો ઉપયોગ કરતાં હતાં.
દુનિયાની પહેલી સૌથી મોટી સભ્યતા પૈકી એક સિંધુ ઘાટીની સભ્યતા ઈ.સ. પૂર્વે 3300થી લઈને ઈ.સ. પૂર્વે 1300 સુધી અહીં જ વિકાસ પામી હતી.
લગભગ 200 વર્ષ પહેલાં એક પછી એક આવેલા ઘણા ભીષણ ભૂકંપોએ અહીંની ભૌગોલિક આકૃતિ બદલી નાખી.
ભૂકંપના આંચકાઓના કારણે ત્યાંની જમીન ઉપર ઊઠી ગઈ. ત્યાં સમુદ્રના પાણી વડે ભરાયેલી ખાઈની શ્રૃંખલા બની ગઈ જે સાથે મળીને 90 કિમી લાંબી અને 3 મીટર ઊંડા રિજનું નિર્માણ કરતી હતી. તેથી અરબ સાગરથી તેનો સંપર્ક કપાઈ ગયો.
ભૂકંપોના કારણે ત્યાંના રણમાં ખારું પાણી ફસાઈ ગયું જે કારણે રણની વિશિષ્ટ ભૂ-સ્થળાકૃતિ તૈયાર થઈ. ગુજરાતના ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીના ભૂગર્ભ-વૈજ્ઞાનિક ડૉ. એમ.જી. ઠક્કર જણાવે છે કે, "રણમાં અમને એક જહાજનો કૂવાસ્તંભ મળ્યો હતો. તે એક ભૂકંપ દરમિયાન ત્યાં ફસાઈ જવાના કારણે સમુદ્ર સુધી પહોંચી શક્યો ન હતો."
"એ એક અદ્ભુત દૃશ્ય હતું. બંજર રણની વચ્ચે લાકડાનું મસ્તૂલ."
 
મીઠાની ખેતી
પાછલાં 200 વર્ષોમાં મીઠાની ખેતી રણમાં એક મોટો ઉદ્યોગ બની ગઈ છે. ઑક્ટોબર મહિનામાં પાડોશના સુરેન્દ્રનગર જિલ્લામાંથી કે કોળી અને અગરિયા જનજાતીય સમુદાયના ઘણા પ્રવાસી મજૂરો આ જળમગ્ન રણમાં આવે છે.
મીઠાની ખેતી જૂન સુધી સતત ચાલતી રહે છે. ખેડૂતો ભીષણ ગરમી અને કઠોર પરિસ્થિતિમાં કામ કરતા રહે છે.
ઑક્ટોબર-નવેમ્બર મહિના બાદ મજૂરો મીઠું કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દે છે. તેઓ બોરિંગ મારફતે ધરતીના પેટાળમાંથી ખારું પાણી બહાર કાઢે છે.
લંબચોરસ ખેતરોમાં આ ભૂમિગત જળને ફેલાવી દેવામાં આવે છે. ખેતરોનું વિભાજન મીઠાની સાંદ્રતાના આધારે થાય છે.
ખેતરમાં ફેલાયલું પાણી બાષ્પ બનીને ઉડતાં બે મહિનાનો સમય લાગે છે. ખેડૂતો એક સિઝનમાં આવાં 18 ખેતરોમાંથી મીઠું કાઢી શકે છે.
મીઠાના ખેડૂત ઋષિભાઈ કાળુભાઈ જણાવે છે કે, "અમારો પરિવાર પાંચ પેઢીથી મીઠાની ખેતીમાં જોતરાયેલો છે. દર વર્ષે 9 મહિના માટે અમે આખા પરિવારને મીઠાનાં ખેતરોમાં લઈ આવીએ છીએ અને વરસાદમાં પોતાના ઘરે જતા રહીએ છીએ."
 
અદ્ભુત ઘર
કચ્છના રણમાં બનનારાં ઘર વાસ્તુકળાનાં અનૂઠાં ઉદાહરણો હોય છે. આ ઘરો ભૂંગાના નામે ઓળખાય છે.
અનેક સદીઓથી અહીં રહેતા વિચરતા સમુદાય અને જનજાતીય સમુદાયના લોકો માટીથી બનેલાં સિલિન્ડર જેવા ઘરોમાં રહેતા આવ્યા છે. આ ઘરોની છત શંકુ આકારની હોય છે.
આ ઘરોની ખાસ આકૃતિ અહીં ફુંકાતી તોફાની હવા, ભૂકંપ અને ભયંકર ગરમી અને ઠંડીથી બચાવે છે.
ઉનાળામાં ત્યાંનું તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે અને શિયાળામાં ત્યાં બરફ જામી શકે છે.
બહારથી આવેલા લોકો આ ઘરોની બહાર કરાયેલું ચિત્રકામ જોઈને મંત્રમુગ્ધ બની જાય છે.
 
રણમાં રખડપટ્ટી
છેલ્લાં કેટલાંક વર્ષોથી આ રણ પર્યટનનું કેન્દ્ર બની ગયું છે. દુનિયાભરથી લોકો ભારતના મોહક મીઠાના રણની મુલાકાત લેવા માટે આવે છે.
મુસાફરો ઊંટ કે જીપ સફારી પર ત્યાં શિયાળાની ઋતુમાં આવે છે અને સુકાઈ ગયેલા મીઠાનાં વિશાળ મેદાનોને નિહાળે છે.
અહીંનું એક મુખ્ય આકર્ષણ સૂર્યોદય અને સૂર્યાસ્તને જોવાનું હોય છે. ઘણાં મુસાફરો પૂનમના ચંદ્રની ચાંદનીમાં મીઠાના સફેદ રણને જોવા અહીં આવે છે.
કૅનેડાના ટોરન્ટોથી આવેલાં મુસાફર જેમી બર્સી જણાવે છે કે, "અસ્ત થઈ રહેલા સૂર્યને જોઈને મને શાંતિનો અનુભવ થાય છે."
"આ જગ્યા જોવામાં તો એક બીજી દુનિયા જેવી લાગે છે. દૂર-દૂર સુધી અહીં કશું જ નથી. બસ, અહીં ઊભા રહી જાઓ અને ખુલ્લા આકાશનો લહાવો માણો."
પર્યટનને ઉત્તેજન આપવા માટે ગુજરાત સરકાર સ્થાનિક, હસ્તશિલ્પ ઉદ્યોગોને નાણાકીય સહાય આપે છે.
કચ્છ ક્ષેત્રમાં રહેતા વિચરતા સમુદાયના લોકોની કળા અને તેમનું શિલ્પકામ આખા ભારતમાં લોકપ્રિય છે.
ખરેખર તો કચ્છના રણમાં તૈયાર થતાં પ્રિન્ટેડ કપડાંની ઘણી શૈલીઓ અન્ય સ્થાનોથી વિલુપ્ત થતી જઈ રહી છે. તેમાં બાટિક બ્લૉક પ્રિન્ટિંગ, પ્રાકૃતિક રંગોવાળી બેલા પ્રિન્ટિંગ અને એરંડિયાના તેલવાળી રોગન પ્રિન્ટિંગ સમાવિષ્ટ છે.
રાજ્ય સરકાર હસ્તશિલ્પને વાર્ષિક રણોત્સવનો ભાગ બનાવીને ઉત્તેજન આપી રહી છે.
નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી ચાલતા આ વાર્ષિક ઉત્સવમાં સંગીત, નૃત્ય, શિલ્પ અને સ્થાનિક સંસ્કૃતિની ઝલક દેખાય છે.
મોસમી પ્રવાસી
કચ્છના રણમાં અત્યંત ગરમી, વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિઓને કારણે એક ખાસ ઇકોસિસ્ટમ બને છે જે ઘણા પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ માટે અનુકૂળ વાતાવરણ સર્જે છે.
ઑક્ટોબરથી માર્ચ મહિના વચ્ચે શિયાળા દરમિયાન પ્રવાસી પક્ષીઓનાં ટોળેટોળાં નાના રણમાં પોતાનું ઘર બનાવવા માટે આવે છે. આ પક્ષીઓમાં સમડી, સારસ, બગલા અને રણના સૌથી પ્રખ્યાત રાજહંસ સામેલ છે.
નાનું રણ વિલુપ્ત થવાની અણી સુધી પહોંચી ચૂકેલા જંગલી ગધેડાનું પણ આખરી શરણસ્થળ છે. નાના રણમાં શિયાળ, નીલગાય અને ચિંકારા પણ જોવા મળે છે.
ગરમીમાં સળગ્યા બાદ, સાંબેલાધાર વરસાદમાં ડૂબ્યા બાદ અને શિયાળાની લાંબી ઋતુનો માર સહન કર્યા બાદ પણ હજુ સુધી રણની ભૂગર્ભીય સંરચનાનું નિર્માણ થઈ રહ્યું છે.
આ ક્ષેત્ર ઇકોસિસ્ટમ નિષ્ણાતો અને ભૂગર્ભીય વૈજ્ઞાનિકોને આકર્ષિત કરે છે, જેઓ એ જાણવા માટે આતુર છે કે કેવી રીતે આવી કઠોર પરિસ્થિતિઓવાળો ક્ષેત્ર આટલા મોટા પ્રમાણમાં જીવનને આકર્ષિત કરે છે અને કેવી રીતે અહીંની બંજર જમીનમાંથી આટલું બધું મીઠું કાઢી શકાય છે.
પરંતુ જેમ અહીં વરસાદની સિઝનમાં વરસાદ થશે જ અને ઠંડીમાં પક્ષી આવશે જ એવું નક્કી જ છે, એવી જ રીતે માણસો પણ દર વર્ષે આ સફેદ રણમાં આવતા જ રહેશે.
તેઓ અહીંની અંતહીન ક્ષિતિજને નિહાળે છે તેનું સૌંદર્ય જોઈને આશ્ચર્યચકિત થતા જ રહે છે.