બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By રોક્સી ગાગડેકર છારા|
Last Updated : શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (17:56 IST)

ગાંધીઆશ્રમને કેન્દ્રની નોટિસ : વિકાસની વાત સામે ભગવાકરણનો ભય કેમ લાગી રહ્યો છે?

એક તરફ જ્યારે અમદાવાદ સ્થિત ગાંધીઆશ્રમનો વિકાસ કરવાની વાતે વેગ પકડ્યો છે, ત્યાં બીજી બાજુ ઘણા ગાંધીવાદીઓ માને છે કે આ વિકાસ ક્યાંક ગાંધીઆશ્રમની સાદગીને ખતમ ન કરી દે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગાંધીજીની 150મી જન્મજયંતી નિમિત્તે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી હતી.

તાજેતરમાં જ ગાંધીઆશ્રમની જમીન પર ચાલતી વિવિધ સંસ્થાઓને 'વિકાસના કામ અર્થે' સહયોગ કરવાની વિનંતી સાથે કેન્દ્ર સરકાર તરફથી નોટિસ આપવામાં આવી છે.

નોટિસ મળ્યાની વાતને સમર્થન આપતા ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિના મૅનેજિંગ ટ્રસ્ટી વિજય બહાદુર સિંગે કહ્યું, "નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ટ્રસ્ટ ગાંધીઆશ્રમના વિકાસના કામમાં સરકારને સહકાર આપશે, તેવી અપેક્ષાઓ રાખી છે."

સિંગે વધુમાં કહ્યું, "આ નોટિસમાં બીજી કોઈ વિગત નથી. કેવા પ્રકારનો વિકાસ છે, શું કરવા માગે છે, શું પ્લાન છે, અમારાથી શું અપેક્ષાઓ છે, તેવી કોઈ સ્પષ્ટતા નોટિસમાં કરવામાં આવી નથી."


નોટિસ અને ટ્રસ્ટની જમીન
 

જોકે, સિંગે એ પણ કહ્યું કે તેમની સંસ્થા ગાંધીવિચાર અને ગાંધીના કામને આગળ લઈ જઈ રહી છે.

તેઓ ઉમેરે છે કે જો તેમના જેવી સંસ્થાઓ અને લોકોને સાથે રાખીને આ પરિસરનો વિકાસ કરવામાં આવશે તેઓ તેમાં સહભાગી થશે.

આ સંસ્થા ચરખો બનાવવાનું તેમજ ખાદી બનાવવાનું કામ કરે છે.

આ ટ્રસ્ટ પાસે આશરે 40,000 સ્ક્વેર મિટર જમીન છે.

જેમાં સંસ્થાનો સ્ટાફ રહે છે, તેમજ લૅબોરેટરી, ચરખા મ્યુઝિયમ, અને ચરખાના પાર્ટ્સનું ડેવલપમૅન્ટનું કામ થાય છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દર ત્રણ વર્ષે બદલાતા રહે છે.

સિંગે કહ્યું કે તેમને નોટિસ ખાદી ઍન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રીઝ કમિશન દ્વારા આપવામાં આવી છે.

જ્યારે બીબીસી ગુજરાતીએ આ કમિશનના ડિરેક્ટર સંજય હીડ્ડોનો સંપર્ક કર્યો તો તેમણે કહ્યું કે તેમને આ વિશે કંઈ ખબર નથી.

આ કમિશનના દિલ્હી સ્થિત ચૅરમૅન વિનય સક્સેનાનો સંપર્ક થઈ શકયો નથી.

હાલમાં તો સિંગને કે બીજા કોઈ પણ ટ્રસ્ટીને ગાંધીઆશ્રમના વિકાસના મૉડલને લઈને કોઈ સ્પષ્ટતા નથી.

ગાંધીની વિરાસતને નુકસાન ન થાય
 

સાબરમતી આશ્રમ પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સુદર્શન આયંગર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે કે અમારી પાસે હજી કોઈ પ્લાન કે રોડમૅપ નથી.

તેમણે કહ્યું, "જોકે, એક વસ્તુ અમે માનીએ છીએ કે ગાંધીજીની ધરોહરને કોઈ નુકસાન ન થવું જોઇએ. જેમ કે હૃદયકુંજ, મીરાકુટિર, વિનોબા ભાવેકુટિર જેવી ઇમારતોમાં કોઈ બદલાવ ન જ થવો જોઈએ."

"તેની સાથેસાથે અમે અમારી મિટિંગમાં સરકારને એ પણ જણાવ્યું છે કે આ વિકાસ માટે ગાંધીઆશ્રમની શાંતિ અને અસ્મિતાને કોઈ અસર ન થવી જોઈએ."

આયંગરે બીબીસી ગુજરાતીને કહ્યું કે જો ગાંધીઆશ્રમનો વિકાસ કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઑફ યુનિટીની જેમ હશે, જેમાં ભવ્યતા જ ભવ્યતા હોય અને ગાંધીની સાદગીની વાત ન હોય તો અમારો વિરોધ રહેશે."

"જોકે, જ્યાં સુધી અમારી સમક્ષ પ્લાન ન આવે ત્યાં સુધી કંઈ પણ કહેવું યોગ્ય નથી."

તેમણે કહ્યું , "અમારી માગ હતી કે આ વિસ્તારને એક શાંત વિસ્તાર તરીકે વિકસાવવામાં આવે અને તે મુલાકાતીઓને અનુકૂળ હોય તેની સાથેસાથે અહીંયાં લોકો આવે તો તેમને એવું ન લાગવું જોઈએ કે તેઓ કોઈ મોલમાં ફરી રહ્યા છે."

ગાંધીવાદીઓની બીક - શું આશ્રમનું ભગવાકરણ થઈ રહ્યું છે?

જોકે, ગાંધીઆશ્રમના આ વિકાસની વાતથી ઘણા ગાંધીવાદીઓને ડર છે કે આ વિકાસ ક્યાંક ગાંધીઆશ્રમની સાદગી અને શાંતિને હાનિ ન પહોંચાડે.

ઘણા ગાંધીવાદીઓ માને છે કે ગાંધીજી અને સાદગી એક બીજાના પર્યાય છે માટે તેની સાદગી જળવાવી જોઈએ.

તેમને એ ડર પણ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પક્ષ એને તેની સાથે સંકળાયેલી સંસ્થાઓ આશ્રમનું ભગવાકરણ ન કરી દે.

આ વિશે વાત કરતા પ્રોફેસર હેમંત શાહ બીબીસી ગુજરાતીને કહે છે ,"ભાજપ એ જ પાર્ટી છે જેના સભ્યો ગાંધીહત્યાને ગાંધીવધ કહે છે અને તેમાંથી ઘણા લોકો તેમના હત્યારાઓની પૂજા કરે છે."

તેમણે કહ્યું, "આ વર્ષે મે મહિનામાં તેમના પક્ષનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને એક સાચા દેશભક્તનો દરજ્જો આપ્યો હતો અને તેમની સામે કોઈ જ પગલાં લેવામાં આવ્યાં ન હતાં."

ગુજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી અને ગાંધીવાદી ઉત્તમભાઈ પરમાર બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહે છે, "મારો અનુભવ છે કે તમામ ગાંધીની સંસ્થાઓમાં ધીરેધીરે એક સમયે તેમનો વિરોધ કરતા પક્ષના લોકો મહત્ત્વની જગ્યાઓ પર આવી રહ્યા છે."

"મને ડર છે કે ક્યાંક ગાંધીઆશ્રમ સાથે પણ આવું કંઈ ન થઈ જાય."

"વિકાસ માટે ફંડ આપવું એ સરકારનું કામ છે પરંતુ ટ્રસ્ટની પ્રવૃત્તિઓમાં દખલ કરવી એ યોગ્ય નથી."

ગાંધી માટે વિકાસ એટલે શું?


વરિષ્ઠ પત્રકાર પ્રકાશ ન. શાહ માને છે કે ગાંધીના સંદર્ભમાં વિકાસ એટલે શું, પહેલાં તો એ સ્પષ્ટ થવું જોઈએ.

તેઓ કહે છે, "મોટી ઇમારતો, ભવ્યતા વગેરે હોય તો તે ગાંધીનો વિકાસ નથી. હજી સુધી જે પણ વિકાસની વાત થઈ છે તેમાં મુખ્યત્વે ભવ્યતાની વાત થઈ છે, સ્ટેચ્યૂ ઑફ યુનિટી તેનું જીવંત ઉદાહરણ છે."

"જો ગાંધીઆશ્રમનો વિકાસ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની દિશામાં જ થવાનો હોય તો આ વિકાસ ગાંધીઆશ્રમને ખતમ કરી દેશે.

જોકે, આ વિશે વિચારક અચ્યુત યાજ્ઞિક માને છે કે આ દેશની કોઈ પણ પાર્ટી હોય, ગાંધી એટલા મોટા છે કે તેમના વગર તેમને ન ચાલે, માટે આ ગાંધીનો વિનિયોગ કરવાની એક પ્રક્રિયા છે.

બીજી તરફ ગાંધી પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી કાર્તિકેય સારાભાઈ બીબીસી ગુજરાતીને કહે છે કે ગાંધીઆશ્રમના ભગવાકરણની વાત તો હાલમાં પાયાવિહોણા આરોપો છે.

હજી સુધી કોઈ પ્લાન હાથમાં નથી. એક વખત કોઈ જાહેરાત થાય પછી જ કંઈ પણ કહેવું યોગ્ય છે.

સુદર્શન આયંગર કહે છે, "જો કોઈ બીજી વિચારધારા ગાંધીવિચારધારાને ટેક-ઓવર કરવાની વાત આવશે તો ટ્રસ્ટ તેનો વિરોધ કરશે. કોઈ બીજા વિચારો ટ્રસ્ટ ઉપર ઠોકી બેસાડવાની વાત આવે તો તે નહીં ચાલે."

ભારતીય જનતા પક્ષના પ્રવક્તા ભરત પંડ્યા કહે છે કે મહાત્મા ગાંધી દેશના હતા અને વડા પ્રધાન પણ દેશના છે.

તેઓ કહે છે, "હાલમાં ગાંધીવિચારનો સૌથી વધારે કોઈએ પ્રચારપ્રસાર કર્યો હોય તો તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે."

"સ્વચ્છતા અભિયાન અંતર્ગત તેમણે 11 કરોડ ટૉઇલેટ બનાવ્યાં છે, જે ગાંધીજીનું સપનું હતું. અમારી સરકારે ગાંધીજીના વિચારોને છેલ્લા માનવી સુધી પહોંચાડવાનું કામ કર્યું છે અને કરતા રહીશું.

માટે આ પ્રકારના આરોપો પાયાવિહોણા છે. જૂની સરકારો જે કામ ન કરી શકી તે કામ અમે કરી રહ્યા છીએ."

ભાજપ, આરએસએસ અને ગાંધીજી


લેખક રામચંદ્ર ગુહા પોતાના લેખમાં કહે છે કે આરએસએસ માટે ગાંધી અસ્પષ્ટ હતા પરંતુ બીજી બાજુ આરએસએસને ગાંધી પર વિશ્વાસ નહોતો.

તેઓ લખે છે કે તેમણે આરએસએસની ઘણી મિટિંગોના કાગળો મેળવ્યા છે જેમાં મહાત્મા ગાંધીનું અપમાન કરાયું છે.

ગુહાએ લખ્યું છે કે ગાંધીએ એક મિટિંગમાં કહ્યું હતું કે (આઝાદી પછીનાં કોમી તોફાનો)માં આરએસએસનો હાથ છે, આપણે એ ન ભૂલવું જોઈએ કે હિંદુ ધર્મ લોકોને મારવાથી નહીં બચી શકે અને હવે તમારે આ આઝાદીને બચાવીને રાખવાની છે.

જોકે, ગાંધી અને આરએસએસ વચ્ચેના સંબંધો વિશે વાત કરતા પ્રકાશ ન. શાહ કહે છે કે દિલ્હીમાં એક વખત જ્યારે મહાત્મા ગાંધીએ આરએસએસના સ્થાપક એમ. એસ. ગોલવેલકરને કોમી તોફાનોને શાંત કરવા માટે એક સહિયારી અપીલના કાગળ ઉપર સહી કરવાનું કહ્યું હતું તો તેમને ઇન્કાર કરી દીધો હતો.

ગાંધીઆશ્રમ અને તેનાં ટ્રસ્ટ

ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટથી અલગ પડીને એક અલગ ટ્રસ્ટ બની ગયું હતું.

સાબરમતી હરિજન આશ્રમના સ્થાપક મહાત્મા ગાંધી હતા.

તેમાંથી સાબરમતી પ્રિઝર્વેશન ઍન્ડ મેમોરિયલ ટ્રસ્ટ, સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટ, ગુજરાત ખાદી ગ્રામોદ્યોગ મંડળ અને ખાદી ગ્રામોદ્યોગ પ્રયોગ સમિતિ એમ પાંચ અલગઅલગ ટ્રસ્ટ બન્યાં હતાં.

ગાંધીજી અહીંયાં 13 વર્ષ સુધી રહ્યા હતા.

એ સમય દરમિયાન આશ્રમમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ ટ્રસ્ટમાં ફેરવાઈ ગઈ છે.

આશ્રમના રહેવાસીઓનો વિરોધ


સાબરમતી હરિજન આશ્રમ ટ્રસ્ટની જમીન પર આશરે 90થી વધુ પરિવારો રહે છે.

તેમાંથી ઘણા પરિવારોના પૂર્વજો ગાંધીઆશ્રમની સ્થાપના થઈ ત્યારથી ગાંધીજી સાથે અહીંયાં રહેવા આવ્યા હતા.

જોકે, અત્યારે તેમની ત્રીજી પેઢી અહીં રહે છે. તેમનાં મકાનોની માલિકી તેમની નથી પણ ટ્રસ્ટની છે.

આ વિશે વાત કરતાં અહીંના રહેવાસી શૈલેશ રાઠોડ કહે છે કે તેઓ પોતાની જમીનો ખાલી નહીં કરે અને જો જરૂર પડશે તો ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવશે.