ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By અર્જુન પરમાર|
Last Modified: શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (11:33 IST)

ગુજરાતમાં વર્ગ-3ની ભરતીમાં ગ્રેજ્યુએશનની લાયકાતનો નિર્ણય કેમ બદલાયો?

ગુજરાત સરકારે બિનસચિવાયલ ઑફિસ આસિસ્ટન્ટની રદ કરેલી પરીક્ષા ફરીથી 17 નવેમ્બરે યોજવાની જાહેરાત કરી છે. આ જાહેરાત અનુસાર હવે ધો. 12 પાસ ઉમેદવારો પણ આ પરીક્ષા આપી શકશે.

ગૌણ સેવા પસંદગી બોર્ડે ઑક્ટોબર, 2018માં બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની 2221 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરી હતી.

આ ભરતીમાં 10 લાખ કરતાં વધુ ઉમેદવારોએ ફૉર્મ ભર્યાં હતાં, બાદમાં આર્થિક પછાતો માટે 10 ટકા અનામતની જોગવાઈ કરાતાં તેમજ લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં ફરીવાર ભરતી રદ કરી દેવાઈ અને બાદમાં ફરીવાર જૂન, 2019માં જગ્યામાં વધારો કરીને 3053 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી હતી.

જેની પરીક્ષા 20 ઑક્ટોબરે યોજાવાનું નક્કી હતું, પરંતુ અચાનક જ સરકારના આદેશને અનુસરીને ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા 11 ઑક્ટોબરના રોજ યોજાનાર પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી દેવાઈ હતી.

પહેલાં તો સરકારે આ પરીક્ષા રદ કરવા વિશે કોઈ જ સ્પષ્ટીકરણ આપ્યું નહોતું, પરંતુ બાદમાં આ ભરતી માટેની લાયકાત વધારી 12 પાસથી ગ્રેજ્યુએશન કરવા અંગેનો સામાન્ય વહિવટી વિભાગનું નોટિફિકેશન સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ઉમેદવારો રોષે ભરાયા હતા.

જોકે, ઉમેદવારોના આક્રોશને પગલે સરકારે શૈક્ષણિક લાયકાત અંગેનો પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો અને 17 નવેમ્બરે પરીક્ષા યોજાશે એવી જાહેરાત કરી દેવાઈ.

ત્યારે અહીં એ સવાલ થાય છે કે સરકારે છેલ્લી ઘડીએ પરીક્ષામાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત વધારવાનો નિર્ણય કેમ લીધો હતો?

તેમજ નિર્ણય લીધા બાદ સરકાર પોતાના આ નિર્ણય પર અડગ કેમ ન રહી શકી?

સરકારે નિર્ણય પરત લેતાં શું કહ્યું?


16 ઑક્ટોબર, 2019ના રોજ ગુજરાત સરકાર વતી નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ યોજી, જેમાં તેમણે કહ્યું કે, "ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા સરકારના સામાન્ય વહીવટ વિભાગની સૂચના અનુસાર 20 ઑક્ટોબરના રોજ યોજાનાર બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષા રદ કરાઈ હતી."

"સરકારના આ નિર્ણય વિરુદ્ધ ઉમેદવારોની નારાજગીને જોતાં મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીએ સરકારના વરિષ્ઠ મંત્રીઓ અને સચિવો સાથે આ અંગે ચર્ચાવિચારણા કરી."

"જે બાદ સરકાર દ્વારા આ પરીક્ષા ધો.12 પાસ ઉમેદવારો પણ આપી શકશે એવો નિર્ણય લેવાયો છે."

"જે ઉમેદવારો આ પરીક્ષા માટે સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે તેમને એક તક આપવાનો સરકારે નિર્ણય કર્યો છે."

"તેથી જે ઉમેદવારોએ આ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યાં છે અને રજિસ્ટ્રેશન પણ કરાવી લીધું છે, એવા તમામ ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે લાયક ગણાશે."

"તેમજ આ પરીક્ષા ફરીથી 17 નવેમ્બરના રોજ યોજવામાં આવશે. આ પરીક્ષા રાજ્યના કુલ 3171 કેન્દ્રો ખાતે લેવાશે."

"પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોને તમામ અનામતની જોગવાઈઓ અનુસાર મેરિટ તૈયાર કરી સરકારી સેવામાં નિમણૂક અપાશે."
 

સરકાર પર દબાણ અને પીછેહઠ


બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં શૈક્ષણિક લાયકાતમાં ફેરફાર કરવાના નિર્ણય બાદથી જ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો અને વિપક્ષે સરકારના નિર્ણયનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું.

વિદ્યાર્થીનેતા પ્રવીણ રામે સરકારના આ પગલા વિશે વાત કરતાં કહ્યું કે, "ગુજરાતના યુવાનોના આક્રોશને જોતાં સરકારે પીછેહઠ કરી છે."

"સરકારના શૈક્ષણિક લાયકાતમાં વધારો કરવાના નિર્ણય વિરુદ્ધ પ્રદર્શન કરવા માટે ગાંધીનગર ખાતે 19 ઑક્ટોબરના રોજ ઉમેદવારો દ્વારા ધરણાં યોજવાનું નક્કી કરાયું હતું."

"જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો હાજર રહેવાના હતા. જો આ નિર્ણય પાછો ન લેવાયો હોત તો મક્કમ નિર્ધાર સાથે સરકાર પર દબાણ આવે એ માટે હજારોની સંખ્યામાં યુવાનો ગાંધીનગર ધરણાં યોજવાના હતા."

"આ પરિસ્થિતિની જાણ સરકારને થતાં સરકારે 21મી ઑક્ટોબરે યોજાનાર પેટાચૂંટણીમાં આ જનાક્રોશની અસર ન થાય એ માટે પોતાનો નિર્ણય બદલ્યો હશે."

કૉગ્રેસના નેતા મનીષ દોશીએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં સરકારના અવિચારીપણાની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, "ગુજરાતની સરકાર મોંઘા ભણતરની ભેટ આપ્યા પછી, રોજગાર આપવામાં નાકામ રહી છે."

"વારંવાર સરકારી નોકરીઓ માટે નવા નિયમો બને અને નિયમો બનાવ્યા બાદ તેમાં ફેરફારો કરવા પડે છે, આ વલણ સરકારના દિશાહીન દૃષ્ટિકોણ તરફ આંગળી ચીંધે છે."

"ગુજરાત સરકાર દ્વારા કરાતી સરકારી ભરતીઓમાં છેલ્લા ઘણા વખતથી ગોટાળા થઈ રહ્યા છે. કદાચ આ ભરતી પણ બરાબર 'સેટિંગ' ન પડ્યું હોવાના કારણે જ રદ કરાઈ હશે."

"હાલ બિનસચિવાયલ ક્લાર્કની ભરતીની શૈક્ષણિક લાયકાત વધારી દેવા મુદ્દે ગુજરાત કૉંગ્રેસ દ્વારા 8 જિલ્લામાં આ નિર્ણય વિરુદ્ધ પ્રદર્શનો યોજ્યાં હતાં."

"તેમજ આખા ગુજરાતના યુવાનોમાં સરકારના આ નિર્ણય વિરુદ્ધ જનાક્રોશ ફાટી નીકળ્યો હતો, જે કારણે સરકારે દબાણમાં આવી પોતાનો નિર્ણય પરત ખેંચવો પડ્યો છે."
 

શૈક્ષણિક લાયકાતનો સળગતો મુદ્દો


સરકારે પરીક્ષાની શૈક્ષણિક લાયકાત ધો. 12થી વધારી સ્નાતક કરવાનો નિર્ણય કેમ લીધો હતો, એ અંગે વાત કરતાં પ્રવીણ રામે કહ્યું હતું કે, "મને લાગે છે કે કદાચ 20 ઑક્ટોબરે યોજાનાર પરીક્ષાનું પેપર ફૂટી ગયું હશે"

"આ કારણે સરકારે પોતાની લાજ બચાવવા માટે ઉતાવળે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવો પડ્યો અને શૈક્ષણિક લાયકાતનું બહાનું સામે મૂકવું પડ્યું હશે. કારણ કે જો તેઓ પેપર ફૂટી ગયાની જાહેરાત કરે તો ગુજરાતમાં હોબાળો મચી જાય તેવી શક્યતા હતી."

"તેથી આ વ્યૂહરચના અપનાવાઈ હશે. તેમજ સરકારના આ પગલાં પાછળ બીજું એક કારણ એવું પણ હોઈ શકે કે સરકાર એવું ઇચ્છતી જ નહોતી કે આ ભરતીપ્રક્રિયા પૂર્ણ થાય."

"તેથી આ વિવાદ ઊભો કરીને ધો. 12 પાસ અને ગ્રેજ્યુએટ ઉમેદવારોને સામસામે લાવી દેવાનો પ્રયાસ કરાયો હતો."

"જેથી શૈક્ષણિક લાયકાત વધારવાના આ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારાય અને એ કારણે આખી ભરતી પ્રક્રિયા ખોરંભાઈ જાય."

શૈક્ષણિક લાયકાત વિશે વાત કરતાં પ્રવિણ રામ જણાવે છે કે, "સરકારી ભરતીઓમાં પહેલાંથી નક્કી કરેલા માપદંડો અને અભ્યાસક્રમ અનુસાર પરીક્ષા લેવાય છે. તેથી અહીં શૈક્ષણિક લાયકાતનો પ્રશ્ન અપ્રસ્તુત બની જાય છે."

ધો. 12 પાસ વિદ્યાર્થી કોઈ પીએચ.ડી થયેલા વિદ્યાર્થી કરતાં પણ વધારે કાબેલ હોય એમ પણ બની અને તેથી શૈક્ષણિક લાયકાત માત્રથી કોઈને લાયક કે ગેરલાયક ન ઠેરવી શકાય એવું પ્રવીણ રામ માને છે.

તેઓ કહે છે કે ગુજરાતના દુર્ગમ વિસ્તારોમાં મોટા ભાગના યુવાનો કૉલેજ જવાથી વંચિત રહી જતા હોય છે. અને આવી પરિસ્થિતિમાં તેમના માટે માત્ર વર્ગ-3ની નોકરીઓ જ સરકારી નોકરી માટેની આશા હોય છે.

સરકારી નોકરીઓમાં શૈક્ષણિક લાયકાત અંગે વાત કરતાં એમ. એસ. યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના પ્રાધ્યાપક ભરત મહેતા જણાવે છે કે, "માત્ર ગુજરાતમાં જ નહીં, આખા દેશમાં તમામ જગ્યાએ ક્લાર્કની જગ્યા માટે ધો. 12 પાસનું માપદંડ અપનાવાયો છે."

ભરત મહેતા માને છે કે જો યુવાન ધો. 12 પાસ હોય, પરંતુ કૉલેજમાં અભ્યાસ ન કરી શકે તો એ સરકારની નિષ્ફળતા ગણાય, વિદ્યાર્થીની નહીં.

તેઓ કહે છે કે "સરકાર નથી ઇચ્છતી કે ગુજરાતના યુવાનોને ઝડપથી નોકરીઓ મળે, તેથી ધો. 12 પાસના સ્થાને ગ્રેજ્યુએશનનો માપદંડ અપનાવવાનો પ્રયત્ન કરાયો હતો."

"બીજી રીતે જોઈએ તો ગ્રેજ્યુએટ ઉમેદવારોની સંખ્યા પણ કંઈ ઓછી નથી."

ગ્રેજ્યુએટ કે પોસ્ટ-ગ્રેજ્યુએટ યુવાને ક્લાર્કની નોકરી કરવી પડે છે એ એમની મજબૂરી છે, કારણ કે સરકાર તેમના શિક્ષણસ્તર પ્રમાણેની નોકરીઓનું સર્જન કરવામાં નિષ્ફળ ગઈ છે એમ પણ ભરત મહેતા જણાવે છે.

કૉંગ્રેસના નેતા મનિષ દોશીએ આ અંગે નિવેદન આપતાં કહ્યું હતું કે, "બિનસચિવાલયની પરીક્ષામાં ધો. 12ના સ્થાને ગ્રેજ્યુએશન ફરજિયાત કરવાનો સરકારનો આ નિર્ણય વિચાર્યા વગર લેવાયો હતો. જે કારણે 12મું ધોરણ પાસ હોય એવા 4.5 લાખ ઉમેદવારોને સરકારે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો છે."

"મને નથી લાગતું કે શૈક્ષણિક લાયકાતમાં વધારો કરવા માત્રથી જ સરકારને સરકારી નોકરી માટે સારા ઉમેદવારો મળી જશે."

મનીષ દોશી કહે છે કે "ગુજરાતના છેવાડાના વિસ્તારોમાં શિક્ષિત યુવાનો પૈકી માત્ર 35 ટકા યુવાનોને જ કૉલેજ જવાની તક મળે છે."
 

વિદ્યાર્થીઓના માનસ પર અસર


વારંવાર ભરતી પ્રક્રિયા રદ થવાથી કે વિલંબ થવાથી વિદ્યાર્થીના માનસ પર થતી અસર અંગે વાત કરતાં વિદ્યાર્થી નેતા પ્રવીણ રામ જણાવે છે કે, "જ્યારે પરીક્ષામાં ધો. 12 પાસ ઉમેદવારોને તક ન આપવાની વાત સામે આવી ત્યારથી વિદ્યાર્થીઓના માનસ પર નકારાત્મક અસરો પડવા લાગી છે."

"તેમનો આ સરકારી ભરતી પ્રક્રિયા પરથી વિશ્વાસ ઊઠતો જઈ રહ્યો છે. છેલ્લાં એક વર્ષથી પરીક્ષાની તૈયારી કરી રહેલા પરીક્ષાર્થીઓનું મનોબળ તૂટી ગયું હતું."

"જે યુવાનો ધો. 12 પાસ કરીને છેવાડાના વિસ્તારોથી અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરોમાં પરીક્ષાની તૈયારી માટે આવે છે તેઓ આ નિર્ણય બાદ ખૂબ જ નિરાશ થઈ ગયા હતા."

કૉંગ્રેસના નેતા મનિષ દોશીએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "સરકારે પોતાના વિભાગોમાં ચાલી રહેલી અવ્યવસ્થા છતી ન થઈ જાય એ માટે ધો. 12 પાસ હોય એવા 4.5 લાખ પરીક્ષાર્થીઓના ભાવિ સાથે ચેડા કર્યા હતા."

"સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બન્યા છે. જો આવી પરિસ્થિતિમાં કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોત તો શું સરકાર કોઈ માતા-પિતાને એમનો પુત્ર કે પુત્રી પાછા લાવી આપત,"
 

ગુજરાત સરકાર દ્વારા ટૂંક સમયમાં શિક્ષણનીતિમાં ફેરફાર કરવા માટે ઘણા નિર્ણય લેવાય છે.

સરકારના આવા વલણ અંગે વિદ્યાર્થી નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, "પરીક્ષાઓ યોજવા માટે સરકારનું મેનેજમેન્ટ ક્યાંકને ક્યાંક નબળું પડી રહ્યું હોય એવું લાગી રહ્યું છે."

"તેથી સરકાર પરીક્ષાઓ યોજવા માટે પણ સ્વાયત્ત સંસ્થાઓ બનાવે જેથી પારદર્શીપણે પરીક્ષાઓનું આયોજન થાય અને ભરતી થઈ શકે."

પ્રાધ્યાપક ભરત મહેતા વારંવાર શિક્ષણનીતિઓમાં થતા ફેરફારો અંગે વાત કરતા જણાવે છે કે, "જ્યારે આપણે કોઈ પણ નિર્ણય સઘન વિચારણા બાદ ન લીધો હોય ત્યારે આવા નિર્ણયને શુદ્ધ ગુજરાતીમાં ગતકડાં કહેવાય અને આવા નિર્ણયોમાં છેલ્લે ઘણા બધા ફેરફારો કરવાની જરૂર પડે એવું બને."

"સરકારમાં બેઠેલા માણસો આડેધડ, વિચાર્યા વગર કોઈ પણ નિર્ણય લે છે અને આ કારણે વારંવાર ફેરફાર કરવા પડે છે."

"માત્ર શિક્ષણનીતિમાં જ નહીં, પરંતુ ઘણા બધા નિર્ણયોમાં વારંવાર ફેરફાર એ આ સરકારના અણઘડ વહીવટ તરફ આંગળી ચીંધે છે."