શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 માર્ચ 2023 (09:49 IST)

મીરાબાઈ ચનુ સતત બીજી વખત જીત્યાં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો ઍવૉર્ડ

MEEABAI CHANU
વેઇટલિફ્ટર મીરાબાઈ ચનુ જનતાએ આપેલા મતના આધારે 2022નો બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો ખિતાબ જીત્યાં છે. મીરાબાઈ ચનુ સતત બીજા વર્ષે આ ઍવૉર્ડ જીતનાર પ્રથમ ઍથ્લીટ બન્યાં છે. તેમને 2021માં પણ આ ઍવૉર્ડ મળ્યો હતો.
 
ભારતના ઉત્તર-પૂર્વમાં આવેલા મણિપુરમાં જન્મેલાં મીરાબાઈ ચનુએ વેઇટલિફ્ટિંગના પ્રાથમિક ગુણ બળતણ માટે લાકડું લેવા જવાના કામમાંથી શીખ્યાં હતાં.
 
2020ના ટોક્યો ઑલિમ્પિકની વેઇટલિફ્ટિંગ સ્પર્ધામાં સિલ્વર મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં હતાં.
 
2022માં તેમણે ઇંગ્લૅન્ડના બર્મિંઘમમાં રમાયેલી કૉમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપ્સ 2022માં સિલ્વર મેડલ જીત્યો હતો.
 
બીબીસી સ્પોર્ટ્સવુમન ઑફ ધ યરનાં પાંચ દાવેદાર
 
દિલ્હીમાં યોજાયેલા ઍવૉર્ડ સમારંભમાં મીરાબાઈ ચનુએ કહ્યું, "ધન્યવાદ બીબીસી, ફરી એક વાર આ ઍવૉર્ડ આપવા માટે. આ ઍવૉર્ડ માટે હું મારા કોચ, પરિવાર, ફેડરેશન અને તમામનો આભાર માનવા માગું છું."
 
તેમણે કહ્યું, "મે મહિનામાં મારી સ્પર્ધા છે, આથી હું આવી શકી નથી, પરંતુ એક વાત કહેવા માગું છું કે એશિયન ગેમ્સ આવવાની છે અને ભારત માટે વધુ એક મેડલ લાવવાની હું સંપૂર્ણ કોશિશ કરીશ."
 
છોકરીના રમતમાં જવા અંગે તેમણે કહ્યું, "કેટલાક લોકો કહે છે કે વેઇટલિફ્ટિંગમાં જવાથી છોકરીઓની બૉડી ખરાબ થઈ જાય છે, પરંતુ હું પહેલાં પણ એવી હતી અને આજે પણ એવી છું. આપણે આ વિચાર બદલવો પડશે. જ્યારથી છોકરીઓ મેડલ લાવી છે ત્યારથી ઘણો ફેરફાર થયો છે. પરિવાર પણ બહુ ચિતિંત થાય છે, પણ ઘણો બદલાવ આવ્યો છે."
 
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરના ઍવૉર્ડ માટે કુસ્તીબાજ વીનેશ ફોગાટ અને સાક્ષી મલિક, બૉક્સર નિખત ઝરીન અને બૅડમિન્ટન પ્લેયર પીવી સિંધુને નૉમિનેટ કરવામાં આવ્યાં હતાં.
 
પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર બન્યાં ભાવિના પટેલ
bhavina patel
આ વખત બીબીસી પૅરા સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો ઍવૉર્ડ પ્રથમ વાર રજૂ કરાયો. આ ઍવૉર્ડ ગુજરાતનાં ભાવિના પટેલને એનાયત થયો. પૅરા ટેબલ ટેનિસના ખેલાડી ભાવિના પટેલે ટોક્યો ખાતે યોજાયેલા 2020 સમર પૅરાલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
 
તેઓ પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે જેમણે ટેબલ ટેનિસમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. ભાવિના પટેલે 2022માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
 
ભાવિના પટેલે કહ્યું, "મહિલા અને રમતવીરોને સશક્ત બનાવવાની અદ્ભુત પહેલના ભાગરૂપી આ પ્રતિષ્ઠિત ઍવૉર્ડ મેળવીને ખરેખર આનંદ થાય છે. બીબીસી પૅરા સ્પૉર્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને ભારતને વધુ સમાવિષ્ટ બનાવવાના પ્રયત્ન કરી રહ્યું છે તે પ્રશંસનીય છે."
 
તેમણે કહ્યું, "હું વિનંતી કરું છું કે જમીની સ્તરે ખેલાડીઓની મદદ કરવામાં આવે, કેમ કે એક વાર તમે મેડલ જીતો પછી સુવિધા મળવા લાગે છે, પરંતુ શરૂઆતમાં એવા લોકોની મદદ કરવી બહુ જરૂરી છે, જે દેશ માટે કંઈક કરવા માગે છે."
 
બીબીસી લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ
 
ભારતીય મહિલા હૉકી ટીમનાં ભૂતપૂર્વ કપ્તાન પ્રીતમ સિવાચને બીબીસી લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ અપાયો
 
ભારતીય મહિલા હૉકી ટીમનાં પૂર્વ કૅપ્ટન પ્રીતમ સિવાચને ભારતીય સ્પૉર્ટ્સ અને રમતવીરોની પેઢીને આપેલા પ્રોત્સાહન બદલ તેમને બીબીસી લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં છે.
 
સિવાચે કહ્યું, "હું બીબીસીનો આભાર માનું છું કે આ ઍવૉર્ડ માટે મારી પસંદગી કરી. આ ઍવૉર્ડ છેલ્લાં ત્રણ વર્ષમાં ખ્યાતનામ રમતવીરોને એનાયત કરાયો છે. મને એ જાણીને ખૂબ જ આનંદ થયો કે આ વર્ષે મને ઍવૉર્ડ મળી રહ્યો છે. આ ઍવૉર્ડની વિશેષતા એ છે કે તે મહિલાઓને આપવામાં આવે છે. જ્યારે અમને આ ઍવૉર્ડ મળે છે ત્યારે અમને પ્રોત્સાહન મળે છે."
 
"જ્યારે હું ગામડે હતી ત્યારે મારી પાસે ઝાઝી સુવિધાઓ નહોતી. હરિયાણામાં આજે પણ ઘણાં ગામ એવાં છે જ્યાં છોકરીઓ રમવા માગે છે પરંતુ રમી નથી શકતી."
 
સિવાચે કહ્યું, "હૉકી રમ્યા બાદ મેં વિચાર્યું કે એકેડમી બનાવું, જેથી મને જે મુશ્કેલીઓ પડી એનો સામનો અન્ય છોકરીઓએ ન કરવો પડે. આજે હું સોનીપતમાં જે એકેડમી ચલાવું છું, તેમાં 200 છોકરીઓ છે. 20 વર્ષ પહેલાં જ્યારે મેં શરૂઆત કરી ત્યારે મારી પાસે કંઈ જ નહોતું, પરંતુ મારા મનમાં એક જ વિચાર હતો એ હતો અહીંથી પ્લેયર તૈયાર કરવાનો."
 
સિવાચ દેશનાં પ્રથમ મહિલા હૉકી કોચ છે જેમને દ્રોણાચાર્ય પુરસ્કારથી સન્માનિત કરાયાં છે. દ્રોણાચાર્ય પુરસ્કાર રમતગમતક્ષેત્રે કોચને અપાય છે.
 
બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ
 
નીતુ ઘંઘસને બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર ઍવૉર્ડ અપાયો
 
બૉક્સર નીતુ ઘંઘસની પસંદગી બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર માટે કરાઈ. તેઓ બે વખત યૂથ વર્લ્ડ ચૅમ્પિયન બન્યાં અને કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યાં છે. તેમણે 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં બૉક્સિંગની મિનિમમ વેઇટ કૅટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.
 
ઍવૉર્ડ મેળવવા પર નીતુ ઘંઘસે કહ્યું, "આ વર્ષે બીબીસીએ મને ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યરનો ઍવૉર્ડ આપ્યો તેનાથી ખૂબ ખુશ છું. આવા ઍવૉર્ડ મહિલાઓને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે."
 
"ગયા વર્ષે હું આ કાર્યક્રમમાં મહેમાન બનીને આવી હતી અ આ વર્ષે બીબીસીએ મને સન્માનિત કરી. આ એક ખૂબ જ સારો અનુભવ છે. હવે તમામ જોર આવતા વર્ષે યોજાનાર ઑલિમ્પિકની તૈયારીમાં લગાવ્યો છે, જેના માટે તમારી શુભકામનાઓની જરૂર છે."
 
તેઓ બે વખથ યૂથ વર્લ્ડ ચૅમ્પિયન રહી ચૂક્યાં છે અને કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ મેળવી ચૂક્યાં છે. 2022ની કૉમનવેલ્થ ગેમ્સની મિનિમમ વેઇટ કૅટેગરીમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
 
લવલી ચૌબે, રૂપા રાની તિર્કી, પિન્કી અને નયનમોની સાઇકિયાને બીબીસી ચેન્જમેકર ઑફ ધ યરનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે
 
લવલી ચૌબે, રૂપા રાની તિર્કી, પિન્કી અને નયનમોની સાઇકિયાને બીબીસી ચેન્જમેકર ઑફ ધ યરનો ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. આ મહિલા ખેલાડીઓની ટીમે 2022ની કૉમનવેલ્થ ગેમ્સની લૉન બાઉલ્સની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ લૉન બાઉલ્સમાં ભારતનો પહેલો મેડલ હતો.
 
ફાઇનલમાં ભારતીય મહિલા ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકાને 17-10થી માત આપી હતી. લૉન બૉલ એક પ્રકારની બૉલિંગ ગેમ છે. તેની શરૂઆત ઇંગ્લૅન્ડમાં 13મી સદીમાં થઈ અને તેના ઔપચારિક નિયમો અને કાયદા 18મી સદીના અંતે બન્યા.
 
લૉન બૉલ રમતની શરૂઆત ભારતમાં 2010ની કૉમનવેલ્થ ગેમ્સથી થઈ હોવાનું માનવામાં આવે છે. આજે લગભગ 40 દેશોમાં આ રમત રમાય છે. લૉન બૉલની ઇવેન્ટ્સ કૉમનવેલ્થ ગેમ્સમાં તો હોય છે પરંતુ હજુ સુધી તેને ઑલિમ્પિક અને એશિયન ગેમ્સમાં જગ્યા નથી મળી.
 
જોકે 1966 છોડીને બાકીની તમામ કૉમનવેલ્થ ગેમ્સમાં આ રમતને સામેલ કરાઈ છે.
 
સ્પેશિયલ ટ્રૉફી
 
રામબાઈ અને ભગવાની દેવીને સંયુક્તપણે તેમની સિદ્ધિઓ બદલ સ્પેશિયલ ટ્રૉફીથી નવાજાયાં
 
95 વર્ષનાં ભગવાની દેવી અને 106 વર્ષનાં રામબાઈને તેમણે મેળવેલી સિદ્ધિઓ બદલ સંયુક્તપણે સ્પેશિયલ ટ્રૉફી ફૉર અચિવમૅન્ટ આપવામાં આવી હતી.
 
ભગવાની દેવીએ ફિનલૅન્ડના ટેમ્પેરમાં યોજાયેલી 2022 વર્લ્ડ માસ્ટર્સ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની 100 મીટર સ્પ્રિન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
 
આ સ્પર્ધા 35 વર્ષથી ઉપરનાં ઍથ્લીટ માટે આયોજિત કરાઈ હતી. તેની શોટપૂટની ગૅમમાં દેવીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. રામબાઈએ વડોદરામાં યોજાયેલી 2022 નેશનલ ઓપન માસ્ટર્સ ઍથ્લેટિક્સ ચૅમ્પિયનશિપની 100 મીટર અને 200 મીટર દોડની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
 
'મીરાબાઈ ચનુને અભિનંદન'
 
બીબીસી ન્યૂઝના ડેપ્યુટી સીઇઓ અને ડિરેક્ટર ઑફ જર્નાલિઝમ જોનાથન મુનરો
 
બીબીસી ન્યૂઝના ડેપ્યુટી સીઇઓ અને ડિરેક્ટર ઑફ જર્નાલિઝમ જોનાથન મુનરોએ સમારંભમાં સામેલ થવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને સતત બીજા વર્ષે બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરનો ઍવૉર્ડ જીતવા બદલ મીરાબાઈ ચનુને શુભેચ્છાઓ પાઠવી હતી.
 
તેમણે કહ્યું, "હું આ વર્ષે રજૂ કરાયેલા નવા ઍવૉર્ડ બીબીસી પૅરા સ્પૉર્ટસવુમન ઑફ ધ યરથી ઘણો ખુશ થયો છું.'
    
બીબીસી વર્લ્ડ સર્વિસના ડિરેક્ટર અને બીબીસી ન્યૂઝનાં સિનિયર કંટ્રોલર લિલિયાન લૅન્ડોર
 
બીબીસી વર્લ્ડ સર્વિસના ડિરેક્ટર અને બીબીસી ન્યૂઝનાં સિનિયર કંટ્રોલર લિલિયાન લૅન્ડોર કહે છે, "જે મહિલાઓને નૉમિનેટ કરવામાં આવી છે તેમણે ભારતના રમતગમત ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે અને તેમની સિદ્ધિઓની ઉજવણી કરવામાં ગર્વની લાગણી અનુભવું છું. તેમણે તેમની રમતમાં અદ્ભુત કૌશલ્ય, મજબૂતી અને પ્રતિબદ્ધતાનો પરિચય કરાવ્યો. આ મહિલાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર રમતગમતની દુનિયામાં મહિલાઓ માટે એક ઝળહળતું ઉદાહરણ છે."
 
વૈશ્વિક મંચ પર અદ્વિતીય પ્રદર્શન કરનાર મહિલા રમતવીરો સિદ્ધિઓને બિરદાવવા તેમજ મહિલા રમતવીરોએ જે પડકારોનો સામનો કરવો પડે છે તેના પર પ્રકાશ પાડવા માટે વર્ષ 2019માં બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરની શરૂઆત કરાઈ હતી
 
બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ માટેનાં પાંચ નૉમિનીની જાહેરાત ફેબ્રુઆરી મહિનામાં કરવામાં આવી હતી. જેમની પસંદગી જાણીતા સ્પૉર્ટ્સ પત્રકારો, લેખકો અને નિષ્ણાતોની બનેલી જ્યુરી પૅનલ દ્વારા કરવામાં આવી હતી.
 
પ્રતિષ્ઠિત પસંદગી સમિતિએ આ પુરસ્કાર માટે પાંચ દાવેદારોની પસંદગી કરી હતી અને એ મહિલા ખેલાડીઓનાં નામ ફેબ્રુઆરીમાં જાહેર કરવામાં આવ્યાં હતાં. તેમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચનુ, કુસ્તીબાજ સાક્ષી મલિક તથા વીનેશ ફોગાટ, બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને મુક્કાબાજ નિખત ઝરીનનો સમાવેશ થાય છે. આ પાંચેય પૈકીના દરેકે તેમના ક્ષેત્રમાં ઉત્તમ દેખાવ કર્યો છે.
 
આ ઍવૉર્ડ માટેની વોટિંગ લાઈન્સ છઠ્ઠીથી 21 ફેબ્રુઆરી સુધી ખુલ્લી રાખવામાં આવી હતી અને લોકોને તેમની પસંદગીની મહિલા ખેલાડી માટે મતદાન કરવાનું કહેવામાં આવ્યું હતું. જે ખેલાડીને સૌથી વધુ મત મળશે તેને વિજેતા જાહેર કરવામાં આવશે.
 
બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુ, વેઈટલિફ્ટર મીરાબાઈ ચનુ અને ચેસ ખેલાડી કોનેરુ હમ્પી ભૂતકાળમાં ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ જીતી ચૂક્યાં છે.
 
આ કાર્યક્રમનો હેતુ તમામ સ્પૉર્ટ્સમાં ભારતની મહિલા ખેલાડીઓએ મેળવેલી વૈશ્વિક સિદ્ધિઓને દર્શાવવા ઉપરાંત તેમની સમસ્યાઓ તથા પડકારોને રેખાંકિત કરવાનો છે.
 
આ ઍવૉર્ડ, વિવિધ ક્ષેત્રોમાં વૈશ્વિકસ્તરે સફળતા પ્રાપ્ત કરી ચૂકેલાં મહિલાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની બીબીસીની પ્રતિબદ્ધતાનો એક ભાગ છે.
 
બીબીસી પીઢ મહિલા ખેલાડીને, તેમની સિદ્ધિઓ અને તેમણે રમતગમત ક્ષેત્રે સમયાંતરે આપેલા યોગદાન માટે બીબીસી લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ વડે સન્માનિત પણ કરે છે. ઍથ્લીટ્સ પીટી ઉષા અને અંજુ બોબી જ્યૉર્જનું લાઇફટાઇમ અચિવમૅન્ટ ઍવૉર્ડ વડે અગાઉ સન્માન કરવામાં આવ્યું છે.
 
અમે જીવનનાં તમામ ક્ષેત્રોમાં વૈવિધ્ય તથા સર્વસમાવેશકતા માટે પ્રતિબદ્ધ છીએ. તેથી ઍવૉર્ડને વધારે સર્વસમાવેશક બનાવવા અમે આ વર્ષથી બીબીસી ઇન્ડિયન પેરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડની શરૂઆત પણ કરી રહ્યા છીએ.