ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 29 માર્ચ 2019 (14:35 IST)

ઍન્ટિ-સેટેલાઇટ પરીક્ષણ મુદ્દે અમેરિકાએ ભારતને સાવધ કેમ કર્યું?

ભારતના ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલ પરીક્ષણ બાદ અમેરિકાના કાર્યવાહક રક્ષામંત્રીએ પૅટ્રિક શાનાહાને અંતરિક્ષમાં કચરો વધવાને લઈને સાવધ કર્યું છે. પૅટ્રિકનું કહેવું છે કે આ પ્રકારના પરીક્ષણથી અંતરિક્ષમાં કચરો પેદા થાય છે. બુધવારે ભારતે પોતાના જ ઉપગ્રહને તોડી પાડ્યો હતો.
 
પૅટ્રિકનું કહેવું છે કે અમેરિકા આ મામલે અધ્યયન કરી રહ્યું છે, જેમાં ભારતે કહ્યું કે તેમણે અંતરિક્ષમાં કચરો નથી છોડ્યો. અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત ચોથો એવો દેશ છે જેણે આ પ્રકારનું પરીક્ષણ કર્યું છે. ચીને વર્ષ 2007માં ઍન્ટિ-સેટેલાઇટ મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું. જે બાદ આંતરરાષ્ટ્રીયસ્તરે તેની ઘણી ટીકા થઈ હતી.
 
 
ભારતના પરીક્ષણ બાદ પૅટ્રિકે સંવાદદાતાઓને કહ્યું કે અમારું માનવું છે કે આપણે બધા અંતરિક્ષમાં રહીએ છીએ અને તેમાં કચરો ફેલાવવો ન જોઈએ. અંતરિક્ષમાં એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં આપણે વેપાર કરી શકીએ. અંતરિક્ષ એક એવી જગ્યા હોવી જોઈએ જ્યાં લોકોને કામ કરવાની સ્વતંત્રતા હોય. 
 
આ પ્રકારના પરીક્ષણથી અંતરિક્ષમાં કચરો વધે છે જે નાગરિકો અને અન્ય સૈન્ય ઉપગ્રહોને નુકસાન પહોંચાડી શકે છે. જોકે ભારતનું કહેવું છે કે તેમણે જાણીજોઈને 'મિશન શક્તિ'નું પરીક્ષણ ઓછી ઊંચાઈએ કર્યું છે, જેથી કચરો અંતરિક્ષમાં ન રહે અને તાત્કાલિક પૃથ્વી પર આવી જાય. કેટલાક વિશેષજ્ઞોએ ભારતના આ દાવા પર શંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે કાટમાળને નિયંત્રિત નથી કરી શકાતો અને એ કઈ બાજુ જશે એ કહેવું મુશ્કેલ છે.
 
સમાચાર એજન્સી રૉયટર્સે અમેરિકાના રક્ષા મંત્રાલયના પ્રવક્તાના હવાલાથી કહ્યું કે અમેરિકન સેના ભારતના આ પરીક્ષણથી ઉત્પન્ન થયેલા કાટમાળના 250 ટુકડાઓનું નિરીક્ષણ કરી રહ્યું છે. અમેરિકાએ આવું પરીક્ષણ વર્ષ 1959માં જ કર્યું હતું.
 
નાસાએ ચેતવણી જાહેર કરી
 
ચીને આ પરીક્ષણ વર્ષ 2007માં કર્યું હતું. ચીને આ પરીક્ષણમાં એક જૂના મોસમ ઉપગ્રહને 865 કિલોમિટરની ઊંચાઈથી પાડ્યો હતો. આ પરીક્ષણથી અંતરિક્ષમાં મોટા પ્રમાણમાં કચરો પેદા થયો હતો. નાસાએ ભારતના આ પરીક્ષણથી પણ કચરો વધવાની ચેતવણી આપી છે. અમેરિકન અંતરિક્ષ એજન્સીના પ્રમુખ જિમ બ્રિન્ડેસ્ટાઇને બુધવારે કૉંગ્રેસને કહ્યું, ''કેટલાક લોકો જાણીજોઈને ઍન્ટિ-સેટેલાઇટ પરીક્ષણ કરે છે અને અંતરિક્ષમાં કચરો ફેલાવે છે. અમે આ સમસ્યા સામે પહેલેથી જ લડી રહ્યા છીએ.''
 
વડા પ્રધાન મોદીએ બુધવારે ઘોષણા કરી કે ભારત અંતરિક્ષના ક્ષેત્રમાં દુનિયાની ચોથી મહાશક્તિ બની ગયું છે.
 
હથિયારો પર નિયંત્રણની વકીલાત કરતાં લોકોએ અંતરિક્ષમાં વધતાં સૈન્યીકરણ પર ચિંતા વ્યક્ત કરી છે. જોકે ભારતના વિદેશ મંત્રાલયે પરીક્ષણને શાંતિપૂર્ણ ગણાવ્યું છે અને કહ્યું છે કે તેનો "અંતરિક્ષમાં હથિયારોની દોડમાં સામેલ થવાનો કોઈ ઈરાદો નથી." ભારતનાં વિપક્ષીદળોએ પણ વડા પ્રધાન મોદીની આ ઘોષણા પર નારાજગી વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે મોદી વૈજ્ઞાનિકોની સફળતાનો ચૂંટણીમાં લાભ લેવા માગે છે.
 
ભારતમાં 11 એપ્રિલથી લોકસભા ચૂંટણી શરૂ થઈ રહી છે. ચૂંટણીપંચે કહ્યું છે કે તેને કેટલીય ફરિયાદો મળી છે અને તે તપાસ કરશે કે વડા પ્રધાન મોદીએ ચૂંટણીના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં.