રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : શુક્રવાર, 29 માર્ચ 2019 (07:21 IST)

ભારતની અંતરીક્ષ શક્તિનું ટાર્ગેટ પાકિસ્તાન છે કે ચીન?

ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઘોષણા કરી કે ભારત અંતરીક્ષમાં ઍન્ટી સેટેલાઇટ મિસાઇલ લૉન્ચ કરવાવાળા દેશોમાં સામેલ થઈ ગયો છે. તેમણે રાષ્ટ્રને સંબોધિત કરતા ઘોષણા કરી કે ભારતે અંતરીક્ષમાં 300 કિલોમિટરની ઊંચાઈ પર સેટેલાઇટને મિસાઇલથી તોડી પાડ્યું છે. આ ઘોષણા બાદ એવું મનાય છે કે ભારત પાકિસ્તાન સહિત ઘણા પાડોશી દેશોના સેટેલાઇટ માટે ખતરો બની ગયું છે.
 
જોકે, ભારતીય વડા પ્રધાને આ પહેલાં ઘોષણામાં કહ્યું હતું કે આ પરીક્ષણ કોઈ પણ આંતરરાષ્ટ્રીય નિયમોને તોડ્યા વગર કરવામાં આવ્યું છે. આ તરફ પાકિસ્તાન આજ સુધી કહેતું રહ્યું છે કે તેનો અંતરીક્ષ કાર્યક્રમ શાંતિપૂર્ણ ઉદ્દેશ માટે રહ્યો છે.
 
જોકે, વિશ્લેષકોનું માનવું છે કે આ પરીક્ષણથી ભારતે એ સંદેશ આપ્યો છે કે તેની પાસે અંતરીક્ષ યુદ્ધ માટે એક હથિયાર આવી ચૂક્યું છે અને યુદ્ધ હવે અંતરીક્ષ સુધી પહોંચી શકે છે.
 
ભારતની સરખામણીએ પાકિસ્તાનનો અંતરીક્ષ કાર્યક્રમ ખૂબ મર્યાદિત છે પરંતુ ભારતના એલાન બાદ તેણે આ અંગે વિચારવું પડશે. ખરાબ અર્થવ્યવસ્થાનો શિકાર બનેલું પાકિસ્તાન શું આ નવાં હથિયારોની દોડ માટે રકમ એકત્રિત કરી શકશે? ઇસ્લામાબાદમાં વિદેશ મંત્રાલય તરફથી જાહેર એક નિવેદનમાં પણ આ હથિયારોને લઈને ચિંતા જોઈ શકાય છે.
 
પાકિસ્તાનનું કહેવું છે કે તે અંતરીક્ષમાં હથિયારોની દોડની વિરુદ્ધ છે પરંતુ પાકિસ્તાન આ રેસમાં સામેલ થવાની સ્થિતિમાં છે કે નહીં તે સવાલ અઘરો છે. પાકિસ્તાનના એક વિશ્લેષકનું કહેવું હતું કે અંતરીક્ષ મનુષ્યો સંયુક્ત વિરાસત છે અને દરેકની જવાબદારી છે કે તે એવા પ્રયત્નોથી બચે જેનાથી અંતરીક્ષમાં યુદ્ધનો માહોલ બને.
 
તેમનું કહેવું છે, "અમે સમજીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્રમાં અંતરીક્ષ સંબંધિત કમજોરીઓને દૂર કરવામાં આવે જેનાથી એ વાતની પુષ્ટિ કરી શકાય કે ત્યાંની શાંતિ જળવાઈ રહે અને અંતરીક્ષની ટેકનિક ખતરનાક ન બને."
પાકિસ્તાને પોતાનો અંતરીક્ષ કાર્યક્રમ 1961માં શરુ કર્યો હતો. આ કાર્યક્રમ માટે પાકિસ્તાન સ્પેસ એન્ડ અપર એટમૉસ્ફેયર રિસર્ચ કમિશન (સૂપરકો)ની શરુઆત કરવામાં આવી જેનું સૂત્ર 'શાંતિપૂર્ણ' ઉદ્દેશ માટે અંતરીક્ષ અનુસંધાન છે.
 
આ જ સંગઠન અત્યાર સુધી ચીનની મદદથી ઘણા સેટેલાઇટ અંતરીક્ષમાં મોકલી ચૂક્યું છે. સુપરકોના આધારે, પાકિસ્તાનની 2011 અને 2040 વચ્ચે પાંચ જિઓ સેટેલાઇટ્સને અંતરીક્ષમાં પહોંચાડવાની યોજના છે.
આ યોજનાને તત્કાલીન વડા પ્રધાન સૈયદ યૂસુફ રઝા ગિલાનીએ મંજૂરી આપી હતી.
 
સરકારી અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સેટેલાઇટ્સ ભૂ-વિજ્ઞાન, પર્યાવરણ, સંચાર અને કૃષિ ક્ષેત્રમાં શોધ કરશે. વિશ્લેષકોનું માનવું છે કે આ સેટેલાઇટ્સને જાણકારી એકત્રિત કરવા સિવાય સૈન્ય ઉદ્દેશ માટે વાપરી શકાય છે પરંતુ પાકિસ્તાને અત્યાર સુધી અંતરીક્ષમાં ન તો હથિયાર મોકલ્યાં છે અને ન તો અંતરિક્ષમાં માર કરતી કોઈ મિસાઇલ બનાવી છે.
 
એ માટે ભારતના આ પરીક્ષણ બાદ જ્યારે પાકિસ્તાને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે તો સાહિત્યિક હવાલો આપતા કહ્યું કે 1605માં લખવામાં આવેલા એક ઉપન્યાસ ડૉન કિહોટેમાં એક વ્યક્તિ કાલ્પનિક દુશ્મનો વિરુદ્ધ લડતી રહે છે.
 
પાકિસ્તાનના નિવેદનમાં ભારતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ નિશાન તો એ જ હતું. જોકે, સ્થિતિ ક્યાં સુધી આવી રહી શકે છે તે કહેવું મુશ્કેલ છે. પાકિસ્તાની પ્રવક્તાનું કહેવું હતું કે તેમને આશા છે કે એ દેશો જેમણે પહેલા આ મુદ્દાને લઈને ચિંતાઓ વ્યક્ત કરી હતી તેઓ હવે અંતરીક્ષમાં સૈન્ય ખતરાનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં એક અભિયાન તૈયાર કરવા માટે એકસાથે આવશે.
 
અંતરીક્ષમાં યુદ્ધસ્તરની તૈયારી જમીન પર સેના માટે મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે અને વિશ્લેષકોના આધારે સૈન્ય સંતુલનને ખરાબ કરી શકે છે. તેવામાં પાકિસ્તાનને વધારે પાછળ રહેવું કદાચ મંજૂર ન હોય.
 
પાકિસ્તાની સુરક્ષાકર્મીઓનું માનવું છે કે ભારતની અંતરીક્ષમાં યુદ્ધની તૈયારીનું લક્ષ્ય પાકિસ્તાન કરતાં વધારે ચીન છે પરંતુ પાકિસ્તાન એક 'દુશ્મન પાડોશી'ની ક્ષમતાની અવગણના કરી શકતું નથી.