બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 30 માર્ચ 2019 (16:21 IST)

જ્યારે નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી દરમિયાન સ્વીકાર્યું 'પરિણીત છું'

કૉંગ્રેસના નેતા દિગ્વિજયસિંહે સવાલ ઉઠાવ્યો છે કે 2014 પહેલાં તેમણે કેમ જાહેર ન કર્યું કે તેઓ પરિણીત છે, પોતાની ડિગ્રી અંગે કેમ સ્પષ્ટતા નથી કરતા? જેના કારણે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે કે મોદીએ ભૂતકાળમાં કેમ ન જણાવ્યું કે તેઓ પરિણીત છે?
 
ભૂતકાળમાં જ્યારે વિવાદ ઊભો થયો, ત્યારે મોદી પરિવાર તથા ખુદ જશોદાબહેન તેમનાં લગ્ન વિશે સ્પષ્ટતા કરી ચૂક્યાં છે.
ગત લોકસભાની ચૂંટણી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવારી કરી હતી અને ચૂંટણી પ્રક્રિયા દરમિયાન જ તેમણે સ્વીકાર્યું હતું કે તેઓ 'પરિણીત' છે.
 
વડોદરામાં સ્વીકાર
 
આપના અરવિંદ કેજરીવાલે વારાણસીમાં મોદી સામે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું ગત લોકસભા ચૂંટણી દરમિયાન ગુજરાતની વડોદરા બેઠક પરથી ઉમેદવારીપત્રક ભરતી વખતે મોદીએ 'ઔપચારિક રીતે' સ્વીકાર્યું હતું કે તેઓ 'પરિણીત' છે.
 
મોદીએ જીવનસાથીના નામ તરીકે જશોદાબહેનનું નામ જણાવ્યું હતું. જોકે, તેમનાં પાનકાર્ડ, આવક તથા સંપત્તિ અંગેની વિગતોમાં 'ખબર નથી' હોવાનું જાહેર કર્યું હતું. એ સમયે આ મુદ્દે રાજકીય ચકચાર જાગી હતી. મોદીના બચાવમાં ભાજપે તેમના મોટાભાઈ સોમાભાઈ દામોદરદાસ મોદીનું નિવદેન બહાર પાડ્યું હતું.
 
એ નિવેદનમાં સોમાભાઈએ જણાવ્યું હતું કે તેમની જ્ઞાતિ આર્થિક અને સામાજિક રીતે પછાત હતી, એટલે સામાજિક દૂષણને કારણે માત્ર 17 વર્ષની ઉંમરે તેમના 'બાળવિવાહ' કરાવવામાં આવ્યા હતા. થોડા દિવસોમાં બંને અલગ થઈ ગયા હતા પરંતુ બંનેએ લગ્ન ફોક કર્યું ન હતું.
 
ગત લોકસભાની ચૂંટણી દરમિયાન મોદી વડોદરા ઉપરાંત ઉત્તર પ્રદેશની વારાણસી બેઠક ઉપરથી પણ ચૂંટણી લડ્યા હતા, જ્યાં નવમા અને અંતિમ તબક્કામાં મતદાન યોજાયું હતું. 2019માં પણ નરેન્દ્ર મોદીએ વારાણસીની બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે.
 
શું કહે છે જશોદાબહેન?
 
જશોદાબહેને આનંદીબહેનના નિવેદનની ઝાટકણી કાઢી હતી જૂન-2018માં મધ્ય પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે એક જાહેર કાર્યક્રમમાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી 'અપરિણીત' છે. જશોદાબહેનના ભાઈ અશોક મોદીએ બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું હતું: "લોકોએ રાજકારણ કરવા માટે જશોદાબહેન અને નરેન્દ્રભાઈ વિશે આવું જુઠ્ઠાણું ન ફેલાવવું જોઈએ."
 
જશોદાબહેને બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું, "આનંદીબહેન એક મહિલા હોવા છતાંય આવું નિવેદન કરે છે એટલે મારે સ્પષ્ટતા કરવી પડે છે." "મને એ વાતનું દુ:ખ છે કે મોદીએ લગ્ન કર્યાં છે તો પણ આ લોકો આવાં નિવેદનો કરે છે." 
 
"આ વાત જગજાહેર છે કે નરેન્દ્ર મોદીએ લગ્ન કર્યાં છે, પણ આ લોકો આવું જુઠ્ઠાણું ફેલાવી રહ્યાં છે."
 
મોદી પરિણીત કે અપરિણીત?
 
વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવારી કરતી વખતે મોદી નરેન્દ્ર મોદીએ ભાજપ અને એ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં કાર્યકરથી લઈને પક્ષના મહાસચિવ સુધી અલગઅલગ પદ પર કામ કર્યું હતું.
 
આ દરમિયાન તેમણે 'પરિણીત કે અપરિણીત' એ વાતનો ખુલાસો કરવાની જરૂર પડી ન હતી. નજીકના બહુ થોડા લોકો મોદીની લગ્નસ્થિતિથી વાકેફ હતા, અન્યોને એમ જ હતું કે મોદી 'અપરિણીત' છે. ઑક્ટોબર 2001માં નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય મંત્રી તરીકે શાસનની ધૂરા સંભાળી. નિયમ પ્રમાણે, એપ્રિલ-2002 સુધીમાં તેમણે વિધાનસભાની ચૂંટણી જીતવાની હતી.
 
12 વર્ષ સુધી સ્વીકારવાનું ટાળ્યું
 
કાયદાકીય જરૂરિયાતને પૂર્ણ કરવા ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ રાજકોટ-2ની બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી. પરંપરાગત રીતે ભાજપના દિગ્ગજ નેતા (અને હાલમાં કર્ણાટકના રાજ્યપાલ) વજુભાઈ વાળા આ બેઠકનું પ્રતિનિધિત્વ કરતા હતા. મોદી માટે વાળાએ પોતાની 'સલામત' ગણાતી બેઠક ખાલી કરી આપી હતી.
 
એ સમયે ચૂંટણીપંચને ઍફિડેવિટ આપતી વખતે પ્રથમ વખત મોદીએ તેમના વૈવાહિક દરજ્જા અંગે 'ઔપચારિક રીતે' કશું કહેવાની જરૂર ઊભી થઈ હતી. જોકે, તત્કાલીન કાયદાકીય છૂટનો ઉપયોગ કરીને જીવનસાથીની સંપત્તિની કૉલમમાં 'લાગુ પડતું નથી' જણાવ્યું. એ પછી ડિસેમ્બર 2002, ડિસેમ્બર 2007 તથા ડિસેમ્બર 2012ની વિધાનસભા ચૂંટણી દરમિયાન મોદીએ ખુદના વૈવાહિક દરજ્જા અંગે 'ઔપચારિક' રીતે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.
 
સ્પષ્ટતાની ફરજ પડી
 
સપ્ટેમ્બર 2013માં દેશની સર્વોચ્ચ અદાલતે શકવર્તી ચુકાદો આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે ઉમેદવાર ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે કોઈ કૉલમ ખાલી નહીં રાખી શકે અને જો ખાલી રાખે તો ચૂંટણી અધિકારી ઉમેદવારીપત્રકને રદ કરી શકે છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે દરેક મતદારને તેના ઉમેદવાર સંબંધિત તમામ વિગતો જાણવાનો હક્ક છે.
 
ત્યારબાદ સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારી અંગે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. પંચે જણાવ્યું હતું કે જો ઉમેદવારને કોઈ વિગત અંગે જાણ ન હોય તો તે 'ના' કે 'લાગુ પડતું નથી' એમ જણાવી શકે છે, પરંતુ કોઈ કૉલમ ખાલી નહીં છોડી શકે.
 
પંચે ઉમેર્યું હતું કે જો રિટર્નિંગ ઑફિસર દ્વારા માહિતી માગવા છતાંય જરૂરી વિગતો આપવામાં ન આવે તો જેતે ઉમેદવારીપત્રક રદ કરવા પાત્ર ઠરશે. સુપ્રીમ કોર્ટનો ચુકાદો 'પૂર્વવર્તી અસર'થી ચુકાદો ન આપ્યો હોવાથી મોદી સહિત અન્ય ઉમેદવારોએ અગાઉની ચૂંટણી ઍફિડેવિટ્સમાં આપેલી વિગતો અંગે કોઈ કાર્યવાહી થઈ ન હતી.
 
ગુજરાતનો ચૂંટણી કાર્યક્રમ
 
ગુજરાતમાં તા. 23મી એપ્રિલે મતદાન થશે
ગુરુવારે ગુજરાતમાં લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, આ સાથે જ રાજ્યભરમાં ચૂંટણી પ્રક્રિયાની વિધિવત્ શરૂઆત થઈ. 28મી માર્ચથી લઈને તારીખ ચોથી એપ્રિલ સુધી ગુજરાતમાં વિધાનસભા/લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી કરી શકાશે, તા. 5મી એપ્રિલે ઉમેદવારી પત્રકોની ચકાસણી થશે.
 
તા. 8મી એપ્રિલ સુધીમાં ઉમેદવાર તેમની દાવેદારી પરત ખેંચી શકે છે.
 
લોકસભા બેઠકો ઉપરાંત વિધાનસભા બેઠકો પર તારીખ 23 એપ્રિલના રોજ પેટા ચૂંટણી યોજાશે.
 
તા. 23મી મેના ગુજરાતની 26 સહિત દેશભરની તમામ 543 બેઠકો ઉપરના પરિણામ જાહેર થશે.
 
ગત વખતે તા. 30મી એપ્રિલ 2014ના દિવસે (સવારે સાતથી સાંજે છ વાગ્યા સુધી) ચૂંટણી યોજાઈ હતી અને 16મી મે, 2014ના દિવસે ચૂંટણી પરિણામ જાહેર થયાં હતાં.
 
તા. 26મી મે 2014ના દિવસે વડા પ્રધાન તરીકે પદભાર સંભાળ્યો હતો.
 
ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે 26માંથી તમામ 26 બેઠક જીતી હતી, જે કોઈ પણ રાજકીય પક્ષનું રાજ્યમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું.