સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By દેવેન્દ્ર પટેલ|
Last Updated : બુધવાર, 10 એપ્રિલ 2019 (10:27 IST)

મોદી અને મોરારજી દેસાઈ : ગોધરા-નોટબંધી - બે ગુજરાતી PM વચ્ચેની સમાનતા અને તફાવત

-દેવેન્દ્ર પટેલ
'ગોધરા, મુખ્ય પ્રધાનપદ, વડા પ્રધાનપદ અને નોટબંધી.' દેશના ચોથા વડા પ્રધાન મોરારજી દેસાઈ અને નરેન્દ્ર મોદીની કારકિર્દીમાં આ બાબતોએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. બુધવારે નરેન્દ્ર મોદી દક્ષિણ ગુજરાતના સોનગઢ ખાતે જાહેરસભાને સંબોધશે, ત્યારે દેસાઈની 23મી પુણ્યતિથિની ઉજવણી થતી હશે. બંને વડા પ્રધાનનાં વ્યક્તિગત અને રાજકીય જીવન પર નજર કરીએ તો તેમની વચ્ચે અનેક સમાનતા જોવા મળે છે, જોકે તફાવત પણ ઓછા નથી.
 
બીબીસી ગુજરાતીના જયદીપ વસંતે બંને વડા પ્રધાનની કારકિર્દીને નજીકથી જોનારા વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ સાથે વાત કરી અને બંને નેતાઓનાં વ્યક્તિત્વ વિશે જાણવાનો પ્રયાસ કર્યો.
 
ગોધરા અને ગોધરાકાંડ
 
મોરારજી દેસાઈ અંગ્રેજોના શાસન દરમિયાન ICS અધિકારી બન્યા હતા, જેને વર્તમાન પ્રાંત અધિકારી સાથે સરખાવી શકાય. મોરારજીભાઈ ગોધરામાં નાયબ કલેક્ટર હતા, ત્યારે ત્યાં હિંદુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડો ફાટી નીકળ્યાં હતાં, એ સમયે તેમણે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક અદા કરી હતી. 
બાદમાં તેમની ઉપર ફરજમાં બેદરકારી દાખવવાના આરોપ લાગ્યા હતા.
 
નરેન્દ્ર મોદીની કારકિર્દીમાં પણ ગોધરાએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 2002માં ગોધરાકાંડ થયો, ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં કોમી હુલ્લડો ફાટી નીકળ્યાં, જેમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં. ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી ઉપર પણ હિંદુ હુલ્લડખોરો તરફ કૂણું વલણ રાખવાના આરોપ લાગ્યા અને કોર્ટ કેસ પણ થયો. કોર્ટે તેમને ક્લીનચીટ આપી, જેને ઉચ્ચતમ અદાલતમાં પડકારવામાં આવી છે. 
 
બંનેની કૅરિયરમાં નોટબંધી
 
મોરારજીભાઈ વડા પ્રધાન બન્યા તે પહેલાં નાણાપ્રધાન હતા. તેઓ નાણાકીય શિસ્તનો આગ્રહ રાખતા હતા. મોરારજીભાઈએ કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર ઉપર લગામ કસવા તેમના શાસનકાળ દરમિયાન મોટા દરની ચલણી નોટો (રૂ. 1000, રૂ. 5000 અને રૂ. 10,000)ની ઉપર પ્રતિબંધ લાદ્યો હતો.
 
મોદીએ પણ રૂ. 500 અને રૂ. 1000ની ચલણી નોટો ઉપર પ્રતિબંધ લાદ્યો, પરંતુ વહીવટીતંત્ર તૈયાર ન હતું, જેના કારણે પ્રજાએ એક મહીના સુધી હાલાકી ભોગવવી પડી.
 
તેમની સરખામણીમાં દેસાઈએ આ કામ સુપેરે પાર પાડ્યું હતું.  મોરારજીભાઈના કાર્યકાળ દરમિયાન વિવાદ નહોતો થયો. તેનું એક કારણ એ પણ હતું કે એ સમયે 99 ટકા પ્રજાએ ઉચ્ચ ચલણી નોટો જોઈ જ ન હતી, જ્યારે રૂ. 500 અને 1,000ની નોટો વ્યાપક રીતે ચલણમાં હતી.
 
મોદીની મુત્સદ્દીગીરી
 
મોરારજીભાઈને અંગ્રેજ કલેક્ટરના હાથ નીચે કામ કરવાનું થતું, છતાં તેઓ અંગ્રેજ અધિકારીઓને ગાંઠતા ન હતા. તેઓ એકદમ સ્વતંત્ર મિજાજના હતા. મોરારજીભાઈ અને મોદીના વ્યક્તિત્વની સીધી સરખામણી ન થઈ શકે. મોરારજીભાઈ તડ અને ફડ બોલી નાખતા, તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા. 
 
નરેન્દ્રભાઈ પક્ષમાં કે બહાર વિરોધીઓની સફાઈ કરતા ખચકાતા નથી. 90ના દાયકામાં ભાજપમાં આંતરિક ખેંચતાણ ચાલી રહી હતી, ત્યારે મોદીને ગુજરાત બહારનો 'વનવાસ' મળ્યો. જોકે, દિલ્હી પહોંચીને મોદીએ મુત્સદ્દીપણું વાપર્યું અને ગુજરાતમાં પુનરાગમન સુનિશ્ચિત કર્યું.  તેઓ પરત આવ્યા એટલે કેશુભાઈ પટેલને 'વનવાસ' આપવાનું કામ કર્યું. 
 
વિરુદ્ધ ધ્રુવ, સમાન પાસાં
 
નરેન્દ્રભાઈ અને દેસાઈના વ્યક્તિત્વની સરખામણી કરીએ તો કેટલીક બાબતો આંખે વળગે છે.બંનેએ નોટબંધી જેવા બૉલ્ડ નિર્ણયો લીધા હતા. બંનેની નેતૃત્વની પ્રણાલી 'ઑથૉરિટેરિયન' જણાય છે. બંને સ્વયંશિસ્તમાં માને અને શિસ્તનો આગ્રહ રાખે છે. દેસાઈ ગોધરાના નાયબ કલેક્ટર હતા, ત્યારે મંજૂરી માટે ગોઠવવામાં આવેલો વિશેષ ખેલ જોવા ગયા હતા. ત્યાં જઈને તેમણે જોયું તો પહેલી હરોળમાં પોલીસવાળા બેઠા હતા. મોરારજીભાઈ તેમની ઉપર ગુસ્સે થયા હતા અને તેમને તત્કાળ નીકળી જવા આદેશ કર્યો હતો. 
 
સાથે જ ઉમેર્યું હતું કે 'હું તમને એક વખત માફ કરું છું, જો ફરી જોઈશ તો સસ્પેન્ડ કરી દઈશ.'
 
દેસાઈ બૉમ્બે (અખંડ ગુજરાત) રાજ્યના મુખ્ય મંત્રી હતા, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. મોદી 13 વર્ષ સુધી આ પદ પર રહ્યા, જે રેકર્ડ છે. દેસાઈ ભાષાના આધારે બૉમ્બેના વિભાજનની વિરુદ્ધ હતા. તેઓ ઇચ્છતા હતા કે ગુજરાતી અને મરાઠી બોલનારા લોકો સાથે જ રહે. અંતે, 1960માં મરાઠી બોલનારાઓ માટે મહારાષ્ટ્ર અને ગુજરાતી બોલનારાઓ માટે ગુજરાત, એમ ભાષાના આધારે બૉમ્બે રાજ્યનું વિભાજન થયું.
 
વિરોધાભાસી વિચારસરણી
 
દેસાઈ મૂળે કૉંગ્રેસી હતા અને તેઓ ચુસ્ત ગાંધીવાદી હતા. તેમણે સ્વાતંત્ર્ય ચળવળમાં પણ ભાગ લીધો હતો. જનતા પાર્ટીની સરકારના વડા પ્રધાન બન્યા, તે પહેલાં તેઓ કૉંગ્રેસમાં જ હતા.  નરેન્દ્ર મોદી યુવાવયે જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાઈ ગયા હતા. તેમનો જન્મ થયો, ત્યારે દેશને આઝાદી મળી ગઈ હતી. મોદી સંઘ અને ભાજપની કચેરીઓમાં રહ્યા છે અને હિંદુવાદી કલ્ચરમાં તેમનું ઘડતર થયું છે.
 
(દેવેન્દ્ર પટેલ 51 વર્ષથી પત્રકારત્વક્ષેત્રે સક્રિય છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સહિત અનેક વિષયો ઉપર પુસ્તક લખ્યાં છે.)