ગુરુવાર, 21 નવેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: શુક્રવાર, 16 ઑગસ્ટ 2024 (10:59 IST)

દુનિયામાં ફેલાઈ રહેલો મંકીપૉક્સ વાઇરસ શું છે અને કેટલો ખતરનાક છે?

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ આફ્રિકાના કેટલાક ભાગોમાં મંકીપૉક્સ ફાટી નીકળવાને આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતાજનક જાહેર આરોગ્યની કટોકટી જાહેર કરી છે.
 
અગાઉ મંકીપૉક્સ નામે ઓળખાતા આ અત્યંત ચેપી રોગ ડેમૉક્રેટિક રિપબ્લિક ઑફ કૉંગો (ડીઆર કૉંગો)માં ફાટી નીકળ્યાના પ્રારંભે જ ઓછામાં ઓછા 450 લોકો માર્યા ગયા છે.
 
હવે મંકીપૉક્સ મધ્ય અને પૂર્વ આફ્રિકાના ભાગોમાં ફેલાયો છે. રોગનો આ નવો પ્રકાર કેટલી ઝડપે ફેલાઈ રહ્યો છે તેનાથી અને તેના ઊંચા મૃત્યુદરથી વિજ્ઞાનીઓ ચિંતિત છે.
 
ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ અઘાનમ ગેબ્રેયેસસે કહ્યું છે કે આ રોગ સમગ્ર આફ્રિકામાં અને તેનાથી આગળ ફેલાવી સંભાવના “ખૂબ જ ચિંતાજનક” છે.
 
તેમણે કહ્યું હતું, “આ પ્રકોપને રોકવા અને જીવન બચાવવા માટે સંકલિત આંતરરાષ્ટ્રીય પ્રયાસો જરૂરી છે.”
 
તેનાં ફ્લુ જેવાં લક્ષણો ચામડી પર જખમનું કારણ બને છે અને તે જીવલેણ સાબિત થઈ શકે છે. આ રોગના પ્રત્યેક 100માંથી ચારમાં વ્યક્તિનું મોત થાય છે.
 
રસીઓ વડે ચેપ પ્રસરતો અટકાવીને તેને નિયંત્રિત કરી શકાય છે. જોકે, આવી વૅક્સિન્સ જોખમ ધરાવતા લોકો માટે અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના ગાઢ સંપર્કમાં હોય તેવા લોકો માટે જ ઉપલબ્ધ હોય છે.
 
મંકીપૉક્સના મુખ્ય બે પ્રકાર છેઃ ક્લેડ-વન અને ક્લેડ-ટુ
 
2022માં મંકીપૉક્સ જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવામાં આવી હતી. તેનું કારણ પ્રમાણમાં હળવો ક્લેડ-ટુ હતો. જોકે, આ વખતે વધારે ઘાતક ક્લેડ-વન છે. મંકીપૉક્સ અગાઉ ફાટી નીકળ્યો ત્યારે બીમાર થયેલા કુલ લોકો પૈકીના 10 ટકા લોકો આ વખતે માર્યા ગયા છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે.
 
ગયા વર્ષે સપ્ટેમ્બરની આસપાસ આ વાઇરસમાં ફેરફાર થયો હતો. મ્યુટેશનથી તેનો ક્લેડ-વન બી પ્રકાર સર્જાયો હતો અને તે ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ નવા પ્રકારને એક વિજ્ઞાનીએ “અત્યાર સુધીનો સૌથી ઘાતક” પ્રકાર ગણાવ્યો છે.
 
ડીઆર કૉંગોમાં વર્તમાન વર્ષના પ્રારંભથી મંકીપૉક્સના 13,700થી વધુ કેસ નોંધાયા છે અને તેમાં ઓછામાં ઓછા 450 લોકોનાં મૃત્યુ થયાં છે.
 
એ પછી તેનો પ્રસાર બુરુન્ડી, સૅન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક કેન્યા અને રવાન્ડા સહિતના આફ્રિકન દેશોમાં જોવા મળ્યો છે.
 
મંકીપૉક્સને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરવાથી સંશોધન, ભંડોળ ફાળવણી અને જાહેર આરોગ્યનાં અન્ય આંતરરાષ્ટ્રીય પગલાં ઝડપથી લેવામાં આવશે, એવી આશા છે.
 
વેલકમ ટ્રસ્ટના ડૉ. જોસી ગોલ્ડિંગે કહ્યું હતું કે તે “મજબૂત સંકેત” છે, જ્યારે એમોરી યુનિવર્સિટીના ડૉ. બોઘુમા ટાઈટનજીએ જણાવ્યું હતું કે આ પગલું “પરિસ્થિતિની ગંભીરતા” પર ભાર મૂકે છે.
 
ઑક્સફોર્ડ યુનિવર્સિટીના ગ્લોબલ હેલ્થ નેટવર્કના ડિરેક્ટર પ્રોફેસર ટ્રુડી લેંગે કહ્યું હતું કે આ પગલું “મહત્ત્વપૂર્ણ અને સમયસરનું” છે. નવા પ્રકારનો ઉદભવ સૂચવે છે કે “ઘણી અજાણી બાબતોનું નિરાકરણ જરૂરી છે.”
 
જુલાઈ 2022માં મંકીપૉક્સનો હળવો પ્રકાર ક્લેડ-ટુ લગભગ 100 દેશોમાં ફેલાયો હતો. તેમાં યુરોપ અને એશિયાના કેટલાક દેશોનો પણ સમાવેશ થતો હતો.
 
એ પછી તે ઝડપથી ફેલાયો છે અને ડબલ્યુએચઓની ગણતરી મુજબ, આ રોગચાળો ફાટી નીકળ્યા પછી તેના 87,000થી વધારે કેસ અને 140 મૃત્યુ નોંધાયાં છે.
 
કોઈ પણ વ્યક્તિને મંકીપૉક્સનો ચેપ લાગી શકે છે, પરંતુ અત્યાર સુધી આ રોગચાળો પુરુષ સાથે સંભોગ કરતા પુરુષોમાં કેન્દ્રિત હતો.
 
ચેપ લાગવાની શક્યતા હોય તેવા લોકોને વૅક્સિન આપીને આ રોગના પ્રકોપને નિયંત્રણમાં લેવામાં આવ્યો હતો.
 
આફ્રિકા સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન નામની સંસ્થાના વિજ્ઞાનીઓએ મંગળવારે જાહેર આરોગ્યની કટોકટી જાહેર કરી હતી.
 
સંસ્થાના વડા જીન કાસેયાએ ચેતવણી આપી હતી કે આ રોગચાળાને કાબૂમાં લેવા માટે તત્કાળ પગલાં નહીં લેવામાં આવે તો તે નિયંત્રણ બહાર જઈ શકે છે.
 
તેમણે કહ્યું હતું, “આ જોખમને નિયંત્રણમાં લેવા અને તેને નાબૂદ કરવા આપણે સક્રિય અને આક્રમક પ્રયાસો કરવા પડશે.”
 
મંકીપૉક્સ શું છે?
મંકીપૉક્સ રોગ મંકીપૉક્સ વાઇરસથી થાય છે. તે શીતળાના વાઇરસ જેવો જ વાઇરસ છે, પરંતુ તે ઓછો નુકસાનકારક છે.
 
આફ્રિકાના ઉષ્ણકટીબંધીય વરસાદી જંગલોનાં અંતરિયાળ ગામડાંમાં, ડીઆર કૉંગો જેવા દેશોમાં તે સૌથી સામાન્ય છે.
 
આ પ્રદેશોમાં દર વર્ષે હજારો કેસ અને સેંકડો મૃત્યુ આ રોગને કારણે થાય છે. તેમાં 15 વર્ષથી ઓછી વયનાં બાળકો સૌથી વધારે અસરગ્રસ્ત હોય છે.
 
આફ્રિકા સેન્ટર્સ ફૉર ડિસીઝ કન્ટ્રોલ ઍન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ, 2024ના પ્રારંભથી જુલાઈના અંત સુધીમાં મંકીપૉક્સના ચેપના 14,500થી વધુ કેસ અને 450થી વધુ મૃત્યુ નોંધાયાં હતાં. 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં ચેપના પ્રમાણમાં 160 ટકા, જ્યારે મૃત્યુના પ્રમાણમાં 19 ટકા વધારો થયો છે.
 
મંકીપૉક્સના 96 ટકા કેસ ડીઆર કૉંગોમાં છે, પરંતુ તેનો પ્રસાર બુરુન્ડી, કેન્યા, રવાન્ડા અને યુગાન્ડા જેવા ઘણા પાડોશી દેશોમાં ફેલાયો છે. આ દેશોમાં મંકીપૉક્સ સ્થાનિક રોગ નથી.
 
ડીઆર કૉંગોમાં મંકીપૉક્સની વૅક્સિન્સ અને સારવાર આસાનીથી ઉપલબ્ધ નથી તથા આરોગ્ય અધિકારીઓ આ રોગના પ્રસારથી ચિંતિત છે.
 
નિષ્ણાતો કહે છે કે નવો પ્રકાર વધુ સરળતાથી ફેલાઈ રહ્યો છે. તેના કારણે બાળકો અને પુખ્ત વયના લોકોને વધારે ગંભીર રોગ તથા વધુ મૃત્યુ થઈ શકે છે.
 
મંકીપૉક્સનાં લક્ષણો
મંકીપૉક્સનાં પ્રારંભિક લક્ષણોમાં તાવ, માથાનો દુખાવો, સોજો, પીઠનો દુખાવો અને સ્નાયુઓમાં પીડાનો સમાવેશ થાય છે.
 
તાવ ઊતરી જાય પછી શરીર પર ફોડલીઓ વિકસે છે. તેની શરૂઆત ઘણી વાર ચહેરા પર ફોડલીથી થાય છે અને પછી તે શરીરના અન્ય ભાગોમાં, સામાન્ય રીતે હથેળીઓ અને પગનાં તળિયાંમાં ફેલાય છે.
 
આ ફોડલીઓમાં બહુ જ ખંજવાળ આવે છે અથવા તે બહુ પીડાદાયક હોય છે. તેમાં ફેરફાર થાય છે અને આખરે તે ભીંગડું બને છે અને બાદમાં ઊખડી જાય છે. તેના જખમથી શરીર પર ડાઘ પડી જાય છે.
 
મંકીપૉક્સનો ચેપ સામાન્ય રીતે જાતે જ સાફ થઈ જાય છે અને તે 14થી 21 દિવસ સુધી રહે છે.
 
ગંભીર કિસ્સાઓમાં આખા શરીર પર અને ખાસ કરીને મોં, આંખો અને ગુપ્તાંગ પર આ વાઇરસ આક્રમણ કરે છે.
 
મળનું પણ ટ્રાન્સપ્લાન્ટ થાય? તેનાથી લોકોના જીવ કેવી રીતે બચે?
 
મંકીપૉક્સ કેવી રીતે ફેલાય છે?
આ વાઇરસ મૂળભૂત રીતે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાતો હતો, પરંતુ હવે માણસથી માણસમાં ફેલાઈ રહ્યો છે.
 
ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે સેક્સ, ત્વચાથી ત્વચાનો સંપર્ક, અન્ય વ્યક્તિ સાથે નજીકથી વાતચીત કરવાથી અથવા શ્વાસ લેવા જેવા નજીકના સંપર્કથી મંકીપૉક્સ ફેલાય છે.
 
આ વાઇરસ ત્વચા પરના ચીરા, શ્વસનમાર્ગ, આંખો, નાક અથવા મોં દ્વારા શરીરમાં પ્રવેશી શકે છે. તે પથારી, કપડાં અને ટુવાલ જેવી વાઇરસથી દૂષિત વસ્તુઓને સ્પર્શવાથી પણ ફેલાય છે.
 
વાંદરાં, ઉંદર અને ખિસકોલીઓ જેવાં ચેપગ્રસ્ત પ્રાણીઓના નજીકના સંપર્કથી પણ તે ફેલાઈ શકે છે.
 
2022માં મંકીપૉક્સનો વૈશ્વિક રોગચાળો ફાટી નીકળ્યો ત્યારે આ વાઇરસ મોટે ભાગે જાતીય સંપર્કને કારણે ફેલાયો હતો.
 
ડીઆર કૉંગોમાં હાલના તેના પ્રસાર માટે મુખ્યત્વે જાતીય સંપર્ક કારણભૂત છે, પરંતુ તે અન્ય સમુદાયોમાં પણ જોવા મળે છે.
 
કોને ચેપ લાગી શકે?
જાતીય રીતે સક્રિય હોય એવા લોકોમાં અને પુરુષો સાથે સેક્સ કરતા પુરુષોમાં મોટા ભાગના કિસ્સા જોવા મળે છે. અનેક પાર્ટનર્સ ધરાવતા અથવા નવા સેક્સ્યુઅલ પાર્ટનર્સ ધરાવતા લોકો માટે પણ તે જોખમી હોય છે.
 
મંકીપૉક્સના ચેપથી ગ્રસ્ત વ્યક્તિ સાથે ગાઢ સંપર્કમાં આવતી વ્યક્તિને તેનો ચેપ લાગી શકે છે. તેમાં હેલ્થ વર્કર્સ અને વ્યક્તિના પરિવારજનોનો પણ સમાવેશ થાય છે.
 
મંકીપૉક્સનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. આ વાઇરસ તમારા સમુદાયમાં ફેલાયો હોય તો તમારા હાથને સાબુ તથા પાણીથી સાફ કરો.
 
મંકીપૉક્સનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિએ તેમના બધા જખમ દૂર ન થઈ જાય ત્યાં સુધી અન્ય લોકોથી અલગ રહેવું જોઈએ.
 
ડબલ્યુએચઓના કહેવા મુજબ, મંકીપૉક્સથી ગ્રસ્ત વ્યક્તિ સાજી થઈ જાય પછી પણ 12 અઠવાડિયાં સુધી સેક્સ કરતી વખતે સાવચેતીરૂપે કૉન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.