બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: મંગળવાર, 13 ઑગસ્ટ 2024 (10:47 IST)

વડા પ્રધાન મોદી જ્યારે કન્યાકુમારીમાં 45 કલાક ધ્યાન ધરવા ગયા ત્યારે તેમણે રજા લીધી હતી કે નહીં?

PM modi dhyan sadhna
30 મે અને 1 જૂનની વચ્ચે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘45 કલાક’ માટે કન્યાકુમારીમાં વિવેકાનંદ રૉક મેમોરિયલ પર ધ્યાન ધર્યું હતું. આ એ દિવસો હતાં જ્યારે લોકસભા ચૂંટણી માટેનો પ્રચાર તેના છેલ્લા તબક્કામાં હતો.
 
બીબીસીએ માહિતી અધિકારનો ઉપયોગ કરીને વડા પ્રધાનના કાર્યાલય (પીએમઓ) પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો હતો કે વડા પ્રધાન મોદીએ કન્યાકુમારીમાં જે 45 કલાક વિતાવ્યા તેને સરકારી રેકૉર્ડમાં કેવી રીતે નોંધવામાં આવ્યું છે.
 
અરજીના જવાબમાં વડા પ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે પીએમ મોદીએ કોઈ રજા લીધી નથી જવાબમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, "વડા પ્રધાન કાયમ ડ્યૂટી પર જ રહે છે."
 
તેમના કાર્યાલયે બીબીસીને જણાવ્યું છે કે મે 2014માં જ્યારથી વડા પ્રધાન મોદીએ કાર્યભાર સંભાળ્યો છે ત્યારથી તેમણે એક દિવસ પણ રજા લીધી નથી.
 
વડા પ્રધાનને રજાની અરજી મૂકવાની હોય?
નરેન્દ્ર મોદી પહેલાંના ભારતના પૂર્વ વડા પ્રધાનોમાંથી કેટલાક વડા પ્રધાને તેમના કાર્યકાળ દરમિયાન રજા લીધી હતી અને એ વાતની જાણકારી તેમણે સાર્વજનિક પણ કરી હતી. આ યાદીમાં ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી પણ છે.
 
સમાચારપત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયા પ્રમાણે, "વડા પ્રધાન કાર્યાલય પાસે ભૂતપૂર્વ વડા પ્રધાનની રજાઓની જાણકારી નથી."
 
ભૂતકાળમાં અનેક વાર વડા પ્રધાનની ગેરહાજરીમાં એક વરિષ્ઠ મંત્રીને જવાબદારી સોંપવામાં આવતી રહી છે જેથી કરીને કામમાં કોઈ બાધા ન આવે.
 
કે.એમ. ચંદ્રશેખર એ ભારત સરકારના કૅબિનેટ સચિવ રહી ચૂક્યા છે. કૅબિનેટ સચિવ એ ભારતીય નોકરશાહીનું ઉચ્ચતમ પદ છે.
 
પૂર્વ કૅબિનેટ સચિવ ચંદ્રશેખરે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ભારતમાં એવી કોઈ સિસ્ટમ નથી કે જેની હેઠળ વડા પ્રધાન રજાઓની અરજી મૂકતાં હોય કે પછી રજા માંગતા હોય. પહેલાંના સમયમાં પણ જ્યારે વડા પ્રધાને પોતાના માટે સમય જોઈતો હોય તો તેઓ રાષ્ટ્રપતિને એ વાતની જાણકારી આપતા રહેતા હતા અને કૅબિનેટ સચિવને પણ એ વાતની જાણ કરતા હતા."
 
મોદી ધ્યાન ધરવા ગયા ત્યારે તેમણે કોઈને જવાબદારી સોંપી હતી કે નહીં?
એ વાત સ્પષ્ટ નથી થઈ શકી કે વડા પ્રધાન મોદીએ કોઈ મંત્રીને કન્યાકુમારી જતાં પહેલાં જવાબદારી સોંપી હતી કે નહીં, રાષ્ટ્રપતિને કોઈ જાણકારી આપી હતી કે નહીં.
 
ઔપચારિક રીતે જ કન્યાકુમારીમાં ધ્યાન કરવા અંગે કોઈપણ સરકારી પ્રેસ રિલીઝ નથી પરંતુ પીએમ મોદી ધ્યાન ધરતા હોય તેવા અનેક વીડિયો તેમની યુટ્યૂબ ચેનલ અને ન્યૂઝ એજન્સી એએનઆઈએ પ્રસારિત કર્યા હતા.
 
30મી મેના રોજ ડીડી ન્યૂઝે પોતાના કવરેજમાં જણાવ્યું હતું કે પીએમ મોદી 30મેની સાંજથી લઈને 1 જૂનની સાંજ સુધી કન્યાકુમારીમાં ધ્યાન ધરી રહ્યા છે.
 
31મેના કવરેજમાં એએનઆઈએ પણ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે પીએમ મોદી રાત-દિવસ સાધનામાં વ્યસ્ત રહેશે અને આ સાધના ધ્યાન મંડપમની અંદર કરશે.
 
ભાજપના પણ અનેક નેતાઓએ વડા પ્રધાનના આ કાર્યક્રમના વખાણ કર્યા હતા. મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે ધ્યાન ધરવાનો વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે, "મોદીજીને ધ્યાનના માધ્યમથી દિવ્ય ઊર્જા પ્રાપ્ત થઈ."
 
જ્યારે વિપક્ષના નેતાઓએ તેને રાજકીય કાર્યક્રમ ગણાવ્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે મતદારોને પ્રભાવિત કરવા માટે આ કાર્યક્રમ થઈ રહ્યો છે.
 
શું ધ્યાન ધરવું એ ડ્યૂટી છે?'
સંજય બારુ એ પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના મીડિયા સલાહકાર રહ્યા છે અને તેમણે મનમોહનસિંહના કાર્યકાળ પર એક પુસ્તક પણ લખ્યું છે – ‘ધી ઍક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર, મેકિંગ ઍન્ડ અનમેકિંગ ઑફ ડૉ. મનમોહનસિંહ.’
 
સંજય બારુએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે, "આમ કહેવું હાસ્યાસ્પદ છે કે વડા પ્રધાન મોદીએ કન્યાકુમારીમાં જે ધ્યાન ધર્યું એ તેમની ઔપચારિક ડ્યૂટીનો ભાગ છે. શું લોકો ધ્યાન ધરે છે ત્યારે તેઓ તેને પોતાની ઑફિશિયલ ડ્યૂટી તરીકે ગણાવે છે?"
 
"શું કોઈ સંગઠન પોતાનો કર્મચારી ધ્યાન ધરતો હોય તેને ડ્યૂટી માનશે? અને જ્યારે પીએમ ઉપલબ્ધ નથી રહેતા ત્યારે તેમની જવાબદારી હોય છે કે તેઓ કોઈ અન્ય મંત્રીને તેની જવાબદારી આપે જે વ્યક્તિ સરકારના કામને આગળ ધપાવે."
 
વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીએ હાલમાં જ તેમના પુસ્તક ‘હાઉ પ્રાઇમ મિનિસ્ટર્સ ડિસાઇડ’માં વડા પ્રધાનની કાર્યશૈલીની બારીકાઈથી તપાસ કરી છે. તેમને આ વાત અટપટી લાગે છે કે પીએમઓએ વડા પ્રધાન મોદીની સાધનાને ડ્યૂટી ગણાવી છે.
 
તેઓ કહે છે, "વડા પ્રધાનને અધિકાર છે કે તેઓ પૂજા કરે, પરંતુ આ પ્રકારે સાધનાને પોતાની ઑફિશિયલ ડ્યૂટી ગણાવવી એ મારી સમજની બહાર છે. તેમની સાધનાના સમયને અધિકૃત ડ્યૂટી ગણાવવા પાછળ મને કોઈ તર્ક દેખાતો નથી."
સુધીન્દ્ર કુલકર્ણી પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના સલાહકાર રહ્યા છે. તેમને આ વાતમાં કંઈ ખોટું દેખાતું નથી કે પીએમ મોદીની સાધનાને ઑફિશિયલ ડ્યૂટી ગણાવવામાં આવી છે. તેમનું માનવું છે કે વડા પ્રધાન હંમેશાં ડ્યૂટી પર રહે છે.
 
વડા પ્રધાન તરીકે વાજપેયી દ્વારા લેવામાં આવેલી રજાઓને યાદ કરીને કુલકર્ણી કહે છે, "જ્યારે વર્ષ 2000માં તેમણે કેરળમાં રજા લીધી હતી ત્યારે કદાચ જ એવો કોઈ સમય હશે કે જ્યારે તેઓ કામમાં વ્યસ્ત ન રહ્યા હોય. કંઈકને કંઈક કામ સામે આવી જ જતું હોય છે."
 
"મને યાદ છે કે એ દરમિયાન ત્યાંના મુખ્ય મંત્રી તેમને મળવા આવી પહોંચ્યા હતા અને પ્રશાસનના કેટલાક લોકો પણ તેમને મળવા આવ્યા હતા. પીએમ રજા પર હતા પરંતુ રજાઓ માણી રહ્યા હતા તેમ માનવું ખોટું ગણાશે."
 
પૂર્વ કૅબિનેટ સચિવ ચંદ્રશેખરે જણાવ્યું કે વડા પ્રધાન રજા પર હોય કે ન હોય, તેમના માટે હંમેશાં અમુક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહે છે.
 
તેઓ કહે છે, "જ્યારે પણ જરૂર પડે ત્યારે તેમનો ઉપયોગ કરવામાં આવે છે. પીએમનો સ્ટાફ, એસપીજી અને ન્યૂક્લિયર બ્લૅક બૉક્સ હંમેશાં તેમની સાથે જ ચાલે છે જેથી કરીને જરૂર પડે ત્યારે યોગ્ય પગલાં ભરી શકાય."
 
"એ વાતમાં કોઈ શક નથી કે આ તમામ વ્યવસ્થાઓ તેઓ જ્યારે કન્યાકુમારી ગયા હશે ત્યારે પણ કરવામાં આવી હશે."
 
જ્યારે પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહનું ઑપરેશન થવાનું હતું ત્યારે પણ તેમણે પોતાના સિનિયર મંત્રી પ્રણવ મુખરજીએ કૅબિનેટ મીટિંગની અધ્યક્ષતા કરવાની જવાબદારી સોંપી હતી.
 
ટીકેએ નાયર એ સમય દરમિયાન વડા પ્રધાન કાર્યાલયમાં પ્રમુખ સચિવ હતા. તેમણે જણાવ્યું, "જોકે, અમે ક્યારેય મનમોહનસિંહ માટે રજાની અરજી કરી હોય તેવું મને યાદ નથી આવતું."
અન્ય દેશોમાં શું વ્યવસ્થા છે?
વિદેશોમાં વડા પ્રધાન અને રાષ્ટ્રપતિ તેમની રજાઓ વિશે જાહેરમાં ચર્ચા કરે છે.
 
અમેરિકામાં રાષ્ટ્રપતિઓએ અલગ-અલગ જગ્યાએ તેમની રજાઓ વીતાવી છે અને આ સિલસિલો સદીઓથી ચાલ્યો આવે છે.
 
પોતાના લેખમાં ઇતિહાસકાર લૉરેન્સ નટ્સન કહે છે, "આજે જ્યારે કોઈ અમેરિકાના રાષ્ટ્રપતિ રજાઓ વિતાવવા માટે જાય છે ત્યારે તેઓ ઍરફોકર્સ વન વિમાનથી જાય છે. તેમનો કમ્યુનિકેશન સ્ટાફ, સીક્રેટ સર્વિસ, ત્યાંની પોલીસ અને મીડિયાકર્મીઓ પણ તેમનાથી વધુ દૂર હોતાં નથી અને તેમના દરેક પગલાંની ખબર આપતાં રહે છે."
 
"રાષ્ટ્રપતિ ગૉલ્ફ કોર્ટમાં હોય કે નાવમાં હોય કે પછી પહાડ પર, તેમની પાસે જાણકારી અને વાતચીતનાં સાધનો એટલી જ આસાનીથી પહોંચી જાય છે કે જેટલી આસાનીથી તેમની ઑફિસમાં પહોંચે છે. "
 
નટ્સન એમ પણ કહે છે કે વર્ષોથી તેમની રજાઓ પર વિવાદ ચાલતો રહે છે, વિપક્ષ તેમની રજાઓ પર ખર્ચ, વારંવાર લેવામાં આવતી રજાઓ અને લાંબાગાળાને લઈને સવાલો ઉઠાવતો રહે છે, પરંતુ તેમ છતાં પણ ‘રાષ્ટ્રપતિ રજાઓ લેતા રહે છે.’
 
વાત જો બ્રિટનની કરવામાં આવે તો ત્યાં પણ વડા પ્રધાન પ્રજા સમક્ષ તેમની રજાઓની વાત મૂકે છે.
 
જોકે, વડા પ્રધાનને રજાઓ દરમિયાન જરૂરી વાતોની જાણકારી રહેતી હોય છે. પરંતુ રજાઓ પર જતા પહેલાં તેઓ એક મંત્રીને નિયુક્ત કરતાં હોય છે જેઓ રોજબરોજના કામને તેમની ગેરહાજરીમાં સંભાળતા હોય છે.
 
હાલમાં જ બ્રિટનના પૂર્વ વડા પ્રધાન ઋષિ સુનક જ્યારે તેમના કાર્યકાળ દરમિયાન પહેલી વાર રજાઓ મનાવવા ગયા ત્યારે તેમના માટે પણ આવી જ વ્યવસ્થા બનાવવામાં આવી હતી.
 
નીરજા ચૌધરી કહે છે કે, "નેતાઓ તેમની રજાઓને લઈને કેવો તર્ક આપે છે એ તેના પર નિર્ભર કરે છે કે તેમના સમર્થકો તેમની રજાઓના મુદ્દાને કઈ રીતે જુએ છે."