રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: બુધવાર, 14 ઑગસ્ટ 2024 (15:02 IST)

ઉપવાસમાં ખવાતા 'સુપરફૂડ' મખાનાની ખેતી કેવી રીતે થાય છે

ફૂલદેવ સાહની પણ તેમના પિતા અને દાદાની જેમ આઠ ફૂટ ઊંડા કાદવથી ભરેલા તળાવમાં ડૂબકી મારીને પોતાનો રોજગાર ચલાવે છે.
 
સાહનીએ કહ્યું,"હું કલાકો સુધી સાતથી આઠ ફૂટ ઊંડા પાણીમાં ડૂબકીઓ મારું છું અને શ્વાસ લેવા માટે દર આઠથી દસ મિનિટે તળાવની સપાટી પર આવું છું."
 
તેઓ તળાવના ઊંડાણમાં નીચે ઊતરીને યુરીયલ ફેરૉક્સ નામના વૉટર લિલીનાં બીજની લણણી કરી રહ્યા હતા.
 
મખાના, ફૉક્સ નટ્સ અથવા કમળનાં બીજના રૂપે જાણીતી આ વસ્તુમાં રહેલા પોષણમૂલ્યને કારણે ખૂબ જ મોંઘી છે. કારણ કે તેમાં વિટામીન બી, પ્રોટીન અને ફાઇબર ભારે પ્રમાણમાં હોય છે. કેટલાક લોકો તેને સુપરફૂડ પણ ગણાવે છે. ઉપવાસમાં પણ લોકો તેને શેકીના ખાતા હોય છે.
 
મોટાભાગે નાસ્તામાં ખવાતા મખાનાનો ઉપયોગ અલગ-અલગ વાનગીઓમાં પણ કરવામાં આવે છે, જેમ કે દૂધની ખીર. આ ઉપરાંત મખાનાને લોટની સાથે પીસીને પણ ખાઈ શકાય છે.
 
સાહની જ્યાં રહે છે તે બિહાર રાજ્યમાં વિશ્વના 90 ટકા મખાના ઉગાડવામાં આવે છે.
 
કેવી રીતે થાય છે મખાનાની ખેતી
લીલીના છોડની પાંખડીઓ મોટી અને ગોળાકાર હોય છે અને તે તળાવની ઉપરના ભાગે ઊગે છે. જોકે, તેનું બીજ પાણીના નીચેના ભાગમાં ફળીના રૂપે બને છે. આ બીજને એકઠા કરવા એ ખૂબ જ થકાવનારી પ્રક્રિયા છે.
 
સાહનીએ કહ્યું, "અમે જ્યારે તળાવમાં ડૂબકી લગાવીએ છીએ ત્યારે કાદવ અમારી આંખ, કાન, નાક અને મોઢામાં ચાલ્યો જાય છે. આ કારણે અમને ચામડીને સંબંધિત તકલીફો થાય છે. આ ઉપરાંત આ છોડ કાંટાઓથી ઘેરાયેલો હોય છે. આ કારણે અમે જ્યારે તેના બીજ તોડવા જઈએ છીએ ત્યારે અમારા શરીર પર કાંટા પણ લાગે છે."
 
જોકે, ખેડૂતોએ હાલનાં વર્ષોમાં ખેતીની પ્રક્રિયામાં ફેરફારો કર્યા છે. આ છોડવાઓ હવે ખેતરોમાં ખૂબ જ છીછરા પાણીમાં ઉગાડવામાં આવે છે.
 
માત્ર એક ફૂટ ઊંડા પાણીમાં બીજને ઉગાડવાને કારણે સાહની હવે એક દિવસમાં બમણી આવક કમાઈ શકે છે.
 
"આ ખૂબ જ મહેનતનું કામ છે, પરંતુ મને મારી પરંપરા પર ગર્વ છે. મારાં ત્રણ બાળકો છે અને હું ચોક્ક્સપણે ઇચ્છું છું કે મારો એક દીકરો મખાનાનાં ખેતરોમાં કામ કરવાના વારસાને જાળવી રાખે."
 
મખાનાની ખેતીમાં પરિવર્તન લાવનાર વ્યક્તિઓ પૈકીના એક છે ડૉક્ટર મનોજ કુમાર.
 
ડૉ. મનોજ કુમારને લગભગ 10 વર્ષ પહેલાં અનુભવ થયો કે ઊંડાં તળાવોમાં મખાનાની ખેતીને આગળ વધારવી મુશ્કેલ બનશે.
 
નેશનલ રિસર્ચ સેન્ટર ફૉર મખાનાનાં (એનઆરસીએમ) હેડ તરીકે તેમણે ખેતરોનાં છીછરા પાણીમાં મખાનાને ઉગાડવામાં મદદ કરી. આ ટૅકનિક છેલ્લાં ચાર-પાંચ વર્ષોમાં લોકપ્રિય બની છે.
 
ડૉ. મનોજે જણાવ્યું, "આ નવી ટેકનિક થકી મખાનાની ખેતી પણ જમીન પર ઉગાડવામાં આવતા બીજા પાકોની જેમ સરળ થઈ ગઈ છે. મખાનાની ખેતી માટે માત્ર એક ફૂટ પાણીની જરૂર છે. મજૂરોને ઊંડા પાણીમાં કલાકો સુધી કામ કરવુ પડતું નથી."
 
તેમણે અલગ-અલગ પ્રકારનાં બીજ પર પ્રયોગો કર્યા પછી વધારે લવચીક અને ઉત્પાદન ક્ષમતાવાળાં બીજ મળ્યાં. ડૉ. મનોજ કહે છે કે આ બીજને કારણે ખેડૂતોની આવક ત્રણ ગણી વધી ગઈ છે.
 
ડૉ. કુમારે કહ્યું કે મખાનાની ખેતીએ કેટલાક ખેડૂતોને હાલનાં વર્ષોમાં બિહારમાં અનિશ્ચિત હવામાન પરિસ્થિતિ અને પૂરનો સામનો કરવામાં મદદ કરી છે.
 
એનઆરસીએમ એવાં મશીનો વિકસાવવા પર કામ કરી રહી છે જે બીજને કાપી શકે.
 
આ નવી ટેકનિકો તરફ ખેડૂતોની પણ નજર છે.
 
વર્ષ 2022માં 35, 224 હેક્ટર જમીનનો ઉપયોગ મખાનાની ખેતી કરવા માટે આવતો હતો, જે 10 વર્ષ પહેલાંની તુલનામાં ત્રણ ગણો વધારો છે.
 
શું છે મખાના ઉગાડવાની નવી ટેકનિક
 
ધીરેન્દ્ર કુમાર એ ખેડૂતો પૈકીના એક છે જેમને હમણાં જ મખાનાની ખેતી શરૂ કરી છે.
 
ધીરેન્દ્રનો ઉછેર એક ખેતરમાં જ થયો હતો, પરંતુ તેઓ પોતાના પિતાની રાહ પર ચાલવા માંગતા ન હતા.
 
તેમણે કહ્યું, "ખેડૂત તરીકે અમે હંમેશાં ઘઉં, મસૂર અને સરસવની ખેતી કરી, પરંતુ અમને ભારે નુકસાન થયું. મોટેભાગે પૂરને કારણે પાક ધોવાઈ જતો હતો."
 
ધીરેન્દ્ર પીએચડીના અભ્યાસ દરમિયાન મખાનાની ખેતી પર કામ કરતા એક વૈજ્ઞાનિકના સંપર્કમાં આવ્યા. ત્યારબાદ તેમણે પોતાના પરિવારના ખેતરમાં મખાનાનો પાક લેવાનો પ્રયોગ કરવાનું નક્કી કર્યું.
 
તેમણે કહ્યું, "પરિણામ આશ્ચર્યજનક હતું. પ્રથમ વર્ષે જ મને લગભગ 36 હજાર રૂપિયાનો લાભ થયો."
 
તેઓ હવે 17 વિઘા જમીન પર લીલીના છોડ ઉગાડે છે.
 
"મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું મખાનાની ખેતી કરીશ. કારણ કે આ ખૂબ જ મહેનત માંગી લે તેવું કામ છે, જે મોટેભાગે માછીમારો જ કરે છે."
 
ખેતરમાં લેવાતા પાકમાં થયેલા ફેરફારને કારણે મહિલાઓ માટે રોજગારની નવી તકો પણ ઊભી થઈ છે. કુમાર હવે 200 સ્થાનિક મહિલાઓને રોજગાર આપે છે, જે બીજ વાવે છે.
 
ધીરેન્દ્રએ કહ્યું, "મારો ઉદ્દેશ્ય વધારેમાં વધારે ખેડૂતોને રોજગાર અપાવવાનો છે. જેથી કરીને ખેતીમાં રહેલી અનિશ્ચિતતાને કારણે તેઓ ખેતી છોડી ન દે."
 
નવાં સંશોધનો માત્ર મખાનાની ખેતીના ક્ષેત્રે જ થયા હોય તેવું પણ નથી.
 
મખાનાને તૈયાર કરવાની રીતમાં સફાઈની કમી
મખાનાનાં સૌથી અગ્રણી ઉત્પાદકો પૈકીની એક મધુબની મખાના નામની કંપની મખાનાનાં ઉત્પાદન ઉપરાંત વિશ્વભરમાં તેની નિકાસ પણ કરે છે.
 
પરંપરાગત રીતે બીજને છોડમાંથી કાપીને પછી ધોવામાં આવે છે. ત્યારબાદ મખાનાને શેકીને ફૂટવા માટે હથોડા જેવા એક સાધનથી ટીપવામાં આવે છે.
 
મધુબની મખાનાનાં સંસ્થાપક અને સીઈઓ શંભુ પ્રસાદે કહ્યું, "આ પદ્ધતિ ક્રૂર, અસ્વસ્થ અને જોખમી છે. તે ખૂબ જ કપરી અને સમય માંગી લે તેવી પદ્ધતિ છે અને આ કારણે ઘણી વખત ઈજા પણ થાય છે."
 
તેમની કંપનીએ એનસીઆરએમની સાથે ભાગીદારમાં મખાનાને શેકવા અને ફોડવા માટે એક મશીન તૈયાર કર્યું છે.
 
શંભુ પ્રસાદે કહ્યું,"આ મશીનને કારણે મખાનાની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતામાં વધારવામાં મદદ કરી છે."
 
આ પ્રકારનાં ત્રણ મશીનો મધુબની મખાનાનાં મૅન્યુફેકચરિંગ પ્લાન્ટ પર લગાવવામાં આવ્યા છે.
 
તેમણે કહ્યું, "મખાનાની વધતી વૈશ્વિક ડિમાન્ડને પહોંચી વળવા માટે જો ઉત્પાદન ક્ષમતા વધશે તો જ તેના ભાવમાં ઘટાડો થવાની શક્યતા છે."
 
ખેડૂત ધીરેન્દ્રકુમાર વિચારે છે કે મખાનાની ખેતી દૂરગામી ફેરફાર લાવશે.
 
તેમણે કહ્યું, "મખાનાનો પાક લેવાની વાત છે તો બિહારમાં આ એક નવી શરૂઆત છે. જે રાજ્યનો લૅન્ડસ્કેપ બદલી નાખશે."