બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Last Modified: શુક્રવાર, 26 જુલાઈ 2024 (08:37 IST)

નીરજ ચોપરા સામે પેરિસ ઑલિમ્પિકમાં ટક્કર લેનાર પાકિસ્તાનના અરશદ નદીમ કેટલા દબાણમાં છે

પેરિસ ઑલિમ્પિકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા જૅવલિન થ્રોઅર અરશદ નદીમને એ વાતનો અંદાજ છે કે કોઈ પણ મોટી ઇવેન્ટમાં અલગ રીતનું દબાણ હોય છે.
 
એ પણ જ્યારે 32 વર્ષ બાદ તેમને ઑલિમ્પિક મુકાબલામાં પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતવાની 'એકમાત્ર આશા'ના રૂપમાં જોવાઈ રહ્યા હોય.
 
હાલમાં બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં નદીમ કહે છે, "ઑલિમ્પિક છે તો સ્વાભાવિક છે કે દબાણ હોય છે."
 
તેઓ કહે છે, "જ્યારે તમે સ્ટાર્ટ પર ઊભા હોવ છો અને જેવો તમારા હાથમાં ભાલો આવે તો તમારું ફોકસ હોય કે મારે ઉત્તમ રીતે થ્રો કરવાનો છે, તો એ સમયે બધી ભાવનાઓ પાછળ રહી જાય છે. બસ એટલું નક્કી હોય છે કે મારે પોતાનું બેસ્ટ આપવાનું છે."
 
અરશદ નદીમ અને પાકિસ્તાન માટે પેરિસ ઑલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની ઉત્તમ તક છે, પરંતુ આ મુકાબલામાં તેમની સામે ભારતના નીરજ ચોપરા પણ હશે.
 
નીરજ ચોપરા સાથે ફરી થશે મુકાબલો
નીરજે ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
 
ઑલિમ્પિકની વેબસાઇટ પર 'અરશદ નદીમ વિરુદ્ધ નીરજ ચોપરા'ના પાંચ મોટા મુકાબલા સામેલ કરવામાં આવ્યા છે.
 
વેબસાઇટ પર લખાયું કે પેરિસ 2024 બંને માટે દુનિયાના મહાન જૅવલિન થ્રોઅર બનવાની તક છે.
 
એક ખાસ વાત એ છે કે અરશદ નદીમ દક્ષિણ એશિયાના પ્રથમ અને એકમાત્ર ઍથ્લીટ છે, જેમની પાસે 90 મીટરનું લક્ષ્ય પાર કરવાનું સન્માન છે. જ્યારે નીરજ ચોપરાએ અત્યાર સુધીમાં 90 મીટરનું લક્ષ્ય પાર નથી કર્યું.
 
અરશદ નદીમ પ્રથમ પાકિસ્તાન છે, જેમણે 56 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કૉમનવેલ્થ ગેમ્સ 2022 દરમિયાન જૅવલિન થ્રોમાં પાકિસ્તાનને ગોલ્ડ મેડલ અપાવ્યો છે.
 
તેમની 90.8 મીટર લાંબા થ્રોએ ન માત્ર કૉમનવેલ્થ ગેમ્સમાં જૅવલિન રેકૉર્ડ તોડ્યો છે, પણ અત્યાર સુધી પાકિસ્તાનનો નૅશનલ રેકૉર્ડ પણ છે.
 
પેરિસ ઑલિમ્પિકમાં જૅવલિન થ્રો ક્વૉલિફિકેશન રાઉન્ડ 6 ઑગસ્ટે,જ્યારે ફાઇનલ 18 ઑગસ્ટે યોજાશે.
 
મારું બેસ્ટ આપવાનો પ્રયાસ કરું છું"
 
આપણે ટ્રેનિંગ ગ્રાઉન્ડ પર અરશદ નદીમને એક અભ્યાસ કરતા જોયા છે. આ દરમિયાન તેઓ આત્મવિશ્વાસ સાથે જોવા મળે છે.
 
તેઓ કહે છે, "જેવો ભાલો હાથમાંથી છૂટે કે ત્યારે ખબર પડી જાય છે કે આ થ્રો સારો હશે."
 
દરેક મુકાબલની ફાઇનલમાં છ થ્રો હોય છે.
 
પ્રૅક્ટિસ કરતાં અરશદ નદીમે જણાવ્યું કે 90 મીટરના થ્રોની પહેલાં તેમનો ઉત્તમ થ્રો 86.38 મીટરનો હતો. એ સમયે તેમનો પ્રયાસ રહેતો કે તેમનો આગામી થ્રો 86.39 મીટરનો હોય.
 
2023ની વર્લ્ડ ઍથ્લેટિક્સ હરીફાઈમાં પરંપરાગત હરીફ ભારતના નીરજ ચોપરા તેમની સામે હતા અને તેઓ એ સમયે કૉમનવેલ્થ ગેમ્સ જેવું પ્રદર્શન કરી શક્યા નહોતા. તેમ છતાં તેઓ બીજા નંબરે રહ્યા હતા અને તેમના હરીફ નીરજ ચોપરા પહેલા નંબરે હતા.
 
શરૂઆતમાં ક્રિકેટ અને ડિસ્ક્સ થ્રો રમનાર અરશદ નદીમ પોતાની કારકિર્દીમાં અનેક વાર ઈજાગ્રસ્ત થયા છે.
 
2023 તેઓ ડાબા ઘૂંટણમાં થયેલી ઈજાને કારણે થાઇલૅન્ડના બૅંગકૉકમાં એશિયન ચૅમ્પિયનશિપ અને 2022ની એશિયન ગેમ્સમાં ભાગ નહોતા લઈ શક્યા.
 
ગત નવેમ્બર દરમિયાન ઘૂંટણમાં ઈજાને કારણે વધુ એક નૅશનલ ગેમ્સમાંથી બહાર થઈ ગયા હતા.
 
અરશદની આશા
જોકે પેરિસ ઑલિમ્પિકમાં અરશદ નદીમ આશાવાદી છે. તેમના અનુસાર, તેઓ અગાઉ કરતાં સારી તૈયારી સાથે મેદાનમાં ઊતરવાના છે.
 
પેરિસ ઑલિમ્પિક અગાઉ તેઓ ટ્રેનિંગ માટે દક્ષિણ આફ્રિકા પણ ગયા હતા. જ્યાં તેમના અનુસાર, તેમણે "જૅવલિન થ્રો માટે વર્લ્ડ લેવલની સુવિધાને કારણે અનેક નવી બાબતો શીખી છે."
 
"ત્યાં ટ્રેનિંગ માટે સારી સુવિધા છે. ત્યાં તમને બધી વસ્તુઓ મળે છે. જેમ કે મેડિસિન બૉલ, હર્ડલ્સ. અમે અખાડામાં કૂદકો મારીએ છીએ. તેમજ જૅવલિન છે, વેટ ટ્રેનિંગ પણ છે."
 
પેરિસ રવાના થતા પહેલાં એક ટ્રેનિંગ સેશનમાં મીડિયાને અરશદ નદીમે કહ્યું, "હું આ વખતે વધુ સારી તૈયારી સાથે ઑલિમ્પિકમાં સામેલ થવાનો છું. મારી ફિટનેસ પણ સારી છે."
 
અરશદ અનુસાર, "અલ્લાહ ત્યારે જ ખુશ થાય જ્યારે કોઈ ખેલાડી તેનું બેસ્ટ આપે છે. દેશ મારા માટે દુવા કરે, જેથી હું સારું પ્રદર્શન કરી શકું અને પાકિસ્તાન માટે મેડલ લાવી શકું."
 
દક્ષિણ આફ્રિકામાં ટ્રેનિંગ પૂરી કરીને પાછા ફર્યા બાદ અરશદ નદીમે સ્થાનિક કોચની સાથે લાહોરમાં પણ પ્રૅક્ટિસ ચાલુ રાખી છે. પરંતુ આ દરમિયાન તેઓ આ મહિને પેરિસમાં થનારી ડાયમંડ લીગમાં સામેલ થયા, જ્યાં તેમણે 84.21 મીટરના થ્રો સાથે ચોથું સ્થાન મેળવ્યું હતું.
 
આ તેમનો આ વર્ષનો પ્રથમ આંતરરાષ્ટ્રીય મુકાબલો હતો, જેમાં તેઓ પોતાના પ્રદર્શનથી ખુશ નથી. અરશદ નદીમે જણાવ્યું કે હાલની ટ્રેનિંગમાં તેમણે પોતાની ટેકનિક અને તાકાતને મજબૂત કરવાનું કામ કર્યું છે.
 
મિયાં ચુન્નુ ગામનો ક્રિકેટર ઍથ્લીટ કેવી રીતે બન્યો?
 
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના વિસ્તાર મિયાં ચુન્નુ સાથે સંકળાયેલા રાખનાર અરશદ નદીમ એ સાત સભ્યવાળા ઑલિમ્પિક જૂથમાં સામેલ છે, જેનાથી પાકિસ્તાનને મેડલ જીતવાની આશા છે.
 
27 વર્ષીય નદીમના પિતા કડિયા છે, તેઓ આઠ ભાઈબહેનમાં ત્રીજું સંતાન છે. તેઓ પરિણીત છે અને તેમને એક પુત્રી, એક પુત્ર છે.
 
અતીતમાં તેમના કોચ રહી ચૂકેલા રશીદ અહમદ સાકી અનુસાર, શરૂઆતમાં નદીમનું ધ્યાન ક્રિકેટ પર વધુ રહેતું હતું.
 
"તેઓ ગંભીરતાથી ક્રિકેટર બનવા માગતા હતા, સાથે જ તેઓ ઍથ્લેટિક્સમાં પણ રસપૂર્વક ભાગ લેતા હતા. તેઓ તેમની સ્કૂલમાં ઉત્તમ ઍથ્લીટ હતા."
 
અરશદ નદીમે થોડો સમય પાકિસ્તાન ઍરફોર્સની સાથે ટ્રેનિંગ કરી અને બાદમાં તેઓ 'વાપડા'ની ટ્રાયલમાં સિલેક્ટ થયા. તેમની સફર મિયાં ચુન્નુના ઘાસવાળા મેદાનથી શરૂ થઈ, જે તેમને આંતરરાષ્ટ્રીય હરીફાઈ સુધી લઈ ગઈ.
 
અરશદ નદીમના કોચે શું કહ્યું?
વર્ષ 2015માં ભાલો હાથમાં લેનાર અરશદ નદીમનું સપનું એ સમયે પૂરું થયું, ત્યારે તેમણે 2020ની ટોક્યો ઑલિમ્પિકમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું.
 
અરશદ ફાઇનલ સુધી પહોંચ્યા, પણ પાંચમા નંબરે રહ્યા. તેઓ ઑલિમ્પિકની ટ્રેક ઍન્ડ ફીલ્ડની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ પાકિસ્તાની છે.
 
વર્ષ 2022ની કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ અને રેકૉર્ડ 90 મીટરના થ્રો બાદ તેમણે 2023માં ટ્રેક ઍન્ડ ફીલ્ડમાં પાકિસ્તાનને પ્રથમ સિલ્વર મેડલ અપાવ્યો હતો.
 
તેમના કોચ ફૈયાઝ હુસૈન બુખારીએ બીબીસી ઉર્દૂને કહ્યું હતું, "અરશદ નદીમ એક સમજદાર ઍથ્લીટ છે, જે બહુ ઝડપી શીખવાનો પ્રયાસ કરે છે. જે કામ એક સામાન્ય ઍથ્લીટ છ મહિનામાં કરે છે, એ કામ અરશદ એક મહિનામાં કરી નાખે છે.
 
ખુદ અરશદ નદીમ એક વાર એવું કહી ચૂક્યા છે કે ક્રિકેટર ન બનવું એ તેમના માટે સારી વાત હતી, નહીં તો તેઓ ઑલિમ્પિકમાં ન હોત.
 
તેઓ બોલ્યા હતા, "મને ખબર છે કે મારી અંદર ઍથ્લેટિક્સનું કુદરતી ટેલેન્ટ છે અને તેના માટે હું આભારી છું. પરંતુ પાકિસ્તાનમાં ઍથ્લીટ હોવાના અનેક પડકારો છે, જેમ કે સંસાધનો અને સુવિધાઓનો અભાવ.