શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified બુધવાર, 31 ઑગસ્ટ 2022 (09:40 IST)

પાકિસ્તાનનો ત્રીજો ભાગ પાણીમાં ગરકાવ, મદદ માટે સંયુક્ત રાષ્ટ્રની વિશ્વને હાકલ

pakistan army
ત્રીજા ભાગનું પાકિસ્તાન પાણીમાં છે.
 
પૂર ઓસરવાના શરૂ થયાં છે પણ મુસીબતો જવાનું નામ નથી લેતી.
 
લોકો બેસહારા છે તો સરકાર પણ લાચાર છે. ગરીબો, બીમાર અને ગર્ભવતી મહિલાઓ, બાળકોની હાલત કફોડી છે. કેટલાકને તો છત પણ નસીબ નથી. ઉપર આસમાન અને ચારે તરફ પાણી અને કાદવ.
 
ભયાનક પૂરે કેટલાક લોકોના જીવ જ નથી લીધા પણ લાખો લોકોનાં જીવન પણ ખોરવાઈ ગયાં છે.
 
પાકિસ્તાન હાલ પૂરની ભયાનક પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે અને આ પૂર વર્ષ દાયકાનું સૌથી વિનાશક પૂર ગણાવાઈ રહ્યું છે.
 
હાલત એટલી ખરાબ છે કે વિસ્થાપિતો ભોજન અને પાણી સહિતની જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓથી પણ વંચિત છે.
 
સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ ઍન્ટોનિયો ગુટેરેશે વિનાશક પૂરનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી 16 કરોડ ડૉલરની મદદની વિનંતી કરી છે.
 
તબાહી એટલી છે કે પાકિસ્તાને મદદ કરવા આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે હાથ લંબાવ્યો છે.
 
પહેલાંથી જ આર્થિક મોરચે ઝૂઝી રહેલા પાકિસ્તાનને આ મહાવિનાશને કારણે ગંભીર સંકટનો સામનો કરવાનો વારો આવ્યો છે.
 
પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સહાયતાની અપીલ કરી રહ્યું છે કારણ કે પૂરમાં દેશ તબાહ થઈ રહ્યો છે. લોકો આશરો મેળવવા માટે પોતપોતાનાં ઘર છોડીને ઊંચાઈવાળી જગ્યાઓ શોધી રહ્યા છે.
 
અધિકારીઓનું કહેવું છે કે યુએસ, યુકે, યુએઈ અને અન્ય દેશોએ તેમને સહાય કરી છે પરંતુ તેમને હજી પણ વધુ સહાયની જરૂર છે.
 
ગૃહમંત્રાલયના અધિકારી સલમાન સૂફીએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે દેશને આંતરરાષ્ટ્રીય સહાયની જરૂર છે.
 
તેમણે કહ્યું, "પાકિસ્તાન આર્થિક મુદ્દા સામે ઝૂઝી રહ્યું છે. ધીમેધીમે તેના પર કાબૂ મેળવી રહ્યા હતા એવામાં આ સંકટ આવી પડ્યું."
 
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કહ્યું કે આ પૂરથી દેશની વસતીના લગભગ 15 ટકા લોકો એટલે કે અંદાજે 3.3 કરોડ લોકો પ્રભાવિત થયા છે.