ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 5 એપ્રિલ 2021 (11:34 IST)

રાકેશ ટિકૈતનો ગુજરાત પ્રવાસ : અમદાવાદમાં લીધી ગાંધીઆશ્રમની મુલાકાત

કૃષિકાયદાના વિરોધમાં ચાલતાં આંદોલનના મુખ્ય નેતા રાકેશ ટિકૈત આજે અમદાવાદની મુલાકાતે છે. રાકેશ ટિકૈટ આજે ગાંધીઆશ્રમની મુલાકાત લીધી.ગાંધીઆશ્રમ ખાતે પત્રકારપરિષદ યોજીને રાકેશ ટિકૈતે ગુજરાત સમાજ મુખ્ય ધારામાં પ્રવેશશે એવી આશા વ્યક્ત કરી હતી. સાથે જ ગુજરાતનો ખેડૂત 15 વર્ષથી ભયમાં હોવાનું પણ જણાવ્યું હતું.
 
બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાના પ્રશ્નના જવાબમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો છેલ્લાં 15 વર્ષથી ભયમાં જીવે છે.
 
તેમણે કહ્યું, "જે લોકો પણ દિલ્હી પહોંચ્યા, એમની જાણ થઈ તો પોલીસ એમની ઘરે ગઈ. તેમના વિરુદ્ધ નોટિસ ફટકારાઈ. તેમને જેલમાં મોકલવામાં આવ્યા. આ તો ભયમાં છે છેલ્લાં 15 વર્ષથી."
 
બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારાના જણાવ્યા અનુસાર, રાકેશ ટિકૈતનો કાર્યક્રમ હોવાથી ગાંધીઆશ્રમને વહેલો ખોલી નાખવામાં આવ્યો હતો.
 
તેમજ આશ્રમની આસપાસ રાકેશ ટિકૈત અને શંકરસિંહ વાઘેલાનાં પોસ્ટર પણ લાગ્યાં છે. તો ટિકૈતની મુલાકાતને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
 
ખેડૂતનેતા રાકેશ ટિકૈત કરમસદમાં સરદાર નિવાસસ્થાનની પણ મુલાકાત લેશે.
 
બાદમાં રાકેશ ટિકૈત વડોદરામાં ગુરુદ્વારાનાં દર્શન જશે અને બપોરે બારડોલીમાં સ્વરાજ આશ્રમ ખાતે જશે અને ખેડૂતો સાથે સંવાદ કરશે.
 
'દેશમાં ભાજપનું નહીં, કંપનીનું રાજ છે અને નરેન્દ્ર મોદી કંપનીના માણસ છે' - રાકેશ ટિકૈત
'ગુજરાતમાં ખેડૂતોનો અવાજ દબાવી દેવાય છે, પણ અમે આંદોલન કરીશું જ'
 
આમ આદમી પાર્ટીનું ખેડૂતોને સમર્થન
કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાઓના વિરોધમાં દેશભરના ખેડૂતોનું સમર્થન મેળવવા માટે ખેડૂતનેતા રાકેશ ટિકૈત ચાર અને પાંચ એપ્રિલે એમ બે દિવસ ગુજરાતમાં છે. તેઓ આ પ્રવાસ દરમિયાન રેલી અને કાર્યક્રમો કરી રહ્યા છે.
 
રાકેશ ટિકૈત સાથે ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ સમર્થન આપ્યું છે.
 
ગુજરાત કૉંગ્રેસે ટિકૈતની આ ગુજરાત મુલાકાતનું સમર્થન કર્યું છે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ ટિકૈતનું સ્વાગત કર્યું હતું.
 
પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા પહેલાં જ કહી ચૂક્યા છે કે તેઓ કૃષિકાયદાના વિરોધ મામલે ખેડૂતોની સાથે છે.
 
બીબીસી સંવાદદાતા દિપલકુમાર શાહ સાથેની વાતચીતમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખેડૂતોના વિરોધ મામલે ટિકૈતને (ખેડૂતોને) સમર્થન પૂરું પાડી જ રહી છે. અને સમર્થન આપવાનું ચાલુ જ રાખશે.
 
તેમણે વધુમાં જણાવ્યું, "પાર્ટી વડા અરવિંદ કેજરીવાલ પણ ખેડૂતોના મુદ્દે સક્રિય રીતે સમર્થન આપી રહ્યા છે. હરિયાણામાં પણ કાર્યક્રમ થઈ રહ્યા છે. અમે ગુજરાતમાં પણ રાકેશ ટિકૈતની યાત્રાને અને ખેડૂતોના અભિયાનને સમર્થન આપ્યું છે. આગામી સમયમાં અમે આ મામલે અન્ય કાર્યક્રમો મુદ્દે પણ તૈયારી દાખવી છે."
 
ખેડૂતનેતા રાકેશ ટિકૈતે રવિવાર બપોરે રાજસ્થાન બૉર્ડરથી ગુજરાતમાં પ્રવેશ કર્યો હતો. તેમણે અંબાજી મંદિરમાં દર્શન પણ કર્યાં હતા.
 
તેમણે દાંતા ખાતે એક રેલીમાં કહ્યું, 'ગુજરાતના ખેડૂતોએ જાગવું પડશે અને મજબૂત લડત આપવી પડશે. એક અશ્રુવાયુનો ગોળો અથવા જેલભરોથી ડરવાની જરૂર નથી. અમને તો લાગ્યું કે ગુજરાતમાં આવવા માટે પાસપોર્ટ-વિઝાની જરૂર પડશે. એટલે અમે દસ્તાવેજો સાથે લઈને જ આવ્યા હતા.'
 
રાજેશ ટિકૈતે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓ ગુજરાતમાં આવીને 'ગુજરાતના ખેડૂતોને આઝાદ' કરશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીની સરહદે ચાલતાં આંદોલનમાં ભાગ લેવા માટે અગાઉ ગુજરાતથી પણ ખેડૂતો આવ્યા હતા અને એ ખેડૂતોનું કહેવું હતું કે તેમને સરકાર દ્વારા રોકવાની કોશિશ થઈ હતી.
 
ખેડૂત આંદોલનને 100 દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે.
 
કેન્દ્ર સરકાર કહે છે કે નવા કૃષિકાયદાઓ ખેડૂતોનાં હિતમાં છે, પણ ખેડૂતોને ભય છે કે આ કાયદાઓથી તેઓ પાયમાલ થઈ જશે.
 
ખેડૂતો મોદી સરકારે પસાર કરેલા કાયદાઓને કાળા કાયદાઓ ગણાવે છે અને તેને પાછા લેવાની તથા પાકની એમએસપીને કાયદેસર કરવાની માગ કરે છે.