મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (16:15 IST)

એ 'ઢોંસા-કિંગ'ની કહાણી જેમનાં ઈડલી-ઢોંસા લોકોની દાઢે વળગ્યાં-

ખૂબ જ ગરીબ પરિવારમાં એક વ્યક્તિનો જન્મ થવો... હોટેલમાં ટેબલ સાફ કરીને પોતાનું પેટ ભરવું. પછી પોતાની હોટેલ ખોલવી, અને માત્ર 20 વર્ષમાં તેની શાખાઓ દુનિયાભરમાં ખોલવી. બે લગ્ન થયાં હોવા છતાં પોતાના કર્મચારીની દીકરીને લગ્નનો પ્રસ્તાવ મોકલવો, તેમના પતિની હત્યા કરી નાખવી... આ બધું સાંભળીને તમને એવું લાગતું હશે કે આ કોઈ ફિલ્મની સ્ટોરીનો પ્લોટ છે.
પરંતુ તમને જણાવી દઈએ કે આ કોઈ ફિલ્મી સ્ટોરી નહીં, પણ એક વ્યક્તિનું વાસ્તવિક જીવન છે. એ વ્યક્તિનું નામ છે પી. રાજાગોપાલ.
રાજાગોપાલને લોકો 'ઢોસા-કિંગ' તરીકે ઓળખે છે. તેમણે દક્ષિણ એશિયન ફૂડ તરીકે ઓળખાતાં ઇડલી-ઢોસાને ન્યૂયોર્કથી ઑસ્ટ્રેલિયા સુધી પહોંચાડ્યાં છે.
આ ઢોસા-કિંગ પી. રાજાગોપાલનું હાલ જ મૃત્યુ થયું છે. તેઓ સર્વણાભવન નામે પ્રખ્યાત હોટેલ ચેઇનના માલિક હતા.
તમે ભારતીય હોવ કે NRI, કે પછી વિદેશી.. દુનિયાનાં મોટાં શહેરોમાં રહેતી કોઈ પણ વ્યક્તિ જો સાંભર કે રસમનો સ્વાદ માણવા માગે છે અથવા તો મદ્રાસી ફિલ્ટર કૉફીથી પોતાના દિવસની શરૂઆત કરવા માગે છે, તો તેમના માટે રાજાગોપાલે દરેક શહેરમાં પોતાની હોટેલ થકી એ વ્યવસ્થા કરી રાખી છે.
તેમના પ્રારંભિક જીવનને જોઈને લાગે કે તેમની કહાણી કેટલી પ્રેરણાદાયી છે, પણ તેમના જીવનનો બીજો એક ભાગ એવો પણ છે કે જે ગુનાઓથી ઢંકાયેલો છે.
પોતાના એક કર્મચારીની દીકરીના પતિની હત્યા બદલ પી. રાજાગોપાલને આજીવન કેદની સજા થઈ હતી.
જોકે, તેમણે દસ દિવસ પણ જેલમાં ન વિતાવ્યા અને હૃદયરોગના હુમલાથી તેમનું મૃત્યુ થઈ ગયું.
ચેન્નાઈથી જર્મનીનો પ્રવાસ
પી. રાજાગોપાલને માત્ર એક હોટેલના સંશોધક તરીકે ઓળખ મળે તે કદાચ યોગ્ય નથી.
તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત હોટેલમાં ટેબલ સાફ કરીને કરી હતી અને પછી વિશ્વભરમાં ઈડલી-ઢોસા માટે પ્રખ્યાત રેસ્ટોરાં ખોલીને નવી ઓળખ મેળવી.
સર્વણાભવનની 25 જેટલી બ્રાન્ચ તો ભારતમાં જ છે, જેમાંથી 20 બ્રાન્ચ માત્ર તો ચેન્નાઈમાં આવેલી છે.
આ સિવાય ન્યૂયોર્ક, દુબઈ, લંડન, સિંગાપોર, મલેશિયા, થાઇલૅન્ડ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા જેવા દેશોમાં સર્વણાભવનની 80 કરતાં વધારે બ્રાન્ચ છે.
સર્વણાભવને વિશ્વભરમાં ઈડલી, ઢોસા, વડાં અને કૉફીના માધ્યમથી ભારતની છાપ છોડી છે.
રાજાગોપાલના પ્રતિસ્પર્ધીઓએ પણ વિદેશમાં વિદેશીઓને શાકાહારી ભોજનનો સ્વાદ ચખાડતાં સર્વણાભવનનાં વખાણ કર્યાં છે.
સર્વણાભવનનો વિસ્તાર
પી. રાજાગોપાલનો જન્મ સ્વાતંત્ર્યદિનના 10 દિવસ પહેલાં તામિલનાડુના તુતીકોરીન સ્થિત પુનાઇડીમાં એક નાના એવા ઘરમાં થયો હતો.
પોતાના પુસ્તકમાં રાજાગોપાલે લખ્યું હતું કે સાત ધોરણ સુધી શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ તેમણે સ્કૂલ તેમજ ઘર છોડી દીધાં હતાં.
ત્યારબાદ તેમણે ઘરથી દૂર આવેલા શહેરની એક હોટેલમાં ટેબલ સાફ કરવાનું કામ શરૂ કર્યું હતું. ત્યાં વૉટરફોલ તેમનું બાથરૂમ હતું, જ્યારે હોટેલની જમીન તેમનો પલંગ. તેમણે પોતાનું જીવન આટલી મુશ્કેલીઓ સાથે શરૂ કર્યું હતું.
થોડા સમય બાદ તેમણે ચેન્નાઈ જવાનું નક્કી કર્યું. ત્યારે ચેન્નાઈ મદ્રાસ તરીકે ઓળખાતું હતું.
1968માં તેમણે શહેરની બહાર એક નાની એવી કરિયાણાની દુકાન શરૂ કરી હતી.
વર્ષ 1979માં એક સુથાર તેમની દુકાને આવ્યા. તે સુથારે કહ્યું, "જો તમે બહાર જમવા માગો છો, તો તમારે ટી નગર સુધી જવું પડશે, કેમ કે કે.કે. નગરમાં એક પણ હોટેલ નથી."
પી. રાજાગોપાલના મગજમાં આ વાત ઘર કરી ગઈ.
તે સમયે બહાર જઈને જમવાનો કોઈ વ્યક્તિ પાસે સારો વિકલ્પ ન હતો. હોટેલની સંખ્યા ખૂબ ઓછી હતી.
તામિલનાડુની રાજધાની મદ્રાસમાં પણ થોડી ઘણી જ હોટેલ હતી. રાજાગોપાલની કરિયાણાની દુકાન પણ નુકસાનમાં ચાલી રહી હતી. તેના માટે તેમણે લોન પણ લીધી હતી.
ત્યારે જ એક જ્યોતિષે તેમને કહ્યું કે તેમણે કોઈ એવો બિઝનેસ શરૂ કરવો જોઈએ કે જે આગ સાથે સંબંધિત હોય.
જ્યોતિષની આ સલાહ સાંભળીને અને સુથારના શબ્દોને યાદ કરતા રાજાગોપાલે હોટેલ બિઝનેસમાં ઝંપલાવવાનું નક્કી કર્યું.
 
વર્ષ 1981માં કે.કે. નગરમાં પહેલી હોટેલ શરૂ કરી.
પોતાના પુસ્તકમાં પી. રાજાગોપાલે કહ્યું હતું કે એક સલાહકારે તેમને સસ્તાં શાકભાજી વાપરવાની તેમજ કર્મચારીઓને જેમ બને તેમ ઓછો પગાર આપવાની સલાહ આપી હતી.
તેમના મતે કર્મચારીઓને વધારે લાડ લડાવવા જોઈએ નહીં. જોકે, રાજાગોપાલને તેમની સલાહ પસંદ ન પડી અને તેમને સલાહકારની નોકરી પરથી હઠાવી દીધા.
રાજાગોપાલે પોતાની હોટેલમાં નારિયેળનું તેલ અને તાજાં શાકભાજી વાપરવાનું શરૂ કર્યું.
તેમણે પોતાના કર્મચારીઓને સારો એવો પગાર આપ્યો. જોકે, તેના કારણે પ્રાથમિક ગાળા દરમિયાન તેમને 10 હજાર રૂપિયાનું નુકસાન પણ થયું, કેમ કે ત્યારે તેમની હોટેલમાં મળતી વસ્તુની કિંમત માત્ર એક રૂપિયો હતી.
જોકે, લોકોને તેમની હોટેલનું ભોજન જલદી પસંદ પડવા લાગ્યું હતું. લોકો દૂર દૂરથી આ હોટેલમાં જમવા આવવા લાગ્યા અને પી. રાજાગોપાલના બિઝનેસને વેગ મળ્યો.
 
કર્મચારીઓ માટે યોજનાઓ ઘડી
રાજાગોપાલની સૌથી મોટી પ્રાથમિકતા હતી પોતાના કર્મચારીઓનું ધ્યાન રાખવું.
તેમણે પોતાના કર્મચારીઓ માટે ઘણી યોજનાઓ બનાવી હતી. તેમને અલગઅલગ પ્રકારનાં વળતર આપવામાં આવતાં. જેમજેમ હોટેલથી ફાયદો વધવા લાગ્યો, તેમતેમ કર્મચારીઓને મળતા ફાયદા પણ વધવા લાગ્યા.
તેમાં મફત સ્વાસ્થ્ય સુવિધા, હાઉસ અલાઉન્સ, કર્મચારીની દીકરીનાં લગ્ન માટે પૈસા વગેરે હતા.
વર્ષ 2014માં ન્યૂયોર્ક ટાઇમ્સે રાજાગોપાલ અંગે એક આર્ટિકલ પબ્લિશ કર્યો હતો.
ન્યૂયોર્ક ટાઇમ્સના પત્રકારે રાજાગોપાલના એક કર્મચારીને પૂછ્યું કે જો કર્મચારીઓને મળતા ફાયદાઓ ઓછા કરી નાખવામાં આવે તો? તેના જવાબમાં કર્મચારી કહે છે, "એ ફાયદા દિવસે અને દિવસે વધી રહ્યા છે."
વધુ એક કર્મચારી ઉમેરે છે, "હોટેલ તરફથી કર્મચારીઓને મોબાઇલ ફોન તેમજ મોટરબાઇક પણ મળે છે. મોટરબાઇક માટે પેટ્રોલના પૈસા આપવામાં આવે છે."
"આ સિવાય મોટરબાઇકને રિપેર કરવા માટે મિકેનિક પણ આપવામાં આવે છે. હોટેલે માત્ર એક ફાયદો કર્મચારીઓ પાસેથી લઈ લીધો છે તે હતો વાળ કપાવવા માટેના ખર્ચના પૈસા."
વધુ એક કર્મચારી કહે છે, "મારા એક મિત્રે મજાકમાં કહ્યું હતું કે તમારી કંપની તમારું કેટલું ધ્યાન રાખે છે કે તમારે તમારા પગારના પૈસા માત્ર બૅન્કમાં જ રાખવા પડે છે."
રાજાગોપાલે પોતાના ગામ પુનાઇડી પર પણ ઘણો ખર્ચ કર્યો છે. એ ગામ પર તેમણે લાખો રૂપિયા ખર્ચ કરી ત્યાં એક ભવ્ય મંદિર બનાવ્યું છે.
માત્ર 90 જેટલા ઘર ધરાવતા આ ગામમાં તેમણે સર્વણાભવનની હોટેલ પણ શરૂ કરી હતી.
ત્યાં સર્વણાભવન હોટેલ 4 એકર જમીન પર બનાવવામાં આવી છે. પુનાઇડીના વિકાસ બાદ આ ગામને હવે લોકો પુન્નાઈ નગર તરીકે ઓળખે છે.
 
 
તીવ્ર કામવાસના અને પ્રસિદ્ધિનું ઘટવું
એક તરફ રાજાગોપાલના સ્વભાવમાં ખૂબ ઘમંડ અને મહત્ત્વાકાંક્ષા જોવા મળતી હતી.
જ્યોતિષવિદ્યાના કારણે તેમના જીવન પર ઘાત પડી હોય તેવું પણ કહી શકાય.
એક જ્યોતિષે તેમને સલાહ આપી હતી કે જો તેઓ પોતાના કર્મચારીની દીકરી સાથે લગ્ન કરશે તો તેઓ જીવનમાં વધારે આગળ વધશે.
આ વાત સાંભળ્યા બાદ તેમનું ધ્યાન તેમના આસિસ્ટન્ટ મૅનેજરની દીકરી જીવાજ્યોતિ તરફ ગયું.
રાજાગોપાલનું પહેલું લગ્ન વર્ષ 1972માં થયું હતું. પહેલાં પત્નીનાં તેમને બે બાળક હતાં, શિવાકુમાર અને સર્વનન.
વર્ષ 1994માં પી. રાજાગોપાલે બીજા લગ્ન કર્યાં. ત્યારે તેમણે પોતાના એક કર્મચારીની દીકરી સાથે લગ્ન કર્યાં હતાં.
આ બાદ વર્ષ 1999માં તેમણે જીવજ્યોતિ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જોકે, તેમણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી.
જીવજ્યોતિ એક શિક્ષકના પ્રેમમાં હતાં કે જેઓ તેમના ભાઈને ભણાવતા હતા. તે શિક્ષકનું નામ સંતકુમાર હતું. આગળ જતાં જીવજ્યોતિ અને સંતકુમારે લગ્ન કરી લીધાં હતાં.
જોકે, તે છતાં રાજાગોપાલના મગજમાંથી જીવજ્યોતિ સાથે લગ્ન કરવાનો વિચાર ગયો નહોતો.
 
તેઓ તેમને ઘરેણાં, મોંઘાં કપડાં ભેટ તરીકે મોકલતાં હતાં. એટલું જ નહીં તેમણે તેમને પોતાની ટ્રાવેલ એજન્સી શરૂ કરવા માટે પૈસા પણ આપ્યા હતા.
જીવજ્યોતિ રાજાગોપાલ પાસેથી દરેક ભેટનો સ્વીકાર કરતાં પણ તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર નહોતાં.
28 જાન્યુઆરી, 2001ની મધરાતે રાજાગોપાલ જીવજ્યોતિના ઘરે ગયા અને બે દિવસમાં તેમનાં લગ્નને તોડી નાખવાની ધમકી આપી.
ઑક્ટોબર 2001માં સંતકુમારની હત્યા કરી દેવાઈ હતી.
એક તરફ વિશ્વભરમાં સર્વણાભવનનો વિસ્તાર થઈ રહ્યો હતો. વર્ષ 2000માં સર્વણાભવને વિદેશમાં પહેલી બ્રાન્ચ ખોલી હતી. આ બ્રાન્ચ દુબઈમાં ખોલવામાં આવી હતી.
વર્ષ 2003માં કેનેડા, મલેશિયા અને ઓમાનમાં પણ સર્વણાભવનની શાખાઓ ખોલવામાં આવી હતી. ત્યારબાદ રાજાગોપાલ પહેલી વખત જેલમાં ગયા હતા.
વર્ષ 2004માં ચેન્નાઈની સેશન્સ કોર્ટે રાજાગોપાલને 10 વર્ષની કેદની સજા આપી હતી.
આ તરફ વર્ષ 2004માં જ સર્વણાભવને વિશ્વમાં 29 શાખાઓ ખોલી હતી.
રાજાગોપાલ 8 મહિના સુધી જેલમાં રહ્યા અને સુપ્રીમ કોર્ટે તેમના વ્યવહાર બદલ આગળની સજા મોકૂફ રાખી.
સુપ્રીમ કોર્ટના નિર્ણયને ફરી હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. હાઈકોર્ટે ફરી તેમને જેલ મોકલ્યા હતા. જોકે, ત્યારે પણ 3 મહિના બાદ તેમને જામીન મળી ગયા હતા અને તેઓ ફરી સુપ્રીમ કોર્ટ ગયા હતા.
 
સંતકુમારની હત્યા કેવી રીતે થઈ?
કોર્ટમાં થયેલી સુનાવણી પ્રમાણે, ધમકી મળ્યા બાદ જીવજ્યોતિ અને સંતકુમાર ભાગી ગયાં હતાં.
જોકે, રાજાગોપાલના પાંચ લોકોએ તેમને પકડી પાડ્યા હતા અને ઍમ્બૅસૅડર કારમાં બેસાડ્યા હતા. તેઓ તેમને એક વૅરહાઉસ લઈ ગયા હતા. રાજાગોપાલ પણ ત્યાં ગયા અને સંતકુમારને માર માર્યો હતો.
આ જોઈને જીવજ્યોતિ રાજાગોપાલના પગે પડ્યાં અને સંતકુમારને છોડી દેવા આજીજી કરી હતી. જોકે, રાજાગોપાલે તેમના લોકોને સંતકુમારને બીજા ઓરડામાં લઈ જઈને તેમને પીડા આપવાનો આદેશ આપ્યો હતો.
દંપતીને એક પ્રકારે નજરકેદ કરીને રાખવામાં આવ્યું હતું, પરંતુ તેઓ ત્યાંથી નાસી છૂટવામાં સફળ રહ્યાં.
ત્યાંથી છૂટીને તેઓ સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યાં અને ફરિયાદ નોંધાવી.
 
જોકે, 6 દિવસ બાદ રાજાગોપાલના માણસોએ ફરી બન્નેને શોધી કાઢ્યા હતા. રાજાગોપાલ જીવજ્યોતિને પોતાની સાથે મર્સિડિઝ કારમાં લઈ ગયા અને સંતકુમારને બીજી કારમાં મોકલી દેવાયા હતા.
બે દિવસ બાદ જીવજ્યોતિને સંતકુમાર તરફથી ફોન આવ્યો અને તેમને કહ્યું કે રાજાગોપાલે ડેનિયલ નામની એક વ્યક્તિને તેમને મારી નાખવા માટે પાંચ લાખની સોપારી આપી છે.
જોકે, ડેનિયલે તેમની હત્યા ન કરી અને તેમને મુંબઈ ભાગી જવાની સલાહ આપી.
આ બધું સાંભળીને જીવજ્યોતિએ સંતકુમારને ઘરે આવવા કહ્યું. એ જ રાત્રે જીવજ્યોતિના ભાઈ અને પિતા સાથે સંતકુમાર અને જીવજ્યોતિ રાજાગોપાલને મળવા ગયાં.
રાજાગોપાલે તે બધાને એક રૂમમાં બેસવાનું કહ્યું અને ડેનિયલને બોલાવીને પૂછ્યું કે સંતકુમારનું શું થયું.
ડેનિયલે કહ્યું કે તેમણે સંતકુમારને એક રેલવે ટ્રૅક પર સૂવડાવી દીધા હતા જ્યાં તેમના પરથી ટ્રેન પસાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેમણે તેમનાં કપડાં સળગાવી દીધાં હતાં.
આ સાંભળ્યા બાદ રાજાગોપાલે સંતકુમાર અને જીવજ્યોતિ સહિત દરેકને રૂમમાંથી બહાર બોલાવ્યાં. સંતકુમારને જોઈને ડેનિયલ ગુસ્સામાં આવી ગયા અને તેમને ભૂત કહીને મારવા લાગ્યા.
આ ઘટના બાદ બધાને એક વાનમાં બેસાડીને કોઈ અજ્ઞાત સ્થળે મોકલી દેવામાં આવ્યાં.
બે દિવસ બાદ 31 ઑક્ટોબરના રોજ કોડાઇકેનાલથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમૉર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે મૃત્યુનું કારણ શ્વાસ બંધ થવો હતું. આગળ જાણવા મળ્યું કે આ મૃતદેહ સંતકુમારનો હતો.
 
 
સુપ્રીમ કોર્ટે આ હત્યા બદલ 100 દિવસમાં તેમને આત્મસમર્પણ કરવાનો સમય આપ્યો હતો. આ સમય 7 જુલાઈ, 2019ના રોજ પૂર્ણ થતો હતો.
પોતાના સ્વાસ્થ્યના પગલે તેમણે જામીનની અરજી પણ કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી.
અંતે 9 જુલાઈના રોજ રાજાગોપાલ ઍમ્બ્યુલન્સમાં આત્મસમર્પણ કરવા માટે પહોંચ્યા હતા.
પહેલા તેમને સરકારી અને પછી ખાનગી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
18 જુલાઈના રોજ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો અને એક પણ રાત જેલમાં વિતાવ્યા વગર રાજાગોપાલનું મૃત્યુ થઈ ગયું હતું.
આ કેસ દક્ષિણ ભારતમાં, ખાસ કરીને ચેન્નાઈમાં ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
પરંતુ શું તેનાથી સર્વણાભવનના વેપારને કોઈ અસર પડી? તેનો જવાબ છે ના. તેમનો બિઝનેસ દિવસે અને દિવસે વધી રહ્યો છે.
રાજાગોપાલના મૃત્યુના દિવસે પણ વિશ્વની દરેક હોટેલમાં કામ તો ચાલુ જ રહ્યું હતું.