શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 જુલાઈ 2019 (11:33 IST)

કાશ્મીર મામલે મધ્યસ્થીના ટ્રમ્પના પર નિવેદન પર અમેરિકન સાંસદે ભારતની માફી માગી

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં ફરી એક વાર કાશ્મીરનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરાન ખાન સાથેની મુલાકાતમાં નરેન્દ્ર મોદી તરફથી કાશ્મીર મામલે મધ્યસ્થીની ઑફર હોવાનો દાવો કર્યો હતો જેને ભારતે નકારી કાઢ્યો છે.
ટ્રમ્પના નિવેદનને ભારતે રદિયો આપ્યો છે ત્યારે અમેરિકન ડેમોક્રેકિટ પાર્ટીના સાંસદ બ્રેડ શેરમેને કહ્યું કે ભારતના વડા પ્રધાન આવી વાત કોઈ દિવસ ન કરે. એમણે ટ્વીટ કર્યું કે ટ્રમ્પનું નિવેદન ખોટું છે અને શરમજનક છે
એમણે કહ્યું, "દક્ષિણ એશિયાની વિદેશનીતિ વિશે થોડી પણ જાણકારી રાખતી કોઈ પણ વ્યક્તિ એ જાણે છે કે ભારત કાશ્મીર મામલે કાયમ ત્રીજા પક્ષની મધ્યસ્થીનો વિરોધ કરે છે."
"સૌ જાણે છે કે વડા પ્રધાન મોદી આવી વાત ન કરે. ટ્રમ્પનું નિવેદન બાલિશ જેવું અને ભ્રામક છે. શરમજનક પણ છે."
આ મામલે અમેરિકન સાંસદ બ્રેડ શેરમેને ભારતની માફી પણ માગી છે.
 
એમણે કહ્યું કે હું ટ્રમ્પની આ અનાડી અને શરમજનક ભૂલ માટે ભારતીય રાજદૂત હર્ષ શ્રૃંગલાની માફી માગું છું.
શું બની છે ઘટના?
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાથે વૉશિંગ્ટનમાં એક પત્રકારપરિષદમાં ટ્રમ્પે કહ્યું, "બે અઠવાડિયાં પહેલાં જ મારે નરેન્દ્ર મોદી સાથે મુલાકાત થઈ હતી અને તેમણે મને કહ્યું હતું કે શું તમે મધ્યસ્થી બનવા ઇચ્છો છો? મેં પૂછ્યું ક્યાં? તો તેમણે કહ્યું, કાશ્મીરમાં."
ટ્રમ્પે કહ્યું, "જો હું મદદ કરી શકું તો મને મધ્યસ્થી બનીને ખુશી થશે."
 
ટ્રમ્પના આ નિવેદનને ભારતે રદિયો આપ્યો છે.
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વિટર પર કહ્યું, "અમે પ્રેસમાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું નિવેદન જોયું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આવી કોઈ માગ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ સામે કરી નથી."
 
તેમણે કહ્યું, "ભારતનો સતત એ મત રહ્યો છે કે પાકિસ્તાન સાથે દરેક મુદ્દા પર દ્વિપક્ષી વાતચીત થશે. પાકિસ્તાન સાથે કોઈ પણ વાતચીતમાં શરત એ જ છે કે તે સરહદ પરથી ઉગ્રવાદ બંધ કરે."
આ મુદ્દે કૉંગ્રેસ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે.
કૉંગ્રેસના પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું, "ભારતે ક્યારેય જમ્મુ-કાશ્મીર મુદ્દે ત્રીજા પક્ષની મધ્યસ્થીનો સ્વીકાર કર્યો નથી."
પાકિસ્તાનમાં છવાયા મોદી અને કાશ્મીર
ટ્રમ્પ અને ઇમરાન ખાનની મુલાકાતથી નરેન્દ્ર મોદી અને કાશ્મીરનો મુદ્દો પાકિસ્તાનના સોશિયલ મીડિયામાં છવાયો છે.
પાકિસ્તાન ટ્વિટરના ટૉપ ટ્રૅન્ડમાં ઇમરાન ખાન અને ટ્રમ્પની મુલાકાત સિવાય કાશ્મીર અને મોદી પણ સામેલ છે.
ટ્રમ્પ સાથેની મુલાકાતમાં અમેરિકા માટે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માટે વિદેશી સહાય તથા કાશ્મીર મુદ્દો રહ્યા.
ટ્રમ્પે કાશ્મીરમાં મધ્યસ્થી અંગે નરેન્દ્ર મોદીએ કહ્યું હોવાની જે વાત કરી તેનું પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને સ્વાગત કર્યું હતું.
ઇમરાન ખાને કહ્યું, "અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને તે શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે એમ છે."
"કાશ્મીરની સ્થિતિને કારણે એક અબજ લોકો પરેશાન છે. મને વિશ્વાસ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બેઉ દેશોને નજીક લાવી શકે છે."
ઇમરાન ખાને એમ પણ કહ્યું કે પાકિસ્તાને ભારત સાથે સંવાદ કરવાની કોશિશ કરી છે, પણ એ દિશામાં પ્રગતિ સધાઈ નથી.
એમણે આશા વ્યક્ત કરી કે ટ્રમ્પ આ મામલે ભૂમિકા ભજવશે.