1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By જય શુક્લ|
Last Modified: શનિવાર, 19 નવેમ્બર 2022 (09:57 IST)

આ ત્રણ પરિબળો ચૂંટણીમાં ભાજપ, કૉંગ્રેસ અને આપના ઉમેદવારોનો ખેલ બગાડી શકે

તમને ખબર છે, ગુજરાત વિધાનસભાની આ ચૂંટણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચૂંટણીપ્રચાર, ભાજપની વ્યૂહરચનાઓ, કૉંગ્રેસના સામાજિક સમીકરણો અને આમ આદમી પાર્ટીના મફતની સુવિધાઓના વાયદાઓ પર કોણ પાણી ફેરવી શકે છે?
 
આ ત્રણેય મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોનો ખેલ જે પરિબળો બગાડી શકે, તેમાં તેમના પક્ષના અસંતુષ્ટ સભ્યો નહીં, પરંતુ ઈવીએમ પર લાગેલું 'નોટા'નું બટન, અપક્ષ ઉમેદવારો અને જીતવાની અત્યંત પાતળી કે હારી જવાની સ્પષ્ટ સંભાવનાઓ ધરાવતી નાની-નાની રાજકીય પાર્ટીઓના ઉમેદવારો હોય છે.
 
યુવા મતદારોને ભાગ્યેજ ખબર હશે કે વર્ષ 1999માં કેન્દ્રમાં વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકાર લોકસભામાં માત્ર એક મતના તફાવતથી વિશ્વાસનો મત હારી ગઈ હતી.
 
એ ઘટનાએ સમગ્ર દેશને એક મતનું મૂલ્ય શું હોય છે અને તેની તાકાત કેટલી છે તેનો સાક્ષાત્કાર કરાવ્યો હતો.
 
એટલે ચૂંટણીમાં એક-એક મત કિંમતી હોવાની વાત કહેવાય છે અને તેની સત્યતા અંગે કોઈ શંકા પણ નથી. તેથી દરેક બેઠક પર અપક્ષ, નોટા અને નાના પક્ષોની ભૂમિકા પણ નકારી ન શકાય.
 
દરેક મતનું એક અલગ ગણિત હોય છે. એક-એક મત હાર અને જીતનું કારણ બની શકે છે. તેમાં પણ ખાસ કરીને નાનાં-નાનાં પક્ષો અને અપક્ષોને મળતા વોટને કારણે મતોની વહેંચણી થઈ જાય છે અને આ મતોની વહેંચણી પરિણામ પર અસર કરી શકે છે.
 
ત્યારે જાણકારોનું કહેવું છે કે નોટાને મળેલા મતો પણ ઘણી બેઠકો પર હાર-જીતનું કારણ બની શકે છે.
 
નોટા ઉમેદવારોની હાર-જીતનું કારણ બને છે?
 
ચૂંટણીપંચના ડેટા પ્રમાણે વર્ષ 2017માં થયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 27 ઉમેદવારો એવા હતા જેઓ ત્રણ હજારથી ઓછા મતે હાર્યા.
 
જે પૈકી કૉંગ્રેસના કુલ 16 ઉમેદવારો એવા હતા જેઓ માત્ર ત્રણ હજારથી ઓછા મતે હાર્યા. જેમાં હજાર મતો અથવા ઓછા અંતરથી હારનારા કૉંગ્રેસના ચાર ઉમેદવારો હતા.
 
ચોંકાવનારી વાત એ છે કે આ 27 બેઠકો પૈકી 26 બેઠકો એવી હતી જેમાં જીતના મતોના તફાવત કરતાં નોટાને વધુ મત મળ્યા હતા.
 
મતલબ એ થાય છે કે નોટાને મળેલા મતો ભલે ઓછા હોય પરંતુ તે હાર-જીત માટેનું એક કારણ જરૂર બની શકે છે.
 
જોકે કેટલાક જાણકારો તેની સાથે સંમત નથી.
 
વર્ષ 2017 વિધાનસભાની ચૂંટણીમાં નોટાને કુલ 5,51,594 મત મળ્યા હતા. આ મતો કુલ મતદાનના 1.84 ટકા હતા.
 
2017 વિધાનસભાની ચૂંટણીમાં એવા ઉમેદવારોની યાદી જેઓ ત્રણ હજાર કરતાં ઓછા મતોએ જીત્યા.
 
ધાનેરામાં કૉંગ્રેસના નાથાભાઈ પટેલ 2,093 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,341
દિયોદરમાં કૉંગ્રેસના શિવાભાઈ ભુરીયા 972 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,988
વિસનગરમાં ભાજપના ઋષિકેશ પટેલ 2,869 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,992
વિજાપુરમાં ભાજપના રમણભાઈ પટેલ 1,164 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 1,280
હિંમતનગરમાં ભાજપના રાજુભાઈ ચાવડા 1,712 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,334
મોડાસામાં કૉંગ્રેસના રાજેન્દ્રસિંહ ઠાકોર 1,640 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,681
પ્રાંતિજમાં ભાજપના ગજેન્દ્રસિંહ પરમાર 2,551 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,907
માણસામાં કૉંગ્રેસના સુરેખકુમાર પટેલ 524 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,000
ધોળકામાં ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા 327 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 02,347
વાંકાનેરમાં કૉંગ્રેસના મોહમ્મદ જાવેદ પીરજાદા 1,361 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,170
રાજકોટ ગ્રામ્યમાં ભાજપના લાખાભાઈ સાગઠીયા 2,179 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,559
જામજોધપુરમાં કૉંગ્રેસના ચિરાગ કલારિયા 2,518 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના મત 3,214
પોરબંદરમાં ભાજપના બાબુભાઈ બોખિરીયા 1,855 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3,433
તળાજામાં કૉંગ્રેસના કનુભાઈ બારૈયા 1,179 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2,918
ગારિયાધારમાં ભાજપના કેશુભાઇ નાકરાણી 1,876 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 1,557
બોટાદથી ભાજપના સૌરભ પટેલ 906 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 1334
ખંભાતથી ભાજપના મયુર રાવલ 2318 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2731
ઉમરેઠથી ભાજપના ગોવિંદ પરમાર 1883 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 3710 વોટ
સોજિત્રાથી પુનમભાઈ પરમાર 2388 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 3112 વોટ
માતરથી ભાજપના કેસરીસિંહ સોલંકી 2406 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 4090 વોટ
ગોધરાથી ભાજપના સી કે રાઉલજી 258 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3050 વોટ
ફતેપુરાથી ભાજપના રમેશભાઇ કટારા 2711 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 4573 વોટ
છોટા ઉદેપુરથી કૉંગ્રેસના મોહન રાઠવા 1093 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 5870 વોટ
ડભોઈથી ભાજપના શૈલેષ સોટ્ટા 2839 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના 3046 વોટ
વાગરાથી ભાજપના અરુણસિંહ રાણા 2628 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2807
ડાંગથી કૉંગ્રેસના મંગલભાઈ ગાવિત 768 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 2184
કપરાડાથી કૉંગ્રેસના જીતુભાઈ ચૌધરી 170 વોટથી જીત્યા. આ બેઠક પર નોટાના વોટ 3868
 
 
શું કહે છે રાજકારણના જાણકારો?
 
ગુજરાતના રાજકારણ પર વર્ષોથી નજર રાખનારાં વરિષ્ઠ પત્રકાર દીપલ ત્રિવેદી બીબીસી ગુજરાતી સાથે થયેલી વાતચીતમાં કહે છે કે, “નોટા એ તંત્ર સામે લોકોનો કંટાળો અને નિરાશા બતાવે છે. પણ લોકશાહીમાં તે આ સમસ્યાનું નિરાકરણ નથી. ચૂંટણીપ્રક્રિયામાં તે નિશ્ચિત પ્રકારે ઉમેદવારોના પરિણામ પર મુશ્કેલી ઊભી કરી શકે છે.”
 
કૉંગ્રેસનું માનવું છે કે નોટાને જે મત મળે છે તે સત્તાવિરોધી છે પણ આ મતોનો ઉપયોગ થતો નથી.
 
કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ બીબીસી સાથે થયેલી વાતચીતમાં કહે છે કે, “એ બેઠકો પર અને હારજીતના માર્જિન પર આધારિત છે કે નોટાને મળેલા મતોને કારણે ઉમેદવારોની હાર થઈ છે કે નહીં.”
 
જોકે ભાજપનું માનવું છે કે નોટા નકારાત્મક વોટ છે. પણ તેની અસર ઉમેદવારોની હાર-જીત પર થાય છે તેવું હંમેશાં નથી.
 
ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલે બીબીસી સાથે કરેલી ખાસ વાતચીતમાં કહ્યું કે, “નોટાના મત કોઈ વ્યક્તિ વિરુદ્ધમાં હોય છે, કોઈ નીતિના વિરુદ્ધમાં હોય છે કે પછી સરકાર વિરુદ્ધમાં હોય છે. હું માનું છું કે નોટાનો ઉપયોગ કરવાને બદલે તમે તમારી વિચારધારાની નજીક હોય તેવા ઉમેદવારને વોટ આપો. પણ જો નોટા ના હોય તો નોટાને પડેલા બધા વોટ હારેલા ઉમેદવારોને જ મળે તે જરૂરી નથી એટલે નોટા હાર-જીતનું કારણ નથી.”
 
આપનું પણ એમ જ કહેવું છે કે નોટાને મળેલા વોટને કારણે ઉમેદવારની હાર-જીત નક્કી નથી થતી.
 
આપના પ્રવક્તા ડૉ. ઈર્સાન ત્રિવેદી કહે છે કે, “જો મતદારોને ઉમેદવારો પસંદ ન હોય અને તેઓ નોટા કરે તો તેમનો આદર કરવો જ રહ્યો. પણ નોટાને કારણે હાર-જીત થાય છે તેવું નથી. ચૂંટણીના પરિણામ માટે ઘણાં પરિબળો જવાબદાર હોય છે.”
 
શું હતું 2017ની ચૂંટણીમાં નાના પક્ષો અને અપક્ષોનું ગણિત?
 
હવે ગુજરાતમાં જે પક્ષો એટલા સક્ષમ નથી તે પક્ષના ઉમેદવારો અને અપક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા હોય છે પણ તેમને મળેલા મતો પણ ઘણીવાર ઉમેદવારની હાર-જીતનું કારણ બની શકે છે.
 
વર્ષ 2017ની ચૂંટણીમાં 794 અપક્ષ ઉમેદવારો પણ મેદાનમાં હતા જેમણે કુલ 12 લાખ 90 હજાર 98 વોટ મેળવ્યા હતા. જે કુલ મતદાનના 4.30 ટકા વોટ હતા.
 
તે પૈકી 784 ઉમેદવારોની તો ડિપોઝિટ પણ ડૂલ થઈ હતી. વિધાનસભાની ગત ચૂંટણીમાં ચૂંટણીપંચે માન્યતા ન આપી હોય તેવી 54 જેટલી નાની પાર્ટીઓના 367 ઉમેદવારો મેદાનમાં હતા.
 
તેમણે કુલ 5 લાખ 13 હજાર 30 મતો મેળવ્યા હતા, જે કુલ મતદાનના 1.71 ટકા હતા. ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 29 ઉમેદવારો જ મેદાનમાં હતા અને તેમને માત્ર ગુજરાતના કુલ મતદાનના 0.10 ટકા જ વોટ મળ્યા હતા
 
પણ આ વખતે આપનું જોર વધારે છે. ત્યારે ત્રિપાંખીયા જંગમાં એક એક વોટની કિંમત ઘણી મહત્ત્વની સાબિત થઈ શકે છે.
 
અન્ય માન્યતાપ્રાપ્ત પાર્ટીઓના 104 ઉમેદવારો પણ મેદાનમાં હતા. જેમને 96 હજાર 708 વોટ મળ્યા. બીએસપીએ પણ 139 બેઠકો પર ઝંપલાવ્યું હતું જેને કુલ મતદાનના 0.69 ટકા વોટ મળ્યા. જે પૈકીના એક પણ ઉમેદવાર જીતી નહોતો શક્યો.
 
કેવી થાય છે અસર, શું માને છે વિવિધ પક્ષો?
 
 
ભાજપ કહે છે કે દેશમાં 2,700 કરતાં વધુ પક્ષો છે તેમને અને લાયક હોય તેવા તમામ લોકોને ચૂંટણીનો અધિકાર છે. ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલ કહે છે કે, “નાના નાના પક્ષોને મળેલા મતો અને નોટાને મળેલા મતોનો સરવાળો હાર-જીતના માર્જિન કરતાં વધુ હોઈ શકે પરંતુ જો તે ન હોય તો પણ તે બધા વોટ કંઈ હારેલા ઉમેદવારને જ મળી શક્યા હોત તેવું કહેવું યોગ્ય નથી.”
 
પણ ભાજપ પર એવો આરોપ થાય છે કે તે અપક્ષો અને નાની-નાની પાર્ટીઓનો ઉપયોગ કરીને ચૂંટણી જીતે છે.
 
કૉંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ કહે છે કે, “ભાજપ મોબાઇલ ટાવર છે. આપ પ્રિપેઇડ રીચાર્જ છે અને ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમ એ પોસ્ટપેઇટ રિચાર્જ છે. ભાજપ હંમેશાં જ્યારે હારવાની હોય છે ત્યારે આ પ્રકારે વોટ તોડવા માટે ઉમેદવારોને ઊભા કરે છે.”
 
આપના પ્રવક્તા ડૉ. કરણ બારોટ કૉંગ્રેસના સૂરમાં સૂર પુરાવે છે. બીબીસી સાથેની વાતચીતમાં ડૉ. કરણે ભાજપ પર આરોપ લગાવ્યો કે, “એ જગજાહેર છે કે ભાજપ અને ઓવૈસીની ટીમ વચ્ચે સાંઠગાંઠ છે. ભાજપ અપક્ષનો ખેલ ખેલીને જનતાને મૂરખ બનાવે છે.”
 
જોકે ભાજપ તેમના પર લાગેલા તમામ આરોપો નકારે છે. ભાજપ પ્રવક્તા ડૉ. અનિલ પટેલ કહે છે કે, “2019 લોકસભાની ચૂંટણીમાં ક્યાં ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં હતી. છતાં ભાજપ ગુજરાતની તમામ 26 બેઠકો પર મોટા માર્જિનથી જીત મેળવી શક્યું. ભાજપમાં પણ મુસ્લિમો છે. એટલે મુસ્લિમોના વોટ કૉંગ્રેસને ન મળતાં હોય એટલે તે આવા ખોટા આરોપો લગાવે છે.”
 
તો ગુજરાતમાં ઓવૈસીની પાર્ટી એઆઇએમઆઇએમના નેતા સાબિર કાબલીવાલા પણ કૉંગ્રેસ અને આપના આરોપોને પાયાવિહોણા ગણાવે છે. સાબિર કાબલીવાલાએ બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “એ લોકો જ નાની-નાની પાર્ટીનો ઉપયોગ ચૂંટણી જીતવા કરે છે. દલિત અને લધુમતી કોમ કૉંગ્રેસની વોટબૅન્ક મનાતી હતી. હવે દલિતો અને મુસ્લિમો અમને વોટ આપતા હોય એટલે તેમને નુકસાન થાય છે એથી તેઓ આવા આરોપો લગાવે છે.”
 
આપના નેતા ઈર્સાન ત્રિવેદી પણ કહે છે કે, “ચૂંટણી જીતવા માટે ઘણી રાજકીય પાર્ટીઓ સમાન નામ ધરાવતા કે પછી અપક્ષો ઊભા રાખે છે જેથી વોટ તોડી શકાય. પંજાબ અને દિલ્હીની ચૂંટણીમાં આપની સામે આવું જ થયું હતું પરંતુ પરિણામ પર કોઈ અસર નહીં થઈ.”
 
રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી કહે છે કે, “નાની-નાની પાર્ટી કે અપક્ષ ઉમેદવારોને ચૂંટણી લડાવવામાં આવે છે. અપક્ષોનો જે રાફડો ફાટી નીકળે છે તે ચૂંટણીપ્રક્રિયા માટે તંદુરસ્ત નથી. પણ આ તો લોકશાહી છે. એટલે ક્ષેત્રીય અને જ્ઞાતી સમીકરણોને આધારે વિવિધ પાર્ટીઓએ તેનો ઉપયોગ પણ કરવો શરૂ કર્યો.”
 
જોકે નાની-નાની પાર્ટીઓ અને અપક્ષો દ્વારા ઉમેદવારી નોંધાવવા મામલે ભાજપ કહે છે કે ભારત જેવા મોટા અને વિવિધતા ભરેલા દેશમાં બાયપોલર પૉલિટિક્સ જરૂરી છે. પણ તેને કારણે ક્યારેક રાષ્ટ્રહિતને નુકસાન પણ થાય છે.
 
ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલ કહે છે, “રાષ્ટ્રીય પક્ષો રાષ્ટ્ર હિતોને ધ્યાનમાં રાખે છે. જ્યારે ક્ષેત્રિય પાર્ટીઓ તેમના પ્રાદેશિક હિતો ધરાવે છે, જેને કારણે ઘણીવાર પ્રાદેશિક હિતોને પ્રાધાન્ય આપવામાં આવતાં રાષ્ટ્રિય હિતોને નુકસાન પહોંચે છે.”