ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2019 (16:25 IST)

એવી વનસ્પતિ જે માંસાહારી છે, કીડા-મકોડાનો શિકાર કરે છે

આ દુનિયામાં કેટલીક વનસ્પતિ માંસાહારી પણ હોય છે એ તમે જાણો છો? આશ્ચર્ય થયુંને? પણ આ વાત છે 100 ટકા સાચી.
સૃષ્ટિમાં એવી અનેક વનસ્પતિ મળે છે જે માંસાહારી હોય છે. અલબત, જીવોને ખાઈને પોતાનું અસ્તિત્વ ટકાવતી આવી વનસ્પતિની જાતો બહુ ઓછી છે અને બહુ ઝડપથી તેનો નાશ થઈ રહ્યો છે.
આ પ્રકારની માંસાહારી વનસ્પતિ બચાવવાની ઝૂંબેશમાં જોડાયેલા છે બ્રિટનના સ્ટીવર્ટ મેક્ફર્સન.
તેઓ માંસાહારી વનસ્પતિના એટલા દીવાના છે કે એ માટે તેઓ અનેક પહાડ ચડી ચૂક્યા છે, અનેક રણનો પ્રવાસ કરી ચૂક્યા છે અને સરોવરોના ઊંડાણમાં જઈ પહોંચ્યા છે.
ખતમ થઈ જવાના આરે પહોંચેલી માંસાહારી વનસ્પતિની કેટલીક જાતો મેકફર્સનના પ્રયાસોને પરિણામે જ ફરી જીવંત થઈ શકી છે.
કીડા-મકોડા ખાતી આવી વનસ્પતિઓ પ્રત્યે મેકફર્સનને બાળપણથી જ આકર્ષાયા હતા. તેઓ આઠ વર્ષના હતા ત્યારે એક બ્રિટિશ ગાર્ડન સેન્ટરમાં પહેલીવાર માંસાહારી વનસ્પતિ જોઈ હતી.
એ પછી તેમણે એવી વનસ્પતિ એકઠી કરવાનું શરૂ કર્યું હતું. થોડા વર્ષોમાં જ તેમણે તેમના પરિવારના ગાર્ડનમાં આવી વનસ્પતિ સારા એવા પ્રમાણમાં એકઠી કરી લીધી હતી.
એ પછી તો તેમણે આવી વનસ્પતિને જાણવા-સમજવાને જ પોતાનું કરિયર બનાવી લીધું હતું. મેકફર્સને ખબર પડી હતી કે આવી વનસ્પતિઓ ખતમ થઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.
 
માંસાહારી વનસ્પતિનો વિચાર આમ તો બહુ જૂનો છે. પુરાણી વાર્તાઓમાં એવાં વૃક્ષોનો ઉલ્લેખ મળે છે, પણ ત્યાં સુધી એવી વનસ્પતિ માત્ર કલ્પના હતી.
બ્રિટિશ વિજ્ઞાનીઓ પુરાવા સાથે આવી માંસાહારી વનસ્પતિની માહિતી બહાર લાવ્યા ત્યારે પણ લોકોએ તેને માનવાનો ઇનકાર કરી દીધો હતો.
ચાર્લ્સ ડાર્વિને તેના પુસ્તક 'ઇન્સેક્ટીવોરસ પ્લાન્ટ્સ' માં આવી વનસ્પતિ વિશે વિગતવાર માહિતી આપી હતી.
ડાર્વિનનું એ પુસ્તક વાંચ્યા બાદ મેકફર્સનને પણ આવી વનસ્પતિ પ્રત્યે લગાવ થઈ ગયો હતો.
તેઓ કુદરતી રીતે ઊગતી આવી વનસ્પતિઓને જોવા ઇચ્છતા હતા. તેથી તેમણે અનેક દેશોનો પ્રવાસ કર્યો.
પોતાના અનુભવના આધારે તેમણે એક ફિલ્ડ ગાઇડ પણ લખી છે. તેમાં અનેક દેશોમાં જોવા મળતી અલગ-અલગ જાતની માંસાહારી વનસ્પતિનો ઉલ્લેખ કર્યો છે.
પાછલાં કેટલાંક વર્ષોમાં મેકફર્સન 300 પહાડ ચડ્યા છે અને તેમણે માંસાહારી વનસ્પતિની 35 નવી જાતોને ખોળી કાઢી છે.
વર્ષો પહેલાં ખતમ થઈ ગયેલા મનાતી નેપેથિન્સ ડાયનિયાના નામની માંસાહારી વનસ્પતિ તેમણે ફિલિપિન્સમાંથી ખોળી કાઢી હતી.
માંસાહારી વનસ્પતિનું વિવરણ ભલે દિલચસ્પ લાગે પણ વિજ્ઞાનીઓએ તો તેમના તરફ મોટા ભાગે ધ્યાન જ આપ્યું નથી. મેકફર્સન કહે છે કે આ વનસ્પતિને જેટલું મહત્ત્વ આપવું જોઈએ એટલું આપવામાં આવ્યું નથી.
 
જોકે, હવે મેકફર્સન અને તેમના જેવા કેટલાક અન્ય ઉત્સાહી વિજ્ઞાનીઓના પ્રયાસોને કારણે માંસાહારી વનસ્પતિ વિશે વિશ્વના તમામ હિસ્સાઓમાં કામ થઈ રહ્યું છે.
પરિણામે છેલ્લાં દસ વર્ષમાં જેટલી માંસાહારી વનસ્પતિ ખોળી કાઢવામાં આવી છે એટલી અગાઉ ક્યારેય ખોળવામાં આવી ન હતી.
આવી વનસ્પતિની જાતો જંગલી વિસ્તારોમાં મળી આવતી હોય છે. મેકફર્સન તેને શોધવા માટે મલેશિયા, ઇન્ડોનેશિયા અને ઑસ્ટ્રેલિયાના જંગલોમાં પણ ફરી વળ્યા હતા.
ઇન્ડોનેશિયાના કાલીમંતનમાં નેપેંથિસ પાઇલોસા નામની વનસ્પતિ શોધવામાં એક વખત મેકફર્સનનું ખાવાનું ખલાસ થઈ ગયું હતું.
તેમની ટીમે જીવતા રહેવા માટે દેડકા ખાવા પડ્યા હતા, પણ 1899 પછી વનસ્પતિની જે જાત જોવા મળી ન હતી તેને મેકફર્સનની ટીમના પ્રયાસોને કારણે શોધી કાઢવામાં આવી હતી.
પિચર પ્લાન્ટ નામથી વિખ્યાત એક માંસાહારી વનસ્પતિને શોધવા માટે મેકફર્સન એકવાર ફિલિપિન્સના પલાવન દ્વીપ પર ગયા હતા.
એ સમયે ત્યાં કોઈ જતું ન હતું, પણ ત્યાંની પહાડીઓમાં મેકફર્સનને માંસાહારી વનસ્પતિની અનેક જાતો મળી આવી હતી. મેકફર્સને પિચર પ્લાન્ટની સાત નવી જાત ખોળી કાઢી હતી.
 
આવી માંસાહારી વનસ્પતિઓ પોતાના ખોરાક માટે કીડા-મકોડાનો શિકાર કેવી રીતે કરે છે એ આપણે આજે પણ નથી જાણતા.
મોટા ભાગની માંસાહારી વનસ્પતિઓનો આકાર ઘડા કે ટૉઇલેટ સીટ જેવો હોય છે.
2015માં એક પરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે ઈન્ડોનેશિયાના બોર્નિયોમાં ઊગતી એક માંસાહારી વનસ્પતિ ચામાચિડિયાંઓને પોતાની તરફ આકર્ષિત કરતી હોય છે.
તેમાં અલ્ટ્રાસાઉન્ડ રિફ્લેક્ટર હોય છે, તેને કારણે ચામાચિડિયાંઓને એ વનસ્પતિ તરફ જવાનો રસ્તો મળે છે.
વિજ્ઞાનીઓ કહે છે કે જ્યાંની માટીમાં પોષકતત્ત્વો ઓછાં હોય તેમાં માંસાહારી વનસ્પતિ ઊગતી હોય છે.
પોષણની કમીને સંતોષવા માટે તેઓ કીડા-મકોડા અને નાનાં પ્રાણીઓનો શિકાર કરતી હોય છે.
એ માટે કુદરતે માંસાહારી વનસ્પતિઓને ઘણાં હથિયાર આપ્યાં છે.
દાખલા તરીકે, ડ્રોસેરા નામની એક માંસાહારી વનસ્પતિની સપાટી પર ગુંદ જેવો ચિકણો પદાર્થ હોય છે. કીડા તેમાં આવીને બેસે છે અને ફસાઈ જાય છે.
એવી જ રીતે નેપેન્થીસ જાતની વનસ્પતિના છોડ અલગ-અલગ આકારના હોય છે, તેમાં કીડા-મકોડા ફસાઈ જાય છે.
ઘણીવાર ઉંદર અને ચામાચિડિયાં જેવા જીવ પણ આવી માંસાહારી વનસ્પતિની જાળમાં ફસાઈ જતા હોય છે.
આવી કેટલાક માંસાહારી વનસ્પતિ પાણીની અંદર પણ ઊગતી હોય છે. એ પૈકીની એક છે સાર્સીનિયા સિટાસિના.
આ વનસ્પતિ પાણીની અંદર દેડકાનાં બચ્ચાંઓને પોતાની જાળમાં ફસાવી લે છે. તેથી આ વનસ્પતિમાં કરચલા જેવી રેસાદાર ચીજો હોય છે.
 
આ વનસ્પતિની ખૂબીઓને કારણે શિકારીઓની નજર તેમના પર હોય છે. તેથી જ વિશ્વમાં માંસાહારી વનસ્પતિની સંખ્યા સતત ઘટતી જાય છે.
જોકે, મેકફર્સન જેવા લોકોના પ્રયાસોની લીધે અનેક જંગલી વનસ્પતિને અલગ-અલગ જગ્યાએ ઉગાડવામાં આવી રહી છે.
ધરતીના બદલાતા તાપમાન, જંગલોના વિનાશ વગેરેને કારણે આવી વનસ્પતિઓની જાતો પર જોખમ તોળાઈ રહ્યું છે.
આવી જ એક વનસ્પતિ છે નેપેંન્થિસ રિજિડિફોલિયા. આ પ્રજાતિનો એકમાત્ર છોડ વિશ્વમાં બચ્યો છે. વાસ્તવમાં આ વનસ્પતિના નર અને માદા છોડ અલગ-અલગ હોય છે.
તેથી તેમને બચાવવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
જે જગ્યાએ આવી વનસ્પતિને તેના શિકાર માટે કીડા-મંકોડા નથી મળતા ત્યાં વનસ્પતિ માટીમાંથી પોષક તત્વો ખેંચવાના પ્રયાસ કરતી હોય છે.
ખોરાકની કમીને કારણે આ માંસાહારી વનસ્પતિઓ હવે કદાચ શાકાહારી થઈ રહી છે. એક માંસાહારી વનસ્પતિ શાકાહારી બની ગઈ હોવાનું સ્વીડનમાં જોવા મળ્યું હતું.
 
સવાલ એ છે કે આવી માંસાહારી વનસ્પતિનું ભવિષ્ય શું છે? સ્વીડનની પ્રજાતિની માફક પોતાના ખાનપાનમાં ફેરફાર કરીને કેટલીક માંસાહારી વનસ્પતિઓની જાતો ખુદને બચાવી લે એવું બની શકે છે.
જોકે, જેની સંખ્યા બહુ ઓછી છે તેનો શિકાર થવાનો અને એ ખતમ થઈ જવાનો ભય વધુ છે. મેકફર્સન કહે છે કે માંસાહારી વનસ્પતિઓને બચાવવાની આ લડાઈમાં આપણે ઝડપથી હારી રહ્યા છીએ.