શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 10 નવેમ્બર 2019 (09:41 IST)

રામજન્મભૂમિ વિવાદ : ચુકાદા બાદ મંદિર ક્યારે બનશે કોણ બનાવશે?

અર્જુન પરમાર
બીબીસી ગુજરાતી
 
આજ સવારથી જ કદાચ દરેક ભારતીયનાં મનમાં 'હવે રામમંદિરનું નિર્માણ ક્યારે થશે?' એ પ્રશ્ન ઊથલપાથલ મચાવી રહ્યો હશે.
નોંધનીય છે કે શનિવારે સવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના વડપણવાળી 5 જજોની બંધારણીય બૅન્ચે દાયકાઓ જૂના રામજન્મભૂમિ કેસનો નિર્ણય હિંદુ પક્ષકાર રામલલ્લાના પક્ષમાં આપ્યો હતો.
કોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જમીન રામલલ્લાને સોંપવા અને તેની પર મંદિરના નિર્માણ માટે 3 કે 4 મહિનાની અંદર સરકારને એક ટ્રસ્ટ બનાવવાનું સૂચવ્યું છે.
તેમજ મસ્જિદ બનાવવા માટે અન્યત્રે 5 એકર જમીન મુસ્લિમ પક્ષકારોને આપવા કોર્ટે હુકમ કર્યો હતો.
હવે જ્યારે ભારતની સર્વોચ્ચ અદાલતે રામમંદિરના પક્ષમાં ચુકાદો આપ્યો છે, ત્યારે અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનશે એવી આશા સેવીને બેઠેલા દરેકનાં મનમાં માત્ર એક જ વાત ચાલી રહી છે, રામમંદિર નિર્માણમાં સરકાર હજુ કેટલી વાર કરશે?
 
ક્યારે બનશે રામમંદિર?
વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)ના કેન્દ્રીય પરિષદ સમિતિના સભ્ય દિનેશચંદ્રજીને જ્યારે રામમંદિર નિર્માણમાં હજુ કેટલી વાર લાગશે? એવો પશ્ન પૂછાયો ત્યારે તેમણે આ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે, "જો સરકાર મંદિર બનાવવા માટે જે ટ્રસ્ટનું નિર્માણ કરવાની છે તેમાં વિશ્વ હિંદુ પરિષદને સામેલ કરશે તો અત્યારે અયોધ્યાના કારસેવાપુરમ ખાતે તૈયાર કરાયેલી સામગ્રીનો ઉપયોગ કરીને 3 વર્ષમાં મંદિરનિર્માણનું કામ પૂરું કરી શકાય છે."
"અત્યારે મંદિરના સ્થપતિ સોમપુરા બ્રધર્સ દ્વારા તૈયાર કરાયેલ મંદિરના મૉડલ પ્રમાણે 60% જેટલું કામ થઈ ચૂક્યું છે. વિવાદિત જમીન પર બે માળનું ભવ્ય મંદિર બનાવવાની યોજના છે."
"જે પૈકી આટલાં વર્ષોમાં શિલ્પકારો દ્વારા એટલું કામ કરી લેવાયું છે કે 1 માળ કરતાં વધારે બાંધકામ માટે શિલ્પકામ કરાયેલા પથ્થરોનો પુરવઠો પ્રાપ્ય છે.
 
શું કહે છે મંદિરના શિલ્પકાર?
મંદિરના શિલ્પકારો પૈકી એક આશિષ સોમપુરા જણાવે છે કે, "અત્યારે આ મંદિરનો નિર્ણય સરકારના હાથમાં જતો રહ્યો છે."
"જો તેઓ અત્યારે જે કામ ચાલુ છે ત્યાંથી જ શરૂઆત કરવાનું સ્વીકારશે તો પણ મંદિર બનાવવા માટે લગભગ 2.5 થી 3 વર્ષ લાગી જશે."
"અત્યારે પણ કાર્યશાળામાં 7-8 કામદારો પથ્થર કાપવાના કામમાં જોડાયેલા છે. "
મંદિરનિર્માણમાં આટલો સમય કેમ લાગશે એવો પ્રશ્ન પૂછાતાં તેઓ જણાવે છે કે, "અત્યારે તો માત્ર પથ્થરો કાપીને તૈયાર કરાયા છે. જે કામ પણ 40% થી 60% સુધી જ પૂરું થઈ શક્યું છે."
"હજુ તો મંદિરના પાયા અને જમીન સપાટ કરવાનું કામ પણ બાકી છે. તેમજ જમીનના સોઇલ ટેસ્ટિંગ બાદ આ સમયગાળાનો ખરો અંદાજ લગાવી શકાશે."
 
કોણ કરશે નાણાંની વ્યવસ્થા?
વીએચપીના દિનેશચંદ્રજીને જ્યારે મંદિરનિર્માણ માટે નાણાંની વ્યવસ્થા ક્યાંથી કરાશે એ વિશે પ્રશ્ન કરાયો ત્યારે તેમણે જવાબ આપ્યો કે, "જો વીએચપીને કામ સોંપાશે તો સરકારે નાણાંની જોગવાઈ કરવાની કોઈ જરૂર નહીં પડે. અમે નાણાંની જોગવાઈ ભારતના લોકો પાસેથી ફાળો મેળવીને કરી લઈશું."
જ્યારે વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને મંદિર માટે નાણાંની વ્યવસ્થા કોણ કરશે? એ વિશે પ્રશ્ન પુછાયો ત્યારે તેમણે કહ્યું કે, "સુપ્રીમ કોર્ટે સરકારને મંદિર બનાવવાની જવાબદારી સોંપી છે. મને લાગે છે કે સરકાર આ કામ સોમનાથ મૉડલના આધારે ટ્રસ્ટ બનાવીને પોતાની પાસે જ રાખશે."
 
મંદિરનિર્માણનો રોડ મૅપ
વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ સરકારનો મંદિરનિર્માણના રોડ મૅપ વિશે વાત કરતાં જણાવે છે, "સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં રામલલ્લા વિરાજમાનને વિવાદિત જમીન સોંપી દેવાનો હુકમ કર્યો છે."
"તેથી એક રીતે અન્ય તમામ હિંદુ પક્ષકારો અને મુસ્લિમ પક્ષકારોના દાવા ખારિજ કરી દીધા છે."
"તેથી હવે નિર્મોહી અખાડા સિવાય અન્ય કોઈ પણ હિંદુ પક્ષકારોને કે સંસ્થાને મંદિરનિર્માણ માટે જે ટ્રસ્ટ બનાવવાનું છે તેમાં જગ્યા મળવાની શક્યતા ઘણી ઓછી છે."
"સરકાર કદાચ સોમનાથ મંદિરના મૉડલને અનુસરીને જનભાગીદારી મારફતે, નવી યોજના અનુસાર રામમંદિર બનાવશે એવું લાગી રહ્યું છે."
શું અગાઉના મૉડલ પ્રમાણે જ બનશે રામમંદિર?
આ વિશે વાત કરતાં દિનેશચંદ્રજી જણાવે છે કે, "જો સરકાર મંદિરનિર્માણનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદને સોંપશે તો મંદિરનિર્માણનું કાર્ય સોમપુરા બ્રધર્સ દ્વારા તૈયાર કરાયેલી ડિઝાઇન અનુસાર જ થશે, જેમાં કોઈ બેમત નથી."
"જો સરકાર અમને ટ્રસ્ટમાં સામેલ નહીં કરે તો પણ અમે સરકારને આગ્રહ કરીશું કે જે યોજના થકી દેશના તમામ નાગરિકોના મનમાં રામમંદિર માટેના આંદોલનને જીવિત રાખ્યું અને આખરે સફળતા મેળવી, સરકારે જ્યારે આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે ત્યારે પણ આ જ યોજના અનુસાર આગળ વધી અગાઉની ડિઝાઇન પ્રમાણે મંદિર તૈયાર કરવું જોઈએ."
વરિષ્ઠ પત્રકાર શરત પ્રધાન આ અંગે વાત કરતાં જણાવે છે કે, "મને તો લાગે છે કે કદાચ સરકાર આ જ યોજના પ્રમાણે આગળ વધીને મંદિરનું નિર્માણકાર્ય શરૂ કરશે."
"જો વિશ્વ હિન્દુ પરિષદની યોજનાને અનુસરવામાં આવે તો મારા મતે માત્ર 6 મહિનાની અંદર જ આ મંદિરનિર્માણનું કામ પૂરું કરી શકાય છે, પરંતુ એ માટે તમામ સંજોગો સાનુકૂળ બની રહે તે જરૂરી છે."
સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ અન્ય હિંદુ પક્ષકાર નિર્મોહી અખાડાના પ્રવક્તા કાર્તિક ચોપરાએ નિવેદન આપ્યું હતું કે, "ચુકાદામાં બંધારણની કલમ 142 અંતર્ગત સરકારને અપાયેલી સૂચના અનુસાર, અમે ભારત સરકાર અમારી સાથે મંદિરનિર્માણ બાબતે સલાહ-મસલત કરે."
"આદેશ અનુસાર નવા ટ્રસ્ટના નિર્માણ બાદ તેમાં નિર્મોહી અખાડાને યોગ્ય પ્રતિનિધિત્વ આપવા વિશેની ચર્ચા-વિચારણા કરવા માટે અમે કેન્દ્ર સરકારની રાહ જોઈ રહ્યા છીએ."