બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 6 મે 2019 (17:09 IST)

શું ચીની છોકરાઓ દેહવ્યાપાર કરાવવા માટે પાકિસ્તાની છોકરીઓ સાથે લગ્ન કરી રહ્યા છે?

સહર બલોચ
બીબીસી ઉર્દૂ, લાહોર
 
સંયુક્ત રાષ્ટ્ર અને બિનસરકારી સંગઠન હ્યુમન રાઇટ્સ વૉચે તાજેતરમાં જ એક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં પાકિસ્તાની છોકરીઓને ચીન લઈ જવાની ઘટના પર ચિંતા વ્યક્ત કરાઈ છે.
આ રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં સામે આવેલી આ ઘટનાઓ એશિયાના અન્ય પાંચ દેશો સાથે પણ સંકળાયેલી છે.
આ જ સંદર્ભે પાકિસ્તાનમાં માનવ અધિકાર કાર્યકર્તાઓનું કહેવું છે કે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં ચીનના લોકો લગ્ન માટે આવી રહ્યા છે અને છોકરીઓને લગ્ન કરીને લઈ જાય છે. જેનો હેતુ વૈવાહિક સંબંધ બાંધવાનો નથી પણ કથિત રીતે એ આંતરરાષ્ટ્રિય સ્તરે દેહવ્યાપારનું મહત્ત્વનું માધ્યમ છે.
આ મુદ્દે બીબીસીએ ફૈસલાબાદમાં એક એવી છોકરી સાથે વાત કરી, જેના એક ચીનના છોકરા સાથે લગ્ન કરી દેવામાં આવ્યા. તેમણે અમને શું કહ્યું તે જાણો તેમના જ શબ્દોમાં.
હું ફૈસલાબાદની છું, મારી ઉંમર 19 વર્ષ છે. આ નવેમ્બર 2018ની વાત છે. અમે લોકો મારી કઝીનના લગ્નમાં ગયા હતા, તેનાં લગ્ન પણ એક ચીનના છોકરા સાથે થઈ રહ્યાં હતાં. હવે તે ચીનમાં છે. ત્યાં જ મને પણ પસંદ કરવામાં આવી અને સંબંધીઓએ મારા ઘરનાનો નંબર લઈ લીધો. કૉલ કરીને એ લોકો અમારા ઘેર આવ્યા. મને ત્રણ છોકરા જોવા આવેલા.
મારા ઘરવાળાનો પહેલો પ્રશ્ન હતો કે શું છોકરો ઈસાઈ છે? તો અમને કહેવામાં આવ્યું કે એ ઈસાઈ છે, કોઈ છેતરપિંડી નથી. પણ અમને પૂરતો સમય આપવામાં આવ્યો નહીં.
તેઓ અમારા ઘેર આવ્યા એના બીજા જ દિવસે મને મેડિકલ ટેસ્ટ માટે લાહોર મોકલવામાં આવી. મેડિકલ ટેસ્ટ કર્યાના બે જ દિવસમાં તેમણે કહ્યું કે અમારે લગ્ન કરવાં છે. ઘરવાળાએ કહ્યું કે તેઓ આટલી જલદી લગ્ન કરવા માગતા નથી.
પરંતુ એ ચીનના છોકરા સાથે જે પાકિસ્તાની પ્રતિનિધિ આવેલા તેમણે કહ્યું કે જે થશે આ મહિનામાં જ થશે, કારણ કે આવતા મહિને ચીની લોકોને પરત જવું છે અને પછી તેઓ પાછા આવશે નહીં. તો જો લગ્ન કરવાના હોય તો અત્યારે જ કરવા પડશે. તેમણે અમને કહ્યું કે અમે તમારો બધો જ ખર્ચ ઉઠાવીશું.
મારા ઘરનાએ કહ્યું કે અમારે નથી જોઈતો, તો તેમણે કહ્યું કે જે રીતે પાકિસ્તાનમાં છોકરાવાળા છોકરીનાં લગ્નનો ખર્ચ આપે છે, છોકરીનાં કપડાં સિવડાવી આપે છે. એ પ્રમાણે લગ્ન થશે.
મારા ઘરનાએ અમારા સંબંધીઓના અનુભવ જોઈને હા કહી અને લગ્ન કરી દીધાં.
 
જ્યાં સુધી મારા કાગળ થઈ રહ્યા હતા ત્યાં સુધી તેમણે મને સાત છોકરા અને છોકરીઓ સાથે એક ઘરમાં રાખી હતી.
તેમણે લાહોરના ડિવાઇન રોડ પર એક ઘર લઈ રાખ્યું હતું. કુલ ત્રણ ઘર હતાં. બે એક જ ગલીમાં હતાં અને એક, બે ગલી છોડીને હતું. ત્યાં બધા જ ચીની લોકો હતા. મારાં લગ્ન છેલ્લે થયાં. બાકીની સાત છોકરીઓનાં લગ્ન મારાં પહેલાં થયાં હતાં. એ બધી જ ખ્રિસ્તી છોકરીઓ હતી.
હું મારા પતિ સાથે ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી વાત કરતી હતી. ક્યારેક અનુવાદ સરખો થતો અને ક્યારેક નહીં.
એક શિક્ષક પણ રાખ્યા હતા. અમારા બધી છોકરીઓના સવારે 9 વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ચીની ભાષા શીખવાના વર્ગો ચાલતા.
ચીની લોકો સાથે જે પાકિસ્તાની માણસ આવેલો એ બહુ હોશિયાર હતો, (એને અમારી બધી જ જવાબદારી સોંપાઈ હતી) તેનો વ્યવહાર સારો નહોતો, તે ગાળો બોલતો. જો કોઈ છોકરી કહેતી કે તેને ઘરે જવું છે તો તે બહુ ગંદા-ગંદા આક્ષેપ કરતો અને બ્લૅકમેલ કરતો.
જે છોકરા સાથે મારાં લગ્ન થયાં હતાં તેને હું માત્ર ત્રણ વખત મળી હતી. પહેલી વખત તે જ્યારે મને જોવા આવ્યો ત્યારે, પછી મેંદી વખતે જોયો હતો અને ત્રીજી વાર નિકાહ સમયે મુલાકાત થયેલી.
છોકરાની ઉંમર 21 વર્ષ હતી અને લગ્ન બાદ મને ખબર પડી હતી કે તે હાથે વિકલાંગ છે અને ખ્રિસ્તી પણ નથી.
 
 
જ્યારે મેં પાકિસ્તાની પ્રતિનિધિને આ અંગે કહ્યું તો તે મને બ્લૅકમેલ કરવા લાગ્યો. કહેવા લાગ્યો કે મેં લગ્ન માટે પૈસા ખર્ચ્યા છે એ હું લઈશ. તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ, તમે ચીની લોકો સાથે દગો કર્યો છે. પછી તેણે મારો મોબાઇલ ફોન લઈ લીધો. અમારા બધી છોકરીઓના મોબાઇલ ફોન ચૅક થતા હતા.
ત્યાં હતી ત્યારે મારી ચીન ગયેલી બાકીની દોસ્ત સાથે પણ વાત થતી. એકે મને કહ્યું કે અહીં ખાવા માટે સાદા ભાત આપે છે અને રૂમમાં બંધ રાખે છે. રાત્રે પતિ પોતાના મિત્રોને ઘેર લાવે છે. એણે મને બસ આટલું જ કહ્યું હતું. મને સમજાઈ ગયું હતું કે ત્યાં તેની સાથે શું થઈ રહ્યું છે. એ બહુ રડી રહી હતી.
ત્યાં સુધીમાં મારા કાગળ તૈયાર થઈ ગયા હતા માત્ર મારા વિઝા આવવાના બાકી હતા.
તેઓ મને ઘેર જવા દેતા નહોતા. મેં કહ્યું કે મારા મામાની તબિયત ઠીક નથી. તો કહેવા લાગ્યા કે તારા મામાને અહીં બોલાવી લઈશું, અહીં સારવાર કરાવીશું, તારે ક્યાંય જવાનું નથી. બહુ મુશ્કેલીથી મેં ઘરના લોકો સાથે સંપર્ક કર્યો. મારા ઘરના મને લેવા આવ્યા અને પછી હું પાછી ગઈ નહીં. મારા ઘરનાએ કહ્યું કે, હવે તને જે ઇચ્છા હોય એવું તું કર. મેં વિચાર્યું કે હું પાર્લરનું કામ જાણું છું તો એ કરી લઈશ.
મને હવે ડર લાગતો નથી, બસ એટલું જ છે કે બાકીની છોકરીઓ બચી જાય. જેમને (આ વિશે) નથી ખબર તેઓ લગ્ન ન કરે.
 
ચીની લોકોનાં લગ્નની વાસ્તવિકતા શું?
લાહોરના ડિવાઇન રોડ અને ઈડન ગાર્ડન વિસ્તારમાં એક કતારમાં ઘર બન્યાં છે, જેમાં ચીનના લોકો રહે છે. તેઓ અહીં અલગઅલગ કંપનીઓમાં કામ માટે આવતા હોય છે. એમાંથી કેટલાક ચીનીઓ એવા પણ છે જેઓ પાકિસ્તાનની ચીન તરફની નરમ વિઝા નીતિના કારણે અહીં રહીને જલસા કરે છે. બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ શું કામ કરે છે.
માનવ અધિકાર પર કામ કરતા કાર્યકર્તાઓના મતે છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં ચીનના લોકો લગ્ન કરવા માટે આવે છે. છોકરીઓને લગ્ન કરીને ચીન લઈ જઈ રહ્યા છે. લાહોરના કાર્યકર્તા સલીમ ઇકબાલનું કહેવું છે કે આ લગ્ન નહીં પણ આંતરરાષ્ટ્રિય સ્તરે દેહવ્યાપારનું એક પ્રકારનું વલણ છે.
તેઓ કહે છે, "મેં અત્યાર સુધી પોલીસ, એફઆઈએ અને અન્ય સુરક્ષા સંગઠનોને સૂચિત કર્યાં છે. એક વર્ષ બાદ જ્યારે મુસ્લિમ છોકરીઓ સાથે આ પ્રકારની ઘટનાઓ સામે આવવાની શરૂ થઈ ત્યારે તેમણે કાર્યવાહી કરવાની શરૂ કરી."
સલીમે જણાવ્યું કે પહેલા થોડા મહિના તો ગુજરાંવાલા અને નવાહી વિસ્તારમાં પત્રિકાઓ અને બેનર લગાવીને ચીની છોકરાઓ વિશે માહિતી આપવામાં આવતી.
"કેટલાક કિસ્સામાં પરિવારજનોને અંદાજ આવી ગયો અને તેમણે પોતાની દીકરીઓને પાછી બોલવી લીધી. પરંતુ ઘણા કિસ્સામાં ગરીબને ત્રણથી ચાર લાખ રૂપિયા આપીને તેમની છોકરીઓ સાથે લગ્ન કરવામાં આવ્યાં."
સલીમના મતે એક વર્ષમાં લાહોર, ગુજરાંવાલા, ફૈસલાબાદ અને મુલતાનમાં લગભગ 700 લગ્નો થઈ ચૂક્યાં છે. જેમાં વધુ સંખ્યા ખ્રિસ્તી છોકરીઓની છે.
પંજાબના મુસલમાન સમાજની એક છોકરીનો કિસ્સો બહાર આવ્યો ત્યારે આ વાત મીડિયાના ધ્યાનમાં આવી. તેના પર ધાર્મિક સંગઠનોએ ઘણો ઊહાપોહ મચાવ્યો.
 
ઇરફાન મુસ્તુફા વ્યવસાયે શિક્ષક છે અને છેલ્લા ચાર મહિનામાં પંજાબના અલગઅલગ વિસ્તારોમાં લગભગ 10 લગ્ન કરાવી ચૂક્યા છે. બીબીસી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, "અમે દરેક લગ્ન બહુ સંભાળીને કરાવ્યાં છે. આ લગ્નો અદાલત મારફતે થયાં છે. જેમાં છોકરા અને છોકરીને રજૂ કરવામાં આવે છે."
ઇરફાને ચીની છોકરાઓ સાથે લગ્ન કર્યાં બાદ છોકરીઓ પાસે દેહવ્યાપાર કરાવવાની વાતનું ખંડન કરતા કહ્યું, "આ મીડિયાની ફેલાવેલી વાતો છે, હકીકત નથી."
તેઓ કહે છે કે દરેક લગ્નમાં આવું થાય છે. તેઓ કહે છે, "ઘણી વાર લગ્ન કર્યાં પછી વિચાર નથી મળતા અને પતિ-પત્નીમાં તકરાર થાય છે. તેથી એવું ન કહી શકાય કે લગ્ન જબરદસ્તી કરાવાયાં હતાં."
સાથે જ તેમણે પૂછ્યું કે 'શું એવું થઈ શકે કે એક દેશમાંથી બીજા દેશમાં છોકરીઓનો વેપાર થતો હોય અને એજન્સીઓને ખબર પણ ન હોય? એજન્સીઓ જાણે છે શું થઈ રહ્યું છે."
 
'છોકરો સીપીઈસીમાં કામ કરે છે'
પરંતુ તાજેતરમાં જ લાહોરના નાદિરાબાદ, ડિવાઇન રોડ, બટ ચોક સહિત આઠ વિસ્તારોમાં છોકરીઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદોમાંથી એક ફરિયાદ ફરાહ જફર નામથી નોંધાયેલી છે. તેમણે આક્ષેપ કર્યો છે કે તેમની મા અને લગ્ન કરાવનાર લોકોમાંની એક વ્યક્તિએ પૈસાના બદલામાં તેમનાં લગ્ન જબરદસ્તી કરાવ્યાં છે.
આ ફરિયાદોમાં લાહોરના કચહરી વિસ્તારની એક ફરિયાદમાં છોકરીએ પોતાના ચીની પતિ પર હિંસાનો આક્ષેપ કરતાં કોર્ટમાં તલાકની અરજી દાખલ કરી છે.
કેટલીક છોકરીઓએ ફરિયાદ દાખલ કરી છે. તેમાં લખ્યું છે કે તેમને કહેવામાં આવ્યું કે છોકરો સીપીઈસી (ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડૉર)માં કામ કરે છે. પરંતુ ચીન જઈને ખબર પડી કે એવું નથી. મોટા ભાગના કિસ્સામાં એક વાર છોકરી પાકિસ્તાનથી ચીન રવાના થઈ જાય પછી તેની સાથે સંપર્ક રાખવો અશક્ય થઈ જાય છે.
એક પોલીસ અધિકારીએ પોતાની ઓળખ ન આપવાની શરતે જણાવ્યું કે, લગભગ મોટા ભાગના કિસ્સામાં એક જેવી રીતે કામ થયું છે, જેમાં ત્રણ લોકો છોકરીના પરિવારને મળવા જાય અને લગ્નના ખર્ચથી લઈને ચીન જવા સુધીની બધી વ્યવસ્થા તેઓ જ કરે.
"કેટલીક ઘટનાઓમાં લગ્ન સફળ થયાં હોવાનું પણ કહેવાય છે, પણ આ લગ્ન એવાં પણ હોઈ શકે જેમાં છોકરીઓને બહાર આવવાની તક ન મળી હોય."
 
 
પાક-ચીન દોસ્તી અને મોટી કિંમત
પાકિસ્તાન અને ચીનની દોસ્તીને સીપીઈસી સાથે જોડાયેલા હિતોની દૃષ્ટિએ જોવામાં આવે છે. તેથી જ તાજેતરમાં થયેલી ઘટનાઓ અને આ મુદ્દે થયેલી ફરિયાદોની અવગણના થઈ રહી છે.
આ અંગે વાત કરતાં પંજાબના વિધાનસભાના સભ્ય અને માનવ અધિકાર તેમજ લઘુમતી વિભાગના મંત્રી એઝાઝ આલમ ઑગસ્ટને બીબીસીને જણાવ્યું કે, 'બે મહિના પહેલા એક ચીનની વ્યક્તિની ઇસ્લામાબાદ ઍરપૉર્ટ પરથી ધરપકડ કરવામાં આવી, કારણ કે તેના પર પાકિસ્તાની છોકરીને જબરદસ્તી લઈ જવાનો આરોપ હતો.'
તેમણે જણાવ્યું કે પંજાબમાં પાદરીઓ અને દેવળો લગ્ન કરાવી રહ્યાં છે.
"આ જ કારણે અમે લાઇસન્સિંગની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેના પરિણામે ચર્ચને પણ લાઇસન્સ લેવું પડશે અને ત્યાં પ્રાર્થના કરવા આવતા પાદરીને પણ. એવું નહીં થાય કે જે પ્રાર્થના કરાવે એ જ નિકાહ પણ પઢાવે. જબરદસ્તી લગ્નો રોકવાં માટે આવું કરવું પડ્યું છે."
હાલ ચીનમાં લિંગ અસમાનતા છે. ત્યાં પુરુષોની સંખ્યા મહિલાઓ કરતાં ઘણી વધારે છે, જેનું એક મોટું કારણ ત્યાં 1979થી 2015 સુધી રહેલી એક જ બાળકની પૉલિસી પણ છે.
સંશોધકોના મતે, ચીનમાં આ આ પૉલિસી બાદ મોટા ભાગના પરિવાર છોકરાને મહત્ત્વ આપતા. જેના કારણે ત્યાં આ અસંતુલન વધ્યું અને હાલ એ સ્થિતિ છે કે ચીનના પુરુષો બીજા દેશો તરફ જઈ રહ્યા છે. તેથી કેટલાંક એવાં જૂથો પણ સક્રિય થઈ રહ્યા છે જે આ સ્થિતિનો લાભ ઉઠાવે છે અને મહિલાઓને ચીનમાં વેચે છે.