શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: રવિવાર, 22 જાન્યુઆરી 2023 (14:21 IST)

યૂટ્યૂબ અને ટ્વિટરને બીબીસી ડૉક્યૂમૅન્ટરી બ્લૉક કરવાનો નિર્દેશ

ઇન્ડિયન એક્સ્પ્રેસના એક સમાચાર અનુસાર કેન્દ્ર સરકારે યૂટ્યૂબ અને ટ્વિટરને બીબીસીની ડૉક્યૂમૅન્ટરી ‘ઇન્ડિયા : ધ મોદી ક્વેશ્ચન’ શૅર કરનારી લિંકને હઠાવી લેવાનો નિર્દેશ આપ્યો છે.
 
અખબારે અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, આ ડૉક્યૂમૅન્ટરીથી ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાને નીચી દેખાડવાની કોશિશ કરવામાં આવી છે અને તેનો વિપરીત પ્રભાવ જોવા મળી શકે છે.
 
અધિકારીઓએ એમ પણ કહ્યું છે કે, આ ‘ડૉક્યૂમૅન્ટરીથી દુનિયાના અન્ય દેશો સાથેના મિત્રતાભર્યા સંબંધો પ્રભાવિત’ થઈ શકે છે.
 
ઇન્ડિયન એક્સ્પ્રેસ અનુસાર કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના અધિકારીઓએ શુક્રવારે યૂટ્યૂબને ડૉક્યૂમૅન્ટરીના પ્રથમ એપિસોડની લિંકને બ્લૉક કરવા જણાવ્યું છે. જ્યારે ટ્વિટરને આ એપિસોડના લિંકને શૅર કરનારા 50 થી વધુ ટ્વિટ હઠાવવા જણાવ્યું છે.
 
સરકારના આ નિર્ણયને વિપક્ષના રાજકીય દળોએ સેંસરશિપ ગણાવ્યો છે. કૉંગ્રેસ પાર્ટીના કૉમ્યુનિકેશન પ્રભારી જયરામ રમેશે ટ્વીટ કર્યું છે કે આ સેંસરશિપ છે. તૃણમૂલ કૉંગ્રેસના સંસદ સભ્ય ડેરેક ઓબ્રાયને પણ આ બાબતે ટ્વીટ કર્યું છે, જ્યારે મહુઆ મોઇત્રાએ ટ્વીટ કર્યું છે કે, સરકાર કોઈપણ રીતે એ સુનિશ્ચિત કરવા માગે છે કે એક પણ માણસ આ ડૉક્યૂમૅન્ટરીને ન જુએ.
 
બીબીસીએ બે એપિસોડની એક ડૉક્યુમૅન્ટરી બનાવી છે, જેનું નામ છે – ઇન્ડિયા: ધ મોદી ક્વેશ્ચન.
 
તેનો પ્રથમ એપિસોડ 17 જાન્યુઆરીએ બ્રિટનમાં પ્રસારિત થઈ ચૂક્યો છે. આગામી એપિસોડ 24 જાન્યુઆરીએ પ્રસારિત થવાનો છે.
 
પ્રથમ એપિસોડમાં નરેન્દ્ર મોદીની પ્રારંભિક રાજકીય કારકિર્દીને દર્શાવવામાં આવી છે જેમાં તેઓ ભારતીય જનતા પક્ષમાં આગળ વધીને, ગુજરાતના મુખ્યમંત્રીના પદ પર પહોંચે છે.