શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: મંગળવાર, 26 મે 2020 (14:53 IST)

આંતરરાજ્ય મુસાફરી કરતા કોરોનાના કોઈ જ લક્ષણો નહીં ધરાવતા પ્રવાસીઓ સીધા જ ઘરે જઈ શકશે

ઘરેલુ વિમાની સેવા, ટ્રેન કે બસ દ્વારા આંતરરાજ્ય મુસાફરી કરતા જે પ્રવાસીઓમાં કોરોનાના કોઈ જ લક્ષણો નહીં હોય તેવા પેસેન્જરો સીધા જ પોતાના ઘરે જઈ શકશે, પરંતુ આવા આંતરરાજ્ય મુસાફરોએ 14 દિવસ સુધી પોતાના લક્ષણોનું સ્વનિરીક્ષણ કરવું જરુરી રહેશે. એ દરમિયાન જો કોરોનાના કોઈ લક્ષણો દેખાય તો તેમણે તાત્કાલિક જિલ્લા સર્વેલન્સ ઓફિસરને જાણ કરવાની રહેશે. અથવા તો રાજ્ય કે રાષ્ટ્રની હેલ્પલાઇન 104 કે 1075 પર સંપર્ક કરવાનો રહેશે. ભારત સરકારના આરોગ્ય વિભાગે બહાર પાડેલી માર્ગદર્શિકાને ટાંકીને રાજ્યના આરોગ્ય અગ્રસચિવ જયંતી રવિએ આ અંગે જણાવ્યું હતું કે, કોઈ પેસેન્જર સિમ્પ્ટોમેટિક જણાશે તો તેમને તરત જ આઈસોલેટ કરીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવશે અને તરત જ વધુ તપાસણી હાથ ધરવામાં આવશે.
 
જે પેસેન્જર્સને સામાન્ય અથવા તો ગંભીર સિમ્પ્ટમ્સ દેખાશે તેમને સઘન સારવાર માટે કોવિડ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવશે. જે પેસેન્જરોને હળવા સિમ્પ્ટમ્સ જણાશે તેમને હોમ આઈસોલેશન અથવા તો કોવિડ કેર સેન્ટરમાં આઈસોલેશનનો વિકલ્પ  આપવામાં આવશે. સરકારી કે ખાનગી ક્વૉરેન્ટાઈન પછી ICMR ના પ્રોટોકોલ મુજબઆગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આઈસોલેશનના સમયગાળા દરમિયાન આવા પેસેન્જરો જો પોઝિટિવ જણાશે તો તેમને ક્લિનિકલ પ્રોટોકોલ મુજબ કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે.
 
તમામ એરપોર્ટ, રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલ્સ ઉપર અને ફ્લાઈટમાં, ટ્રેનમાં અને બસમાં કોવિડ-19 સંદર્ભે અને સાવચેતીનાં પગલાં માટે જરૂરી એનાઉન્સમેન્ટ સતત કરવામાં આવશે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ દરેક પેસેન્જર્સ નું બોર્ડિંગ પહેલાં ફરજિયાત થર્મલ સ્ક્રિનિંગ કરવાનું રહેશે. એસિમ્પ્ટોમેટિક પેસેન્જર્સને જ માત્ર ફ્લાઈટસ, ટ્રેન કે બસમાં મુસાફરી કરવાની પરવાનગી આપવામાં આવશે. બોર્ડિંગ વખતે અને મુસાફરી દરમિયાન દરેક પેસેન્જરે માસ્ક પહેરવાનો રહેશે અને આરોગ્યના તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે. દરેક એરપોર્ટ, રેલ્વે સ્ટેશન કે બસ ટર્મિનસ પર સોશિયલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન થાય તેની તકેદારી રાખવાની રહેશે. એરપોર્ટ્સ, રેલવે સ્ટેશન અને બસ ટર્મિનલને નિયમિત રીતે સેનિટાઇઝ કરવાના રહેશે. તથા જરૂરી સાબુ તથા સેનિટાઈઝરની વ્યવસ્થા કરવાની રહેશે. તમામ પેસેન્જરો માટે વિમાની મથક, રેલ્વે સ્ટેશન કે બસડેપોની બહાર નીકળતા સમયે થર્મલ સ્ક્રિનિંગની વ્યવસ્થા કરવાની રહેશે.
 
વિમાન, ટ્રેન કે બસ મારફતે આંતરરાજ્ય પ્રવાસ કરતા મુસાફરો માટેની ખાસ માર્ગદર્શિકામાં જણાવાયું છે કે, પ્રવાસીઓને જે તે એજન્સી દ્વારા યાત્રા ટિકીટની સાથે જ શું કરવું અને શું ન કરવું તે અંગેની વિગતો પૂરી પાડવામાં આવશે. દરેક પેસેન્જરે આરોગ્ય સેતુ મોબાઇલ એપ ફરજિયાત પણે ડાઉનલોડ કરવાની રહેશે.