મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: બુધવાર, 13 મે 2020 (16:26 IST)

ગુજરાત પણ ખાસ ‘પેકેજ’ આપશે : લોકડાઉન હળવુ થશે: સીએમ રૂપાણી

દેશમાં લોકડાઉન-3 ના અંત અને ચોથા તબકકાનું લોકડાઉન આવી શકે છે તે હવે લોકડાઉનથી જે આર્થિક અસર થઈ છે તેમાં રાહત મળે તે માટે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશ માટે રૂા.20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કર્યું છે અને આજથી તેના પર રોજ-બરોજ નાણામંત્રી નિર્મલા સીતારામન જાહેરાત કરશે તે વચ્ચે હવે ગુજરાત સરકાર પણ રાજયનાં લોકો માટે કોઈ ખાસ રાહત પેકેજ જાહેર કરે તેવા સંકેત છે.રાજય સરકારે કેન્દ્ર સરકાર દ્વારા જે લાભો પેકેજ સ્વરૂપે અપાયા છે તે ઉપરાંત રાજયનાં લોકોને વધારાનાં લાભ-રાહત મળે તે જોવા જઈ રહી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક વાતચીતમાં આ સંકેત આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે રૂા.20 લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તે હાલ કોરોના-લોકડાઉનની સ્થિતિમાં લોકોને રાહત અને જુસ્સો વધારનારૂ બની રહેશે. અમોએ પણ સૈધ્ધાંતિક રીતે સ્વીકાર્યુ છે કે રાજય સરકાર પણ ગુજરાતનાં લોકોને માટે પેકેજ જાહેર કરવુ જરૂરી છે. એક વખત કેન્દ્રનાં પેકેજની જાહેરાત થઈ જાય પછી ગુજરાત સરકાર તેને રાજયની દ્રષ્ટિએ વધારાની રાહત આપતું પેકેજ આપશે જેનાથી લોકોને મહતમ લાભ મળી રહેશે. લોકડાઉન અંગે રૂપાણીએ કહ્યું કે જો કેન્દ્ર સરકાર મંજુરી આપશે તો અમો અમદાવાદ-રાજકોટ-સુરત-વડોદરા સહિતના વિસ્તારોને લોકડાઉનમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને કોરોના સામે અન્ય જે સલામતી છે તેનું પાલન કરવાની સાથે મહત્વપૂર્ણ છુટછાટો આપવા નિર્ણય લીધો છે રાજયના લોકો હવે આર્થિક ગતિવિધી શરૂ થાય તે જોવા માંગે છે અને અમો તેને નિરાશ કરશુ નહિં.ગુજરાતમાં અમદાવાદ સુરત, વડોદરા જેવા મહાનગરોમાં કોરોનાની સતત ખરાબ સ્થિતિ છતાં પણ હવે લોકડાઉન થોડા બંધનો સાથે રહેશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે કેબીનેટ સાથીઓ રાજયના ટોચના અધિકારીઓ જીલ્લા કલેકટર સાથે વિડીયો કોન્ફરન્સથી વાતચીત કરીને રાજયની સ્થિતિની માહિતી મેળવી અને તા.17 બાદ લોકડાઉનનો અંત લાવવાના કે નિયંત્રીત કરવાનાં નિર્ણયની રૂપરેખા તૈયાર કરી લીધી છે. આ વિડીયો કોન્ફરન્સમાં મ્યુ.કમીશ્નર અને પોલીસ કમિશ્નર તથા જીલ્લા પોલીસ વડા પણ જોડાયા હતા.