ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: શનિવાર, 24 ઑક્ટોબર 2020 (15:54 IST)

કોરોના વાઇરસની રસી આપણને ક્યારે મળશે? કેવી રીતે બને છે રસી ?

ભારતમાં કોરોના વાઇરસના કેસ 77 લાખ કરતાં વધી ગયા છે અને વિશ્વમાં કુલ ચેપગ્રસ્ત દરદીઓનો આંક ચાર કરોડને પાર કરી ગયો છે. ત્યારે કોરોના વાઇરસની રસી ક્યારે આવશે એ સવાલ સૌનાં મનમાં થાય એ સ્વાભાવિક છે. હાલમાં વિશ્વમાં કોરોના વાઇરસની જુદી-જુદી 40 જેટલી ટ્રાયલ ચાલી રહી છે. આમાં ઑક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવી રહેલી રસીનો પણ સમાવેશ થાય છે. વિશ્વ આ રસી તરફ મીટ માંડીને બેઠું છે. ભારતમાં પણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઑક્સફર્ડની આ રસી તૈયાર કરાઈ રહી છે.
 
કોરોનાની રસી કેમ મહત્ત્વની છે? 
 
કોરોના વાઇરસ સરળતાથી ચેપ ફેલાવી શકે છે અને વિશ્વની મોટા ભાગની વસતી પર તેનું જોખમ તોળાઈ રહ્યું છે. રસી માનવશરીરની રોગપ્રતિકારશક્તિને કોરોના વાઇરસથી લડવા સક્ષમ કરશે. રસી આવી ગયા બાદ લૉકડાઉનની જરૂર નહીં રહે અને સોશિયલ ડિસ્ટન્સિંગને હળવું કરી શકાશે.
 
કામ ક્યાં પહોંચ્યું?
 
વિશ્વમાં કોરોના વાઇરસની રસી વિકસાવવા માટે અભૂતપૂર્વ ઝડપે કામ ચાલી રહ્યું છે. લગભગ 240 રસી પ્રારંભિક તબક્કામાં છે, જેમાંથી 40ની ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે, જ્યારે નવ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ઑક્સફર્ડની રસી રોગપ્રતિકારશક્તિને મજબૂત કરતી હોવાનું પ્રારંભિક ડેટામાં જાણવા મળ્યું છે. આ ઍસ્ટ્રાઝેનકા સાથે મળીને વિકસાવાઈ રહી છે. ભારતમાં પૂણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા દ્વારા તેને વિકસાવાઈ રહી છે. ડિસેમ્બર સુધીમાં ભારતને રસીના 60-70 મિલિયન ડૉઝ મળી શકે છે. 
 
અમેરિકામાં મે મહિનામાં હાથ ધરાયેલા રસીના માનવપરીક્ષણમાં જાણવા મળ્યું હતું કે સ્વયંસેવકમાં ઍન્ટિ-બૉડીનો વિકાસ થયો હતો. આ ઍન્ટિ-બૉડી વાઇરસને નાથી શકે છે. રોગપ્રતિકારશક્તિ વિકસાવવા માટે વાઇરલ પ્રોટીનનો ઉપયોગ કરવાની ટ્રાયલ ચાલી રહી છે. ચીનમાં વિકસાવાઈ રહેલી કોરોના વાઇરસની રસી સુરક્ષિત હોવાનો દાવો કરાયો છે. ચીની સૈન્ય માટે આ રસી ઉપ્લબ્ધ કરાવાઈ રહી છે. જોકે, આ આમાં આમાંથી કઈ રસી કેટલી અસરકારક છે, એ જાણી શકાયું નથી.
 
કોરોના વાઇરસના દર્દીઓનો જીવ બચાવી શકે છે આ સસ્તી દવા
 
એક રસી તૈયાર કરવામાં દાયકાઓ લાગી શકે છે. જોકે, સંશોધકો મહિનાઓમાં જ રસી તૈયાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોટા ભાગના જાણકારોનું માનવું છે કે કોરોના વાઇરસની રસી વૈશ્વિક સ્તરે વર્ષ 2021ના મધ્યમાં ઉપલબ્ધ થશે. વર્ષ 2019ના અંતમાં નવીન તરેહનો Sars-coV-2 વાઇરસ પ્રથમ વખત સામે આવ્યો હતો. જેના 12-18 મહિના બાદ વિશ્વ રસી તૈયાર કરી લેશે એવું મનાઈ રહ્યું છે.
 
રસી કેવી રીતે બને છે અને કેમ વાર લાગી શકે?
 
માનવશરીરનાં લોહીમાં વ્હાઇટ બ્લડ સેલ (શ્વેતકણ) હોય છે, જે રોગપ્રતિકારક તંત્રનો ભાગ હોય છે. શરીરને નુકસાન પહોંચાડ્યા વિના રસીના માધ્યમથી શરીરમાં બહુ ઓછી માત્રામાં વાઇરસ કે બૅક્ટેરિયા નાખવામાં આવે છે, જ્યારે શરીરનું રક્ષાતંત્ર આ વાઇરસ કે બૅક્ટેરિયાને ઓળખી લે, ત્યારે શરીર તેની સાથે લડવાનું શીખી જાય છે. બાદમાં જો માણસ એ વાઇરસ કે બૅક્ટેરિયાનો સામનો કરે તો તેને ખબર હોય છે કે તે સંક્રમણથી કેવી રીતે બચે. દાયકાઓથી વાઇરસથી બચવા માટે જ રસી બની છે, તેમાં અસલી વાઇરસનો જ ઉપયોગ કરાય છે.
 
અછબડા, ખીલ અને ઓરી (એમએમઆર એટલે ચાંદા, ગાલપચોળિયાં, ઓરી)ની રસી બનાવવા માટે આવા નબળા વાઇરસનો ઉપયોગ થાય છે, જે સંક્રમણ ન કરી શકે. તેમજ ફ્લૂની રસીમાં પણ આ વાઇરસનો જ ઉપયોગ થાય છે.
 
જોકે કોરોના વાઇરસ મામલે હાલમાં જે નવી રસી બનાવાઈ રહી છે, તેના માટે નવી રીતનો ઉપયોગ થઈ રહ્યો છે અને જેનું હાલ બહુ ઓછું પરીક્ષણ થઈ શક્યું છે. નવા કોરોના વાઇરસ Sars-CoV-2ના જિનેટિક કોડની હવે વૈજ્ઞાનીઓને ખબર છે અને આપણી પાસે રસી બનાવવા માટે એક આખી રૂપરેખા તૈયાર છે. રસી બનાવનારા કેટલાક ડૉક્ટરો કોરોના વાઇરસના જિનેટિક કોડના કેટલાક ભાગને લઈને તેનાથી નવી રસી તૈયાર કરવાની કોશિશમાં લાગેલા છે. આ વાઇરસ પર સંશોધન કરનારા ડૉક્ટરોનું કહેવું છે કે તેમણે તેની દવા શોધી લીધી છે અને પ્રાણીઓ પર પરીક્ષણ શરૂ કરી દીધું છે. જો વધુ સમુંસૂતરું પાર પડ્યું તો આ વર્ષે જ માણસોમાં પણ તેનું પરીક્ષણ શરૂ થઈ શકે છે.
 
જો વૈજ્ઞાનિકો એ વાતથી ખુશ હોય કે કોરોના વાઇરસની દવા મળી ગઈ છે, તેમ છતાં મોટાપાયે તેનું ઉત્પાદન શરૂ થવામાં ઘણો સમય લાગશે. મતલબ કે હકીકતમાં એવું કહી ન શકાય કે આગામી વર્ષથી અગાઉ આ દવા બજારમાં મળવા લાગશે. માનવામાં આવે છે કે જો કોરોના વાઇરસની રસી બની તો મોટી ઉંમરના લોકોને તે ઓછી અસર કરશે. પરંતુ તેનું કારણ રસી નહીં પણ લોકોની રોગપ્રતિકારક ક્ષમતા છે, કેમ કે મોટી ઉંમર સાથે લોકોની રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થવા લાગે છે.