બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 માર્ચ 2023 (10:18 IST)

Ind Vs Aus: અમદાવાદમાં ચોથી ટેસ્ટ, શું ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયશિપની ફાઇનલમાં પ્રવેશી શકશે?

ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં ભાગ્યે જ કોઈ એવી મૅચ હશે, જેમાં ભાગ લેનારી બંને ટીમના દેશના વડા પ્રધાનો મૅચ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા હોય.
 
ઘણાં વર્ષો અગાઉ નવી દિલ્હીમાં ભારત અને પાકિસ્તાનના વડાઓ હાજર રહ્યા હતા, પરંતુ તાજેતરનાં વર્ષોમાં આમ ભાગ્યે જ બને છે.
 
તેવામાં ગુરુવારથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, મોટેરા ખાતે રમાઈ રહેલી ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ક્રિકેટ ટેસ્ટમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થની અલ્બાનીઝ ખાસ હાજરી આપવા પહોંચી ગયા છે.
 
ગુરુવારે સવારે 9.30 કલાકે બંને મહાનુભાવોની ઉપસ્થિતિમાં મૅચનો પ્રારંભ થયો છેે અને ઑસ્ટ્રેલિયાએ ટ઼સ જીતીને બૅટિંગ પસંદ કરી છે.
 
ભારતીય વડા પ્રધાન આ અગાઉ પણ મોટેરામાં ભારતની મૅચના સાક્ષી બની ચૂક્યા છે, પરંતુ અમદાવાદમાં 1983થી રમાતી ઇન્ટરનેશનલ મૅચમાં કોઈ વિદેશી વડા પ્રધાને હાજરી આપી હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે.
 
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની વર્તમાન સિરીઝ હાલમાં રસપ્રદ તબક્કામાં છે, ત્યારે ભારતને આ મૅચ જીતવી જરૂરી છે. આ મૅચ જીતીને ભારત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી શકે છે. તેવા સંજોગોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિ રોહિત શર્માની ટીમના ઉત્સાહમાં વધારો કરી શકે તેમ છે.
 
જોકે સિરીઝમાં પુનરાગમન કરીને હવે સિરીઝનો સ્કોર 2-2 કરવાની સ્થિતિમાં આવી ગયેલી ઑસ્ટ્રેલિયન ટીમ પણ તેમના દેશના વડા પ્રધાનની હાજરીથી પ્રોત્સાહિત થઈ શકે છે. આમ આ મૅચ રોમાંચક બની રહેશેે.
 
રવિચંદ્રન અશ્વિન તથા રવીન્દ્ર જાડેજા પાસે શક્તિશાળી પ્રદર્શનની અપેક્ષા
 
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ રસપ્રદ તબક્કામાં પ્રવેશી છે. સિરીઝની પ્રથમ બે ટેસ્ટ જીતીને ભારતે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફી તો જાળવી રાખી છે, પરંતુ ત્રીજી ટેસ્ટ જીતીને ઑસ્ટ્રેલિયાએ સિરીઝ જીવંત બનાવી દીધી છે.
 
આમ ભારતે આ ટેસ્ટ જીતવી મહત્ત્વની બની ગઈ છે, કેમ કે આ ટેસ્ટ જીતીને જ ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલમાં પ્રવેશી શકે તેમ છે. તેના માટે તેણે વર્તમાન સિરીઝ 3-1થી જીતવી જરૂરી છે જેમાં હાલમાં તે 2-1ની સરસાઈ ધરાવે છે. બીજી તરફ ત્રીજી ટેસ્ટ જીતવાની સાથે ઑસ્ટ્રેલિયાએ તેનો ફાઇનલ પ્રવેશ નિશ્ચિત કરી દીધો હતો.
 
વર્તમાન સિરીઝમાં ભારતનો હાથ ઉપર હતો અને તે વ્હાઇટવૉશ કરે તેવી અપેક્ષા વચ્ચે ઑસ્ટ્રેલિયાએ ત્રીજી ટેસ્ટમાં વળતો પ્રહાર કર્યો હતો. પેટ કમિન્સ અંગત કારણોસર વતન પરત ફરી ગયો, ત્યારબાદ પ્રવાસી ટીમની આગેવાની અનુભવી સ્ટીવ સ્મિથને મળી હતી અને તેણે ટીમને નવી ઉંચાઇ પર લઈ જઈને ઇન્દોરમાં ભારતને ત્રીજા દિવસે જ હરાવી દીધું હતું.
 
ભારતનું મુખ્ય શસ્ત્ર તેના સ્પિનર હતા, ત્યારે ઑસ્ટ્રેલિયાએ પણ આ જ હથિયાર અજમાવ્યું અને ઇન્દોરમાં તેના સ્પિનર નાથાન લાયન, કુહનેમન તથા ટોડ મરફીએ કમાલ કરી દીધી હતી. આમ છતાં હજી પણ આ સિરીઝમાં રવિચંદ્રન અશ્વિન તથા રવીન્દ્ર જાડેજા પાસેથી અગાઉ જેવા જ શક્તિશાળી પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ બંને સ્પિનરે મળીને વર્તમાન સિરીઝમાં પ્રવાસી ટીમની મહત્તમ વિકેટો પોતાના નામે કરેલી છે.
 
મૅચમાં ભારતના સ્પિનર્સ ચડિયાતા
મોટેરા સ્ટેડિયમ નવા રૂપરંગ સાથે સજ્જ થયું અને બે વર્ષ અગાઉ આ મેદાન પર નવેસરથી ટેસ્ટ યોજાવાનો પ્રારંભ થયો, ત્યારબાદ ગુજરાતી સ્પિનર અક્ષર પટેલે તરખાટ મચાવીને ઇંગ્લેન્ડ સામે શાનદાર દેખાવ કર્યો હતો.
 
આ મેદાન પર રમાયેલી ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચેની બંને ટેસ્ટ ભારતે જ જીતી હતી. હવે ગુરુવારથી શરૂ થતી ટેસ્ટમાં અશ્વિન અને જાડેજા ઉપરાંત અક્ષર પટેલ પાસેથી પણ અગાઉ જેવા સફળ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.
 
મોટેરાની પિચ અંગે આ વખતે ખાસ અટકળ થતી નથી, પરંતુ હજી પણ મનાય છે કે તે સ્પિનર્સને યારી આપશે અને એમ બનશે તો ભારતના સ્પિનર્સ ચડિયાતા છે અને તેઓ રોહિત શર્માની ટીમને વિજય અપાવવા માટે સક્ષમ છે.
 
 
બીજી તરફ ઑસ્ટ્રેલિયા પણ સ્ટીવ સ્મિથની આગેવાનીમાં સિરીઝમાં બીજી વાર વળતો પ્રહાર કરવાની યોજના ઘડી રહ્યું હોય તેમાં કોઈ શંકા નથી. પ્રથમ બે ટેસ્ટમાં તેનો કારમો પરાજય થયો હતો, પરંતુ સ્મિથના આગમન સાથે ચિત્ર બદલાઈ ગયું અને તેમણે પણ ત્રણ દિવસમાં જ મૅચ જીતી લીધી હતી.
 
ઇન્દોરના વિજય બાદ પ્રવાસી ટીમનું મનોબળ સ્વાભાવિકપણે જ ઉપર આવ્યું હશે અને તેઓ પણ સિરીઝ ગુમાવવાનું આસાનીથી સ્વીકારશે નહીં, પરંતુ ડ્રૉ કરવાનું પસંદ કરશે. પ્રથમ બે ટેસ્ટ ગુમાવ્યા બાદ ભાગ્યે જ કોઈ ટીમ સિરીઝ બચાવી શકી છે, પરંતુ ઑસ્ટ્રેલિયા વર્લ્ડ ક્લાસ ટીમ છે અને તેઓ આમ કરીને વતન પરત ફરવાનું પસંદ કરશે.
 
ઑસ્ટ્રેલિયા જેવી લડાયક ટીમ કદાચ વિશ્વમાં બીજી કોઈ નહીં હોય. ભૂતકાળમાં તેઓ આ બાબત પુરવાર કરી ચૂક્યા છે. એટલે સુધી કે મૅચમાં પણ તેઓ પરાજયની સ્થિતિમાંથી બહાર આવીને મૅચ જીતી શક્યા છે.
 
જોકે આવી જ રીતે છેલ્લા કેટલાક સમયથી ભારત પણ લડાયક અને આક્રમક રમત રમીને ઘણી વાર મૅચનું પાસું પલટી નાખવામાં સફળ રહ્યું છે. ઑસ્ટ્રેલિયા માટે તો ફાઇટ આપવી અને હરીફ પાસેથી વિજય આંચકી લેવો કદાચ તેમનાં મૂળભૂત લક્ષણો છે.
જોકે સાથે સાથે એમ પણ કહેવાય છે કે આ સિરીઝની અગાઉની ત્રણેય ટેસ્ટમાં સ્પિનર્સે તરખાટ મચાયા બાદ ચારે તરફથી ભારે ટીકા થઈ રહી છે. ત્યારે બની શકે છે કે ચાર કે પાંચ દિવસ ચાલે તેવી પિચ તૈયાર કરાવવામાં આવી હોય, પણ પિચ કેવું વર્તન કરે છે તે તો મૅચ વખતે જ ખબર પડશે. આમ છતાં એટલું નિશ્ચિત છે કે ભારતનું જોર તેના સ્પિનર પર જ રહેશે.