IND vs ENG: ટીમ ઈન્ડિયાનો ઘરઆંગણે દબદબો કાયમ, સૂર્યકુમાર યાદવની કપ્તાનીમાં જીતી બીજી શ્રેણી
IND vs ENG ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની 5 મેચની T20 શ્રેણીની ચોથી મેચ 15 રને જીતી લીધી હતી અને હવે તેઓએ એક મેચ બાકી રહેતા શ્રેણી 3-1થી જીતી લીધી છે. આ મેચમાં, ટોસ હાર્યા બાદ, ટીમ ઈન્ડિયા પ્રથમ બેટિંગ કરવા આવી અને હાર્દિક પંડ્યા અને શિવમ દુબેની 53-53 રનની ઇનિંગ્સની મદદથી, તેઓ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 181 રનનો સ્કોર સુધી પહોંચવામાં સફળ રહ્યા. લક્ષ્યનો પીછો કરતી વખતે, એક સમયે ઇંગ્લેન્ડ મેચ પર પ્રભુત્વ ધરાવતું હતું પરંતુ ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે, ઇંગ્લેન્ડ 19.4 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ભારતીય ટીમ તરફથી રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણાએ 3-3 વિકેટ લીધી.
રવિ બિશ્નોઈ અને હર્ષિત રાણાની ધાતક બોલિંગ
આ મેચમાં જ્યારે ઈંગ્લેન્ડની ટીમ 182 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરી ત્યારે બેન ડકેટ અને ફિલ સોલ્ટની ઓપનિંગ જોડીએ તેમને શાનદાર શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી. આ ભાગીદારી ટીમ ઈન્ડિયાના યુવા લેગ સ્પિનર રવિ બિશ્નોઈએ તોડી હતી, ત્યારબાદ ભારતીય ટીમને મેચમાં કમબેક કરવાની તક મળી હતી. જોસ બટલર માત્ર 2 રન બનાવીને પેવેલિયન ભેગો થયો, જ્યારે લિયામ લિવિંગસ્ટોન 9 રન અને જેકબ બેથેલ માત્ર 6 રન બનાવી શક્યા હતા. હેરી બ્રુકે એક છેડેથી 26 બોલમાં 51 રનની ઇનિંગ રમીને ઇંગ્લેન્ડને ચોક્કસપણે મેચમાં જાળવી રાખ્યું હતું, પરંતુ તે આ શ્રેણીમાં ફરી એકવાર વરુણ ચક્રવર્તીનો શિકાર બન્યો અને અહીંથી મેચમાં ઇંગ્લેન્ડની હાર સ્પષ્ટ રૂપે દેખાઈ રહી હતી. આ મેચમાં રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં માત્ર 28 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી, જ્યારે હર્ષિત રાણાએ 4 ઓવરમાં 33 રન આપીને ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ લીધી જ્યારે અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે 1-1 વિકેટ લીધી.
શિવમ દુબે અને હાર્દિક પંડ્યાની શાનદાર બેટિંગને કારણે ટીમ ઈન્ડિયાનો સ્કોર 180 ને પાર
ટીમ ઈન્ડિયાને આ શ્રેણીની પહેલી ત્રણ મેચમાં લક્ષ્યનો પીછો કરવો પડ્યો હતો, પરંતુ આ મેચમાં તેમને પહેલા બેટિંગ કરવાની તક મળી. ભારતીય ટીમે પ્રથમ 6 ઓવરમાં ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી, 79 ના સ્કોર સુધીમાં, અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. અહીંથી, લાંબા સમય પછી પ્લેઇંગ 11 માં પાછા ફરેલા શિવમ દુબેએ હાર્દિક પંડ્યા સાથે મળીને ઇનિંગ્સ સંભાળી અને ઝડપથી રન બનાવવાનું પણ ચાલુ રાખ્યું. હાર્દિક અને શિવમ વચ્ચેની 87 રનની ભાગીદારીએ ભારતના સ્કોરને 181 રન સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. હાર્દિક અને શિવમ બંનેએ 53-53 રનની ઇનિંગ્સ રમી. ઈંગ્લેન્ડ તરફથી બોલિંગ કરતા સાકિબ મહમૂદે ત્રણ વિકેટ, જેમી ઓવરટને બે વિકેટ જ્યારે બ્રાયડન કાર્સ અને આદિલ રશીદે એક-એક વિકેટ લીધી.