શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : શનિવાર, 6 ઑક્ટોબર 2018 (15:44 IST)

વિરાટ કોહલી સાથે સ્ટેડિયમમાં ઘૂસેલા બે યુવકો સામે ગુનો નોંધાયો

ભારત વેસ્ટઈન્ડિઝ વચ્ચે પડધરી ખાતે ચાલી રહેલા ટેસ્ટ મેચમાં પ્રથમ દિવસે જ્યારે વિરાટ કોહલી 3૫થી ૪૦ રને રમી રહ્યો હતો, ત્યારે બે ઓવર વચ્ચે બ્રેક પડતા બંને યુવાનો વિરાટ સાથે સેલ્ફી લેવા દોડી ગયા હતા. અને તેના કારણે તેઓ કાયદાના સંઘર્ષમાં આવ્યા હતા. વિરાટ કોહલીના જબરા ફેન એવા બંને યુવાનો કોલેજમાં અભ્યાસ કરે છે. જયદિપ ભણવાની સાથે માર્કેટીંગનું કામ કરતો હોવાનું અને સાહિલ કોલેજના બીજા વર્ષમાં ભણતો હોવાનું જાણવા મળ્યું છે. પડધરી પોલીસ મથકના એએસઆઈ પી.એમ.મંડલી વધુ તપાસ ચલાવી રહ્યાં છે. 

રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ મેચનો રોમાંચ ચાલી રહ્યો છે ત્યારે મેચના પ્રથમ દિવસે કહેવાતા વિરાટ કોહલીના બે ચાહક યુવાનોએ કોહલી સાથે સેલ્ફી લેવા સલામતી બંદોબસ્તને અવગણી મેદાનમાં પહોંચી જતાં આ હરકત બે યુવાનોને ભારે પડી હતી. જેમાં પડધરી પોલીસે રાજકોટમાં રહેતા બંને કોલેજીયન યુવકો સામે ગુનો નોંધી અટકાયત કરતા મેચને બદલે લોકઅપની હવા ખાવી પડી હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સહિત ચોંકી ઉઠ્યા હતા. અને મોડી સાંજે ખંઢેરી સ્ટેડિયમના સૂપરવાઈઝરે રાજકોટમાં રહેતા કોલેજીયન જામનગર જિલ્લાના મેઘપરના જયદિપ અશોકભાઈ ચંદારાણા અને મેઘપરના જ સહિલ ગીરીશભાઈ ખોલીયા સામે પડધરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. 
ઉપરોકત બન્ને યુવાનો વિરાટ કોહલીના જબરા ચાહક હોય તેઓ ચાલુ મેચે સેલ્ફી લેવા માટે મેદાનની વચ્ચે દોડી ગયા હતા. અને વિરાટે તેમની સાથે સેલ્ફી પણ પડાવી હતી. પરંતુ બન્ને યુવાનોએ પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કર્યો હોય પોલીસ દ્વારા તેમની સ્થળ પરથી જ અટકાયત કરી લેવાઈ હતી. ક્રિકેટ ગ્રાઉન્ડમાં પ્રવેશ અંગે ફરિયાદ નોંધાવાતા જામનગરના જોડીયા પંથકના બંને યુવાનોને લોકઅપની હવા ખાવી પડી હતી.