1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 10 નવેમ્બર 2022 (08:23 IST)

T 20 world cup- 13 વર્ષ બાદ પાકિસ્તાન ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં

પાકિસ્તાનની ટીમ ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પહોંચી ગઈ છે. સિડનીમાં રમાયેલી આ સેમિફાઇનલમાં એણે ન્યૂઝીલૅન્ડને સરળતાથી 7 વિકેટથી હરાવી દીધું. ન્યૂઝીલૅન્ડના 153 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી પાકિસ્તાનની ટીમના ઓપનરોએ શતકીય ભાગીદારી નિભાવી.
 
મોહમ્મદ રિઝવાનની સાથોસાથ બાબર આઝમ પણ ફૉર્મમાં પરત ફર્યા અને બન્નેએ અડધી-અડધી સદી ફટકારી દીધી.
 
પાકિસ્તાન તરફથી પહેલા બાબર આઝમે અડધી સદી પૂરી કરી. પહેલી વિકેટ માટે 105 રનોની ભાગીદારી નોંધાવી કૅપ્ટન બાબર આઝમ આઉટ થયા. તેમણે 42 બૉલમાં 7 ચોગ્ગાની મદદથી 53 રન બનાવ્યા.
 
આ દરમિયાન પાકિસ્તાનના બીજા ઓપનર મોહમ્મદ રિઝવાને પણ અડધી સદી ફટકારી. 17મી ઓવરના અંતિમ બૉલ પર આઉટ થતાં પહેલાં રિઝવાને 43 બૉલમાં 57 રન બનાવ્યા.
 
રિઝવાને 36 બૉલમાં પાંચ ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. રિઝવાનની આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં આ 23મી અડધી સદી છે. શાનદાર બેટિંગ કરવા બદલ રિઝવાનને 'મૅન ઑફ ધ મૅચ' પણ જાહેર કરવામાં આવ્યા.
 
આ બન્ને બેટરો પાકિસ્તાનને જીતના દ્વારે લઈ ગયા. રિઝવાન જ્યારે આઉટ થયા ત્યારે પાકિસ્તાનને જીતવા માટે 18 બૉલ પર 21 રનની જરૂર હતી. એ લક્ષ્યાંક પાકિસ્તાને ત્રણ વિકેટના નુકસાને ચાર બૉલ બાકી હતા ત્યારે  જ હાંસલ કરી લીધો.
 
આ સાથે જ પાકિસ્તાન 13 વર્ષ બાદ પ્રથમ વખત ટી20 વર્લ્ડકપની ફાઇનલમાં પણ પહોંચી ગયું. પાકિસ્તાન 2009માં ટી20 વર્લ્ડકપ ચૅમ્પિયન બન્યું હતું.  વર્ષ 2007માં ટી20 વર્લ્ડકપની પ્રથમ સિઝનમાં એ ભારત સામે હારી ગયું હતું. 
 
સેમિફાઇનલની આજની મૅચમાં ન્યૂઝીલૅન્ડના ડેરિલ મિશેલે 50 ફટકારી હતી અને કૅપ્ટન કૅન વિલિયમ્સનની 46 રનની મદદથી ન્યૂઝીલૅન્ડે પાકિસ્તાન સામે જીતવા માટે 153 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો.
 
ન્યૂઝીલૅન્ડે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને આ મૅચમાં પાકિસ્તાને પોતાની ટીમમાં કોઈ ફેરફાર નહોતા કર્યા. 
 
ન્યૂઝીલૅન્ડના ઓપનર ફિન એલેન માત્ર ચાર રન બનાવીને પહેલી ઓવરમાં જ આઉટ થઈ ગયા હતા.
 
પ્રથમ વિકેટ છ રને જ ગુમાવી દેનારી ન્યૂઝીલૅન્ડની ટીમના ડેવેન કૉનવે અને કૅપ્ટન કેન વિલિયમ્સને બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો પણ એમની પ્રારંભિક બેટિંગ ધીમી રહી હતી.
 
એ દરમિયાન રન રેટ વધારવાનો પ્રયાસ કરતાં પાવરપ્લેની અંતિમ ઓવરમાં ન્યૂઝીલૅન્ડના બેટરોએ અંતિમ બૉલોમાં આઠ રન જોડી દીધા હતા. જોકે, છેલ્લા બૉલ પર વધુ એક મુશ્કેલ રન મેળવવાના પ્રયાસમાં ડેવન કૉનવે રનઆઉટ થઈ ગયા હતા.