બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: બુધવાર, 19 જાન્યુઆરી 2022 (23:47 IST)

કોરોનાની ચપેટમાં જૂનિયર ટીમ ઈંડિયા : અંડર 19 વર્લ્ડ કપ રમી રહેલી ભારતીય ટીમના કપ્તાન સહિત 6 ખેલાડી પોઝિટિવ

અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન યશ ધુલ અને વાઇસ કેપ્ટન શેખ રાશિદ સહિત ટીમના છ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તમામ ખેલાડીઓને આઈસોલેટ કરવામાં આવ્યા છે. સુકાની અને ઉપ-કેપ્ટન કોરોના સંક્રમિત હોવાને કારણે આયર્લેન્ડ સામેની બીજી મેચમાં રમી રહ્યા નથી. નિશાંત સિંધુ ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે.
 
BCCIના એક અધિકારીએ PTIને જણાવ્યું, 'ભારતના ત્રણ ખેલાડીઓ ગઈકાલે સંક્રમિત જોવા મળ્યા હતા અને તેમને પહેલા જ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા હતા. સવારે મેચ પહેલા અમારા કેપ્ટન યશ ધુલ અને વાઇસ કેપ્ટન શેખ રશિદ પણ પોઝીટીવ જોવા મળ્યા હતા. આથી તેમને મેચમાંથી પણ હટાવી દેવામાં આવ્યા હતા.
 
ટીમ ઈન્ડિયા 17 ખેલાડીઓને લઈને વેસ્ટ ઈન્ડિઝ ગઈ 
 
અમારી પાસે માત્ર 11 ખેલાડીઓ ઉપલબ્ધ છે અને છ ખેલાડીઓ આઈસોલેશનમાં છે. ધુલ અને રાશિદ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ મેચમાં રમ્યા હતા પરંતુ અરાધ્ય તે મેચનો ભાગ નહોતા. મેચ દરમિયાન હાલત એટલી બગડી કે ટીમ મેનેજમેન્ટે ખેલાડીઓને ડ્રિંક આપવા માટે કોચને મોકલવા પડ્યા. ICCએ ટૂર્નામેન્ટ માટે 17 ખેલાડીઓને સામેલ કરવાની મંજૂરી આપી હતી. જેના કારણે ટીમ મેચ રમવા ઉતરી શકી હતી.
 
પહેલી મેચમાં ઘુલે રમી હતી ધમાકેદાર રમત 
ભારતીય ટીમે વર્લ્ડ કપની પ્રથમ મેચમાં શાનદાર પ્રદર્શન કરીને મેચ જીતી લીધી હતી. મેચમાં કોરોના સંક્રમિત જોવા મળેલા કેપ્ટન યશ ધુલે ધમાકેદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 82 રન બનાવ્યા હતા. આ સાથે જ વાઇસ કેપ્ટનના બેટથી 31 રન બન્યા હતા હવે વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની મુશ્કેલી ઘણી વધી ગઈ છે. ભારતે આગામી મેચ 22 જાન્યુઆરીએ યુગાન્ડા સામે રમવાની છે. હવે જોવાનું એ રહેશે કે ભારતીય ટીમ આગામી મેચમાં પણ મેદાનમાં ઉતરે છે કે નહી.