સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: શનિવાર, 20 ઑગસ્ટ 2022 (16:42 IST)

સુરતમાં માત્ર 300 રૂપિયા માટે મિત્રએ જ મિત્રને પતાવી દીધો

murder
શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી લૂંટફાટ મારામારી હત્યા જેવા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે સુરતમાં ઉછીના લીધેલા પૈસા મામલે એક મિત્ર દ્વારા જ બીજા મિત્રની હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ મામલે અમરોલી પોલીસે ગુનો દાખલ કરીને હત્યારાની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે.સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતમાં સતત સામે આવી રહેલી આવી ઘટનાઓને પગલે સામાન્ય લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

સુરતના અમરોલી વિસ્તારમાં બ્રિજ નીચે બોમ્બે વડાપાવ નામની દુકાનની સામે માનસિંગ ઓડ નામના વ્યક્તિએ ગોવિંદસિંહ પવાર નામના મિત્રની હત્યા કરી નાખી હતી. ગોવિંદસિંહ અને માનસિંગ ઓડ બંને સારા મિત્રો હતા. ગોવિંદસિંહ પવારને માનસિંગ ઓડ સાથે ઉછીના લીધેલા પૈસા બાબતે ઝઘડો થયો હતો. 300 રૂપિયા ઉછીના લીધા હોવા મામલે થયેલા ઝઘડામાં રોષે ભરાયેલા માનસિંગ ઓડ દ્વારા મિત્ર ગોવિંદસિંહ પવાર પર પથ્થર વડે હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનામાં માનસિંગ ઓડ દ્વારા ગોવિંદસિંહ પવારના માથાના ભાગે જોરદાર પથ્થરનો ઘા કરતાં ગોવિંદસિંહ પવારને ગંભીર ઇજા થઈ હતી. આ ઘટનામાં ગોવિંદસિંહ પવારને સારવાર માટે સુરતની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડૉક્ટર દ્વારા ગોવિંદસિંહ પવારને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.આ મામલે હોસ્પિટલમાંથી આ સમગ્ર ઘટનાની જાણ અમરોલી પોલીસને કરવામાં આવી હતી. તેથી પોલીસ ગણતરીના સમયમાં જ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ગોવિંદસિંહ પવારના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલે હત્યાનો ગુનો નોંધી ઘટનાના ગણતરીના કલાકોમાં જ મિત્રની હત્યા કરનાર માનસિંગ ઓડ નામના શખ્સની ધરપકડ કરી હતી. હાલ પોલીસ દ્વારા હત્યા મામલે વધુ તપાસ શરૂ કરાઇ છે.