1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified સોમવાર, 20 સપ્ટેમ્બર 2021 (08:12 IST)

અમદાવાદની GLS કોલેજમાં યુવતીએ ફ્રેન્ડ્સ ગ્રુપ બદલતાં મારામારી, કાતરનો ઘા માથામાં માર્યો

અમદાવાદના લો ગાર્ડન વિસ્તારમાં આવેલી જી.એલ.એસ કોલેજની એક વિદ્યાર્થિનીએ ગ્રુપ બદલી અન્ય યુવકોના ગ્રુપમાં જોડાતા જૂના ગ્રુપના યુવક મિત્રને ગમ્યું નહોતું. જેથી તેઓ વાતચીત માટે કોલેજ કેન્ટીન પાસે ભેગા થયા હતા. જ્યાં વાતચીત દરમ્યાન બે યુવકો વચ્ચે બોલચાલી થતા યશ નામના યુવકે જૈનીશ નામના યુવકને માથામાં કાતર મારી દેતા તે લોહીલુહાણ થયો હતો. તેને માથાના પાછળના ભાગે કાતરનો ટુકડો રહી જતા તેનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. આ અંગે મળતી માહિતી મુજબ મૂળ ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી માનવ (ઉ.વ.20) નવરંગપુરા વિસ્તારમાં મિત્રો સાથે રહે છે અને જી.એલ.એસ કોલેજમાં બીબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તેનો મિત્ર જૈનીશ જોશી જૂનાગઢથી અમદાવાદ આવ્યો હતો. ત્યારે આ મિત્રએ યુવકને જણાવ્યું કે કોલેજમાં ભણતી એક વિદ્યાર્થિની કોલેજમાં અભ્યાસ કરતા યશ શાહના ગ્રુપમાંથી આપણા ગ્રુપમાં આવી છે. જે યશને ગમ્યું નથી. જેથી તે મળવા માંગે છે. જેથી આ યુવક અને યશ બધા મળવા માટે કેન્ટીન પાસે ભેગા થયા હતા. આ બાબતે હજુ ચર્ચા વિચારણા ચાલતી હતી ત્યાં જૈનીશ અને યશ વચ્ચે બોલાચાલી થઈ હતી. બંને વચ્ચે મારામારી થતા, યશે ખિસ્સામાંથી કાતર કાઢી જૈનીશને મારી દીધી હતી. બાદમાં યશ ભાગવા જાય તે પહેલા જ તેને પકડી પોલીસને જાણ કરી તેને સોંપી દીધો હતો. બીજી તરફ યુવકના મિત્રને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયો હતો. જ્યાં તેને માથાના પાછળના ભાગે કાતરનો ટુકડો રહી જતા ડોક્ટરે ઓપરેશન કરવાનું કહ્યું હતું. નવરંગપુરા પોલીસે યશ શાહ નામના વિદ્યાર્થી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.