ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: બુધવાર, 10 મે 2023 (18:25 IST)

સાડા ત્રણ વર્ષ પહેલાંના કેસમાં ભાવનગર કોર્ટનો ચુકાદો, ત્રણ સંતાનના જીવ લેનાર પિતાને આજીવન કેદ

bhavnagar news
Bhavnagar news- ભાવનગર શહેરમાં સાડાત્રણ વર્ષ પૂર્વે પત્ની સાથેના અણબનાવને લઈ ત્રણ માસૂમ બાળકના જીવ લેનાર પોલીસ કોન્સ્ટેબલ પિતાને ભાવનગર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી કેદની સજા ફટકારી છે. આરોપી પિતાએ પોતાના ઘરમાં જ ત્રણ બાળકની ધારિયાથી હત્યા નીપજાવી હતી.
 
ભાવનગર શહેરની વિદ્યાનગર પોલીસલાઈનના રહેતો અને ભાવનગર એસપી કચેરીમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સુખદેવ નાજાભાઈ શિયાળ તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. ત્રણ બાળક પણ પોતાના ન હોવાનું કહી ઝઘડા કરતો હતો. સાડાત્રણ વર્ષ પૂર્વે આરોપીએ પોતાના ઘરમાં જ ત્રણ બાળકને ગળાના ભાગે ધારિયાના ઘા મારી હત્યા નીપજાવી હતી.  આ મામલે તેનાં પત્ની જિજ્ઞાબેન શિયાળ દ્વારા પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ફરિયાદમાં જિજ્ઞાબેને જણાવ્યું હતું કે તેમના લગ્ન સુખદેવ નાજાભાઈ સાથે આજથી 9 વર્ષ પહેલાં થયા હતા અને લગ્નના 6 માસ બરોબરો ચાલ્યું હતું. ત્યાર બાદ તેમના પતિ તેમના પર શંકા કરતા હતા અને ત્રણે બાળક મારા નથી એમ કહેવા ઉપરાંત તું જ્યારથી આવી છે ત્યારથી મને ચેન નથી પડતો, તે મારા પર મેલું કરી દીધું છે એવું કહી ઘરે છેલ્લા એક મહિનાથી જમતા પણ ન હતા.તા.1-9-2019ના રોજ બપોરે બેથી સવાબે વાગ્યે આરોપી સુખદેવ ઘરે આવીને પત્ની જિજ્ઞાબેનને કહેલું કે મારે બાળકો સાથે રમવું છે. તું બીજા રૂમમાં ચાલીજા, તને વાગી જશે, એમ કહી તેને બીજા રૂમમાં મોકલી રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. અડધા કલાક પછી બાળકોના મમ્મી બચાવોના અવાજ આવતાં તેઓ દોડી આવ્યા અને દરવાજો ખખડાવતાં ખોલ્યો નહોતો. ત્યાર બાદ થોડીવાર પછી આજુબાજુના લોકો એકઠા થઈ ગયા હતા અને મારા રૂમનો દરવાજો ખોલી મને બહાર કાઢી હતી. એ બાદ પહેલા રૂમમાં જોતાં ત્રણેય દીકરાઓ લોહીલુહાણ હાલતમાં મરી ગયેલા હાલતમાં પડ્યા હતા, જેમના ગળાના ભાગે ઇજા થયેલી હતી. આ બનાવ અંગે નીલમબાગ પોલીસ મથકમાં જાણ કરતાં તરત પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો અને ત્રણેય બાળકને હોસ્પિટલ પીએમ અર્થે લઈ જવાયા હતા. ઉપરાંત એફએસએલ સહિતની પણ તપાસ હાથ ધરાયેલી. નીલમબાગ પોલીસે આરોપી સુખદેવ વિરુદ્ધ હત્યાની 302 સહિતની કલમ સાથે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.પો.કો. હત્યારા સુખદેવનો મોટો પુત્ર ખુશાલ (ઉં.વ.7) શહેરની જાણીતી શિક્ષણ સંસ્થા દક્ષિણામૂર્તિમાં ધો.2માં, જ્યારે બીજો પુત્ર ઉદ્ધવ (ઉં.વ.5) એ સંસ્થાના બાલમંદિરમાં જ બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. હતભાગી ત્રીજો પુત્ર મનોનીત (ઉં.વ.3) નાનો હોવાથી હજુ ઘરે જ હતો. આ બનાવ અંગેનો કેસ નામદાર સેશન્સ જજ પીરઝાદાની કોર્ટમાં ચાલી જતાં તપાસ દરમિયાન આરોપીએ પત્ની સામે ચારિત્ર્ય અંગેની શંકા રાખી બાળકો પોતાનાં ન હોવાનું જણાવ્યું હતું, જેના ડીએનએ ટેસ્ટ કરાવ્યા, જેમાં ત્રણેય સંતાનો પોતાના જ હોવાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ ઉપરાંત 19 મૌખિક પુરાવા અને 70 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. એફએસએલ, ડીએનએ તેમજ ટેક્નિકલ પુરાવાઓ તથા નામદાર હાઇકોર્ટના જજમેન્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ દર્શાવવા સાથે જિલ્લા સરકારી વકીલ મનોજ.આર.જોશીની દલીલો અને આરોપીને વધુમાં વધુ સજા કરવાની માગણી કરાઈ હતી, આ બનાવ અંગે ડિસ્ટ્રિકટ જજ એલ.એસ. પીરજાદાએ આરોપી સુખદેવ શિયાળને હત્યાના ગુનામાં કસૂરવાર ઠેરવી જીવે ત્યાં સુધી જેલની સજા તથા રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો હતો, આમ, ત્રણ માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતારનાર પોલીસ કોન્સ્ટેબલને જીવે ત્યાં સુધી જેલની સજા ફટકારતાં ચકચાર મચી જવા પામી છે.