અમદાવાદના માધવપુરામાં સાત શખ્સોએ જુની અદાવતમાં એક યુવકને છરીના ઘા ઝિંકી રહેંસી નાંખ્યો
સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ સર્જાતા પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા
આજે સવારે મૃતકની અંતિમ યાત્રા પણ પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવી
અમદાવાદઃ શહેરમાં અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો સહેજ પણ ડર રહ્યો નથી. શહેરમાં હત્યાના બનાવો સરેઆમ સામે આવી રહ્યાં છે. ત્યારે માધવપુરા વિસ્તારમાં મોડીરાત્રે એક યુવકની અંગત અદાવતમાં છરીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાને લઈને કાયદો વ્યવસ્થા વધુ ના વણસે તે માટે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યાં છે. શહેરના પોલીસ કમિશ્નર જી એસ મલિક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ ઘટનાને લઈને માધવપુરા માર્કેટ પણ બંધ રાખવામાં આવ્યું છે.સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી લીધી છે. તેમજ શંકાસ્પદ ગણાતા 6 શખ્સોની પણ અટકાયત કરાઈ છે. મૃતક યુવકની આજે પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે અંતિમ યાત્રા નિકળી હતી
માધવપુરા વિસ્તારમાં તંગદીલીનો માહોલ
પ્રાપ્ત વિગતો પ્રમાણે માધવપુરા વિસ્તારમાં ઠાકોરવાસમાં રહેતો કૃણાલ ઠાકોર નામનો 19 વર્ષીય યુવક ગઈકાલે મોડીરાતે મેન્ટલ હોસ્પિટલ પાસે પાન પાર્લર પાસે ઉભો હતો. ત્યારે 7 લોકો તેની પાસે આવ્યા હતા અને તેના પર આડેધડ છરીના ઘા ઝીંકવા લાગ્યા હતા. છરીના ઘા વાગતાની સાથે જ કૃણાલ જમીન પર ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ માધવાપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને કૃણાલની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી. આ ઘટનાને લઈ માધવપુરા વિસ્તારમાં તંગદીલીનો માહોલ જોવા મળ્યો હતો.
ગુનો દાખલ કરીને તપાસનો ધમાધમાટ શરૂ કર્યો
માધવપુરા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમાધમાટ શરૂ કર્યો છે. મોડીરાતે ઝોન 2ના ડીસીપી, એસીપી, માધવપુરા પીઆઇ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર હતો ત્યારે આજે સવારે પોલીસ કમિશનર જી.એસ. મલીક પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા. માધવપુરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. જ્યારે કૃણાલાની અંતિમવિધિમાં પણ પોલીસનો કાફલો તહેનાત હતો. હત્યા અંગે માધુપુરા પોલીસે 5 વ્યક્તિ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત 6 શંકાસ્પદ શખસની પણ પોલીસે અટકાયત કરી છે.