સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Modified: મંગળવાર, 19 એપ્રિલ 2022 (15:10 IST)

ઓનર કિલિંગ - ઉપલેટામાં બહેને પ્રેમલગ્ન કરતાં સગા ભાઈએ બહેન-બનેવીને જાહેરમાં છરીથી રહેંસી નાખ્યા

upleta murder
ઉપલેટામાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ ઓનર કિલિંગ કરવામાં આવ્યું છે. સગાભાઈએ જ છ મહિના પહેલા લગ્ન કરનારી બહેન અને તેના પતિને છરીથી જાહેરમાં રહેંસી નાખ્યા છે. યુવતીએ 6 મહિના પહેલાં પ્રેમલગ્ન કરતાં ભાઈએ આ બાબતનો ખાર રાખ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, ઉપલેટાની જિગરિયા મસ્જિદ અને સતીમાની ડેરી વચ્ચે ખીરસરા ગામના અનિલ મનસુખભાઈ મહિડા (ઉં.વ.22) અને અરણી ગામની હિના સોમજીભાઈ સિંગરખિયા (ઉં.વ.18)ને હીનાના ભાઈ સુનીલે છરીના આડેધડ ઘા મારી સરાજાહેર પતાવી દીધાં હતાં. ઘટનાની જાણ થતાં જ પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અનિલ અને હિનાનો મૃતદેહ ઘટનાસ્થળે જોવા મળ્યો હતો. પોલીસે બંનેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી આરોપી સુનીલને પકડવા શોધખોળ હાથ ધરી છે.

હીનાએ અનિલ સાથે પ્રેમલગ્ન કરતા ભાઈ સુનિલને આંખના કણાની જેમ ખટકતું હતું. હીના ખીરસરા ગામે રહેતા અનિલ સાથે છેલ્લા કેટલાક સમયથી પ્રેમમાં હતી. અગાઉ પણ પ્રેમલગ્ન માટે ભાગ્યા હતા. પરંતુ યુવતીની ઉંમર ઘટતી હોવાથી જે-તે વખતે યુવતી તેમના પિતાના ઘરેથી ભાગી જતા પરિવારજનોએ ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ભાયાવદર પોલીસે યુવક-યુવતીને પકડી પાડ્યા હતા. તે સમયે યુવતીએ ભાયાવદર પોલીસ સ્ટેશન ઝેરી દવા પી લીધી હોવાનુ પણ જાણવા મળ્યું છે.ત્યારબાદ ઉંમર પૂરી ન હોવાના કારણે અનિલ અને હીના પોતાના ઘરે જતા રહ્યા હતા. પરંતુ છ પહેલા હીનાની ઉંમર પૂરી થઈ જતા ઘરેથી અનિલ સાથે ભાગી ગઈ હતી અને તેની સાથે રહેતી હતી. આ દરમિયાન આજે હીનાના ભાઇ સુનિલને પોતાના બહેન-બનેવી ઉપલેટામાં હોવાની માહિતી મળતા તમને શોધતો હતો. સવારે 11 વાગે કુંભારવાડા નાકે મળી જતા એમના બહેન-બનેવી ઉપરાછાપરી છરીના ઘા ઝીંકતા હીનાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે બનેવી અનિલની હાલત ગંભીર હોય તેમને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખાતે લઇ જતા હોસ્પિટલે પહોંચે એ પહેલાં તેમનું મોત થયું હતું.

સુનિલે બહેન હીનાને પેટના ભાગે છરી ઝીંકતા ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ હાથ, પગ અને નાકના ભાગે પણ એક-એક છરીનો ઘા માર્યાનું જોવા મળે છે. જ્યારે અનિલના છાતીના ભાગે છરીનો ઊંડો ઘા જોવા મળ્યો હતો. તેમજ આંખ અને હાથ-પગના ભાગે છરીના ઘા માર્યાનું જોવા મળ્યું હતું.આ પ્રેમલગ્નનો કરુણ અંજામ આવ્યો હતો. બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આરોપીને પકડવાના તપાસ હાથ ધરી છે. જોકે આરોપી સુનિલ હુમલો કર્યા બાદ ભાગી જતા પોલીસ તેમનું પગેરૂ દબાવા ચકો ગતિમાન કર્યા છે. છરીના ઘાથી પોતાની સગી બહેન અને બનેવીને મોતને ઘાટ ઉતારનાર આરોપીના લગ્ન બે વર્ષ પહેલા થયાનું જાણવા મળ્યું છે. તેમજ સુનીલ એમના માતા-પિતાનો એકના એક પુત્ર હોવાનું સામે આવ્યું છે.